“સંયુક્ત ઉજવણી ભારતના વિચારની અમર યાત્રાનું પ્રતીક છે, જે વિવિધ સમયગાળામાં અલગ અલગ માધ્યમો દ્વારા આગળ વધતું રહે છે”
“આપણા ઉર્જાના કેન્દ્રો માત્ર તીર્થધામો નથી, તે માત્ર આસ્થાના કેન્દ્રો નથી, તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઓ છે”
“ભારતમાં, આપણા ઋષિઓ અને ગુરુઓએ હંમેશા આપણા વિચારોને વિશુદ્ધ કર્યા છે અને આપણા વર્તનમાં સુધારો કર્યો છે”
“શ્રી નારાયણ ગુરુએ જાતિવાદના નામે ચાલી રહેલા ભેદભાવ સામે તાર્કિક અને વ્યવહારુ લડત આપી હતી. આજે નારાયણ ગુરુજીની એ જ પ્રેરણાથી દેશ ગરીબ, દલીત, પછાત લોકોની સેવા કરી રહ્યો છે અને તેમને તેમના હક અપાવી રહ્યો છે”
“શ્રી નારાયણ ગુરુ સુધારાવાદી વિચારક હતા અને વ્યવહારુ સુધારક હતા”
“આપણે જ્યારે સમાજના સુધારાના માર્ગે આગળ ચાલીએ ત્યારે, સમાજમાં સ્વ-સશક્તિકરણની શક્તિ પણ જાગૃત થાય છે અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ તેનું દૃષ્ટાંત છે”

પ્રધાનમંત્રીએ આજે 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક શ્રી નારાયણ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે થઇ હતી. શિવગિરી મઠના આધ્યાત્મિક અગ્રણીઓ અને ભક્તો, કેન્દ્રીય મંત્રીઓ, શ્રી રાજીવ ચંદ્રશેખર અને શ્રી વી. મુરલીધરન સહિત અન્ય લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમના ઘરમાં સંતોને આવકાર આપીને ધન્યતા અનુભવી હતી અને ખૂશી વ્યક્ત કરી હતી. તેમણે શિવગિરી મઠના સંતો અને ભક્તો સાથે એક વર્ષ પહેલાં થયેલી મુલાકાતને યાદ કરી હતી અને આવા સંવાદથી તેમને હંમેશા કેવી રીતે ઉર્જાની અનુભૂતિ થાય છે તે જણાવ્યું હતું. તેમણે ઉત્તરાખંડ- કેદારનાથમાં આવેલી કુદરતી આપદાને યાદ કરી હતી, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સત્તારૂઢ હતી અને સંરક્ષણ મંત્રી કેરળના હતા તો પણ, શિવગિરી મઠના સંતોઓ મઠને મદદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને સેવા કરવાની આ તક મળી તે ક્યારેય ભૂલશે નહીં.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિની ઉજવણી આ સંસ્થાઓની યાત્રા સુધી સીમિત નથી પરંતુ “આ ભારતના વિચારની અમર યાત્રા પણ છે, જે અલગ અલગ સમયગાળા દરમિયાન વિવિધ માધ્યમો દ્વારા આગળ વધે છે.” તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “શિવના શહેર વારાણસીની વાત હોય કે પછી વરકલામાં શિવગિરી હોય, ભારતની ઉર્જાનું દરેક કેન્દ્ર આપણા સૌ ભારતીયોનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ જગ્યાઓ માત્ર તીર્થધામો નથી, તે માત્ર આસ્થાના કેન્દ્રો નથી પરંતુ, તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઓ પણ છે.”

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, જ્યારે સંખ્યાબંધ દેશો અને સંસ્કૃતિઓ ધર્મથી દૂર થયા છે અને આધ્યાત્મિકતાનું સ્થાન ભૌતિકવાદે લીધું છે ત્યારે, ભારતમાં આપણા ઋષિઓ અને ગુરુઓએ હંમેશા આપણા વિચારોને વિશુદ્ધ બનાવ્યા છે અને આપણા વર્તનમાં ઉન્નતિ કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી નારાયણ ગુરુએ આધુનિકતા વિશે વાત કરી હતી પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પણ સમૃદ્ધ બનાવ્યા હતા. તેમણે શિક્ષણ અને વિજ્ઞાન વિશે વાત કરી હતી પરંતુ તેઓ ક્યારેય ધર્મ, આસ્થા અને ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિમાંથી આવેલી કિર્તીથી અલગ થયા નહોતા. શ્રી નારાયણ ગુરુએ રૂઢિવાદ અને કુપ્રથાઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને ભારત દેશને તેની વાસ્તવિકતાથી જાગૃત કર્યો હતો. તેમણે જાતિવાદના નામે ચાલી રહેલા ભેદભાવ સામે તાર્કિક અને વ્યવહારુ લડત આપી હતી. દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો છે તેવું જણાવીને પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “આજે, નારાયણ ગુરુજીએ આપેલી એ જ પ્રેરણાથી, દેશ ગરીબ, દલીત, પછાત લોકોની સેવા કરી રહ્યો છે, તેમને તેમના અધિકારો આપી રહ્યો છે.”

શ્રી નારાયણ ગુરુને સુધારાવાદી વિચારક અને વ્યવહારુ સુધારક કહેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુજીએ હંમેશા ચર્ચાના શિષ્ટાચારનું પાલન કર્યું હતું અને હંમેશા બીજાના દૃષ્ટિકોણને સમજવાનો તેમણે પ્રયાસ કર્યો હતો તેમજ અન્ય લોકો સાથે કામ કરીને સહયોગપૂર્વક પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમાજમાં તેઓ એવા પ્રકારનો માહોલ ઉભો કરતા હતા કે સમાજ પોતે જ યોગ્ય તર્ક સાથે સ્વ-સશક્તિકરણની દિશામાં આગળ વધે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે જ્યારે સમાજ સુધારણાના આ માર્ગ પર આગળ વધીએ છીએ ત્યારે સમાજમાં સ્વ-સશક્તિકરણની તાકાત પણ જાગૃત થાય છે. તેમણે તાજેતરના સમયમાં હાથ ધરવામાં આવેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને સામાજિક રીતે અપનાવવામાં આવ્યું તે દૃશ્ટાંતનો ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનમાં સરકાર યોગ્ય માહોલ ઉભો કરવામાં સક્ષમ હોવાથી પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય તરીકે, આપણી માત્ર એક જ જ્ઞાતિ છે, એ જ્ઞાતિ છે, ભારતીયતા. આપણો માત્ર એક જ ધર્મ છે – સેવા અને ફરજનો ધર્મ. આપણા માત્ર એક જ ઇશ્વર છે – ભારત માતા. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી નારાયણ ગુરુએ ‘એક જ્ઞાતિ, એક ધર્મ, એક ઇશ્વર’નો જે આગ્રહ રાખ્યો હતો તેનાથી આપણા રાષ્ટ્રવાદને આધ્યાત્મિક પરિમાણ ઉમેરાયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આપણે સૌ જાણીએ છીએ કે, એકજૂથ ભારતીયો માટે દુનિયાનું કોઇ લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય નથી.”

આઝાદી કા અમૃત મહોત્સવની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રીએ ફરી એકવખત સ્વતંત્રતાના સંગ્રામ અંગે પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું જેમાં તેમના મતાનુસર તે સંગ્રામમાં હંમેશા આધ્યાત્મિકતાનો પાયો રહ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આપણી સ્વતંત્રતાનો સંગ્રામ ક્યારેય વિરોધની અભિવ્યક્તિ અને રાજકીય વ્યૂહરચના સુધી સીમિત ન હતો. દેશમાં જ્યારે ગુલામીની બેડીઓ તોડવાની લડત ચાલી રહી હતી, ત્યારે આપણે એક સ્વતંત્ર દેશ તરીકે કેવી રીતે રહીશું તેની જાણ દૂરંદેશી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે આપણે શાનો વિરોધ કરી રહ્યા છીએ તે મહત્વનું નથી, પરંતુ આપણે શાના માટે એકજૂથ થઇને ઉભા છીએ તે વધુ મહત્વનું છે.”

પ્રધાનમંત્રીએ શ્રી નારાયણ ગુરુ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના દિગ્ગજોની યુગ-નિર્માણ બેઠકોને યાદ કરી હતી. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ તેમજ અન્ય ઘણા મહાનુભાવોને જુદા જુદા પ્રસંગોએ શ્રી નારાયણ ગુરુને મળવાનું થયું હતું અને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બેઠકોમાં ભારતના પુનર્નિર્માણના બીજ રોપાયા હતા, જેના પરિણામો આજના ભારતમાં અને રાષ્ટ્રની 75 વર્ષની સફરમાં જોવા મળી રહ્યા છે. 10 વર્ષમાં શિવગિરી તીર્થયાત્રા અને 25 વર્ષમાં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવશે તે તથ્યની તેમણે નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રસંગે આપણી સિદ્ધિ અને દૃષ્ટિ વૈશ્વિક પરિમાણની હોવી જોઇએ.

 

દર વર્ષે તિરુવનંતપુરમના શિવગિરી ખાતે 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ માટે શિવગિરી તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી નારાયણ ગુરુના કહેવા પ્રમાણે, આ તીર્થયાત્રાનું આયોજન કરવાનો ઉદ્દેશ લોકોમાં વ્યાપક જ્ઞાનનું સર્જન કરવાનો હોવો જોઇએ અને આ તીર્થયાત્રાના આયોજનથી તેમને એકંદરે વિકાસ અને સમૃદ્ધિમાં મદદ મળવી જોઇએ. આથી આ તીર્થયાત્રામાં આઠ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ આઠ વિષયો શિક્ષણ, સ્વચ્છતા, ધર્મનિષ્ઠા, હસ્તકળા, વેપાર અને વાણિજ્ય, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સંગઠિત પ્રયાસ છે.

આ તીર્થયાત્રાની શરૂઆત ખૂબ થોડા ભક્તો સાથે 1933માં થઇ હતી પરંતુ હવે તે દક્ષિણ ભારતમાં એક મુખ્ય આયોજન બની ગઇ છે. દર વર્ષે આખી દુનિયામાંથી લાખો ભક્તો જ્ઞાતિ, પંથ, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વગર આ તીર્થયાત્રામાં ભાગ લેવા માટે શિવગિરીની મુલાકાતે આવે છે.

શ્રી નારાયણ ગુરુએ સમભાવ અને સમાન આદર સાથે તમામ ધર્મોના સિદ્ધાંતો શીખવવા માટે એક સ્થળની પણ પરિકલ્પના કરી હતી. આ દૂરંદેશીને સાકાર કરવા માટે શિવગિરીની બ્રહ્મ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. બ્રહ્મ વિદ્યાલયમાં શ્રી નારાયણ ગુરુએ કરેલા કાર્યો અને દુનિયામાં તમામ મહત્વપૂર્ણ ધર્મોના શાસ્ત્રો સહિત ભારતીય ફિલસુફી પર 7 વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

 

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report

Media Coverage

Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ડિસેમ્બર 2025
December 12, 2025

Citizens Celebrate Achievements Under PM Modi's Helm: From Manufacturing Might to Green Innovations – India's Unstoppable Surge