રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
“દિલ્હી મુંબઇ એક્સપ્રેસ-વે એ વિશ્વના સૌથી અદ્યતન એક્સપ્રેસ-વે પૈકી એક છે, જે વિકાસશીલ ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે”
“છેલ્લા 9 વર્ષથી, કેન્દ્ર સરકાર માળખાકીય સુવિધાઓના વિકાસમાં સતત જંગી રોકાણ કરી રહી છે”
“આ બજેટમાં માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014માં કરાયેલી ફાળવણી કરતા 5 ગણી વધુ છે”
“છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજસ્થાનને ધોરીમાર્ગોનું નિર્માણ કરવા માટે રૂપિયા 50 હજાર કરોડ મળ્યા છે”
“દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઇ રહ્યા છે”
“સબકા સાથ, સબકા વિકાસ એ રાજસ્થાન અને દેશના વિકાસ માટેનો અમારો મંત્ર છે”
“આ મંત્રને અનુસરીને અમે સમર્થ, સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનો 246 કિમીના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ, તેમણે રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નવા ભારતના નિર્માણમાં વૃદ્ધિ, વિકાસ અને કનેક્ટિવિટીના એન્જિન તરીકે ઉત્કૃષ્ટ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે અને દેશભરમાં ચાલી રહેલા સંખ્યાબંધ વિશ્વ-કક્ષાના એક્સપ્રેસ-વેના નિર્માણ દ્વારા આ દૂરંદેશીને સાકાર કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને લોકાર્પિત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આ એક્સપ્રેસ-વે દુનિયાના સૌથી અદ્યતન એક્સપ્રેસ-વે પૈકી એક છે, જે વિકાસશીલ ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આવા આધુનિક માર્ગો, રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, મેટ્રો અને હવાઇમથકોનું નિર્માણ થાય છે ત્યારે દેશના વિકાસને વેગ મળે છે. તેમણે માળખાકીય સુવિધાઓના નિર્માણ પર કરવામાં આવતા રોકાણની બહુગુણક અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં ધોરીમાર્ગોના નિર્માણ માટે રૂપિયા 50,000 કરોડથી વધુના રોકાણોની નોંધ લીધી હતી અને ટિપ્પણી કરી હતી કે, “છેલ્લા 9 વર્ષથી, કેન્દ્ર સરકાર પણ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં સતત વિશાળ રોકાણ કરી રહી છે”. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ વર્ષના બજેટમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014માં કરવામાં આવેલી ફાળવણી કરતાં 5 ગણી વધુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રોકાણોથી રાજસ્થાનના ગરીબ અને મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવતા રોકાણોના કારણે અર્થવ્યવસ્થા પર થતા ફાયદાઓ પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેનાથી રોજગાર તેમજ કનેક્ટિવિટીનું સર્જન થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ધોરીમાર્ગો, રેલ્વે, બંદરો, હવાઇમથકો, ઓપ્ટિકલ ફાઇબર, ડિજિટલ કનેક્ટિવિટી, પાકાં મકાનો અને કોલેજોના નિર્માણમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે સમાજનો દરેક વર્ગ સશક્ત બને છે.

પ્રધાનમંત્રીએ માળખાકીય સુવિધાઓના અન્ય ફાયદા વિશે સમજાવતા કહ્યું હતું કે, આના કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી- દૌસા- લાલસોટ ધોરીમાર્ગનું નિર્માણ કરવાથી દિલ્હી અને જયપુર વચ્ચેનો મુસાફરીનો સમય ઓછો થઇ જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ-વેની સાથે ગ્રામીણ હાટની પણ સ્થાપના કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને કારીગરોને મદદ મળશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેથી રાજસ્થાનની સાથે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, “સરિસ્કા, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રણથંભોર અને જયપુર જેવા પર્યટન સ્થળોને આ ધોરીમાર્ગથી ઘણો ફાયદો થશે”.

પ્રધાનમંત્રીએ અન્ય ત્રણ પરિયોજનાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમાંથી એક પરિયોજના જયપુરને એક્સપ્રેસ-વે સાથે સીધી કનેક્ટિવિટી આપશે. બીજી પરિયોજના એક્સપ્રેસ-વેને અલવર નજીક અંબાલા-કોટપુતલી કોરિડોર સાથે જોડશે. આનાથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરથી આવતા વાહનોને પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જવામાં મદદ મળશે. લાલસોટ કરોલી માર્ગ આ પ્રદેશને પણ એક્સપ્રેસ -વે સાથે જોડશે.

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઇ રહ્યા છે અને આવનારા સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર પ્રદેશની કાયાપલટ કરશે. તેમણે ટાંક્યું હતું કે, આ બંને પરિયોજના મુંબઇ-દિલ્હી આર્થિક કોરિડોરને મજબૂત બનાવશે અને માર્ગ અને ફ્રેઇટ કોરિડોરના કારણે રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશો બંદરો સાથે પણ જોડશે. તેમણે ઉમેર્યું હતું કે, તેના કારણે લોજિસ્ટિક્સ, સ્ટોરેજ, પરિવહન અને અન્ય ઉદ્યોગો માટે નવી તકોનું સર્જન પણ થશે.

પ્રધાનમંત્રીએ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વે પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાન દ્વારા સંચાલિત હોવાની વાત પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ઓપ્ટિકલ ફાઇબર, વીજળીની લાઇનો અને ગેસની પાઇપલાઇન નાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકી બચેલી જમીનનો ઉપયોગ સૌર ઉર્જા ઉત્પાદન તેમજ વેરહાઉસિંગ જેવા હેતુઓ માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આ પ્રયાસોથી ભવિષ્યમાં દેશના ઘણા નાણાંની બચત થશે”.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરી વખતે રાજસ્થાન અને દેશ માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, “સરકારનો સંકલ્પ સમર્થ, સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે.”

આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી, રાજસ્થાન સરકારના PWD મંત્રી શ્રી ભજનલાલ જાટવ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેના 246 કિમીના દિલ્હી- દૌસા- લાલસોટ વિભાગનું નિર્માણ રૂ. 12,150 કરોડ કરતાં વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ વિભાગ તૈયાર થઇ જવાથી દિલ્હીથી જયપુર સુધીની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટાડીને લગભગ 3.5 કલાક થશે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને મોટો વેગ મળશે.

દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેની કુલ લંબાઇ 1,386 કિમી છે જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. તેનું નિર્માણ થવાથી દિલ્હી અને મુંબઇ વચ્ચેની મુસાફરીનું અંતર હાલમાં 1,424 કિમી છે તે ઘટીને 1,242 કિલોમીટર થશે એટલે કે 12% જેટલું અંતર ઘટી જશે અને મુસાફરીનો સમય અત્યારે 24 કલાક છે જે ઘટીને 12 કલાક જેટલો થઇ જશે એટલે કે સમયમાં 50%નો ઘટાડો થશે. આ એક્સપ્રેસ-વે છ રાજ્યો એટલે કે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. આ એક્સપ્રેસ-વે 93 પ્રધાનમંત્રી ગતિ શક્તિ ઇકોનોમિક નોડ્સ, 13 બંદરો, 8 મુખ્ય હવાઇમથકો અને 8 મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) સાથે તેમજ નવા આવનારા ગ્રીનફિલ્ડ હવાઇમથક જેવા કે જેવર હવાઇમથક, નવી મુંબઇ હવાઇમથક અને JNPT બંદરને પણ સેવા પૂરી પાડશે. આ એક્સપ્રેસ-વે તમામ સંલગ્ન પ્રદેશોના વિકાસના માર્ગમાં ઉત્પ્રેરક પ્રભાવ પાડશે અને આ પ્રકારે દેશના આર્થિક પરિવર્તનમાં તેનું મુખ્ય યોગદાન રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 5940 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા 247 કિલોમીટર લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજના અંતર્ગત બાંડીકુઇથી જયપુર સુધીનો 67 કિમી લાંબો ચાર-માર્ગીય શાખા રોડનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે, તેમજ કોટપુટલીથી બરાઉદનિયો સુધીનો છ માર્ગીય શાખા રોડ આશરે રૂ. 3775 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે તેમજ લાલસોટ - કરોલી વિભાગના બે માર્ગીય પેવ્ડ શોલ્ડરનું નિર્માણ, લગભગ રૂ. 150 કરોડના ખર્ચે કરવામાં આવશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers

Media Coverage

Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 જાન્યુઆરી 2025
January 23, 2025

Citizens Appreciate PM Modi’s Effort to Celebrate India’s Heroes