“આપ સૌ ઇનોવેટર્સ ‘જય અનુસંધાન’ના નારાના ધ્વજવાહક છો”
“તમારી આવિષ્કારી માનસિકતા આવનારા 25 વર્ષમાં ભારતને શિખર પર લઇ જશે”
“આવનારા 25 વર્ષમાં ભારતનો મહત્વાકાંક્ષી સમાજ આવિષ્કાર માટેના પ્રેરક બળ તરીકે કામ કરશે”
“આજે, ભારતમાં પ્રતિભા ક્રાંતિ થઇ રહી છે”
“સંશોધન અને આવિષ્કારને કામ કરવાની રીતમાંથી જીવન જીવવાની રીતમાં પરિવર્તિત કરવી જ જોઇએ”
“ભારતીય આવિષ્કારો હંમેશા સૌથી વધુ સ્પર્ધાત્મક, સસ્તા, ટકાઉ, સુરક્ષિત અને અને વ્યાપકતા આપનારા ઉકેલો પૂરા પાડે છે”
“21મી સદીનું ભારત પોતાના યુવાનોમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ ફિનાલેના પ્રતિસ્પર્ધકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કેરળના SIX_PIXELSને પ્રાચીન મંદિરોના લખાણનું દેવનાગરી ભાષામાં અનુવાદ કરવા અંગેના તેમના પ્રોજેક્ટ વિશે પૂછ્યું હતું. તમામ છોકરીઓની આ ટીમે પ્રોજેક્ટના તારણો, લાભો અને પ્રક્રિયાનું વિગતે વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમનું કામ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનના જવાબના રૂપમાં છે.

તમિલનાડુની એક્ટ્યુએટર્સ ટીમને વિકલાંગ વ્યક્તિઓ સંબંધિત એક પડકાર આપવામાં આવ્યો હતો. તેમણે બૉ લેગ (બહારની તરફ વળેલા ઘૂંટણ) અથવા નોક નીડ (અંદરની તરફ વળેલા ઘૂંટણ) લોકોની સમસ્યા પર કામ કર્યું હતું. તેમના એક્ટ્યુએટર ‘પ્રેરક’ આવા લોકોને મદદરૂપ થાય છે. પ્રધાનમંત્રીએ તબીબી ઉપકરણોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

SIH જુનિયરના વિજેતા ગુજરાતના રહેવાસી માસ્ટર વિરાજ વિશ્વનાથ મરાઠેએ ડિમેન્શિયાથી પીડિત લોકો માટે HCam નામની મોબાઇલ ગેમ એપ્લિકેશન તૈયાર કરી છે. ડિમેન્શિયા એ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે તે અંગે તેમને સમજાયા પછી આ ગેમ તેમણે તૈયાર કરી છે. તેમાં અગાઉની ઘટનાઓ અને પ્રોપ્સ (વસ્તુઓ) જેમ કે ફોટોગ્રાફ્સ અને વીડિયોની ચર્ચા સમાવવામાં આવે છે. આ એપમાં આર્ટ થેરાપી, ગેમ્સ, સંગીત અને વીડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ડિમેન્શિયાના દર્દીઓને આત્મ-અભિવ્યક્તિ માટે આઉટલેટ પ્રદાન કરતી વખતે તેમની જ્ઞાનાત્મક સુધારણામાં મદદ કરશે. યોગ સંસ્થાના સંપર્કમાં રહેવા વિશે પ્રધાનમંત્રીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં, વિરાજે જણાવ્યું હતું કે, તેઓ એવા યોગ પ્રશિક્ષકોના સંપર્કમાં છે જેમણે પ્રાચીન સમયના કેટલાક આસનો અંગે સૂચન કર્યું છે.

રાંચીના BIT મેસરાના DataClanના અનિમેષ મિશ્રાએ ચક્રવાતની આગાહી કરવામાં ડીપ લર્નિંગનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું વિગતવાર વર્ણન કર્યું હતું. તેમણે ઇન્સેટમાંથી લેવામાં આવેલી ઉપગ્રહની તસવીરો પર કામ કર્યું છે. તેમનું આ કામ ચક્રવાતના વિવિધ પરિબળોની વધુ સારી આગાહી કરવામાં મદદરૂપ થઇ શકે છે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ માટે ડેટાની ઉપલબ્ધતા વિશે પૂછ્યું હતું. આ પ્રશ્નના જવાબમાં, અનિમેષે જણાવ્યું હતું કે, 2014 પછી ભારતીય દરિયાકાંઠા પર ત્રાટકેલા ચક્રવાતને તેમણે આ કાર્ય માટે ધ્યાનમાં લીધા છે અને તેની ચોકસાઇ લગભગ 89 ટકાની નજીક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી જે પણ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે, તે ભલે ઓછો હોય, પરંતુ તેમની ટેકનિકલ ક્ષમતાની મદદથી, તેમણે મહત્તમ ચોકસાઇ અને આઉટપુટ મેળવવાનો પ્રયત્ન કર્યો છે.

પશ્ચિમ બંગાળની ટીમ ‘સર્વગ્ય’ના પ્રિયાંશ દિવાને પ્રધાનમંત્રીને ઇન્ટરનેટ વગરના રેડિયો તરંગોના માધ્યમથી રેડિયો સેટ પર મલ્ટીમીડિયા ડેટાને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાને સક્ષમ કરી શકતા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા કાર્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સિસ્ટમની મદદથી, ગોપનીયતાના મુદ્દાઓનો સંપૂર્ણ રીતે ઉકેલ લાવી શકાય છે કારણ કે આ એપ્લિકેશન સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી છે અને સર્વર પણ ભારતમાં જ આવેલું છે. જ્યારે પ્રધાનમંત્રીએ પ્રિયાંશને પૂછ્યું કે, શું સરહદી વિસ્તારો પર સેના દ્વારા આ સિસ્ટમને તૈનાત કરી શકાય છે કે નહીં, ત્યારે પ્રિયાંશે જણાવ્યું હતું કે, આ પ્રકારે થતું ટ્રાન્સમિશન એન્ક્રિપ્ટેડ છે જેના કારણે તેને એવા વિસ્તારોમાં ઉપયોગમાં લઇ શકાય છે જ્યાં સામન્યપણે સિગ્નલ અવરોધનો ભય પ્રવર્તતો હોય છે. પ્રધાનમંત્રીએ પ્રિયાંશને એ પણ પૂછ્યું હતું કે, શું તેમની ટીમ આ સિસ્ટમ દ્વારા વીડિયો ફાઇલોના ટ્રાન્સમિશન પર કામ કરી રહી છે કે નહીં. પ્રિયાંશે જવાબમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સમિશનનું માધ્યમ એક જ રહેતું હોવાથી વીડિયો ટ્રાન્સમિટ કરવાનું શક્ય છે અને તેમની ટીમ ભવિષ્યમાં યોજનારી હેકાથોનમાં વીડિયો ટ્રાન્સમિટ કરવા માટે કામ કરી રહી છે.

આસામની આઇડીયલ-બિટ્સ ટીમના નિતેશ પાંડેએ પ્રધાનમંત્રીને IPR (બૌદ્ધિક સંપદા અધિકાર) માટેની અરજી દાખલ કરવા માટે પાયાના સ્તરોના ઇનોવેટર્સ માટે તેમણે તૈયાર કરેલી એપ વિશે જણાવ્યું હતું. પેટન્ટ અરજી દાખલ કરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ એપમાં AI અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પ્રશ્ન કર્યો હતો કે, આ એપ ઇનોવેટર્સને કેવી રીતે મદદ કરશે જેના જવાબમાં નીતિશે જણાવ્યું હતું કે, આ એપ ઇનોવેટર્સને પેટન્ટ વિશે અને તેનો સંપર્ક કેવી રીતે કરી શકાય તે વિશે શિક્ષિત કરે છે. એપ જેઓ પેટન્ટ ફાઇલ કરવા માગતા હોય તેવા ઇનોવેટર માટે એન્ડ ટુ એન્ડ (આરંભથી અંત સુધીની પ્રક્રિયા) ઉકેલ પૂરો પાડે છે. તેની મદદથી ઇનોવેટર્સને આ ક્ષેત્ર સાથે સંબંધિત એવા વિવિધ એજન્ટો સાથે સંપર્કમાં રહેવામાં મદદ મળે છે, જેઓ તેમની સમસ્યાઓ ઉકેલવામાં તેમને મદદ કરી શકે છે.

ઉત્તર પ્રદેશની ટીમ ‘આઇરિસ’ના અંશિત બંસલે ક્રાઇમ હોટસ્પોટ તૈયાર કરવા અને તેનું મેપિંગ કરવા અંગેની તેમની સમસ્યા વર્ણવી હતી. ગુનાના ક્લસ્ટરનું મેપિંગ કરવા માટે અનસુપરવાઇઝ્ડ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ મોડેલની લવચિકતા અને વ્યાપકતા વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ એવું પણ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે, શું આ મોડેલ દ્વારા ડ્રગ્સના જોખમનો સામનો કરી શકાય છે. જવાબમાં, અંશિતે જણાવ્યું હતું કે, આ મોડલ વ્યાપક થઇ શકે તેવું છે કારણ કે તે ભૌગોલિક સ્થાન પર નિર્ભર નથી, અને તે મોડેલને આપવામાં આવેલા ગુનાખોરીના ડેટા સેટના આધારે કામ કરે છે.

SIH જુનિયરના વિજેતા પંજાબના રહેવાસી માસ્ટર હરમનજોત સિંહે સ્માર્ટ ગ્લવ્સનો પોતાનો પ્રોજેક્ટ બતાવ્યો હતો જે આરોગ્યના માપદંડો પર દેખરેખ રાખે છે. સ્માર્ટ ગ્લવ્સ ઇન્ટરનેટ ઓફ મેડિકલ થિંગ્સના મોડેલ પર કામ કરે છે અને તે માનસિક આરોગ્ય, હૃદયના દર, બ્લડ પ્રેશર, ઓક્સિજનની સંતૃપ્તિનું સ્તર, મૂડની સ્થિતિનું ડિટેક્શન, હાથના કંપારી અને શરીરનું તાપમાન જેવી સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનું નિરીક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. આ કાર્યમાં તેમના માતાપિતાએ તમામ પ્રકારે આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી.

પંજાબના સમીધાના રહેવાસી ભાગ્યશ્રી સનપાલાએ મશીન લર્નિંગ અને સેટેલાઇટ ટેકનોલોજીના માધ્યમથી વાસ્તવિક સમયમાં જહાજોમાં ઇંધણની સ્થિતિ પર દેખરેખ રાખવા વિશેના તેમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ વિશે વાત કરી હતી. સમીધા માનવરહિત મેરીટાઇમ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવાનું લક્ષ્ય રાખે છે. પ્રધાનમંત્રીએ ભાગ્યશ્રીને પૂછ્યું હતું કે, શું આ સિસ્ટમ અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ કરી શકાય તેમ છે? ભાગ્યશ્રીએ જવાબમાં કહ્યું હતું કે, હા, તેને લાગુ કરવી શક્ય છે.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, SIH જનભાગીદારીનો એક મહત્વપૂર્ણ માર્ગ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ યુવા પેઢીના સામર્થ્ય બાબતે સંપૂર્ણપણે આત્મવિશ્વાસ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આઝાદીના 100 વર્ષ પછી આપણો દેશ કેવો હશે તે અંગે મોટા સંકલ્પો પર અત્યારે દેશ કામ કરી રહ્યો છે. તમે એવા ઇનોવેટર્સ છો જેઓ આવા સંકલ્પોની પરિપૂર્ણતા માટેના ‘જય અનુસંધાન’ ના નારાના ધ્વજ વાહકો છે.”. શ્રી મોદીએ યુવા ઇનોવેટર્સની સફળતા અને આવનારા 25 વર્ષમાં દેશની સફળતાના સહિયારા માર્ગને રેખાંકિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “તમારી આવિષ્કારી માનસિકતા આવનારા 25 વર્ષમાં ભારતને શિખર પર લઇ જશે.”

પ્રધાનમંત્રીએ ફરી એકવાર, મહત્વાકાંક્ષી સમાજ વિશેની તેમની સ્વતંત્રતા દિવસની ઘોષણાનો ઉલ્લેખ કરતા, જણાવ્યું હતું કે, આ મહત્વાકાંક્ષી સમાજ આવનારા 25 વર્ષોમાં પ્રેરક બળ તરીકે કામ કરશે. આ સમાજની આકાંક્ષાઓ, સપનાઓ અને પડકારો ઇનોવેટર્સ માટે સંખ્યાબંધ તકો લઇને આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 7-8 વર્ષમાં દેશ એક પછી એક ક્રાંતિ દ્વારા ઝડપથી આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ સૌનું ધ્યાન દોર્યું હતું કે, “ભારતમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ક્રાંતિ થઇ રહી છે. ભારતમાં આજે આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ થઇ રહી છે. ભારતમાં આજે ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ થઇ રહી છે. ભારતમાં આજે ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ થઇ રહી છે. ભારતમાં આજે પ્રતિભાને લગતી ક્રાંતિ થઇ રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે, આજે દરેક ક્ષેત્રને આધુનિક બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દરરોજ નવા ક્ષેત્રો અને પડકારોમાં આવિષ્કારી ઉકેલો શોધવાની જરૂર પડી રહી છે. તેમણે ઇનોવેટર્સને કૃષિ સંબંધિત સમસ્યાઓના ઉકેલો શોધવા માટે જણાવ્યું હતું. તેમણે યુવા ઇનોવેટર્સને દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર અને 5Gની શરૂઆત, દાયકાના અંત સુધીમાં 6G માટેની તૈયારી અને ગેમિંગ ઇકોસિસ્ટમના પ્રમોશન જેવી પહેલોનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય આવિષ્કારો હંમેશા સૌથી વધુ સ્પર્ધાત્મક, સસ્તા, ટકાઉ, સુરક્ષિત અને વ્યાપકતા ધરાવતા ઉકેલો પૂરા પાડે છે. તેથી જ દુનિયા અત્યારે ભારત તરફ આશાની નજરે જોઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં આવિષ્કારની સંસ્કૃતિને આગળ ધપાવવા માટે આપણે બે બાબતો, એટલ કે - સામાજિક સમર્થન અને સંસ્થાકીય સમર્થન પર સતત ધ્યાન આપવું પડશે. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, સમાજમાં આવિષ્કારની કામગીરીને વ્યવસાય તરીકે અપનાવવાનું પ્રમાણ વધ્યું છે અને આવી સ્થિતિમાં આપણે નવા વિચારો અને મૂળ વિચારને સ્વીકારવા પડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સંશોધન અને આવિષ્કારને કામ કરવાની રીતમાંથી જીવન જીવવાની રીતમાં પરિવર્તિત કરવા જ જોઇએ”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવિષ્કાર માટે મજબૂત આધાર તૈયાર કરવાની ભાવી રૂપરેખા છે. અટલ ટિંકરિંગ લેબ્સ અને આઇ-ક્રિએટ દ્વારા દરેક સ્તરે આવિષ્કારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, 21મી સદીનું આજનું ભારત તેના યુવાનોમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, આના પરિણામ સ્વરૂપે આજે ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ વધ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં પેટન્ટની સંખ્યામાં 7 ગણો વધારો થયો છે. યુનિકોર્નની સંખ્યા પણ 100ને વટાવી ગઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીઓ સમસ્યાના ઝડપી અને સ્માર્ટ ઉકેલો સાથે આગળ આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આવી હેકાથોન્સ પાછળનો મૂળ વિચાર એવો છે કે, યુવા પેઢીએ સમસ્યાઓના ઉકેલો પૂરા પાડવા જોઇએ અને યુવાનો, સરકાર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેની આ સહયોગી ભાવના ‘સબકા પ્રયાસ’નું ઉત્તમ દૃશ્ટાંત પૂરું પાડે છે.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીનો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે દેશમાં, અને તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં આવિષ્કારની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવે. તેમની આ દૂરંદેશીને ધ્યાનમાં રાખીને, વર્ષ 2017માં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH)ની શરૂઆત કરવામાં આવી હતી. SIHએ વિદ્યાર્થીઓને સમાજ, સંસ્થાઓ અને સરકારની મહત્વપૂર્ણ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દેશવ્યાપી પહેલ છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રોડક્ટ ઇનોવેશન, સમસ્યાનું નિરાકરણ અને આઉટ-ઓફ-ધ-બોક્સ (નવતર) વિચારની સંસ્કૃતિ કેળવવાનો છે.

લોકોમાં SIHની લોકપ્રિયતા વધી રહી હોવાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે SIH માટે નોંધણી કરાવનારી ટીમોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ જોવા મળી છે. આ હેકાથોનના પ્રથમ સંસ્કરણમાં લગભગ 7500 ટીમોની નોંધણી થઇ હતી જે આંકડો હાલમાં એટલે કે પાંચમા સંસ્કરણમાં વધીને લગભગ 29,600 થઇ ગયો છે. આ વર્ષે 15,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો SIH 2022 ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા માટે 75 નોડલ કેન્દ્રોની મુસાફરી કરી રહ્યા છે. 2900થી વધુ શાળાઓ અને 2200 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અંતિમ તબક્કામાં 53 કેન્દ્રીય મંત્રાલયોમાંથી 476 સમસ્યાના સ્ટેટમેન્ટ્સ સામનો કરશે, જેમાં મંદિરના શિલાલેખની ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) અને દેવનાગરી લીપિમાં અનુવાદ, નાશવંત ખાદ્ય ચીજવસ્તુઓ માટે કોલ્ડ સપ્લાય ચેઇનમાં IoT સક્ષમ જોખમ દેખરેખ સિસ્ટમ, ભૂપ્રદેશનું ઉચ્ચ-રિઝોલ્યુશન ધરાવતું 3D મોડલ, આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓની સ્થિતિ વગેરે સામેલ છે.

આ વર્ષે, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન - જુનિયરની પણ શરૂઆત કરવામાં આવી છે જે શાળાના વિદ્યાર્થીઓમાં આવિષ્કારની સંસ્કૃતિ વિકસાવવા અને શાળા સ્તરેથી તેમનામાં સમસ્યાનો ઉકેલ લાવવાની વૃત્તિ કેળવવાની પ્રારંભિક શરૂઆત છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology