રાજનૈતિક પ્રવૃત્તિઓના જાહેરજીવનમાં મહિલાઓને જનશકિતથી સેવાકાર્યોનો અપાર અવસર
મહિલા મોરચાની બહેનો ગુજરાતમાં મહિલા ઉત્કર્ષની ગૌરવવંતી સિધ્ધિઓથી પ્રભાવિત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આજે આવેલા મુંબઇના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પદાધિકારીઓએ ગુજરાતમાં મહિલા ઉત્કર્ષ અને માતૃ-બાળ કલ્યાણના ક્ષેત્રમાં જે દેશભરમાં અગ્રીમ કાર્યસફળતાનું ગૌરવ મેળવ્યું છે તેની ખૂબજ પ્રસંશા કરી હતી.મુંબઇ ભાજપા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વિન્દા કિર્તીકર અને શ્રી માધવી ભૂતાના નેતૃત્વમાં ૧૮ પદાધિકારી બહેનોએ શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનની મહિલા ગૌરવ નીતિ, મિશન મંગલમ્ દ્વારા સખીમંડળોની આર્થિક પ્રવૃત્તિઓ, કુપોષણની સમસ્યા સામે જનસમાજની ભાગીદારીથી થઇ રહેલી પોષક આહારની પ્રવૃત્તિઓ અને મહિલા સશકિતકરણ વિશેના નવતર અભિગમની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજનૈતિક પ્રવૃત્તિઓના જાહેરજીવનમાં મહિલાઓ માટે સમાજસેવાના અનેકવિધ અવસરો છે અને સમાજમાં ભાજપાના મહિલા કાર્યકર્તાઓની સેવાની ઓળખ પ્રસ્થાપિત થયેલી છે.
મુંબઇ ભાજપા મહિલા મોરચાની આ બહેનોએ મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિની તુલનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદ છતાં જળસંચય વ્યવસ્થાપનથી અકાળની સ્થિતિ દ્રષ્ટિમાન થતી નથી, એમ જણાવ્યું હતું.