પ્રધાનમંત્રીએ આજે વિશ્વનાં જળ પરિભ્રમણ અભિયાન પર નીકળેલા ઇન્ડિયન નેવલ સેલિંગ વેસલ (આઇએનએસવી) તરિણીની તમામ નાવિકાઓને વીડિયો કોલ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ આઇએનએસવી તરિણીની તમામ નાવિકાઓને સમગ્ર દેશ તરફથી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારતીય નૌકાદળની મહિલા નાવિકાઓને તેમનાં અભિયાનમાં સફળતા મળે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.

અગાઉ પ્રધાનમંત્રી 16 ઓગસ્ટ, 2017નાં રોજ આઇએનએસવી તરિણીનાં સભ્યોને મળ્યાં હતાં. ત્યારબાદ ટુકડી 22,100 નોટિકલ માઇલનાં વિશ્વનાં જળપરિભ્રમણ પર નીકળી હતી. અત્યારે આઇએનએસવી તેમનાં પ્રથમ પડાવ ઓસ્ટ્રેલિયાનાં ફ્રિમેન્ટલ પહોંચવાની તૈયારીમાં છે અને 4770 નોટિકલ માઇલ અંતર કાપીને 22 ઓક્ટોબર, 2017 નાં રોજ ત્યાં પહોંચી જશે એવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રીએ આ ટુકડીનાં બે સભ્ય લેફ્ટનન્ટ કમાન્ડર વાર્તિકા જોશી અને લેફ્ટનન્ટ પાયલ ગુપ્તાને જન્મદિવસની અગ્રિમ શુભેચ્છા પાઠવી હતી. આ બંને સભ્યોનો જન્મદિવસ થોડાં દિવસમાં આવી રહ્યો છે.


