મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણે જોઈએ છીએ કે દેશ કઈ રીતે પૂરી તાકાત સાથે કૉવિડ-૧૯ સામે લડી રહ્યો છે. ગત સો વર્ષમાં આ સૌથી મોટો રોગચાળો છે અને આ રોગચાળા વચ્ચે ભારતે અનેક કુદરતી આપત્તિઓનો પણ મજબૂત રીતે સામનો કર્યો છે. આ દરમિયાન વાવાઝોડું અમ્ફાન આવ્યું, વાવાઝોડું નિસર્ગ આવ્યું, અનેક રાજ્યોમાં પૂર આવ્યાં, નાનામોટા ભૂકંપ આવ્યા, ભૂસ્ખલન થયાં. હમણાંહમણાં ગત ૧૦ દિવસોમાં જ દેશે ફરી બે મોટાં વાવાઝોડાંનો સામનો કર્યો. પશ્ચિમી દરિયાકાંઠે વાવાઝોડું ‘તાઉ-તે’ અને પૂર્વીય દરિયાકાંઠે વાવાઝોડું ‘યાસ’. આ બંને ચક્રાવાતોએ અનેક રાજ્યોને પ્રભાવિત કર્યાં છે. દેશ અને દેશની જનતા તેમની સામે પૂરી તાકાત સાથે લડી અને ઓછામાં ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી. આપણે હવે એ અનુભવ કરીએ છીએ કે અગાઉનાં વર્ષોની સરખામણીમાં, વધુમાં વધુ લોકોનો જીવ બચાવી રહ્યા છીએ. વિપત્તિની આ કઠિન અને અસાધારણ પરિસ્થિતિમાં વાવાઝોડાંથી પ્રભાવિત થયેલાં બધાં રાજ્યોના લોકોએ જે રીતે સાહસનો પરિચય આપ્યો છે, સંકટની આ ઘડીમાં ખૂબ જ ધૈર્ય સાથે અનુશાસન સાથે મુકાબલો કર્યો છે- હું આદરપૂર્વક, હૃદયપૂર્વક બધા નાગરિકોની પ્રશંસા કરું છું. જે લોકોએ આગળ આવીને રાહત અને બચાવના કાર્યમાં ભાગ લીધો, એવા સર્વે લોકોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું એ બધાને વંદન કરું છું. કેન્દ્ર, રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન, બધાં, એક સાથે મળીને આ આપત્તિનો સામનો કરવામાં લાગેલા છે. હું તે બધાં લોકોના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના નિકટના લોકોને ગુમાવ્યા છે. આપણે બધાં આ મુશ્કેલ સમયમાં તે લોકો સાથે મજબૂતીથી ઊભા છીએ જેમણે આ આપત્તિથી નુકસાન વેઠ્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.

સાથીઓ, જ્યારે બીજું મોજું આવ્યું, અચાનક જ ઑક્સિજનની માગ અનેક ગણી વધી ગઈ તો બહુ મોટો પડકાર હતો. મેડિકલ ઑક્સિજનને દેશના દૂરના ભાગોમાં પહોંચાડવું એ પોતાની રીતે બહુ મોટો પડકાર હતો. ઑક્સિજન ટૅન્કર બહુ ઝડપથી ચાલે. નાનકડી પણ ભૂલ થાય, તો તેમાં બહુ મોટા વિસ્ફોટનું જોખમ હોય છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનું ઉત્પાદન કરનારા ઘણા પ્લાન્ટ દેશના પૂર્વીય ભાગોમાં છે ત્યાંથી બીજાં રાજ્યોમાં ઑક્સિજન પહોંચાડવા માટે પણ અનેક દિવસો લાગે છે. દેશ સામે આવેલા આ પડકારમાં દેશની મદદ કરી, ક્રાયૉજેનિક ટૅન્કર ચલાવનારા ડ્રાઇવરોએ, ઑક્સિજન ઍક્સ્પ્રેસે, વાયુ દળના પાઇલૉટોએ. એવા અનેક લોકોએ યુદ્ધ સ્તર પર કામ કરીને હજારો-લાખો લોકોનું જીવન બચાવ્યું. આજે ‘મન કી બાત’માં આપણી સાથે આવા જ એક સાથી જોડાઈ રહ્યા છે- ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા શ્રીમાન દિનેશ ઉપાધ્યાય જી....

મોદી જી- દિનેશજી, નમસ્કાર.

દિનેશ ઉપાધ્યાય જી- સર જી, પ્રણામ.

મોદીજી- સૌથી પહેલાં તો હું ઈચ્છીશ કે તમે જરા તમારા વિશે અમને જરૂર જણાવો.

દિનેશ ઉપાધ્યાય જી- સર, મારું નામ દિનેશ બાબુલનાથ ઉપાધ્યાય છે. હું ગામ હસનપુર, પૉસ્ટ જમુઆ, જિલ્લા જૌનપુરનો નિવાસી છું, સર.

મોદીજી-ઉત્તર પ્રદેશના છો?

દિનેશ- હા. હા. સર.

મોદીજી- જી

દિનેશ- અને સર, મારે એક દીકરો છે, બે દીકરી અને પત્ની તેમજ માતાપિતા.

મોદીજી- અને, તમે શું કરો છો?

દિનેશજી-સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર... પ્રવાહી ઑક્સિજનનું.

મોદીજી- બાળકોનો અભ્યાસ બરાબર થઈ રહ્યો છે ને?

દિનેશ- હા સર. બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. દીકરીઓ પણ ભણી રહી છે, બંને અને મારો દીકરો પણ ભણી રહ્યો છે.

મોદીજી- આ ઑનલાઇન ભણતર પણ બરાબર ચાલે છે ને, તેમનું?

દિનેશ- હા સર, સારી રીતે કરી રહ્યા છે. અત્યારે મારી દીકરીઓ ભણી રહી છે. ઑનલાઇનમાં જ ભણી રહી છે સર. સર, ૧૫થી ૧૭ વર્ષ થઈ ગયા સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર.

મોદીજી- અચ્છા! તમે આ ૧૫-૧૭ વર્ષથી માત્ર ઑક્સિજન લઈને જાવ છો તો ટ્રક ડ્રાઇવર નથી. તમે એક રીતે લાખોનું જીવન બચાવવામાં લાગેલા છો.

દિનેશ- સર, અમારું કામ જ એવું છે સર, ઑક્સિજન ટૅન્કરનું કે અમારી જે કંપની છે INOX કંપની તે પણ અમારા લોકોનું બહુ ધ્યાન રાખે છે અને અમે લોકો ક્યાંય પણ જઈને ઑક્સિજન ખાલી કરીએ તો અમને બહુ આનંદ થાય છે, સર.

મોદીજી- પરંતુ અત્યારે કોરોનાના સમયમાં તમારી જવાબદારી ઘણી વધી ગઈ છે.

દિનેશ- હા સર, ઘણી વધી ગઈ છે.

મોદી જી- જ્યારે તમે ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેસો છો તો તમારા મનમાં શું ભાવ હોય છે? પહેલાંની સરખામણીમાં શું અલગ અનુભવ? ઘણું દબાણ પણ રહેતું હશે. માનસિક તણાવ પણ રહેતો હશે. પરિવારની ચિંતા, કોરોના અથવા વાતાવરણ, લોકોની તરફથી દબાણ, માગણીઓ. શું-શું થતું હશે?

દિનેશ- સર અમને કોઈ ચિંતા નથી થતી. અમને ખાલી એ જ થાય છે કે અમારે અમારું જે કર્તવ્ય નિભાવવાનું છે, સરજી, તે અમે ટાઇમ પર લઈને જો અમારા ઑક્સિજનથી કોઈને જીવન મળે છે તો તે અમારા માટે બહુ ગૌરવની વાત છે.

મોદીજી- બહુ ઉત્તમ રીતે તમે તમારી ભાવના વ્યક્ત કરી રહ્યા છો. ચાલો એ કહો કે આજે આ રોગચાળાના સમયમાં તમારા કામના મહત્ત્વને જોઈએ છીએ, જે કદાચ પહેલાં આટલું નહીં સમજ્યા હોય, હવે સમજી રહ્યા છીએ તો શું તમારા અને તમારા કામ પ્રત્યે તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે?

દિનેશ- હા સરજી. થોડા સમય પહેલાં અમે ઑક્સિજનના ડ્રાઇવર ક્યાંય પણ જામમાં આમતેમ ફસાયેલા રહેતા હતા, પરંતુ આજની તારીખમાં તંત્રના લોકોએ પણ અમારા લોકોની ઘણી મદદ કરી. અને જ્યાં પણ અમે જઈએ છીએ તો અમે પણ અમારી અંદર જિજ્ઞાસા આવી જાય છે, અમે કેટલી ઝડપથી પહોંચીને લોકોનો જીવ બચાવીએ, સર. પછી ભલે ભોજન મળે કે ન મળે, કંઈ પણ તકલીફ પડે પરંતુ અમે હૉસ્પિટલ પહોંચીએ છીએ જ્યારે ટૅન્કર લઈને અને જોઈએ છીએ કે હૉસ્પિટલવાળા અમને vનો ઈશારો કરે છે, તેમના પરિવારના લોકો જેમના ઘરના લોકો અંદર દાખલ હોય છે.

મોદીજી- અચ્છા, વિક્ટરીનો વી બતાવે છે?

દિનેશ- હા સર. વી બતાવે છે, કોઈ અંગૂઠો બતાવે છે. અમને બહુ જ શાંતિ મળે છે અમારા જીવનમાં કે અમે કોઈ સારું કામ જરૂર કર્યું છે કે મને આવી સેવા કરવાનો અવસર મળ્યો છે.

મોદીજી- બધો થાક ઉતરી જતો હશે...

દિનેશ- હા સર. હા સર.

મોદીજી- તો ઘર આવીને બાળકોને બધી વાતો કરો છો તમે?

દિનેશ – ના સર. બાળકો તો અમારા ગામમાં રહે છે. અમે તો અહીં INOX Air productમાં , હું ડ્રાઇવરી (ડ્રાઇવર તરીકે) કરું છું. ૮-૯ મહિના પછી ત્યારે ઘર જઉં છું.

મોદીજી- તો ક્યારેક ફૉન પર બાળકો સાથે વાતો કરતા હશો ને?

દિનેશ- હા સર. નિયમિત થાય છે.

મોદીજી- તો તેમના મનમાં થતું હશે પિતાજી જરા સંભાળો આવા સમયે?

દિનેશ-સર જી, તે લોકો કહે છે કે પાપા કામ કરો, પરંતુ તમારી સુરક્ષા સાથે કરો અને અમે લોકો સર, સુરક્ષા સાથે કામ કરીએ છીએ. અમારો માનગાંવ પ્લાન્ટ પણ છે. INOX અમારા લોકોની ઘણી મદદ કરે છે.

મોદીજી- ચાલો. દિનેશજી, મને ઘણું સારું લાગ્યું. તમારી વાતો સાંભળીને અને દેશને પણ લાગશે કે આ કોરોનાની લડાઈમાં કેવા-કેવા લોકો કેવી-કેવી રીતે, કામ કરી રહ્યા છે. તમે નવ-નવ મહિના સુધી તમારાં બાળકોને નથી મળતાં. પરિવારને નથી મળતાં કારણકે માત્ર લોકોનો જીવન બચી જાય. જ્યારે દેશ આ સાંભળશે તો દેશને ગર્વ થશે કે લડાઈ આપણે જીતીશું કારણકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આપણી સાથે છે જે પૂરી તાકાતથી લાગેલા છે.

દિનેશ- સર જી. આપણે લોકો કોરોનાને કોઈ ને કોઈ દિવસે જરૂર હરાવીશું, સરજી.

મોદીજી- ચાલો, દિનેશજી, તમારી ભાવનાઓ એ જ તો દેશની તાકાત છે. બહુ બહુ ધન્યવાદ દિનેશજી. અને તમારા બાળકોને મારા આશીર્વાદ કહેશો.

દિનેશ- ઠીક છે, સર. પ્રણામ.

મોદીજી- ધન્યવાદ.

દિનેશ- પ્રણામ. પ્રણામ.

મોદીજી- ધન્યવાદ.

સાથીઓ, દિનેશજી જેમ કહી રહ્યા હતા ખરેખર જ્યારે એક ટૅન્કર ડ્રાઇવર ઑક્સિજન લઈને હૉસ્પિટલ પહોંચે છે તો ઈશ્વરે મોકલેલા દૂત જ લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે આ કામ જવાબદારીવાળું હોય છે અને તેમાં કેટલું માનસિક દબાણ પણ હોય છે.

સાથીઓ, પડકારના આ સમયમાં, ઑક્સિજનના પરિવહનને સરળ કરવા માટે ભારતીય રેલવે પણ આગળ આવ્યું છે. ઑક્સિજન ઍક્સ્પ્રેસ, ઑક્સિજન રેલવેએ સડક પર ચાલનારા ઑક્સિજન ટૅન્કરથી અનેક ગણી વધુ ઝડપથી, અનેક ગણી વધુ પ્રમાણમાં, ઑક્સિજન દેશના ખૂણે-ખૂણામાં પહોંચાડ્યો છે. માતાઓ અને બહેનોને એ જાણીને ગર્વ થશે કે એક ઑક્સિજન ઍક્સ્પ્રેસ તો પૂરી રીતે મહિલાઓ જ ચલાવી રહી છે. દેશની દરેક નારીને આ વાતનો ગર્વ થશે. એટલું જ નહીં, દરેક હિન્દુસ્તાનીને ગર્વ થશે. મેં ઑક્સિજન ઍક્સ્પ્રેસની એક લૉકૉ-પાઇલૉટ શિરિષા ગજનીજીને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યાં છે.

મોદીજી-શિરિષાજી, નમસ્તે.

શિરિષા- નમસ્તે સર. કેમ છો સર?

મોદીજી- હું બહુ સારો છું. શિરિષાજી, મેં સાંભળ્યું છે કે તમે તો રેલવે પાઇલૉટના રૂપમાં કામ કરી રહ્યાં છો અને મને કહેવામાં આવ્યું કે તમારી મહિલાઓની આખી ટોળી આ ઑક્સિજન ઍક્સ્પ્રેસને ચલાવી રહી છે. શિરિષાજી, તમે ખૂબ જ શાનદાર કામ કરી રહ્યાં છો. કોરોના કાળમાં તમારી જેમ અનેક મહિલાઓએ આગળ આવીને કોરોના સામે લડવામાં દેશને તાકાત આપી છે. તમે પણ નારી શક્તિનું એક મોટું ઉદાહરણ છો. પરંતુ દેશ જાણવા માગશે, હું જાણવા માગું છું કે તમને આ પ્રેરણા ક્યાંથી મળે છે?

શિરિષા- સર, મને પ્રેરણા મારાં માતાપિતાથી મળે છે, સર. મારા પિતાજી સરકારી કર્મચારીછે. ખરેખર તો મારે બે મોટી બહેન છે. અમે ત્રણ બહેનો છીએ પરંતુ મારા પિતાજી અમને કામ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે. મારી સૌથી મોટી બહેન સરકારી બૅન્કમાં નોકરી કરે છે અને હું રેલવેમાં છું. મારાં માતાપિતા મને પ્રોત્સાહન આપે છે.

મોદીજી- અચ્છા શિરિષાજી, તમે સામાન્ય દિવસોમાં પણ રેલવેને તમારી સેવાઓ આપી છે. ટ્રેનને સ્વાભાવિક ચલાવી છે પરંતુ જ્યારે આ એક તરફ ઑક્સિજનની આટલી માગણી અને જ્યારે તમે ઑક્સિજનને લઈને જઈ રહ્યા છો તો થોડું જવાબદારીભર્યું કામ રશે, થોડી વધુ જવાબદારી હશે? સામાન્ય માલને લઈ જવી અલગ વાત છે, ઑક્સિજન તો બહુ નાજુક હોય છે આ ચીજો, તો શું અનુભવ થયો હતો?

શિરિષા- મને આનંદની લાગણી થઈ આ કામ કરવા માટે. ઑક્સિજન સ્પેશિયલ દેવાના સમયે બધું તપાસી લઈએ, સુરક્ષાની રીતે, ફૉર્મેશનની રીતે, કોઈ લીકેજ તો નથી ને. તે ઉપરાંત ભારતીય રેલવે પણ ઘણી મદદરૂપ છે સર. આ ઑક્સિજન ચલાવવા માટે મને લીલો માર્ગ આપ્યો, આ ગાડી ચલાવવા માટે ૧૨૫ કિલોમીટર અંતર દોઢ કલાકમાં કપાઈ ગયું. આટલી જવાબદારી રેલવેએ પણ ઉપાડી, મેં પણ ઉપાડી, સર.

મોદીજી- વાહ. ચાલો, શિરિષાજી, હું તમને ઘણા અભિનંદન આપું છું અને તમારા પિતાજી- માતાજીને વિશેષ રૂપે પ્રણામ કરું છું જેમણે ત્રણેય દીકરીઓને આટલી પ્રેરણા આપી અને તેમને આગળ વધારી અને આ પ્રકારની હિંમત આપી છે. અને હું સમજું છું કે આવાં માતાપિતાને પણ પ્રણામ અને તમે બધી બહેનોને પણ પ્રણામ જેમણે આ રીતે દેશની સેવા પણ કરી અને જુસ્સો પણ બતાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ શિરિષાજી.

શિરિષા- ધન્યવાદ સર. આભાર સર. તમારા આશીર્વાદ જોઈએ છે સર મને.

મોદીજી- બસ, પરમાત્માના આશીર્વાદ તમારા પર સદા રહે, તમારાં માતાપિતાના આશીર્વાદ પણ સદા રહે. ધન્યવાદજી.

શિરિષા- ધન્યવાદ સર.

સાથીઓ, આપણે હમણાં શિરિષાજીની વાત સાંભળી. તેમના અનુભવ, પ્રેરણા પણ આપે છે, ભાવુક પણ કરે છે. વાસ્તવમાં આ લડાઈ એટલી મોટી છે કે તેમાં રેલવેની જેમ આપણો દેશ, જળ, સ્થળ, નભ, ત્રણેય માર્ગે કામ કરી રહ્યો છે. એક તરફ ખાલી ટૅન્કરને વાયુ દળનાં વિમાનો દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, બીજી તરફ નવા ઑક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદેશોથી ઑક્સિજન, ઑક્સિજન કન્સન્ટ્રેટર અને ક્રાયૉજેનિક ટૅન્કરો પણ દેશમાં લાવવામાં આવી રહ્યાં છે. આથી, તેમાં નૌ સેના પણ લાગી, વાયુ દળ પણ લાગ્યું, ભૂમિ દળ પણ લાગ્યું અને ડીઆરડીઓ જેવી આપણી સંસ્થા પણ લાગેલી છે. આપણા અનેક વૈજ્ઞાનિકો, ઉદ્યોગના નિષ્ણાતો અને ટૅક્નિશિયનો પણ યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. તે બધાંના કામને જાણવાની, સમજવાની જિજ્ઞાસા બધા દેશવાસીઓના મનમાં છે આથી, આપણી સાથે આપણી વાયુ સેનાના ગ્રૂપ કેપ્ટન પટનાયકજી જોડાઈ રહ્યા છે.

મોદીજી- પટનાયકજી, જય હિન્દ.

ગ્રૂપ કેપ્ટન-સર, જય હિન્દ. સર હું ગ્રૂપ કેપ્ટન એ. કે. પટનાયક છું. વાયુ સેનાના સ્ટેશન હિંડનથી વાત કરું છું.

મોદીજી- પટનાયકજી, કોરોના સાથે લડાઈ દરમિયાન તમે ઘણી મોટી જવાબદારી સંભાળી રહ્યા છો. દુનિયાભરમાં જઈને ટૅન્કર લાવવું, ટૅન્કર અહીં પહોંચાડવું. હું જાણવા માગું છું કે એક સૈનિક તરીકે એક અલગ પ્રકારનું કામ તમે કર્યું છે. મરવું-મારવા માટે દોડવાનું રહે છે, આજે તમે જિંદગી બચાવવા માટે દોડી રહ્યા છો. કેવો અનુભવ થઈ રહ્યો છે?

ગ્રૂપ કેપ્ટન- સર, આ સંકટના સમયમાં આપણા દેશવાસીઓની મદદ કરી શકીએ છીએ તે અમારા માટે ઘણું જ સૌભાગ્યનું કામ છે સર અને આ જે પણ અમને મિશન મળેલા છે અમે બખૂબી તેને નિભાવી રહ્યા છીએ. અમારી ટ્રેનિંગ અને સપૉર્ટ સર્વિસ જે છે, અમારી પૂરી મદદ કરી રહી છે અને સૌથી મોટી ચીજ છે સર, તેમાં જે અમને કામનો સંતોષ મળી રહ્યો છે તે ખૂબ જ ઉચ્ચ સ્તરનો છે અને તેના કારણે અમે સતત ઑપરેશન કરી શકીએ છીએ.

મોદીજી- કેપ્ટન, તમે આ દિવસોમાં જે જે પ્રયાસ કર્યા છે અને તે પણ ઓછામાં ઓછા સમયમાં બધું કરવું પડ્યું છે. તેમાં હવે આ દિવસોમાં શું કર્યું તમે?

ગ્રૂપ કેપ્ટન- સર, ગત એક મહિનામાં અમે સતત ઑક્સિજન ટૅન્કર અને લિક્વિડ ઑક્સિજન કન્ટેઇનર, ડૉમેસ્ટિક ડેસ્ટિનેશન અને આંતરરાષ્ટ્રીય સ્થળ બંનેથી ઉઠાવી રહ્યા છીએ સર. લગભગ ૧,૬૦૦ સૉર્ટિઝથી વધુ વાયુ દળ કરી ચૂક્યું છે અને ૩,૦૦૦થી વધુ કલાક અમે ઊડી ચૂક્યા છીએ. લગભગ ૧૬૦ આંતરરાષ્ટ્રીય મિશન કરી ચૂક્યા છીએ. જે રીતે અમે દરેક જગ્યાએથી ઑક્સિજન ટૅન્કર જે પહેલાં અથવા ઘરેલુમાં બેથી ત્રણ દિવસ લાગતા હતા, અમે તેને ૨થી ૩ કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ સર અને આંતરરાષ્ટ્રીય મિશનમાં પણ ૨૪ કલાકની અંદર દિવસ-રાત સતત કામગીરી કરીને, સમગ્ર વાયુ દળ તેમાં લાગેલું છે કે જેટલી ઝડપથી બની શકે આપણે એટલા વધુ ટૅન્કર લાવી શકીએ અને દેશની મદદ કરી શકીએ, સર.

મોદીજી- કેપ્ટન, તમને આંતરરાષ્ટ્રીયમાં અત્યારે ક્યાં ક્યાં દોડવું- ભાગવું પડ્યું?

ગ્રૂપ કેપ્ટન- સર, ટૂંકી નૉટિસમાં અમારે સિંગાપુર, દુબઈ, બેલ્જિયમ, જર્મની અને યુ.કે. આ બધી જગ્યાઓમાં ભારતીય વાયુ સેનાના અલગ-અલગ ફ્લીટ, સર, આઈએલ-૭૬, સી-૧૭ અને બાકી ઘણાં વિમાનો ગયાં હતાં સી-૧૩૦ જે ખૂબ જ ટૂંકી નૉટિસમાં આ મિશનનું પ્લાન કરીને. અમારી ટ્રેનિંગ અને જોશના કારણે અમે સમયસર આ મિશનને પૂરું કરી શક્યા સર.

મોદીજી- જુઓ, આ વખતે દેશ ગર્વ અનુભવ કરે છે કે જળ હોય, સ્થળ હોય, નભ હોય, આપણા બધા જવાન આ કોરોનાની સામે લડાઈમાં લાગેલા છે અને કેપ્ટન તમે પણ ઘણી મોટી જવાબદારી નિભાવી છે તો હું તમને પણ ઘણા અભિનંદન આપું છું.

ગ્રૂપ કેપ્ટન- સર, ઘણો બધો આભાર, સર. અમે પૂરી કોશિશમાં પૂરી તાકાતથી લાગેલા છીએ અને મારી દીકરી પણ મારી સાથે છે સર, અદિતિ.

મોદીજી- અરે વાહ.

અદિતિ-નમસ્તે મોદીજી.

મોદીજી- નમસ્તે, બેટી નમસ્તે. અદિતિ, તમે કેટલાં વર્ષનાં છો?

અદિતિ- હું ૧૨ વર્ષની છું અને હું આઠમા ધોરણમાં ભણું છું

મોદીજી- તો આ પિતાજી બહાર જાય છે, ગણવેશમાં રહે છે.

અદિતિ- હા, તેમના માટે મને બહુ ગર્વ થાય છે, ઘણું ગૌરવ અનુભવું છું કે તેઓ આટલું બધું મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. જે બધા કોરોના પીડિત લોકો છે તેમની મદદ આટલી બધી કરી રહ્યા છે અને આટલા બધા દેશોથી ઑક્સિજન ટૅન્કર લાવી રહ્યા છે, કન્ટેઇનર લાવી રહ્યા છે.

મોદીજી- પરંતુ દીકરી તું પાપાને બહુ મિસ કરે છે ને?

અદિતિ- હા, ઘણા મિસ કરું છું. તેઓ આજકાલ વધુ ઘર પર રહી પણ નથી શકતા કારણકે આટલી બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં જઈ રહ્યા છે અને કન્ટેઇનર અને ટૅન્કર તેમના પ્રૉડક્શન પ્લાન્ટ સુધી પહોંચાડી રહ્યા છે જેથી જે કોરોના પીડિત લોકો છે તેમને સમયસર ઑક્સિજન મળી શકે અને તેમનો જીવ બચી શકે.

મોદીજી- તો બેટા, આ જે ઑક્સિજનના કારણે લોકોનો જીવ બચાવવાનું કામ તો હવે ઘર-ઘરમાં લોકોને ખબર પડી છે.

અદિતિ- હા.

મોદીજી- જ્યારે તમારા મિત્રવર્તુળના તારા સાથી વિદ્યાર્થીઓ જાણતા હશે કે તારા પિતાજી ઑક્સિજનની સેવામાં લાગેલા છે, તો તારા પ્રત્યે ઘણા આદરથી જોતા હશે તે લોકો?

અદિતિ- હા, મારા બધા મિત્રો પણ કહે છે કે તારા પાપા આટલું બધું અગત્યનું કામ કરી રહ્યા છે અને તને પણ ઘણો ગર્વ થતો હશે અને ત્યારે મને પણ આટલો બધો ગર્વ થાય છે. અને મારો જે આખો પરિવાર છે, મારાં નાના-નાની, દાદી, બધાં જ લોકોને પાપા પર ગર્વ થાય છે, મારી મમ્મી અને એ લોકો પણ ડૉક્ટર છે, તે લોકો પણ દિવસ-રાત કામ કરી રહ્યા છે અને બધાં સૈન્ય દળો, મારા પાપાના બધા સ્કવૉડ્રનના અંકલો અને બધાં જે દળો છે બધા લોકો, આખી સેના બહુ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે બધાના પ્રયાસોની સાથે આપણે લોકો કોરોના સામે આ લડાઈ જરૂર જીતશું.

મોદીજી- આપણે ત્યાં કહેવાય છે કે દીકરી જ્યારે બોલે છે ને, તો તેના શબ્દોમાં સરસ્વતી બિરાજમાન થાય છે અને જ્યારે અદિતિ બોલી રહી છે કે આપણે જરૂર જીતીશું તો એક રીતે તે ઈશ્વરની વાણી બની જાય છે. અચ્છા અદિતિ, અત્યારે તો ઑનલાઇન ભણતી હોઈશ ને?

અદિતિ-હા, અત્યારે તો અમારા બધા ઑનલાઇન વર્ગો ચાલી રહ્યા છે અને અત્યારે અમે લોકો ઘરમાં બધાં પૂરી સાવધાની લઈ રહ્યાં છીએ અને ક્યાંય પણ બહાર જવું હોય તો પછી, ડબલ માસ્ક પહેરીને અને બધું જ, બધી સાવધાનીઓ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવીને કરી રહ્યાં છીએ, બધી ચીજોનું ધ્યાન રાખી રહ્યાં છીએ.

મોદીજી- સારૂં બેટા, તને શેનો-શેનો શોખ છે? શું પસંદ છે?

અદિતિ- મારો શોખ છે કે હું સ્વિમિંગ અને બાસ્કેટ બોલ રમું છું પરંતુ અત્યારે તો તે થોડું બંધ થઈ ગયું છે અને આ લૉકડાઉન અને કોરોના વાઇરસ દરમિયાન મેં બૅકિંગ અને કૂકિંગનો મને ખૂબ જ શોખ છે અને હું અત્યારે બૅકિંગ અને કૂકિંગ કરીને જ્યારે પાપા આટલું બધું કામ કરીને આવે છે તો હું તેમના માટે કૂકિઝ અને કેક બનાવું છું.

મોદીજી- વાહ, વાહ, વાહ. ચાલ બેટા, બહુ દિવસો પછી તને પાપા સાથે રહેવાનો સમય મળ્યો છે. ઘણું સારું લાગ્યું અને કેપ્ટન તમને પણ હું ઘણા અભિનંદન આપું છું પરંતુ જ્યારે હું કેપ્ટનને અભિનંદન આપું છું તેનો અર્થ માત્ર તમને જ નહીં, આપણાં બધાં દળો, નૌ સેના, ભૂમિ દળ, વાયુ સેના જે રીતે બચાવ કાર્યમાં લાગેલા છે, હું બધાને, બધાને વંદન કરું છું. ધન્યવાદ ભાઈ.

ગ્રૂપ કેપ્ટન, આભાર સર.

સાથીઓ, આપણા આ જવાનોએ, આ યૌદ્ધાઓએ જે કામ કર્યું છે, તેના માટે દેશ તેમને વંદન કરે છે. આ રીતે લાખો લોકો દિવસ-રાત લાગેલા છે. જે કામ તેઓ કરી રહ્યા છે તે તેમના દિન-પ્રતિદિન કામનો હિસ્સો નથી. આ પ્રકારની આપત્તિ તો દુનિયામાં સો વર્ષ પછી આવી છે. એક સદી પછી આટલું મોટું સંકટ! આથી, આ પ્રકારના કામનો કોઈ પાસે કોઈ પણ અનુભવ નહોતો. તેની પાછળ દેશસેવાનો જે જુસ્સો છે અને એક સંકલ્પ શક્તિ છે. તેનાથી દેશે એ કામ કર્યું છે જે પહેલાં ક્યારેય નથી થયું. તમે અંદાજ લગાવી શકો છો, સામાન્ય દિવસોમાં આપણે ત્યાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. હવે તે ૧૦ ગણાથી પણ વધુ વધીને લગભગ ૯,૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઑક્સિજનને આપણા યૌદ્ધાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, ઑક્સિજન પહોંચાડવા માટે દેશમાં આટલા બધા પ્રયાસ થયા, આટલા બધા લોકો જોડાયા, એક નાગરિક તરીકે આ બધાં કાર્યો પ્રેરણા દે છે. એક ટીમ બનાવીને દરેકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મને બેંગ્લુરુથી ઊર્મિલાજીએ કહ્યું છે કે તેમના પતિ લેબ ટૅક્નિશિયન છે અને એમ પણ કહ્યું છે કે આટલા પડકાર વચ્ચે સતત ટેસ્ટિંગનું કામ તેઓ કેવી રીતે કરતા રહ્યા.

સાથીઓ, કોરોનાની શરૂઆતમાં દેશમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી, પરંતુ આજે અઢી હજારથી વધુ લેબ કામ કરી રહી છે. શરૂઆતમાં થોડા સેંકડો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતા હતા, હવે ૨૦ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં થવા લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં ૩૩ કરોડથી વધુ નમૂનાઓની તપાસ થઈ ચૂકી છે. આ આટલું મોટું કામ આ સાથીઓના કારણે જ સંભવ થઈ રહ્યું છે. અનેક અગ્ર હરોળના કામદારો નમૂના એકત્ર કરવાના કામમાં લાગેલા છે. ચેપી દર્દીઓ વચ્ચે જવું, તેમના નમૂના લેવા, આ કેટલી સેવાનું કામ છે. પોતાના બચાવ માટે આ સાથીઓને આટલી ગરમીમાં પણ સતત પીપીઇ કિટ પહેરી રાખવી પડે છે. તે પછી તે નમૂનો લેબમાં પહોંચે છે. આથી, જ્યારે હું તમારા બધાના સૂચનો અને પ્રશ્નો વાંચી રહ્યો હતો તો મેં નક્કી કર્યું કે આપણા આ સાથીઓની પણ ચર્ચા અવશ્ય થવી જોઈએ. તેમના અનુભવોમાંથી આપણને પણ ઘણું જાણવાનું મળશે. તો આવો, દિલ્લીમાં એક લેબ ટૅક્નિશિયન તરીકે કામ કરનારા આપણા સાથી પ્રકાશ કાંડપાલજી સાથે વાત કરીએ.

મોદીજી- પ્રકાશજી, નમસ્કાર.

પ્રકાશજી- નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રીજી.

મોદીજી- પ્રકાશજી, સૌ પહેલાં તો તમે ‘મન કી બાત’ના આપણા બધા શ્રોતાઓને પોતાના વિશે જણાવો. તમે કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો અને કોરોનાના સમયે તમને કેવો અનુભવ રહ્યો કારણકે દેશના લોકોને આ પ્રકારથી તમે ન ટીવી પર દેખાઓ છો, ન અખબારમાં દેખાવો છો. તેમ છતાં એક ઋષિની જેમ લેબમાં રહીને કામ કરી રહ્યા છો. તો હું ઈચ્છીશ કે તમે જ્યારે કહેશો તો દેશવાસીઓને પણ જાણકારી મળશે કે દેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે.

પ્રકાશજી- હું દિલ્લી સરકારની સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સીસ નામની હૉસ્પિટલમાં ગત દસ વર્ષથી લેબ ટૅક્નિશિયન તરીકે કાર્યરત છું. મારો સ્વાસ્થ્ય ક્ષેત્રનો અનુભવ ૨૨ વર્ષનો છે. આઈએલબીએસથી પહેલાં હું દિલ્લીની એપોલો હૉસ્પિટલ, રાજીવ ગાંધી કેન્સર હૉસ્પિટલ, રૉટરી બ્લડ બૅન્ક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરી ચૂક્યો છું. સર, જોકે બધી જગ્યાએ મેં રક્ત કોષ વિભાગમાં મારી સેવાઓ આપી, પરંતુ ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૦થી હું આઈએલબીએસના વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટ હેઠળ કૉવિડ ટેસ્ટિંગ લેબમાં કામ કરી રહ્યો છું. નિઃસંદેહ, કૉવિડ રોગચાળામાં સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત બધાં સાધનો-સંસાદનો પર ઘણું દબાણ આવ્યું, પરંતુ હું આ સંઘર્ષના યુગમાં અંગત રીતે આમાં એવો અવસર માનું છું કે જ્યારે રાષ્ટ્ર, માનવતા, સમાજ આપણી પાસે વધુ ઉત્તરદાયિત્વ, સહયોગ, આપણી પાસે વધુ સામર્થ્ય અને આપણી પાસે વધુ ક્ષમતાના પ્રદર્શનની અપેક્ષા રાખતો હોય અને આશા કરતો હોય. અને સર, જ્યારે આપણે રાષ્ટ્રની, માનવતાની, સમાજની અપેક્ષા અને આશાને અનુરૂપ પોતાના સ્તર પર જે એક બુંદ બરાબર છે, આપણે તેના પર કામ કરીએ છીએ, ખરા ઉતરીએ છીએ તો એક ગૌરવની અનુભૂતિ થાય છે. ક્યારેક જ્યારે આપણા ઘરના લોકો પણ આશંકિત હોય છે અથવા તેમને થોડો ભય લાગે છે તો આવા અવસર પર તેમને સ્મરણ કરાવું છું કે આપણા દેશના જવાન કે જે સદૈવ પોતાના પરિવારથી દૂર સીમાઓ પર વિષમ અને અસામાન્ય પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરી રહ્યા છે તેમની સરખામણીમાં તો અમારું જે જોખમ છે તે ઘણું ઓછું છે. તો તેઓ પણ આ બાબતને સમજે છે અને મારી સાથે એક રીતે તેઓ પણ સહયોગ કરે છે અને તેઓ પણ આ આપત્તિમાં સમાન રૂપે જે પણ સહયોગ છે તેમાં પોતાની સહયોગિતા આપે છે.

મોદીજી- પ્રકાશજી, એક રીતે સરકાર બધાને કહી રહી છે કે અંતર રાખો- અંતર રાખો, કોરોનામાં એકબીજાથી દૂર રહો. અને તમારે તો સામેથી જ કોરોનાના જીવાણુઓ વચ્ચે રહેવું જ પડે છે, સામેથી જવું પડે છે. તો આ પોતાની રીતે એક જિંદગીને સંકટમાં નાખનારો મામલો છે તો પરિવારને ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ છતાં આ લેબ ટૅક્નિશિયનનું કામ સામાન્ય સંજોગોમાં એક છે અને આવી રોગચાળાની સ્થિતિમાં બીજું છે અને તે તમે કરી રહ્યા છો. તો કામના કલાકો પણ ઘણા વધી ગયા હશે. રાત-રાત લેબમાં વિતાવવી પડતી હશે. કારણકે આટલા કરોડો લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો બોજો પણ વધી ગયો હશે. પરંતુ પોતાની સુરક્ષા માટે આ સાવધાની રાખો છો કે નથી રાખતા?

પ્રકાશજી- બિલકુલ રાખીએ છીએ સર. અમારી આઈએલબીએસની જે લેબ છે, તે ‘હૂ’ (WHO)થી માન્યતા પ્રાપ્ત છે. તો જે બધા પ્રૉટોકોલ છે તે આંતરરાષ્ટ્રીય ધોરણોના છે, અમે ત્રિસ્તરીય જે અમારો પોશાક છે તેમાં અમે જઈએ છીએ લેબમાં, અને તેમાં જ અમે કામ કરીએ છીએ. અને ત્યારબાદ તેના નિકાલનું, લેબલ લગાવવાનું અને તેના ટેસ્ટિંગનો એક આખો પ્રૉટોકોલ છે અને તે પ્રૉટોકોલ હેઠળ કામ કરીએ છીએ. તો સર, એ પણ ઈશ્વરની કૃપા છે કે મારો પરિવાર અને મારા ઓળખીતા મોટા ભાગના જે અત્યારે સુધી આ ચેપથી બચેલા છે. તો એક વાત છે કે જો તમે સાવધાની રાખો અને સંયમ રાખો તો તમે થોડા ઘણા તેનાથી બચીને રહી શકો છો.

મોદીજી- પ્રકાશજી, તમારા જેવા હજારો લોકો ગયા એક વર્ષમાં લેબમાં બેઠા રહ્યા અને આટલી તસદી લઈ રહ્યા છો. આટલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છો. જે દેશ આજે જાણી રહ્યો છે. પરંતુ પ્રકાશજી, હું તમારા માધ્યમથી તમારા વ્યવસાયના બધા સાથીઓનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને તમે સ્વસ્થ રહો. તમારો પરિવાર સ્વસ્થ રહે. મારી ઘણી બધી શુભકામનાઓ છે.

પ્રકાશજી- ધન્યવાદ પ્રધાનમંત્રીજી. હું તમારો ઘણો-ઘણો આભારી છું કે તમે મને આ અવસર આપ્યો.

મોદીજી- ધન્યવાદ ભાઈ.

સાથીઓ, એક રીતે વાત તો મેં ભાઈ પ્રકાશજી સાથે કરી છે, પરંતુ તેમની વાતોમાં હજારો લેબ ટૅક્નિશિયનોની સેવાની સુગંધ આપણા સુધી પહોંચી રહી છે. આ વાતોમાં હજારો-લાખો લોકોનો સેવાભાવ તો દેખાય જ છે, આપણને બધાને પોતાની જવાબદારીનો બોધ પણ થાય છે. જેટલી મહેનત અને લગનથી ભાઈ પ્રકાશજી જેવા આપણા સાથી કામ કરી રહ્યા છે, એટલી જ નિષ્ઠાથી તેમનો સહયોગ, કોરોનાને હરાવવામાં ઘણી મદદ કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે આપણા ‘કોરોના યૌદ્ધાઓ’ની ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં આપણે તેમનું ઘણું સમર્પણ અને પરિશ્રમ જોયો છે. પરંતુ આ લડાઈમાં બહુ મોટી ભૂમિકા દેશનાં અનેક ક્ષેત્રોના અનેક યૌદ્ધાઓની પણ છે. તમે વિચારો, આપણા દેશ પર આટલું મોટું સંકટ આવ્યું, તેની અસર દેશની દરેક વ્યવસ્થા પર પડી. કૃષિ વ્યવસ્થાએ પોતાને આ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષિત રાખી. સુરક્ષિત જ નથી રાખી, પરંતુ પ્રગતિ પણ કરી, આગળ પણ વધી. શું તમને ખબર છે કે આ રોગચાળામાં પણ આપણા ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન કર્યું, તો આ વખતે દેશે વિક્રમજનક પાક ખરીદ્યો પણ છે. આ વખતે અનેક જગ્યાએ સરસવ માટે ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળ્યા છે. વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદનના કારણે જ આપણો દેશ દરેક દેશવાસીને એક બળ પ્રદાન કરી શકે છે. આજે આ સંકટ કાળમાં ૮૦ કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી ગરીબના ઘરમાં પણ ક્યારેય એવો દિવસ ન આવે જ્યારે ચૂલો ન પ્રગટે.

સાથીઓ, આજે આપણા દેશમાં ખેડૂતો, અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થાઓનો લાભ ઉઠાવીને કમાલ કરી રહ્યા છે. જેમ કે અગરતલાના ખેડૂતોને જ લો. આ ખેડૂતો ફણસનો બહુ સારો પાક લે છે. તેની માગ દેશવિદેશમાં થઈ શકે છે, આથી આ વખતે અગરતલાના ખેડૂતોની ફણસ રેલવે દ્વારા ગુવાહાટી લાવવામાં આવી. ગુવાહાટીથી હવે તે ફણસ લંડન મોકલવામાં આવી રહી છે. આ જ રીતે આપણા બિહારની શાહી લીચીનું નામ પણ સાંભળ્યું હશે. ૨૦૧૮માં સરકારે શાહી લીચીને જીઆઈ ટૅગ પણ આપ્યો હતો જેથી તેની ઓળખ મજબૂત થાય અને ખેડૂતોને વધુ ફાયદો થાય. આ વખતે બિહારની આ શાહી લીચી પણ હવાઈ માર્ગે લંડન મોકલવામાં આવી છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ આપણો દેશ આવા જ અનોખા સ્વાદ અને ઉત્પાદનથી ભરેલો પડ્યો છે. દક્ષિણ ભારતમાં વિજયનગરમ્ની કેરી વિશે તમે જરૂર સાંભળ્યું હશે. હવે આ કેરી કોને ખાવાનું નહીં ગમે? આથી, હવે કિસાન-રેલ સેંકડો ટન વિજયનગરમ્ કેરી દિલ્લી પહોંચાડી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના લોકોને વિજયનગરમ્ કેરી ખાવા મળશ અને વિજયનગરમ્ના ખેડૂતોને સારી એવી કમાણી પણ થશે. કિસાન રેલ અત્યાર સુધી લગભગ બે લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે ફળ, શાક, અનાજ દેશના ખૂણે-ખૂણે મોકલી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ મેએ આપણે ‘મન કી બાત’ કરી રહ્યા છીએ અને સંયોગથી આ સરકારને સાત વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ મંત્ર પર ચાલ્યો છે. દેશની સેવામાં દરેક ક્ષણે સમર્પિત ભાવથી આપણે બધાએ કામ કર્યું છે. મને અનેક સાથીઓએ પત્ર મોકલ્યો છે અને કહ્યું છે કે ‘મન કી બાત’માં સાત વર્ષની આપણી-તમારી આ સંયુક્ત યાત્રા પર પણ ચર્ચા કરું. સાથીઓ, આ સાત વર્ષમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આ વર્ષોમાં સાથે મળીને અનુભવ કરી છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત બીજા દેશોની વિચારસરણી અને તેમના દબાણમાં નહીં, પોતાના સંકલ્પથી ચાલે છે તો આપણને બધાને ગર્વ થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારાને જડબાતોડ જવાબ આપે છે તો આપણો આત્મવિશ્વાસ વધુ વધે છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમજૂતી નથી કરતો, જ્યારે આપણી સેનાઓની તાકાત વધે છે તો આપણને લાગે છે કે હા, આપણે સાચા માર્ગે છીએ.

સાથીઓ, મને અનેક દેશવાસીઓના સંદેશ, તેમના પત્રો, દેશના ખૂણે-ખૂણેથી મળે છે. અનેક લોકો દેશને ધન્યવાદ આપે છે કે ૭૦ વર્ષ પછી તેમના ગામમાં પહેલી વાર વીજળી પહોંચી છે, તેમના દીકરા-દીકરી અજવાળામાં, પંખા નીચે બેસીને ભણી રહ્યાં છે. અનેક લોકો કહે છે કે અમારું પણ ગામ હવે પાકી સડક સાથે શહેર સાથે જોડાઈ ગયું છે. મને યાદ છે કે એક આદિવાસી વિસ્તારમાં કેટલાક સાથીઓએ મને સંદેશ મોકલ્યો હતો કે સડક બનાવ્યા પછી પહેલી વાર તેમને એવું લાગ્યું કે તેઓ પણ બાકીની દુનિયા સાથે જોડાઈ ગયા છે. આ જ રીતે ક્યાંક કોઈ બૅન્ક ખાતું ખોલવાની ખુશી જણાવે છે તો કોઈ અલગ-અલગ યોજનાઓની મદદથી જ્યારે નવો રોજગાર શરૂ કરે છે તો તે ખુશીમાં મને પણ આમંત્રિત કરે છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઘર મળ્યા પછી ગૃહપ્રવેશના આયોજનમાં કેટલાંય નિમંત્રણ મને આપણા દેશવાસીઓની તરફથી સતત મળતા રહે છે. આ સાત વર્ષોમાં તમારા બધાની આવી કરોડો ખુશીઓમાં હું સહભાગી થયો છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ગામના એક પરિવારે ‘જલ જીવન મિશન’ હેઠળ ઘરમાં લાગેલા પાણીના નળની એક તસવીર મોકલી. તેમણે આ ફૉટોની કૅપ્શન લખી હતી- ‘મારા ગામની જીવનધારા.’ આવા અનેક પરિવારો છે. સ્વતંત્રતા પછી સાત દશકોમાં આપણા દેશના માત્ર સાડા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ પાણીનાં જોડાણ હતાં. પરંતુ ગત ૨૧ મહિનાઓમાં જ સાડા ચાર કરોડ ઘરોને સ્વચ્છ પાણીનાં જોડાણ આપવામાં આવ્યાં છે. તેમાંથી ૧૫ મહિના તો કોરોનાકાળના જ હતા. આ જ રીતનો એક નવો વિશ્વાસ દેશમાં ‘આયુષ્યમાન યોજના’થી આવ્યો છે. જ્યારે કોઈ ગરીબ મફત ઈલાજથી સ્વસ્થ થઈને ઘરે જાય છે તો તેને લાગે છે કે તેને નવું જીવન મળ્યું છે. તેને ભરોસો થાય છે કે દેશ તેની સાથે છે. આવા અનેક પરિવારોનાં આશીર્વચન, કરોડો માતાઓના આશીર્વાદ લઈને આપણો દેશ મજબૂતી સાથે વિકાસની તરફ અગ્રેસર છે.

સાથીઓ, આ સાત વર્ષોમાં ભારતે ‘ડિજિટલ લેણદેણ’માં દુનિયાને નવી દિશા દેખાડવાનું કામ કર્યું છે. આજે કોઈ પણ જગ્યાએ જેટલી સરળતાથી તમે ચપટીમાં ડિજિટલ પેમેન્ટ કરી દો છો, તે કોરોનાના આ સમયમાં ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીઓની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે. આપણે વિક્રમજનક સેટેલાઇટ પણ પ્રક્ષેપિત કરી રહ્યા છીએ અને રેકૉર્ડ સડકો પણ બનાવી રહ્યા છીએ. આ સાત વર્ષમાં જ દેસના અનેક જૂના વિવાદો પણ પૂરી શાંતિ અને સૌહર્દથી ઉકેલવામાં આવ્યા છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે. સાથીઓ, શું તમે વિચાર્યું છે કે આ બધું કામ જે દાયકાઓમાં પણ ન થઈ શક્યું, તે આ સાત વર્ષમાં કેવી રીતે થયું? તે બધું એટલા માટે સંભવ થયું કારણકે આ સાત વર્ષમાં આપણે સરકાર અને જનતાથી વધુ એક દેશના રૂપમાં કામ કર્યું, એક ટીમના રૂપમાં કામ કર્યું, ‘ટીમ ઇન્ડિયા’ના રૂપમાં કામ કર્યું. દરેક નાગરિકે દેશને આગળ વધારવામાં એકાદ-એકાદ ડગ આગળ ભરવાનો પ્રયાસ કર્યો છે. હા, જ્યાં સફળતાઓ હોય છે, ત્યાં પરીક્ષાઓ પણ હોય છે. આ સાત વર્ષમાં આપણે સાથે મળીને જ અનેક કઠિન પરીક્ષાઓ પણ આપી છે અને દરેક વખતે આપણે બધા મજબૂત થઈને નીકળ્યા છીએ. કોરોના રોગચાળાના રૂપમાં, આટલી મોટી પરીક્ષા તો સતત ચાલી રહી છે. આ તો એક એવું સંકટ છે જેણે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું છે, અનેક લોકોએ પોતાના માણસોને ગુમાવ્યા છે. મોટા મોટા દેશ પણ આ વિનાશથી બચી નથી શક્યા. આ વૈશ્વિક રોગચાળા વચ્ચે ભારત ‘સેવા અને સહયોગ’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આપણે પહેલા મોજામાં પૂરી હિંમત સાથે લડાઈ લડી હતી, આ વખતે પણ વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં ભારત વિજયી થશે. બે ગજનું અંતર, માસ્ક સાથે જોડાયેલા નિયમોહોય કે પછી રસી, આપણે ઢીલાશ નથી કરવાની. એ જ આપણી જીતનો રસ્તો છે. હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું તો દેશવાસીઓના અનેક બીજાં પ્રેરણાદાયી ઉદાહરણો પર વાત કરીશું અને નવા વિષયો પર ચર્ચા કરીશું. તમે તમારાં સૂચનો મને આ રીતે જ મોકલતા રહો. તમે બધા સ્વસ્થ રહો. દેશને આ રીતે આગળ વધારતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The year of FTAs

Media Coverage

The year of FTAs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Subhashitam emphasising determination and will power
January 02, 2026

Prime Minister Shri Narendra Modi conveyed his heartfelt wishes for the New Year, expressing hope that every individual finds success in their endeavors in the times ahead.

Shri Modi emphasized that with determination and willpower, resolutions made in the New Year can be fulfilled.

The Prime Minister underlined that this timeless wisdom encourages us to rise, remain awake, and engage in actions that bring welfare, while keeping our minds steadfast and fearless in envisioning the future.

Sharing his message of inspiration through a Sanskrit verse in a post on X, Shri Modi said:

“मेरी कामना है कि आने वाले समय में आपको अपने हर प्रयास में सफलता मिले। दृढ़संकल्प और इच्छाशक्ति से नए साल में आपके संकल्प की सिद्धि हो।

उत्थातव्यं जागृतव्यं योक्तव्यं भूतिकर्मसु।

भविष्यतीत्येव मनः कृत्वा सततमव्यथैः।।”