પ્રિય મિત્રો,
સંશોધનાત્મકવૃત્તિ અને નવીન વિચારસરણી ધરાવતા લોકોને પ્રાથમિક શિક્ષણનાં ક્ષેત્રમાં કામ કરવામાં અનેરો આનંદ આવતો હોય છે. સંશોધકો આ ક્ષેત્રમાં વિવિધ નવીન પધ્ધતિઓનાં ઉપયોગ થકી અત્યંત સંતોષજનક પરિણામો મેળવી શકે છે. કમનસીબે, આઝાદી બાદ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણા દેશની કામગીરી ખાસ સારી રહી નથી. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું અને તેમને અધવચ્ચેથી શાળા છોડીને જતા અટકાવવા એ આપણા મુખ્ય પ્રશ્નો છે. આપણા દેશમાં રાજકારણની સ્થિતી એવી છે કે જો મત મળવાના હોય તો જ કામ કરવામાં આવે. શાળાનાં બાળકોને તો મત આપવાનો અધિકાર નથી, અને કદાચ એટલે જ પ્રાથમિક શિક્ષણની સ્થિતી આપણે ત્યાં સારી નથી. આ પરિસ્થિતીને બદલવાનો સૌથી સારો રસ્તો એ છે કે નવીન સંશોધનોને ઉત્તેજન મળે એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવે.
મિત્રો, સંશોધનોને પ્રોત્સાહન મળે એવું વાઈબ્રન્ટ વાતાવરણ ઊભું કરવા માટે ગુજરાતે અનેકવિધ પગલાઓ લીધા છે. સંશોધકોનાં સંવર્ધન અને તેમને પ્રોત્સાહન અને સહાય કરવાની નેમ સાથે એક પૂર્ણકક્ષાનાં ઈનોવેશન કમિશનની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સરકારે આઈ-ક્રિએટ ઈનક્યુબેશન સેન્ટરની સ્થાપના કરી જેના માધ્યમથી સંશોધકો તેમના નવીન સંશોધનો અને વિચારોને વાસ્તવિક જગતમાં મૂકી શકે તે માટે સરકાર તેમને શક્ય તમામ સહાય કરશે.
નવીન પધ્ધતિઓનાં ઉપયોગથી પાયાનાં સ્તર ઉપર પ્રાથમિક શિક્ષણ આપી રહેલા સંશોધકોનાં કાર્યને સમર્થન આપવા માટે ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન્સ કમિશન દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત નવીન પધ્ધતિઓ અને સંશોધનો દ્વારા પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરનારાં ૨૫ જેટલા શિક્ષકોનાં કાર્યને સમાવતું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ ૨૫ કર્મયોગીઓએ તેમની આસપાસના સમાજમાં મોટું પરિવર્તન આણ્યું છે. પછી એ ‘નાઈટ ગ્રુપ સ્કુલ’ દ્વારા સમાજનાં લોકોનાં વિકાસની પરિભાષા બદલી દેનાર ધર્મેશ રામાનુજ હોય કે સ્થાનિક રીતિઓનાં ઉપયોગથી વૃક્ષોને બચાવતા જયેશ પટેલ હોય; આ લોકો ખરેખર એક ઉચ્ચ સ્તરનું કાર્ય કરી રહ્યા છે અને સર્જનાત્મકતા તથા પરિવર્તનનું વાતાવરણ ઉભું કરવામાં મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. જ્યંતિલાલ જોતાણી અને પ્રેરણા મહેતા જેવા લોકોનું કાર્ય કન્યા કેળવણીને ઉત્તેજન આપી રહ્યું છે જ્યારે વ્યસનમુક્તિ માટે લાલજીભાઈ પ્રજાપતિનાં કાર્યો પણ પ્રશંસાપાત્ર છે. આ યાદી અહીં અટકતી નથી! આ પુસ્તકમાં બીજા પણ એવા ૨૦ કર્મયોગીઓની વાત છે જેઓ આવનારી પેઢીઓનાં શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
‘અહં બ્રહ્માસ્મિ’ મંત્ર ઉપર આપણને પરમ શ્રધ્ધા છે. આ મંત્રનો સૂચિતાર્થ એ છે કે આપણા સૌની અંદર સર્જક રહેલો છે! માણસે માત્ર આ આંતરિક સર્જક સાથે તાર જોડવાનો છે. આમ થાય તો એક સામાન્ય માણસ પણ અસામાન્ય સર્જન કરીને પોતાનું યોગદાન આપી શકે છે. આ તાર ત્યારે જોડાય છે જ્યારે વ્યક્તિ પોતાના મર્યાદિત અસ્તિત્વને વિશાળ અસ્તિત્વ સાથે જોડી દે, જ્યારે વ્યક્તિ સમજવા લાગે કે આ કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર એ બીજું કાંઈ નહિ પણ પોતાનું જ વિસ્તૃત સ્વરૂપ છે. આમ થાય પછી એક શિક્ષક પોતાનાં વિદ્યાર્થીમાં ઈશ્વરને જુએ છે. તે પોતાના કાર્યમાં એકાકાર થઈ જાય છે અને પછી સર્જન પૂર્ણપણે તેની અંદરથી પ્રવાહિત થવા લાગે છે. સ્વામી વિવેકાનંદનાં શબ્દો ‘વિસ્તરવું એ જીવન છે અને સંકોચાવું એ મૃત્યુ છે’ નો મતલબ આ જ છે. આ સર્જનાત્મક શિક્ષકોએ પોતાનાં કાર્યને પોતાના મર્યાદિત સ્વ થી ઉપર મૂક્યું અને તેનાં પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ.
મિત્રો, આ પ્રયત્નોને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પણ જરૂર છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સૌ કોઈ શિક્ષણને ઉત્સવ તરીકે માણે એવું વાતાવરણ ઉભું કરવાનાં રાજ્ય સરકારનાં મિશનમાં પણ આવા પ્રયત્નો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે ધોરણ ૧ થી ૫ માં સ્કુલ ડ્રોપ-આઉટ દર ૨૦% થી ઘટીને ૨% અને ધોરણ ૧ થી ૭ માં ૩૯% થી ઘટીને ૭.૪૫% પહોંચ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં સંશોધનાત્મકતા લાવવા માટે ગુજરાત સરકારની અન્ય એક પહેલ છે - ગુણોત્સવ કાર્યક્રમ . બાળકોની શીખવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય અને ‘ટીચીંગ’ નાં બદલે ‘લર્નીગ’ને મહત્વ આપવામાં આવતું હોય તેવા એક મૂળભુત પરિવર્તનનું વાતાવરણ ઉભુ કરવાના ઉદ્દેશ્ય સાથે આ ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની ખાસ બાબત એ છે કે મંત્રીશ્રીઓ અને આઈ.એ.એસ, આઈ.એફ.એસ. અને આઈ.પી.એસ. સહિતનાં ૩,૦૦૦ જેટલા સરકારી અધિકારીઓ ૩૦,૦૦૦ થી વધુ પ્રાથમિક શાળાઓની મુલાકાત લે છે.
સંશોધનનું વાતાવરણ ઊભું થાય એ માટે આપણે આપણાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરુ પાડવાનો પ્રયાસ કરવો જોઈએ, કે જેથી તેઓ ઉંચા સ્વપનાઓ સેવે અને દેશને વધુ ઉંચાઈએ લઈ જાય. આ પુસ્તક ‘'Learning from Innovative Primary School Teachers of Gujarat' આ દિશામાં આગળ વધવાનો એક પ્રયાસ છે.


