મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ મહાનગરપાલિકાના નવનિર્વાચિત કાઉન્સિલરોના ત્રણ દિવસના પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરતા ભારતભરમાં અમદાવાદને આદર્શ નમૂનારૂપ શહેર તરીકે વિકસાવવાનું આહ્વાન કર્યું હતું.
અમદાવાદને ઝૂંપડપટ્ટી મુકત (સ્લમ ફ્રી સિટી) શહેર બનાવવાનો સંકલ્પ કરવાનો અનુરોધ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અમદાવાદના વિકાસના રંગ-રૂપ અને રોનક બદલી નાંખવાના પાંચ વર્ષનો આ અવસર છે. અમદાવાદ પાસે વિકાસની અંતર્નિહિત શકિત પડેલી છે તેને પૂરી તાકાતથી ખભે ખભા મિલાવીને કામે લગાડી છે.
આ 192 જનપ્રતિનિધિઓનો શહરેના વિકાસનો સૂર એકજ હોય તો જ અમદાવાદની જનતાને સાતેય સૂરના વિકાસના સ્પંદનોથી ઝંકૃત કરી શકાશે એમ પ્રેરક ઉદાહરણરૂપે તેમણે જણાવ્યું હતું.
જનભાગીદારી વધે તે માટે અમદાવાદના સમાજના વિવિધ અગ્રણીઓની બેઠકો યોજીને તેમની પાસે વિકાસના નવા વૈચારિક આયામો મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો.
સરદાર પટેલ રાજ્ય વહીવટી સંસ્થામાં અમદાવાદ મહાનગર સેવાસદનમાં ચૂંટાયેલા 192 કાઉન્સિલરોનો ત્રણ દિવસનો પ્રશિક્ષણ કાર્યક્રમ આજથી શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજના સુશાસન અને શહેરી વિકાસમાં અમદાવાદની ભૂમિકા અંગે શહેરી વિષયક ચર્ચાસત્રો યોજીને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ ચૂંટાયેલા પ્રત્યેક કાઉન્સિલર ઉપર સમગ્ર શહરેની જનતાનો અપેક્ષિત અધિકાર અને લોકતંત્રની ભાવનાની ભૂમિકા આપી હતી. લોકહિત માટેની નીતિઓ નિર્ધારિત કરે અને વહીવટીતંત્રને તેના અમલ માટે સુસ્પષ્ટ, સુવિચારિત દિશા બતાવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
શહેરી પ્રજાએ પ્રજાના કામો માટે જ મહાપાલિકામાં ચૂંટીને મોકલ્યા છે તેવી સતત સભાનતા ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આઝાદી પહેલા વિદેશી સરકાર હતી તે પણ વિકાસ કામો કરતી પણ તેના દરેક નિર્ણયો તેની સલ્તનતને આંચ ના આવે અને અસંતોષની આગ ન ભડકે તેવા આશ્રયનું હતું પરંતુ
આઝાદી પછીના શાસનમાં તો સાચી સેવા લોકકેન્દ્રો અને લોકહિતની જ હોવી જોઇએ. પ્રજાહિત જ સર્વોપરી છે એમ તેમણે જણાવ્યું હતું.
‘‘આપણે ગમે તે પક્ષની વિચારધારા ધરાવતા હોઇએ, આપણો ઉદ્દેશ એક જ હોય કે કંઇક સારૂ કરવું જ પડે. ગુજરાત ખૂબ પ્રગતિ કરે. વિકાસદર 11 ટકા-12 ટકા હોય અને ભારતનો દર ભલે સાત-આઠ ટકા હોય એમાં ગુજરાતનું યોગદાન છે જ આ મૂળભૂત વાત લક્ષ્યમાં રાખીશુ તો વિકાસમાં પક્ષાપક્ષીના વાદ-વિવાદને સ્થાન નહીં રહે'' એમ તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અમદાવાદ મહાનગરની ઓળખને નવો મોડ આપવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમયની માંગ છે કે ભારત જેવા 100 કરોડની જનશકિતના વિરાટ દેશમાં શહેરી કેન્દ્રોને દુનિયાની તોલે મૂકવા જ પડશે અને આવા શહેરોમાં અમદાવાદ પણ અગ્રેસર છે.
અમદાવાદમાં વિકાસની અખૂટ અંતર્નિહિત શકિતઓ છે તેને પૂરી તકાતથી ઉજાગર કરવાનું આહ્વાન પ્રેરક દિશાદર્શન રૂપે તેમણે આપ્યું હતું. અમદાવાદ એવું શહેર છે તેમ જેને મીલ મજદૂર ગરીબોએ વસાવ્યું હતું તે ગરીબોના સપના અને અરમાનો પૂરા કરવા પૂરી રાજકીય ઇચ્છાશકિતથી કામે લાગી જવાનું છે. માત્ર થાગડ થીગડ વિચારથી શહેરનો લાંબા ગાળાનો વિકાસ નહીં, પરંતુ સર્વાંગીણ દર્શનથી જ થઇ શકશે. આપણી પ્રતિબધ્ધતા હોય તો જ શહેરને સ્વચ્છતાની નવી ઉંચાઇ ઉપર મૂકી શકાશે એમ તેમણે જણાવ્યું હતું.
જેમ રાજ્ય સરકારે જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને અપનાવવાનો સંકલ્પ કર્યો છે તેમ અમદાવાદ પણ દુનિયામાંથી જે શ્રેષ્ઠ છે તેને અપનાવે એવો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદને સ્વચ્છતા બાબતમાં કોઇ સમાધાન કરવાનું પરવડે નહીં. ગાંધીજીએ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી જ હતી એ જ અમદાવાદમાં સ્વચ્છતાની શહેરી સંસ્કૃીત (અર્બન કલ્ચર) ઉભી કેમ થાય નહીં ? કાંકરિયામાં હવે કોઇ નાગરિક સ્વચ્છતાના પાલનથી વંચિત રહે તો ? એવ વેધક સવાલ તેમણે કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ભેળસેળને સમાજનો ગૂનો ગણાવી તે માટે પણ સજાગતા દાખવવા અનુરોધ કર્યો હતો. પ્રજાહિતનો જ વિચાર કરીશું તો આ જ જનતા સ્વયંભૂ પીઠબળ આપશે. ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રજાના સુખઃદુઃખનો ભાગીદાર બની રહેવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
વિકાસની ટેકનોલોજીમાં અમદાવાદ ઉત્તમમાં ઉત્તમ ટેકનોલોજી અપનાવનારું શહેર બને તેવું દિશાસૂચન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે મક્કમતાથી નક્કર કામો કરીશું તો વિકાસમાં જનતાનો અવશ્ય સહયોગ મળી જ રહેશે.
‘‘ટીમ અમદાવાદ'' તરીકે તમામ 192 નગરસેવકો સાથે રહીને અમદાવાદ શહેરની થીમ આધારિત ઉત્તમ ઓળખ ઉભી કરે. વિકાસમાં વિચાર દારિદ્ર પરવડે જ નહીં. અમદાવાદ શહેરને વિકાસના શહેરી વિઝનનું નેતૃત્વ પૂરું પાડવાની દૂરંદેશિતા બતાવવા પણ તમણે આહ્વાન કર્યું હતું.
જનમાર્ગ-BRTS માટે સરદાર સાહેબ સમક્ષ શહેરના મહાજનોએ પબ્લીક ટ્રાન્સપોર્ટ તરીકે કરેલી રજૂઆત અને સરદાર પટેલના દર્શન-સંકલ્પને મૂર્તિમંત કરીએ એવી પ્રેરણા તેમણે આપી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં મેયર શ્રી અસીતભાઇ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે જે કામો હાથ ધરાયા તેમાં અમદાવાદ શહેરના વિકાસની વણથંભી વણઝાર શરૂ થઇ અને શહેરના દરેક વિસ્તાર સમતોલ વિકાસ સાથે આગળ વધી રહ્યા છે. સાબરમતી રિવર ફ્રન્ટ, બી.આર.ટી.એસ. કાંકરીયા કાર્નિવલ જેવા નવનિર્મિત કાર્યક્રમો હાથ ધરાયા અને માળખાકીય સુવિધાઓમાં વધારો થયો છે તેમ તમેણે જણાવ્યું હતું.