Swami Vivekananda emphasized on brotherhood. He believed that our wellbeing lies in the development of India: PM
Some people are trying to divide the nation and the youth of this country are giving a fitting answer to such elements. Our youth will never be misled: PM Modi
India has been home to several saints, seers who have served society and reformed it: PM Modi
‘Seva Bhaav’ is a part of our culture. All over India, there are several individuals and organisations selflessly serving society: PM

તમને બધાને વિવેકાનંદ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

 

આજે બેલગાવીની ભવ્ય તસવીર જોઈને લાગે છે કે બધા વિવેકાનંદમય થઈ ગયા છે. આજે અહીં સર્વધર્મસભાનું પણ આયોજન થયું છે. આ માટે તમને બધાને શુભકામનાઓ.

 

અત્યારે જે ઉત્સાહ હું જોઈ રહ્યો છું, તેણે તમામનાં મન-મસ્તિષ્ક, મનમંદિરને એકરૂપ કરી દીધા છે, એકીકૃત કરી દીધા છે. “સહસ્ત્ર-સહસ્ત્ર વિવેક આહવાન”ની સાથે આજે એક વિશ્વવિક્રમ સ્થાપિત થયો છે.

 

આ બધું પૂજનીય શ્રી સિદ્ધલિંગ મહારાજ, શ્રી યલ્લાલિંગ પ્રભુજી અને શ્રી સિદ્ધ રમેશ્વર મહાસ્વામીજીનાં આશીર્વાદથી જ શક્ય બન્યું છે. તેમનાં આશીર્વાદની ઊર્જા અત્યારે તમારાં બધાનાં ચહેરા પર દેખાઈ રહી છે.

 

આ ઊર્જા, આ આશીર્વાદ હું પણ અનુભવી રહ્યો છું. ભાઈઓ અને બહેનો, બેલગાવ આવવાનો અનુભવ મારા માટે હંમેશા સુખદ રહ્યો છે. અહીં એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર જોવા મળે છે.

 

ભારતમાં બહુ ઓછી જગ્યાઓમાં પાંચ જુદી જુદી ભાષાઓનો સંગમ જોવા મળે છે. હું તમારાં બધાની સાથે બેલગાવીની ભૂમિને નમન કરૂ છું. બેલગાવી કિત્ત્તૂરની રાણી ચેન્નમાની ભૂમિ છે, અંગ્રેજો સામે બાથ ભીડનાર મહાન યોદ્ધા સંગોલી રયન્નાની ભૂમિ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ બેલગાવીમાં 10 દિવસ સુધી પ્રવાસ કર્યો હતો.

આ વર્ષે સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગોમાં આપેલા પ્રસિદ્ધ ભાષણને 125 વર્ષ થઈ રહ્યાં છે. જ્યારે તે સંબોધનને 100 વર્ષ થયાં હતાં, ત્યારે હું વિશેષ સ્વરૂપે શિકાગો ગયો હતો. તે વાતને પણ 25 વર્ષ થઈ ગયા છે. તેમની વાતોને, તેમનાં સંબોધનને આટલા વર્ષો વીતી ગયા પછી પણ આપણને દરરોજ, દરેક વળાંક પર, દરેક સમસ્યાનું સમાધાન શોધતા લાગે છે – અરે, સ્વામી વિવેકાનંદજીએ આવું કહ્યું હતું !!! કેટલું ઉચિત કહ્યું હતું !!! આપણને વિવેકાનંદજીને યાદ કરવાની જરૂર પડતી નથી, કારણ કે તેઓ આપણાં મનમંદિરમાં હંમેશા રહે છે.

 

એક ભારતીય કેવો હોવો જોઈએ – આ વિશે વિવેકાનંદજીએ અતિ શક્તિશાળી મંત્ર આપ્યો હતો. આ મંત્ર હતો – સ્વદેશનો મંત્ર. તેની દરેક પંક્તિમાં શક્તિ અને પ્રેરણા રહેલી છે. તેમણે કહ્યું હતું – “હે ભારત, તારૂ જીવન પોતાનાં વ્યક્તિગત સુખ માટે નથી એ વાત ક્યારેય ભૂલતો નહીં. ઓ વીર, ગર્વથી બોલો કે હું ભારતવાસી છું અને દરેક ભારતવાસી મારા ભાઈ છે. ગર્વથી કહો, જોશથી કહો કે દરેક ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારો પ્રાણ છે. ભારતની માટી મારૂ સ્વર્ગ છે. ભારતનાં કલ્યાણમાં જ મારૂ કલ્યાણ છે.”

 

આવાં હતાં વિવેકાનંદ અને તેમનાં વિચારો. વિવેકાનંદ ભારત સાથે એકાકાર હતાં. વિવેકાનંદ ભારત સાથે એકરૂપ હતાં. તેઓ ભારતનાં સુખદુઃખને પોતાનું સુખદુઃખ ગણતાં હતાં. તેઓ બુરાઈ સામે લડ્યાં હતાં. વિદેશમાં ભારતને મદારીઓ અને નટોનો દેશ જણાવતો કુટિલ દુષ્પ્રચાર તેમણે ધ્વસ્ત કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠા વધારી હતી. તેમનામાં જ્ઞાન-વિજ્ઞાન, ભાષા, સામાજિક સુધાર, આધુનિક જગતનાં પ્રગતિશીલ કદમો સાથે કદમ મિલાવીને ચાલવાનું સાહસ હતું.

 

તેમનામાં સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ, અસ્પૃશ્યતા, ભેદભાવ, પાખંડને તોડવાનો યોદ્ધાભાવ હતો. આ જ ભાવે વિવેકાનંદને યોદ્ધા સંન્યાસી બનાવ્યા હતાં. સ્વામી વિવેકાનંદે કોલંબોથી અલ્મોડાની યાત્રામાં જાતિનાં ભેદભાવ સામે અવાજ બુલંદ કર્યો હતો.

 

તેમણે લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે –

“જ્ઞાન અને દર્શનની દુનિયામાં તમારાથી વધારે મહાન કોઈ નહીં હોય, પણ આવો અધમ વ્યવહાર કોઈ કરતું નથી. ધિક્કાર છે, તમારાં આવા વ્યવહાર પર !!!”

 

તેમણે સો – સવા સો વર્ષ અગાઉ જે કહ્યું હતું, એ કદાચ આટલી સ્પષ્ટતા સાથે આજે પણ કહેવાનું સાહસ કોઈનામાં નથી. સાથીઓ, આપણે આ વાતાવરણ બદલવું પડશે, આપણે આપણી માનસિકતા બદલવી પડશે. વિવેકાનંદને અપનાવવા હોય તો જાતિદ્વૈષ, જાતિભેદનાં ઝેરમાંથી મુક્તિ મેળવવી પડશે, તેને ખતમ કરવું પડશે.

 

શ્રી સિદ્ધલિંગ મહારાજજીની પ્રેરણા સાથે તમારા મઠે પણ અગાઉનાં દાયકાઓમાં જાતિનાં તમામ પ્રકારનાં ભેદભાવને ખતમ કરવા માટે કામ કર્યું છે. કોઈ જાતિની પરવા કર્યા વિના, કોઈની જાતિ પૂછ્યાં વિના સમાજનાં ઉપેક્ષિત અને નબળાં વર્ગોને તમારાં દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવે છે.

 

તમારાં મઠ સાથે જોડાયેલા લોકોએ ગામેગામ જઈને પૂરરાહતનું કામ કર્યું છે,

ગરીબો વચ્ચે મફતમાં દવાઓ વહેંચી છે, ફ્રી મેડિકલ કેમ્પ લગાવ્યાં છે, લોકોને ભોજન કરાવ્યું છે, વસ્ત્રો આપ્યાં છે, તો શું તેનો આધાર જાતિ હોય છે? ના, બિલકુલ નહીં.

 

બહુ મુશ્કેલીપૂર્વક દાયકાઓ સુધી લોકોનાં પ્રયાસથી દેશ જાતિનાં બંધનથી મુક્ત હોવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે. પણ તમારાં જેવા લાખો-કરોડો લોકોની આ મહેનત પર કેટલાંક સમાજવિરોધી લોકોની નજર બગડી છે. આ લોકો દેશમાં જાતિનાં નામે ફરી ભાગલાં પાડવાનું ષડયંત્ર કરી રહ્યાં છે.

 

આ પ્રકારનાં લોકોને હાલની યુવા પેઢી દ્વારા ઉચિત જવાબ આપવામાં આવે છે. ભારતનાં નવયુવાનો આંગણી વેઢે ગણી શકાય એવા લોકોની ઉશ્કેરણીમાં નહીં આવે. દેશમાં જાતિવાદ, ગેરરીતિઓ, અંધવિશ્વાસને ખતમ કરવાનો સંકલ્પ કરનાર આવા નવયુવાનો, નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સંકલ્પ લેનાર યુવાનો જ આજનાં વિવેકાનંદ છે. તેઓ ભારતનાં વિક્રમી-પરાક્રમી, વિકાસનાં ચહેરાનું પ્રતીક છે.

 

જે નવયુવાનો રાષ્ટ્રનિર્માણમાં સક્રિય થઈને પોતાની ફરજ અદા કરી રહ્યાં છે, નવા ભારતનાં સંકલ્પને સિદ્ધ કરવા માટે કામ કરી રહ્યાં છે, તેઓ આજનાં વિવેકાનંદ છે. કોઈ ખેતરમાં, કોઈ કારખાનામાં, કોઈ શાળામાં, કોઈ કોલેજમાં, શેરી-મોહલ્લા-નુક્કડમાં દેશની સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ વિવેકાનંદ છે.

 

જેઓ અત્યારે સ્વચ્છ ભારતનાં અભિયાનને આગળ વધારી રહ્યાં છે, ગામેગામ જઈને લોકોને ડિજિટલ સાક્ષરતા પ્રદાન કરી રહ્યાં છે, તેઓ આજનાં વિવેકાનંદ છે. જેઓ દલિત-પીડિત-શોષિત વંચિતો માટે કામ કરી રહ્યાં છે, તેઓ આજનાં વિવેકાનંદ છે. જેઓ પોતાની ઊર્જાનો, પોતાનાં વિચારોનો, પોતાની નવીનતાનો સમાજનાં હિત માટે ઉપયોગ કરી રહ્યાં છે, તેઓ આજનાં વિવેકાનંદ છે.

 

સાથીઓ,

ગયા વર્ષે એક કાર્યક્રમનું આયોજન થયું હતું – સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન. આ કાર્યક્રમમાં 40,000થી વધારે યુવાનો દેશની લગભગ 600 સમસ્યાઓનું ડિજિટલ સમાધાન શોધવા ભેગાં થયાં હતાં. તેઓ પણ મારાં માટે વિવેકાનંદ જ છે. લાખો-કરોડો સાધારણ લોકો ભારતની માટીની સુગંધ માટે નવા ભારતનાં નિર્માતા આપણાં નવા યુગનાં વિવેકાનંદ જ છે. તેમને હું પ્રણામ કરૂ છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વિવેકાનંદને, દેશમાં ઉપસ્થિત તમામ વિવેકાનંદને હું નમન કરૂ છું.

 

ભાઈઓ અને બહેનો,

હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવતાં આપણાં દેશમાં સમયની સાથે પરિવર્તન થતું રહ્યું છે. વ્યક્તિમાં પરિવર્તન થયું છે, સમાજમાં પરિવર્તન આવ્યું છે, પણ સમયની સાથે સમાજમાં કેટલીક બદીઓ પણ પ્રવેશતી રહી છે.

 

આ આપણાં સમાજની વિશેષતા છે કે જ્યારે આવી બદીઓએ પ્રવેશ કર્યો છે, ત્યારે સમાજસુધારાનું કામ આપણી વચ્ચે રહેલી કોઈ વ્યક્તિએ જ શરૂ કર્યું છે. આ પ્રકારનાં મહાન સમાજસુધારકોએ હંમેશા જનસેવાને કેન્દ્રમાં રાખી છે. પોતાનાં મન-વચન-કર્મથી તેમણે સમાજને શિક્ષણ આપવાની સાથે લોકોની સેવાને પણ પ્રાથમિકતા આપી છે. દેશનાં સામાન્ય મનુષ્યને તેમને સમજાય એવી ભાષામાં સમજાવ્યું છે.

 

આ એક પ્રકારનું જનઆંદોલન હતું, જેનો વિસ્તાર સેંકડો વર્ષોનાં કાળખંડમાં દેખાયો છે.

 

આ આંદોલન દક્ષિણમાં મધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, પશ્ચિમમાં મીરાબાઈ, એકનાથ, તુકારામ, રામદાસ, નરસિંહ મહેતા, ઉત્તરમાં રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરૂ નાનકદેવ, સંત રૈદાસ, પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ અને શંકર દેવ જેવા સંતોનાં વિચારથી સશક્ત થયું હતું.

 

તેમને ક્યારેય ધાર્મિક આંદોલન સાથે જોડીને જોવામાં આવ્યું નથી એ પણ આપણાં દેશની અદભૂત શક્તિ છે. આપણે ત્યાં હંમેશા જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ ત્રણેયનાં સંતુલનનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

 

આ સંતો છેવટે હું કોણ છું એ પ્રશ્રનો જવાબ જ્ઞાનમાર્ગે શોધે છે, મેળવે છે.

 

ભક્તિ એટલે સમર્પણ. સમર્પણનું બીજું નામ જ ભક્તિ છે. કર્મ સંપૂર્ણપણે સેવાભાવ પર આધારિત છે. આ પ્રકારનાં સંતો, મહાપુરૂષોનો પ્રભાવ હતો કે દેશમાં તમામ આપત્તિઓને સહન કરીને તેઓ આગળ વધ્યાં હતાં. તે સમયે દેશનાં દરેક ક્ષેત્ર, દરેક વિસ્તાર, દરેક દિશામાં મંદિરો-મઠોમાંથી બહાર નીકળીને આપણાં સંતોએ એક સામાજિક ચેતના જગાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

આપણે ગર્વ સાથે કહી શકીએ કે હિંદુસ્તાન પાસે આવી મહાન પરંપરા છે, આ પ્રકારનાં મહાન સંતો-મુનિ રહ્યાં છે, જેમણે પોતાની તપસ્યા, પોતાનાં જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ કરવા માટે કર્યો છે.

 

આ પરંપરામાં સ્વામી દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, બાબા આમ્ટે, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, વિનોબા ભાવે જેવા અગણિત મહાપુરૂષ થયાં છે. તેમણે સેવાને કેન્દ્રમાં રાખીને સામાજિક સુધારા પણ કર્યાં હતાં.

 

તેમણે દેશ માટે, સમાજ માટે જે સંકલ્પ લીધો હતો, તેને સાકાર કરીને દેખાડ્યો હતો.

 

સાથીઓ,

તમારાં મઠે પણ ત્યાગની પરંપરાને અપનાવી છે, સેવાની પરંપરાને અપનાવી છે. તમારાં મઠને વિરક્ત મઠ નામથી પણ ઓળખવામાં આવે છે. વિરક્ત એટલે કે તમામ પ્રકારનાં સાંસરિક મોહથી મુક્ત. જુદાં જુદાં રાજ્યોમાં ફેલાયેલા તમારાં 360થી વધારે મઠ અન્નદાનની પ્રથા પર ચાલે છે, ગરીબો અને ભૂખ્યાં લોકોને ભોજન કરાવે છે, તો નિશ્ચિત રીતે ધરતી માતાની, માનવતાની સર્વોત્તમ સેવા થાય છે.

 

“શિવ ભાવે જીવ સેવા”નું આ ઉત્તમ ઉદાહરણ છે. આપણાં દેશનો તો ઇતિહાસ સેવામાં, સેવાભાવનો રહ્યો છે. દર થોડાં અંતરે ગરીબો માટે ભોજનાલય અને રહેવાની વ્યવસ્થા આપણી પરંપરા છે. આ વ્યવસ્થા સાધુસંતોનાં આશીર્વાદથી સામાન્ય સમાજનાં લોકો કરતાં હતાં. અત્યારે પણ અનેક શહેરો-ગામોમાં આ વ્યવસ્થા જીવિત છે, ફાલીફૂલી રહી છે.

 

ભાઈઓ અને બહેનો,

ભારતે હંમેશા સંપૂર્ણ વિશ્વને માનવતા, લોકતંત્ર, સુશાસન, અહિંસાનો સંદેશ આપ્યો છે. જ્યારે દુનિયાનાં મોટાં-મોટાં દેશો, પશ્ચિમનાં વિદ્વાનોએ લોકતંત્રને એક નવા દ્રષ્ટિકોણ સાથે જોવાની શરૂઆત કરી હતી એની સદીઓ અગાઉ ભારતે ગણતંત્રનાં આ મૂલ્યને આત્મસાત કરવાની સાથે પોતાની વહીવટી પદ્ધતિમાં સામેલ પણ કરી હતી.

 

ભગવાન બસવેશ્વરે બારમી સદીમાં દુનિયાને લોકતંત્રનો, સમાનતાનો વિચાર આપ્યો હતો. તેમણે ‘અનુભવ મંડપ’ નામની એવી વ્યવસ્થા વિકસાવી હતી, જેમાં તમામ પ્રકારનાં લોકો, ગરીબો-દલિતો-પીડિતો-વંચિતો પોતાનાં વિચાર પ્રગટ કરી શકતાં હતાં. અહીં તમામને સમાન દરજ્જો પ્રાપ્ત હતો.

 

જ્યારે વર્ષ 2015માં હું બ્રિટન ગયો હતો, ત્યારે ભગવાન બસવેશ્વરની મૂર્તિનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું.

 

મને યાદ છે કે એ સમયે બ્રિટનનાં પ્રધાનમંત્રી મેગ્ના કાર્ટાનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.

 

પણ મેગ્ના કાર્ટાની સદીઓ અગાઉ થયેલા બસેશ્વરે આપણને એક પ્રકારે પ્રથમ સંસદનો પરિચય કરાવ્યો હતો.

 

ભગવાન બસવેશ્વરનું ‘વચન’ હતું કે –

“જ્યારે વિચારોનું આદાનપ્રદાન ન થાય, જ્યારે તર્ક સાથે ચર્ચા ન થાય, ત્યારે અનુભવની ગોષ્ઠી પણ પ્રાસંગિક રહેતી નથી. જ્યાં આવું થાય છે, ત્યાં ઈશ્વરનો વાસ ન હોય.”

 

એટલે તેમણે વિચારોનાં આ મંથનને ઈશ્વરની જેમ શક્તિશાળી અને ઈશ્વરની જેમ જ આવશ્યક ગણાવ્યું હતું. અનુભવ મંડપમાં મહિલાઓને પણ વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હતી.

 

સમાજનાં તમામ વર્ગોની મહિલાઓ પોતાનાં વિચારો વ્યક્ત કરતી હતી. તેમાં કેટલીક મહિલાઓ એવી પણ હતી, જેઓ તથાકથિત સભ્ય સમાજ વચ્ચે એ સમયે આવીને પોતાનાં વિચારો રજૂ કરશે એવી અપેક્ષા પણ નહોતી. આ પ્રકારની મહિલાઓ પણ અનુભવ મંડપમાં પોતાની વાત રજૂ કરતી હતી.

 

એ સમયે મહિલા સશક્તિકરણની દિશામાં એ બહુ મોટો પ્રયાસ હતો. મેં ગયા વર્ષે જ ભગવાન બસવેશ્વરનાં વચનોનો 23 ભાષાઓમાં અનુવાદનું લોકાર્પણ કર્યું હતું.

 

મને આશા છે કે ભગવાન બસવેશ્વરનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં એ પ્રયાસ ઉપયોગી સાબિત થતો હશે.

આ પ્રસંગે હું ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી બી ડી જત્તીને પણ નમન કરૂ છું અને બાસવા સમિતિમાં તેમનાં યોગદાનને યાદ કરૂ છું. હું શ્રી અરવિંદ જત્તીનો પણ વિશેષ ઉલ્લેખ કરવા ઇચ્છું છું.

 

સાથીઓ,

મને જણાવવામાં આવ્યું છે કે પૂજનીય શ્રી સિદ્ધ રમેશ્વર મહાસ્વામીજી દ્વારા અનુભવ મંડપને ફરી શરૂ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેઓ તેને આ મઠમાં સ્થાપિત કરવા ઇચ્છતાં હતાં.

 

તેમનું એ સ્વપ્ન શ્રી મુરૂઘા રાજેન્દ્ર મહાસ્વામીનાં નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે એ બહુ આનંદની વાત છે. આ “અનુભવ મંડપ”માંથી દેશની સમાનતાનાં અધિકારનો સંદેશ પ્રસારિત થશે. “સર્વ જન સુખિનો ભવન્તુ”નાં મંત્ર પર ચાલીને તમામનાં સુખની કામના સાથે થયેલા આ આયોજન માટે હું તમને બધાને ખૂબ ખૂભ શુભેચ્છા આપવા ઇચ્છું છું.

 

સાથીઓ,

વર્ષ 2022માં આપણાં દેશની સ્વતંત્રતાનાં 75માં વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ આપણે દેશની આંતરિક નબળાઈઓ સાથે ઉજવીશું? ના. આપણે બધાએ નવા ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પમાં તમારૂ યોગદાન, સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરને વધારે સુગમ, વધારે સરળ બનાવી દેશે. શિક્ષણનાં ક્ષેત્રમાં, દિકરીઓને ભણાવવાનાં ક્ષેત્રમાં, યુવાનોમાં કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં, સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં, સ્વચ્છતાનાં ક્ષેત્રમાં, ડિજિટલ સાક્ષરતાનાં ક્ષેત્રમાં, સૌર ઊર્જાનાં પ્રસાર માટે, શું તમે કોઈ સંકલ્પ લઈ શકો?

 

મને ખબર છે કે તમે આ પ્રકારનાં ક્ષેત્રોમાં અગાઉથી જ કામ કરી રહ્યાં છો. પણ આંકડાઓમાં લક્ષ્યાંક નિર્ધારિત કરીને કોઈ સંકલ્પ લઈ શકાય? જેમ કે આગામી બે વર્ષમાં બે હજાર, પાંચ હજાર ગામડાઓને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવામાં મદદ કરવામાં આવશે આવો સંકલ્પ લઈ શકાય? આગામી બે વર્ષમાં પસંદ કરેલા પાંચ હજાર ગામડાઓમાં દરેક ઘરમાં LED બલ્બ સ્થાપિત કરવાનો સંકલ્પ લઈ શકાય?

 

સાથીઓ,

સરકાર આ તમામ ક્ષેત્રોમાં કામ કરી રહી છે, પણ લોકો વચ્ચે જાગૃતિ લાવવામાં, લોકોને પ્રેરિત કરવામાં તમારી બહુ મોટી ભૂમિકા છે. મને વિશ્વાસ છે કે જ્યારે તમે પગલું લેશો, તો લાખો વિવેકાનંદની શક્તિ તમારાં સંકલ્પોને સિદ્ધ કરશે.

અત્યારે બેલગાવીમાં દસ હજાર વિવેકાનંદ ભેગા થયા છે, ત્યારે લાખો વિવેકાનંદ એકત્ર થશે. તમારૂ કાર્ય સિદ્ધ થશે, તો આપણી સામાજિક વ્યવસ્થા પણ વધારે મજબૂત થશે. એક ભારત – શ્રેષ્ઠ ભારતનું, સમર્થ ભારતનું સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સાકાર થશે.

 

આ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ફરી એક વખત હું મંચ પર ઉપસ્થિત તમામ સંતોને પ્રણામ કરૂ છું. તમને બધાને રાષ્ટ્રીય યુવા દિવસ અને સર્વધર્મસભાની ફરી ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ ધન્યવાદ !!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'

Media Coverage

RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 10 ઓક્ટોબર 2024
October 10, 2024

Transforming Lives: PM Modi's Initiatives Benefits Citizens Across all walks of Life