|
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભ્રષ્ટાચાર સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન-ઉપવાસ કરનારા શ્રી અણ્ણા હજારેને જાહેરપત્ર લખીને ગુજરાતના વિકાસ માટે અને તેમની વ્યકિતગત પ્રસંશા કરવા માટે આભારની લાગણી વ્યકત કરી છે અને જણાવ્યું છે કે શ્રી અણ્ણા હજારેએ દ્રઢતાપૂર્વક હિંમત બતાવી છે અને સત્યનિષ્ઠા તથા સૈનિક જેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી છે તે માટે ગુજરાત તેમનું આભારી છે. સાથોસાથ મુખ્યમંત્રીશ્રી અણ્ણાજીનું એ હકિકત પ્રત્યે ધ્યાન દોર્યું છે કે ગુજરાત વિરોધી સ્થાપિત હિતો માટે કાર્યરત એક ટોળકી, મેદાનમાં આવીને અણ્ણા હજારેને બદનામ કરવાની કોઇ તક જતી નહીં કરે ત્યારે શ્રી અણ્ણાજીની સત્યનિષ્ઠાને ઉની આંચ ન આવે તેવી નવરાત્રીના પાવન પર્વે આઘશકિત જગદમ્બા પાસે તેઓ પ્રાર્થના કરે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી અણ્ણા હજારેને લખેલો ખૂલ્લો પત્ર અક્ષરશઃ આ પ્રમાણે છેઃ આદરણીય અણ્ણાજી, સાદર પ્રણામ. નવરાત્રિના મારા આઠમા ઉપવાસે, આજે વહેલી સવારે પાંચ વાગે, આપને આ પત્ર લખવા પ્રેરાયો છું. આપ જ્યારે દિલ્હીમાં ઉપવાસ પર બેઠા હતા તે જ દિવસોમાં, નવરાત્રિ નિમિત્તે શક્તિ-ઉપાસનાના મારા પણ ઉપવાસ ચાલતા હતા અને મને સહજ આનંદ પણ હતો કે મા જગદમ્બાની કૃપાથી, પરોક્ષ રીતે આપના આ ઉમદા હેતુનો હું પણ સહયાત્રી બન્યો છું. નવરાત્રિના ઉપવાસ અને ચૂંટણીની વ્યસ્ત દોડધામ વચ્ચે, આસામમાં મા કામાક્ષીદેવીના દર્શનનો મને અવસર મળ્યો. આપના ઉપવાસ ચાલુ હતા એટલે સ્વાભાવિક રીતે જ મા કામાક્ષીદેવી સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય માટેની પ્રાર્થનાનો ભાવ પ્રગટયો. તેમાં પણ કોઈ સદ્શક્તિના જ આશીર્વાદ હશે એમ હું માનું છું. ગઈ કાલે કેરળના ચૂંટણી પ્રવાસેથી રાત્રે બે વાગે પરત ગાંધીનગર આવ્યો. ગઈકાલે જ કેરળમાં મને કોઇએ ઉત્સાહવર્ધક સમાચાર આપ્યા કે આપે ગુજરાતના વિકાસ માટે અને મારા માટે સારો ભાવ વ્યક્ત કર્યો. આપના, આ આશીર્વાદ માટે હું આપનો આભારી છું. આદરણીય અણ્ણાજી, આપના માટેનો મારો આદર દાયકાઓ જૂનો છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશતાં પહેલાં, હું પૂર્ણ સમયના પ્રચારક તરીકે આર.એસ.એસ.માં કામ કરતો હતો. તે સમયે આર.એસ.એસ.ના રાષ્ટ્રીય કક્ષાના જે કોઈ આગેવાનો આવતા તેઓ અમારી મિટીંગમાં, આપના ગ્રામ વિકાસના કાર્યને અનુસરવા, આપના પ્રેરણારૂપ કાર્યની વિગતો અવશ્ય આપતા. તેની મારા મન પર ઊંડી અસર હતી. ભૂતકાળમાં મને આપના દર્શનનું સૌભાગ્ય પણ મળ્યું હતું. ગુજરાતની અને મારી બાબતે જે શુભભાવ વ્યક્ત કરીને આપે જાહેરમાં જે દૃઢતાપૂર્વક હિંમત બતાવી તે બદલ, આખું ગુજરાત આપનું આભારી છે. આપની આ હિંમતમાં, આપની સત્યનિષ્ઠા અને સૈનિક જેવી પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ છે અને તેના કારણે આપના મંતવ્યો વ્યાપક સ્વીકૃત બન્યાં છે. આપે મારી પ્રસંશા કરી છે પણ તેથી હું ગર્વિષ્ઠ ન બનું, કોઈ ભૂલ ન કરી બેસું તેવા આશીર્વાદ પણ આપ મને આપો એવી વિનંતી. આપના આશીર્વાદે મને સાચું અને સારું કરવાની નવી હિંમત આપી છે. સાથે સાથે મારી જવાબદારી પણ વધી ગઈ છે. આપના આ નિવેદનને કારણે દેશના કરોડો યુવકો-યુવતીઓ મોટી અપેક્ષા રાખશે ત્યારે મારી કોઈ નાનકડી ભૂલ પણ સહુને નિરાશ ન કરી દે એ માટે હું સતત સજાગ રહું એવા આશીર્વાદ આપો. આદરણીય અણ્ણાજી, આ નાજુક સમયે મારે કહેવું જોઈએ કે હું એક અત્યંત સામાન્ય કુટુંબમાંથી આવતો તદ્દન સામાન્ય માનવી છું. મારા કુટુંબમાં દૂર દૂર સુધી પણ કોઈને રાજકારણ સાથે કે સત્તાકારણ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી, મનુષ્ય તરીકે હું ક્યારેય પૂર્ણ હોવાનો ભ્રમ રાખતો નથી. મારામાં પણ મનુષ્ય સહજ ઊણપો હોય; ગુણ પણ હોય, અવગુણ પણ હોય. પરંતુ હું પ્રાર્થતો રહું છું કે, મને સતત મા જગદમ્બાના આશીર્વાદ મળતા રહે, જેથી મારા ઉપર મારા અવગુણો અને મારી ઊણપો હાવી ન થઈ જાય. સદાય સારું કરવાની મહેચ્છા સાથે, ગુજરાતના વિકાસને સમર્પિત થઈને ગરીબનાં આંસુ લૂછવામાં મને આપ જેવા વડીલોના આશીર્વાદ મળતા રહે એજ વિનંતી. આદરણીય અણ્ણાજી, આપ તો ગાંધી રંગે રંગાયેલા એક ફોજી છો. ગઈકાલે કેરળના મારા ચૂંટણી પ્રવાસમાં, આપે મને આશીર્વાદ આપ્યાના સમાચાર આવ્યા તે જ ક્ષણે મારા મનમાં ભીતિ જાગેલી કે હવે અણ્ણાજીનું આવી બન્યું. ગુજરાત વિરોધી સ્થાપિત હિતો માટે કામ કરતી એક ટોળકી આપને ચૂંથી નાખશે. આપના ત્યાગ, તપસ્યા અને સત્યનિષ્ઠાને ડાધ લગાવવા માટે આ મુદ્દાનો દૂરુપયોગ કરશે. મારા નામે અને ગુજરાતના નામે, આપને ભૂંડા ચિતરવાની કોઈ તક તેઓ જતી નહીં કરે. કમનસીબે મારી આશંકા સાચી પડી. ફરી એકવાર આખી ટોળકી મેદાનમાં આવી ગઈ. નવરાત્રિના પાવન પર્વે મા જગદમ્બાને પ્રાર્થના કરું છું કે આપની સત્યનિષ્ઠાને ઊની આંચ ન આવે. આપ તો જાણતા જ હશો કે ગુજરાત વિશે સાચું બોલનાર, સારું બોલનાર નાના-મોટા સહુ કોઈ ઉપર, કેવા કેવા માનસિક અત્યાચારો ગુજારવાની ફેશન થઈ ગઈ છે. ભૂતકાળમાં કેરળના કુન્નરના સામ્યવાદી પાર્ટીના મુસ્લિમ સાંસદ શ્રી પી. અબ્દુલ્લા કુટ્ટીએ જાહેરમાં ગુજરાતના વિકાસનાં વખાણ કર્યાં તો આવા સિનિયર નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી. આ સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચને ગુજરાતના ટુરિઝમના વિકાસ માટે વિનામૂલ્યે ઉમદા સેવા કરી તો આ ટોળકી શ્રી બચ્ચનની પાછળ પડી ગઈ. ચારે તરફ હોબાળો કરીને તેમની ઉપર ગુજરાત સાથેનો નાતો તોડી નાખવા દબાણ કર્યું, અપપ્રચારની આંધી ચલાવી. મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં નિમંત્રણ હોવા છતાં તેઓને પ્રવેશવા ન દીધા. ગુજરાતના અગ્રણી ગાંધી વિચારક શ્રી ગુણવંતભાઈ શાહ, ગુજરાતની ગૌરવ ગાથાના પક્ષમાં સ્પષ્ટ વાત કરતા હોઈ તેમને પણ અછૂત બનાવવાના પ્રયાસો થતા રહ્યા છે. દારૂલ ઉલૂમ દેવબંધ સંસ્થાના વડા તરીકે ચૂંટાયેલા ગુજરાતના શ્રી મૌલાના ગુલામ વસ્તનવીએ ગુજરાતમાં ખૂબ વિકાસ થઈ રહ્યો છે, અને ધર્મના આધારે કોઈ ભેદભાવ રખાતો નથી અને વિકાસનાં ફળ સહુને મળે છે; એવું જાહેરમાં બોલ્યા કે તે સાથે જ તેમની પર આભ તૂટી પડયું. સ્થાપિત હિતોની ટોળકીએ તેમને પરેશાન કરી મૂક્યા. હમણાં ભારતીય સેનાના એક વડા, ગોલ્ડન કટાર ડિવિઝનના જી.ઓ.સી. મેજર જનરલ આઈ. એસ. સિંહાએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરી ત્યારે પણ આ જ ટોળકીએ કાગારોળ કરી મૂકી અને તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે માગણી સુદ્ધાં કરી. આ તો થોડાંક જ ઉદાહરણો છે; પરંતુ ગુજરાતની સાચી દિશાની વિકાસયાત્રા, આવા સ્થાપિત હિતોની ટોળકી માટે આંખમાં કણાની જેમ ખૂંચે છે. ગુજરાતનું નામ આવતાની સાથે જ જુઠ્ઠાણાં, અપપ્રચારની આંધી ચલાવવામાં આવે છે. આદરણીય અણ્ણાજી, ગુજરાતના ૬ કરોડ નાગરિક ભાઈઓ-બહેનો નથી ઇચ્છતાં કે આ ટોળકી આપને પણ દુઃખી કરે. મને હજુ પણ ડર છે. આ ટોળકી આપને આફતમાં મૂકશે જ. પ્રભુ આપને શક્તિ આપે. દેશ માટેના આપના ત્યાગ અને તપસ્યાને આદરપૂર્વક નમન કરું છું. ઈશ્વર, આપને ખૂબ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીધાર્યુ આપે જેથી મારા જેવા અનેકાનેકને આપનું માર્ગદર્શન મળતું રહે એજ પ્રાર્થના. આપનો, નરેન્દ્ર મોદી નવરાત્રિ દિનાંક ૧૧-૦૪-૨૦૧૧ |
|
| April 11, 2011 |
Published By : Admin |
April 11, 2011 | 03:41 IST
Login or Register to add your comment
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025
The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.
The Prime Minister’s Office posted on X;
“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.
@CMOGuj”
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/IMBh7EMPqN
— PMO India (@PMOIndia) December 19, 2025


