મિત્રો,
ર૦૧૦નું વર્ષ પૂર્ણતાને આરે છે. જોતજોતામાં ર૧મી સદીનો પ્રથમ દશક પૂરો પણ થઇ ગયો.
ર૦૧૧ની નવી સાલ દુનિયાના દરવાજે દસ્તક દઇ રહી છે. નવા વર્ષની સહુને શુભેચ્છા.
વીસમી સદીના અંતે, આપણું ગુજરાત કેવું હતું- અને આજે ર૧મી સદીના પ્રથમ દશક પછી, કઇ દિશામાં ગતિ કરી રહ્યું છે-એના લેખાજોખા અભ્યાસનિષ્ઠોએ કરવા જેવા છે.
વિતેલો આખો દશક એટલે વિકાસની હરણફાળનો દશકો. બીજી બાજુ ગુજરાત આફતો, સમસ્યાઓ અને વિપરીત પડકારોથી ધેરાયેલું રહ્યું પણ આ બધી કપરી કસોટીઓમાંથી સાંગોપાંગ પાર ઉતરીને, ગુજરાત અવિરત પ્રગતિ કરતું જ રહ્યું છે.
આ દશકામાં આફતો પણ કેવી કેવી આવી?
સૌથી વિનાશક ભૂકંપમાંથી, મોતની ચાદર ઓઢીને કણસતા ગુજરાતના પૂનરુત્થાનનો અતિવિકટ પડકાર ઝીલવાનો હતો. ત્યાં ગોધરાની ટ્રેનમાં જ કારસેવક નિર્દોષ નાગરિકોને જીવતા સળગાવી દેવાના માનવતાહીન આતંકી કૃત્યએ ગુજરાતને ફરી હચમચાવી દીધું...સહકારી બેન્કોના કૌભાંડોએ ગુજરાતના અર્થતંત્ર ઉપર આર્થિક ભૂકંપના આંચકા આપ્યા-સહકારી બેન્કીંગની શાન જમીનદોસ્ત થતી અટકાવવાનો પડકાર...સુરતની તાપીના ધોડાપૂરની આપત્તિ, અક્ષરધામ ઉપરનો આતંકવાદી હુમલો અને અમદાવાદ-સુરતમાં આતંકવાદી બોમ્બ બ્લાસ્ટના માનવતાવિરોધી કૃત્યો-પૂર, વાવાઝોડા જેવી કુદરતી આફતો પણ આવી.
ઇતિહાસનો બોધપાઠ એ છે કે, વિષમ સ્થિતિથી વિચલિત થવું ના જોઇએ પણ ગુજરાત તો આખા દશકમાં આ જ વિષમતા વચ્ચે રોજ ઝઝૂમતું રહ્યું... રોજ નવા ષડયંત્ર, ગુજરાતની અસ્મિતાના સ્વાભિમાન ઉપર રોજ નવા આક્રમણો...
આ જ ગુજરાતની જનતાએ જ, દેશભરમાં ઉધઇની જેમ કોરી ખાતા વોટબેન્કના સ્વાર્થી રાજકારણને, અનેક જૂઠાણા, અપપ્રચારોની આંધિ સામે જૂજારૂ બનીને, આગવા મિજાજથી લોકતાંત્રિક રીતે વિકાસની રાજનીતિનો વિજય વાવટો લહેરાવ્યો.
આવા અનેક પડકારો ઝીલવાનું સામર્થ્ય ગુજરાતની પેઢીને આ દશકમાં જ શીખવા મળ્યું અને તેના પરિણામે વર્તમાન પેઢીમાં વિજયી થવાનો નિહિત સ્વભાવ બની ગયો અને એટલે જ ગુજરાત આ પડકારો વચ્ચે પણ હરેક ક્ષેત્રમાં નવા નવા કિર્તીમાન સ્થાપતું રહ્યું છે
આથી યે વિશેષ ગૌરવની ઐતિહાસિક ધટના એ રહી છે કે, સાડા પાંચ કરોડ ગુજરાતીઓએ એક સૂર, એક લક્ષ્ય, એક દિશા સાથે સ્વર્ણિમ જયંતીના અવસરને જ વિકાસનો જનઉત્સવ બનાવી દીધો.
ગુજરાતે આજે દુષ્કાળગ્રસ્ત રાજ્યની ઓળખ મિટાવી દીધી છે. જળ વ્યવસ્થાપન અને કૃષિ વિકાસની ક્રાંતિ હોય કે, ભૂકંપથી તારાજ કચ્છની ઔઘોગિક હરણફાળ હોય -
રાજ્ય સરકારના ગરીબી અને કુપોષણ સામેની લડાઇના અભિયાનો હોય કે જન્મપૂર્વે ગર્ભસ્થ શિશુથી લઇને મરણ સુધીની જીવનયાત્રામાં ગુજરાત સરકાર વંચિતો, ગરીબોના સુખ-દુઃખમાં નોંધારાના આધાર તરીકે ભાગીદાર હોય-
ગુજરાતે સામાન્ય માનવીની ફરિયાદોના ન્યાયી ઉકેલ માટે સ્વાગત ઓનલાઇનની ટેકનોલોજી અપનાવી તો, સુરાજ્ય માટે વિકાસના જનઆંદોલનની દિશા પણ પ્રેરિત કરી... મહિલા અને બાળ સશક્તિકરણ માટે સમાજ શકિતને ઉજાગર કરી.-
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ કરીને આપણે વૈશ્વિક મંદીના પડકારને ઝીલવાનો સફળ આત્મ વિશ્વાસ જગાવ્યો તો, ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક સંકટમાંથી ઉગરવા પ્રકૃતિ પ્રેમની અને ગ્રીન ક્રેડિટની દિશા પણ બતાવી.
આવી તો અનેક દિશા સૂચક પહેલ ગુજરાતે કરી છે.
ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ-આ મંત્ર સાકાર કરીને ગુજરાત છેલ્લા એક દશકમાં જ હિન્દુસ્તાનના અર્થતંત્રનું ગ્રોથ એન્જીન બની ગયું છે.
પણ આપણું સપનું તો છે-
પ્રત્યેક ગુજરાતી ઉન્નત મસ્તકે દુનિયામાં ગૌરવભેર ગુજરાતી હોવાનું સ્વાભિમાન લે, વિશ્વમાં જે શ્રેષ્ઠ છે તે ગુજરાતમાં હોય અને ગુજરાત પોતે વિશ્વને શ્રેષ્ઠત્તમ પ્રદાન કેમ ના કરે?
ગુજરાત નિરોગી હોય, ગુજરાત સ્વચ્છ અને હરિયાળું હોય, ગુજરાતનો એક-એક નાગરિક ભારતમાતા માટે સમર્પિત કર્તવ્યભાવથી રમમાણ હોય...
આવો, ર૧મી સદીના બીજા દશકમાં પદાર્પણ કરીએ છીએ ત્યારે આવતી કાલની પેઢીઓ શકિતશાળી અને સામર્થયવાન બને એવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ કરીએ.
જય જય ગરવી ગુજરાત! જય જય સ્વર્ણીમ ગુજરાત!
આપનો,