પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નિકોલે-આયોનેલ સિઉકા સાથે ફોન પર વાત કરી.
પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર લાવવામાં રોમાનિયા દ્વારા આપવામાં આવેલી સહાય માટે મહામહિમ શ્રી નિકોલે-આયોનેલ સિયુકાનો આભાર માન્યો હતો. તેમણે ખાસ કરીને ભારતીય નાગરિકોને વિઝા વિના રોમાનિયામાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ભારતમાંથી વિશેષ સ્થળાંતર ફ્લાઇટને પરવાનગી આપવા બદલ રોમાનિયાના સહયોગની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને આગામી થોડા દિવસોમાં ભારતીય નાગરિકોના સ્થળાંતરના પ્રયાસો પર દેખરેખ રાખવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાને તેમના ખાસ દૂત તરીકે તહેનાત કરવા વિશે પણ શ્રી સિયુકાને જાણ કરી હતી.
પ્રધાનમંત્રીએ યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને માનવીય કટોકટી અંગે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને દુશ્મનાવટ બંધ કરવા અને વાતચીતમાં પરત ફરવા માટે ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.


