શેર
 
Comments
Commissioning of the INS Kalvari in Indian Navy will further strengthen our defence sector: PM
INS Kalvari a fine example of ‘Make in India’ initiative, says PM Modi
Guided by the principle of SAGAR – Security And Growth for All in the Region, we are according highest priority to Indian Ocean region: PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યા સાગર રાવજી, રક્ષા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, રક્ષા રાજ્યમંત્રી ડૉ. સુભાષ ભામરેજી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રીમાન અજીત દોવાલજી, ફ્રાંસના રાજદૂત એલેકઝાન્ડર જીગરલ તથા અન્ય ફ્રાન્સીસી અતિથીગણ, નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાજી, કમાન્ડીંગ ઇન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઈસ એડમિરલ ગીરીશ લુથરાજી, વાઈસ એડમિરલ ડી એમ દેશપાંડેજી, સીએમડી, એમડીએલ, શ્રીમાન રાકેશ આનંદ, કેપ્ટન એસ ડી મેહંદલે, નૌસેનાના અન્ય અધિકારીઓ તથા સૈનિકગણ, એમડીએલ (મઝગાંવ ડૉક શીપબિલ્ડર્સ લીમીટેડ)ના અધિકારી તથા કર્મચારીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ગણમાન્ય મહાનુભવો,

 

આજે સવા સો કરોડ ભારતીયો માટે આ ગૌરવથી ભરપુર એક મહત્વપૂર્ણ દિવસ છે. હું તમામ દેશવાસીઓને આ ઐતિહાસિક ઉપલબ્ધિ પર ખુબ ખુબ અભિનંદન આપું છું.

 

આઈએનએસ કલ્વરી સબમરીનને રાષ્ટ્રને સમર્પિત કરવી એ મારા માટે એક ખુબ જ સૌભાગ્યનો પ્રસંગ છે.

 

હું દેશની જનતા તરફથી ભારતીય નૌસેનાને પણ ખુબ ખુબ શુભકામનાઓ અર્પણ કરું છું.

 

આશરે બે દાયકાના અંતરાળ બાદ, ભારતને આ પ્રકારની સબમરીન મળી રહી છે.

 

નૌસેનાના દળમાં કલ્વરીનું જોડાવું એ સંરક્ષણ ક્ષેત્રમાં અમારા દ્વારા લેવાયેલ એક ખુબ મોટું પગલું છે. તેને બનાવવામાં ભારતીયોનો પરસેવો પડ્યો છે, ભારતીયોની શક્તિ લાગી છે. આ મેઇક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે.

હું કલ્વરીના નિર્માણ સાથે જોડાયેલા દરેક શ્રમિક, દરેક કર્મચારીને આજે પણ હાર્દિક અભિનંદન આપું છું. કલ્વરીના નિર્માણમાં સહયોગ માટે હું ફ્રાંસનો પણ ખુબ ખુબ આભાર માનું છું.

 

આ સબમરીન ભારત અને ફ્રાંસની ઝડપથી વધી રહેલી વ્યુહાત્મક ભાગીદારીનું પણ એક સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.

 

સાથીઓ, આ વર્ષ ભારતીય નૌકાદળના સબમરીન સૈન્યનું સ્વર્ણ જયંતી વર્ષ છે. હમણાં ગયા વર્ષે જ સબમરીન સૈન્યને પ્રેસીડેન્ટસ કલરથી સન્માનિત કરવામાં આવ્યું છે. કલ્વરીની શક્તિ અથવા કહો કે ટાઇગર શાર્કની શક્તિ આપણા ભારતીય નૌકાદળને વધારે મજબુત કરશે.

 

સાથીઓ, ભારતની સામુદ્રિક પરંપરાનો ઈતિહાસ ઘણો જુનો છે. પાંચ હજાર વર્ષ જુનું, ગુજરાતનું લોથલ, વિશ્વના પ્રારંભિક બંદરોમાનું એક રહ્યું છે. ઈતિહાસકારો કહે છે કે 84 દેશો સાથે વેપાર લોથલના માધ્યમથી થતો હતો. એશિયાના અન્ય દેશો અને આફ્રિકામાં પણ આપણા સંબંધ સમુદ્રના આ જ મોજાઓમાં થઈને આગળ વધ્યા છે. માત્ર વેપાર જ નહી, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ હિંદ મહાસાગરે આપણને દુનિયાના બીજા દેશોની સાથે જોડ્યા છે, તેમની સાથે ઉભા રહેવામાં આપણી મદદ કરી છે.

 

હિંદ મહાસાગરે ભારતના ઈતિહાસને ઘડ્યો છે અને હવે તે ભારતના વર્તમાનને વધારે મજબૂતી આપી રહ્યો છે. 7500 કિલોમીટરથી વધુ લાંબો આપણો દરિયાકિનારો, 1300ની આસપાસ નાના મોટા ટાપુઓ, આશરે 25 લાખ સ્ક્વેર કિલોમીટરનો વિશેષ આર્થિક પ્રદેશ એક એવી સામુદ્રિક શક્તિનું નિર્માણ કરે છે, જેનો કોઈ મુકાબલો નથી. હિંદ મહાસાગર માત્ર ભારતના જ નહી પરંતુ વિશ્વના ભવિષ્ય માટે પણ ઘણો મહત્વપૂર્ણ છે. આ મહાસાગર વિશ્વના બે તૃતીયાંશ ખનીજ તેલના જહાજો, વિશ્વના એક તૃતીયાંશ બલ્ક કાર્ગો અને દુનિયાના અડધા કન્ટેઈનર ટ્રાફિકનો ભાર વહન કરે છે. તેમાંથી થઈને પસાર થનાર ત્રણ ચતુર્થાંશ ટ્રાફિક દુનિયાના બીજા ભાગોમાં જાય છે. આમાં ઉઠતા મોજા દુનિયાના 40 દેશો અને 40 ટકા વસ્તી સુધી પહોચે છે.

સાથીઓ કહેવાય છે કે 21મી સદી એશિયાની સદી છે. એ પણ નક્કી છે કે 21મી સદીના વિકાસનો રસ્તો હિંદ મહાસાગર થઈને જ નીકળશે. અને એટલા માટે હિંદ મહાસાગરની અમારી સરકારની નીતિઓમાં તેનું એક વિશેષ સ્થાન છે, વિશેષ જગ્યા છે. આ એપ્રોચ, અમારા વિઝનમાં ઝળકે છે. હું આને એક વિશેષ નામથી પણ સંબોધન કરું છું. એસ એ જી એ આર – “સાગર” જો હું આને સાગર કહું છું, એટલે કે સિક્યોરીટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન – “સાગર”. અમે હિંદ મહાસાગરમાં આપણા વૈશ્વિક, સામરિક અને આર્થિક હિતોને લઈને સંપૂર્ણ રીતે સજાગ છીએ, સતર્ક છીએ અને એટલા માટે ભારતનું આધુનિક અને બહુ આયામી નૌકાદળ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ માટે, સ્થાયીકરણ માટે આગળ વધીને નેતૃત્વ કરી રહ્યું છે. જે રીતે ભારતની રાજકીય અને આર્થિક દરિયાઈ ભાગીદારી વધી રહી છે, ક્ષેત્રીય માળખાને મજબુત કરવામાં આવી રહ્યું છે, તેનાથી આ લક્ષ્યની પ્રાપ્તિ વધારે સરળ દેખાય છે.

 

સાથીઓ, સમુદ્રમાં રહેલી શક્તિઓ આપણને રાષ્ટ્ર નિર્માણ માટે આર્થિક શક્તિ પ્રદાન કરે છે અને એટલા માટે ભારત તે પડકારોને લઈને પણ ગંભીર છે, જેનો સામનો ભારત જ નહી પરંતુ આ ક્ષેત્રના જુદા જુદા દેશોને પણ કરવો પડે છે.

 

પછી તે સમુદ્રના માર્ગે આવનાર આતંકવાદ હોય, ચાંચીયાઓની સમસ્યા હોય, ડ્રગ્સની ચોરી હોય, ભારત આ તમામ પડકારો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. સૌનો સાથ સૌના વિકાસનો અમારો આ મંત્ર છે. જળ – ભૂમિ – આકાશમાં પણ આ એક સમાન છે.

 

સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને, વસુધૈવ કુટુંબકમની ભાવનાને આગળ વધારીને ભારત પોતાની વૈશ્વિક જવાબદારીઓને સતત નિભાવતું રહ્યું છે. ભારત પોતાના સાથી દેશો માટે તેમના સંકટના સમયે સૌપ્રથમ પ્રતિભાવક બનેલો છે અને એટલા માટે જ્યારે શ્રીલંકામાં પુર આવે છે તો ભારતનું નૌકાદળ તત્પરતાથી મદદ માટે સૌથી પહેલા પહોચી જાય છે.

 

જ્યારે માલદીવમાં પાણીનું જોખમ આવે છે તો ભારતમાંથી જહાજ ભરી ભરીને પાણી તાત્કાલિક પહોચાડવામાં આવે છે. જ્યારે બાંગ્લાદેશમાં ચક્રવાત આવે છે તો ભારતની નૌસેના મધદરિયે ફસાયેલા બાંગ્લાદેશીઓને બહાર કાઢી લાવે છે. મ્યાનમાર સુધી તોફાનમાં પીડિત લોકોની મદદ માટે ભારતીય નૌસેના સંપૂર્ણ તાકાત સાથે માનવીય દ્રષ્ટિકોણથી મદદ કરવામાં ક્યારેય પાછળ નથી રહેતી. એટલું જ નહી, યમનમાં સંકટના સમયે જ્યારે ભારતીય નૌસેના પોતાના સાડા ચાર હજારથી વધુ નાગરિકોને બચાવે છે તો સાથે જ 48 અન્ય દેશોના વ્યક્તિઓને પણ સુરક્ષિત રીતે સંકટમાંથી બહાર કાઢીને લઇ આવે છે.

 

ભારતીય ડીપ્લોમસી અને ભારતીય સુરક્ષા તંત્રનું માનવીય પાસું એ ભારતની વિશેષતા છે, તે આપણી વિશેષતા છે. મને યાદ છે જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, તો કઈ રીતે ભારતીય સેના અને વાયુસેનાએ રાહત કાર્યોની કમાન સંભાળી હતી. 700થી વધારે ઉડાન, એક હજાર ટનથી વધુની રાહત સામગ્રી, હજારો ભૂકંપ પીડિતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાના, સેંકડો વિદેશી નાગરિકોને બહાર કાઢવાના, આ “મૈત્રીભાવ” ભારતની નસોમાં છે, ભારતના સ્વભાવમાં છે. ભારત માનવતાના કામને કર્યા વિના ક્યારેય રહી શકતું નથી.

સાથીઓ, સમર્થ અને સશક્ત ભારત માત્ર પોતાના માટે જ નહી પરંતુ સંપૂર્ણ માનવતા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. આજે આપણે દુનિયાના વિભિન્ન દેશોની સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહ્યા છીએ. તેમની સેનાઓ આપણી સેના સાથે તાલમેલ વધારવા માટે, આપણી સાથે અનુભવ વહેંચવા માટે આતુર રહે છે. જ્યારે તેઓ આપણી સાથે એકસરસાઈઝમાં ભાગ લે છે તો મોટાભાગે તે ચર્ચાનો વિષય પણ હોય છે.

 

ગયા વર્ષે જ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફલીટ રીવ્યુ માટે 50 દેશોની નૌસેનાઓ જોડાઈ હતી. વિશાખાપટ્ટનમની નજીક સમુદ્રમાં તે સમયે બનેલા વિહંગમ દ્રશ્યો કોઈની માટે પણ ભૂલવા ભાગ્યે જ શક્ય હશે.

 

આ વર્ષે પણ ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગરમાં પોતાના શૌર્યથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.

 

જુલાઈમાં થયેલ મલબાર કવાયતમાં અમેરિકા અને જાપાનની નૌસેનાઓ સાથે ભારતીય નૌસેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એ જ રીતે ઓસ્ટ્રેલીયાની નૌસેના સાથે સિંગાપુરની નૌસેના સાથે, મ્યાનમાર, જાપાન, ઇન્ડોનેશિયાની નૌસેના સાથે ભારતીય નૌસેનાએ જુદા જુદા મહિનાઓમાં આ વર્ષે કવાયતનો ક્રમ સતત ચાલુ રાખ્યો છે. ભારતીય સેના પણ શ્રીલંકા, રશિયા, અમેરિકા, બ્રિટન, બાંગ્લાદેશ, સિંગાપુર જેવા દેશોની સાથે સંયુક્ત અભ્યાસ કરી ચુકી છે.

 

ભાઈઓ અને બહેનો, આ સંપૂર્ણ ચિત્ર એ વાતનું સાક્ષી છે કે દુનિયાના દેશો, શાંતિ અને સ્થાયિત્વના માર્ગ પર ભારતની સાથે ચાલવા માટે આજે ઈચ્છુક છે, પ્રતિબદ્ધ છે.

 

સાથીઓ, અમે એ બાબત પ્રત્યે પણ સજાગ છીએ કે દેશની સુરક્ષા માટે પડકારોનું સ્વરૂપ બદલાઈ ચુક્યું છે. આપણે આપણી સંરક્ષણ તૈયારીઓને આ પડકારોને અનુરૂપ કરવા માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છીએ. સક્રિય પગલાઓ ભરી રહ્યા છીએ.

 

અમારો પ્રયાસ છે કે આપણી રક્ષા શક્તિ, આર્થિક શક્તિ, ટેકનીકલ શક્તિની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોની શક્તિ, જનતાના આત્મવિશ્વાસની શક્તિ, દેશની સોફ્ટ શક્તિ, આ બધા જ એકમોમાં એક સંકલિતતા હોય. આ પરિવર્તન આજના સમયની માંગ છે.

 

ભાઈઓ અને બહેનો, પાછલા ત્રણ વર્ષમાં રક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલા સમગ્ર ઈકો સીસ્ટમમાં પરિવર્તનની એક શરૂઆત થઇ છે. ઘણા નવા પગલાઓ લીધા છે. જ્યાં એક બાજુ આપણે જરૂરી માલ સામાનના વિષયને પ્રાથમિકતા સાથે સંબોધી રહ્યા છીએ ત્યાં જ દેશમાં જ જરૂરી ટેકનોલોજીના વિકાસ માટે સક્રિય મુસદ્દાઓ પણ ઘડાઈ રહ્યા છે.

 

લાયસન્સીંગ પ્રક્રિયાથી લઈને એક્ષ્પોર્ટ પ્રક્રિયા સુધી, અમે સંપૂર્ણ વ્યવસ્થામાં પારદર્શકતા અને સંતુલિત પ્રતિસ્પર્ધા લાવી રહ્યા છીએ. વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે પણ અમારી સરકારે અનેક પગલાઓ ભર્યા છે. હવે 49 ટકા એફડીઆઈ સ્વચાલિત માર્ગે કરી શકાય છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેટલાક ક્ષેત્રોમાં તો હવે 100 ટકા એફડીઆઈનો રસ્તો ખુલી ગયો છે. ડીફેન્સ પ્રોકરમેન્ટ પ્રોસીજરમાં પણ અમે ઘણા મોટા બદલાવ કર્યા છે. તેનાથી મેઇક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેનાથી રોજગારના પણ નવા અવસરોનું નિર્માણ થઇ રહ્યું છે.

જેમ કે મને જણાવવામાં આવ્યું છે કે આઇએનએસ કલ્વરીની નિર્માણમાં લગભગ 12 લાખ માનવીના દિવસો લાગ્યા છે. તેના નિર્માણ દરમિયાન જે ટેકનીકલ કાર્યક્ષમતા ભારતીય કંપનીઓને, ભારતીય ઉદ્યોગોને અને આપણા એન્જીનીયરોને મળી છે, તે દેશની માટે એક રીતે “ક્ષમતાનો ખજાનો” છે. આ કૌશલ્ય આવડત આપણી માટે એક સંપત્તિ છે જેનો લાભ દેશને ભવિષ્યમાં સતત મળતો રહેશે.

 

સાથીઓ, ભારતીય કંપનીઓ સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનો બનાવે અને તેને દુનિયાભરમાં નિકાસ કરે, તેની માટે સંરક્ષણ નિકાસ નીતિમાં પણ અમે આમૂલ પરિવર્તન કર્યું છે. જે ઉત્પાદનો અહિયાં બની રહ્યા છે તે આપણું સૈન્ય દળ પણ સરળતાથી ખરીદી શકે તેની માટે લગભગ દોઢસો નોન કોર વસ્તુઓની યાદી બનાવવામાં આવી છે. તેની ખરીદી માટે સૈન્ય દળોને ઓર્ડીનન્સ ફેક્ટરી પાસેથી મંજુરી મેળવવાની જરૂર નથી, તે સીધા ખાનગી કંપનીઓ પાસેથી આ પ્રોડક્ટ ખરીદી શકે છે.

 

દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે સરકાર, ભારતીય ખાનગી ક્ષેત્રની સાથે વ્યુહાત્મક ભાગીદારી મોડલ લાગુ કરી રહી છે. અમારો પ્રયત્ન છે કે વિદેશોની જેમ જ ભારતીય કંપનીઓ પણ ફાઈટર પ્લેનથી લઈને હેલીકોપ્ટર અને ટેંકથી લઈને સબમરીન સુધીનું તમામ નિર્માણ આ જ ધરતી ઉપર કરે. ભવિષ્યમાં આ જ વ્યુહાત્મક ભાગીદાર ભારતના સંરક્ષણ ઉદ્યોગને વધુ મજબુત બનાવશે.

 

સરકારે રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા સામાનની ખરીદીમાં પણ ઝડપ લાવવા માટે પણ અનેક નીતિગત નિર્ણયો લીધા છે. સંરક્ષણ મંત્રાલય અને સર્વિસ હેડક્વાર્ટર સ્તર પર ફાયનાન્સીયલ પાવરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ અને કરગર બનાવવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ સુધારાઓથી રક્ષા વ્યવસ્થા અને દેશની સેનાઓની ક્ષમતા વધુ મજબુત બનશે.

 

ભાઈઓ અને બહેનો, અમારી સરકારની સુરક્ષા નીતિઓનો અનુકુળ પ્રભાવ બહારના જ નહી પરંતુ દેશની આંતરિક સુરક્ષા ઉપર પણ હકારાત્મક પ્રભાવ પેદા કરી રહ્યો છે.

 

આપ સૌ જાણો છો કે કઈ રીતે આતંકવાદને ભારતની વિરુદ્ધ એક પ્રોક્સી વોરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. અમારી સરકારની નીતિઓ અને આપણા સૈનિકોની વીરતાનું આ પરિણામ છે કે જમ્મુ કાશ્મીરમાં આપણે એવી તાકાતોને સફળ થવા નથી દીધી. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 200થી વધુ આતંકી, જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોના સહયોગથી મારી નાખવામાં આવ્યા છે. પથ્થરમારાની ઘટનામાં પણ ઘણો ઘટાડો થયો છે.

 

ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પણ સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. નક્સલી માઓવાદી હિંસા પણ ઓછી થઇ ગઈ છે. આ સ્થિતિ એ વાતનો પણ સંકેત છે કે આ ક્ષેત્રોમાં વધુમાં વધુ લોકો હવે વિકાસની મુખ્યધારામાં પાછા ફરી રહ્યા છે.

 

હું આજે આ અવસર ઉપર એવા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું જેણે દેશની સુરક્ષામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.

 

રાજ્યોના પોલીસ દળ, અર્ધ સૈનિક દળ, આપણી સેનાઓ, સુરક્ષામાં લાગેલી તે દરેક એજન્સીઓ જે દેખાય છે અને તે દરેક એજન્સીઓ જે નથી દેખાતી, તેમના પ્રત્યે આ દેશના સવા સો કરોડ લોકો કૃતજ્ઞ છે. તેમને અભિનંદન આપું છું. હું તેમનો આભાર માનું છું.

 

સાથીઓ, દેશની મજબૂતી આપણા સુરક્ષા દળોની મજબૂતી સાથે જોડાયેલી છે અને એટલા માટે સુરક્ષા દળોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિલંબ કર્યા વિના તેમની માટે નિર્ણયો લેવા, તેમની સાથે ઉભા રહેવું એ આ સરકારની પ્રાથમિકતા છે. અને તે સરકારના સ્વભાવમાં છે. એ અમારી જ પ્રતિબદ્ધતા હતી જેના કારણે અને દાયકાઓથી વિલંબિત વન રેન્ક વન પેન્શનનો વાયદો હકીકતમાં બદલાઈ ગયો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ નિવૃત્ત ફૌજી ભાઈઓને લગભગ 11 હજાર કરોડ રૂપિયા એરીયરના રૂપમાં આપી દેવામાં પણ આવ્યા છે.

ભાઈઓ અને બહેનો, આજે આ અવસર પર હું સાગર પરિક્રમા માટે નીકળેલી ભારતીય નૌસેનાની 6 વીર, જાંબાઝ અધિકારીઓને પણ યાદ કરવા માંગીશ. તેમનું ગૌરવ કરવા માંગીશ.

 

આપણા દેશના સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલાજીની પ્રેરણાથી, ભારતની નારી શક્તિનો સંદેશ લઈને તેઓ ઘણા જુસ્સા સાથે, આ આપણી છ જાંબાઝ સેનાનીઓ આગળ વધી રહી છે.

 

સાથીઓ, તમે જ જળ ભૂમિ અને આકાશમાં આ અથાગ ભારતીય સામર્થ્યને સંભાળેલું છે. આજે આઇએનએસ કલ્વરીની સાથે એક નવા સફરની શરૂઆત થઇ રહી છે.

 

સમુદ્ર દેવ તમને સશક્ત રાખે, તમને સુરક્ષિત રાખે. शमनौ वरुण:” તમારો આ જ ધ્યેય મંત્ર છે. અમારી આ જ કામના સાથે હું આપ સૌને ફરી એકવાર નમન કરું છું, શુભકામનાઓ સાથે આપ સૌને આ સુવર્ણ જયંતી પર એક નવા પદાર્પણ માટે ખુબ ખુબ શુભકામનાઓ આપતા મારી વાણીને વિરામ આપું છું.

 

ખુબ ખુબ આભાર.

 

ભારત માતાની જય. 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators

Media Coverage

Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ડિસેમ્બર 2021
December 07, 2021
શેર
 
Comments

India appreciates Modi Govt’s push towards green growth.

People of India show immense trust in the Govt. as the economic reforms bear fruits.