સૌથી પહેલાં હું અહીં મુંબઈની હોસ્પિટલમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરૂં છું. મુખ્યમંત્રીજી સાથે મારે તેના વિશે વાત થઈ છે. પીડિત પરિવારોને તમામ સંભવિત મદદ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગૂમાવ્યા છે તેમની સાથે હું મારી સંવેદના વ્યક્ત કરૂ છુ.
સાથીઓ,
પત્રકાર દ્વારા પ્રેરિત, પત્રકાર દ્વારા સંચાલિત, શુદ્ધ પત્રકારત્વ માટે કટિબદ્ધ, રિપબ્લિક ટીવી એક સશક્ત પ્રયોગ છે. ખૂબ ટૂંકા ગાળામાં તમારી ચેનલે પોતાની ઓળખ ઉભી કરી છે. આપ સૌ દેશના જન જન સુધી સમાચારો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છો. હું રિપબ્લિક ટીવીના સમગ્ર મેનેજમેન્ટને, અહીં કામ કરનાર તમામ પત્રકારોને, દેશના અલગ અલગ ભાગોમાં કામ કરી રહેલા રિપોર્ટર અને સ્ટ્રીંગરને અભિનંદન પાઠવું છું. દેશની દશા અને દિશા અંગે વિચાર કરવા માટે આ પ્રકારે આયોજન કરીને તમે નવા વિચારો, નવા ઉપાયોની તરફ લોકોને પ્રેરી રહ્યા છો એ માટે પણ હું આપ સૌને અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
આઝાદી પહેલા, આઝાદીના દિવાના લોકો જ પત્રકારિત્વ કરતા હતા. પત્રો અને પત્રિકાઓ આઝાદીનું બ્યૂગલ ફૂંકતી હતી. આઝાદ ભારતમાં સુખી-સમૃદ્ધ દેશ માટે હકારાત્મક સમાચારોની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. દેશવાસીઓમાં કશુંક કરવાની ઈચ્છા જાગે, દેશને આગળ લઈ જવાની ઈચ્છા જાગે તે ખૂબ જ આવશ્યક છે. સ્વરાજના આંદોલન માટેની જેવી ભાવના હતી તેવી જ ભાવના સુરાજ્યના આંદોલનની ઊર્જા માટે પણ હોવી જોઈએ. ભારત વિશ્વમાં એક તાકાત સ્વરૂપે ઉભરી આવે, તેના માટે ઘણાં ક્ષેત્રોમાં આપણે સરસાઈ પ્રાપ્ત કરવાની રહે છે.
વિજ્ઞાન હોય કે ટેકનોલોજી હોય, રમત-ગમત હોય કે તે પ્રકારે દુનિયામાં ભારતનો અવાજ બુલંદ કરવામાં આપણાં સમાચાર માધ્યમો વિશ્વમાં પહોંચ બતાવે, વિશ્વમાં ઓળખ ઉભી કરે તે વર્તમાન સમયની માંગ છે. આજે ભારતના મિડિયા જગતે આ પડકારનો સામનો કરવો જોઈએ.
સાથીઓ,
સર્જીંગ ઇન્ડિયા એટલે કે ઝડપભેર આગળ વધતું ભારત. આ શબ્દો 130 કરોડ ભારતિયોની ભાવનાઓને પ્રગટ કરી રહી છે. આ એક એવી લાગણી છે, એક એવો ધબકાર છે કે જેનો અનુભવ સમગ્ર દુનિયા કરી રહી છે. સમાજ જીવનના તમામ પાસાઓમાં વૈશ્વિક મંચ પર આપણી યોગ્ય જગ્યા પ્રાપ્ત કરવા માટે આપણે ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. ભારતની અર્થ વ્યવસ્થા હોય કે ભારતની પ્રતિભા હોય. ભારતની સામાજિક વ્યવસ્થા હોય કે ભારતનું સાંસ્કૃતિક મૂલ્ય હોય કે પછી ભારતની વૈશ્વિક તાકાત હોય. દરેક સ્તર પર ભારતની ઓળખ વધુ મજબૂત બની રહી છે.
સાથીઓ,
આજે હું મિડિયાના મંચ પર છું. સવાલો તમને ખૂબ જ ગમતા હોય છે. આથી હું કેટલાક સવાલો સાથે મારી વાતની શરૂઆત કરીશ. એવું કહેવાય છે કે જેવો સંગ તેવો રંગ, થોડીક પળો માટે તમારી સાથેના સંગને કારણે મને પણ આદત લાગી છે. જેવી રીતે તમારા સવાલોમાં ઘણું બધુ છૂપાયેલું હોય છે તેવી જ રીતે મારા સવાલોમાં પણ ઝડપથી આગળ વધતા ભારત માટે તમને પણ આપમેળે જવાબો મળી જશે.
સાથીઓ,
શુ ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું હતું કે ભારત આટલું જ ઝડપથી પાંચ ટ્રિલિયન ડોલરના અર્થંતંત્રમાં સમાવેશ પામવા તરફ પોતાના કદમ આગળ વધારશે? શુ ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું હતું કે આપણે વેપાર-વાણિજ્યની સરળતાનાં ક્રમાંકમાં 142 થી આગળ વધીને 77 પર આવી જઈશું. ભારત ટોચના 50 દેશોમાં સ્થાન મેળવવા માટે ગતિથી આગળ વધી રહ્યું છે? શું કોઈએ ચાર વર્ષ પહેલાં વિચાર્યું હતું કે ભારતમાં એસી ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોથી વધુ લોકો વિમાનમાં મુસાફરી કરતા હશે? શું ચાર વર્ષ પહેલાં કોઈએ પણ વિચાર્યું હશે કે રિક્ષા ચલાવનાર પણ, શાકવાળો પણ, ચા વાળો પણ ભીમ એપનો ઉપયોગ કરવા લાગશે. પોતાના ખિસ્સામાં રૂપે ડેબીટ કાર્ડ રાખીને પોતાનો આત્મવિશ્વાસ વધારશે?
શું આ અગાઉ કોઈએ વિચાર્યું પણ હતું કે ભારતનું હવાઈ ક્ષેત્ર એટલી ઝડપી ગતિથી આગળ વધશે કે કંપનીઓએ એક હજાર નવા હવાઈ જહાજનો ઓર્ડર આપવો પડશે? અને તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આપણાં દેશમાં આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં કુલ 450 હવાઈ જહાજ કાર્યરત છે. ખાનગી હોય, જાહેર ક્ષેત્રના હોય, સરકારી હોય, કે કોઈપણ હોય. એક વર્ષમાં એક હજાર નવા હવાઈ જહાજનો ઓર્ડર આ બતાવી આપે છે. શું ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ હશે કે ભારતમાં નેશનલ વોટરવેઝ એક સચ્ચાઈ બનીને ઉભરી આવશે. કોલકતાથી એક જહાજ ગંગા નદીમાં ચાલશે અને બનારસ સુધી સામાન લઈને પહોંચશે? શું ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું હતું કે આપણાં ભારતમાં જ બનેલી એન્જીન વગરની એરકન્ડીશન ટ્રેનનું પરિક્ષણ થઈ રહ્યું હશે અને તે દર કલાકે 180 કી.મી.ની ઝડપે દોડતી હશે?
શું ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ હશે કે ભારત એક સાથે 100 ઉપગ્રહો છોડવાનો વિક્રમ રચશે અને એટલું જ નહીં, ગગન યાનના ધ્યેય તરફ પણ આજે આપણે આગળ વધી રહ્યા છીએ. શું ચાર વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું હશે કે સ્ટાર્ટઅપની દુનિયાથી શરૂ કરીને સ્પોર્ટસની દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા આટલી બધી વધી જશે?
સાથીઓ,
ચાર વર્ષ પહેલાં કોઈએ એવું પણ વિચાર્યું હશે કે એક દિવસ હેલિકોપ્ટર કૌભાંડનો આટલો મોટો દલાલ ક્રિશ્ચિયન મિશેલ ભારતમાં હશે અને તમામ કડીઓ જોડી રહ્યો હશે? ચાર વર્ષ પહેલાં કોઈએ એવું પણ નહીં વિચાર્યું હોય કે 1984ના શીખ નરસંહારના આરોપી કોંગ્રેસી નેતાઓને સજા મળશે, લોકોને ન્યાય મળવા લાગશે. આખરે આ પરિવર્તન કેવી રીતે આવ્યું? દેશ પણ એ જ છે, લોકો પણ એ જ છે, નોકરશાહી પણ એ જ છે. આપણાં સાધનો પણ એ જ છે, સંસાધનો પણ એ જ છે. તો પછી આ પરિવર્તનનું કારણ શું છે?
સાથીઓ,
આપણે ત્યાં એક માનસિકતા રહી છે કે જ્યારે સરકાર વિરૂદ્ધ આરોપ મૂકીને કોઈ વ્યક્તિ અદાલતમાં જાય તો માનવામાં આવે છે કે સરકારનો જ દોષ હશે અને આરોપ લગાવનાર સાચો હશે. આવી આપણી સામાન્ય માન્યતા છે, ગોટાળો હોય કે ભ્રષ્ટાચારનો આરોપ હોય આવી જ એક માનસિકતા આપણાં મનમાં ઘર કરી ગઈ છે, કારણ કે આપણે આ પહેલાં આવું જ જોયું છે, પરંતુ એવું પણ પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઈ સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા દેશની સૌથી મોટી અદાલતમાં જવામાં આવ્યું હોય અને અદાલતે સીધે સીધો જવાબ આપ્યો હોય કે જે કાંઈ કામ થયું છે તે પૂરી પારદર્શકતા સાથે થયું છે, ઈમાનદારી સાતે થયું છે. આપણાં દેશમાં એવું પણ બની શકે કે ચાર વર્ષ પહેલાં આવું કોઈએ વિચાર્યું પણ ના હોય.
ભાઈઓ અને બહેનો,
હું ક્યારેક જોતો હોઉં છું કે પ્રસારણ દરમિયાન તમે અગાઉની અને હાલની બે વિન્ડો, એટલે કે બે સ્થિતિઓ વચ્ચેનો તફાવત રસપ્રદ રીતે દેખાડતા હશો. મારી પાસે અગાઉની અને હાલની કૂબ જ રસપ્રદ તસવીર છે. જે ઝડપથી ગળ વધચા ભારતને પ્રભાવશાળી બનાવી રહી છે.
સાથીયો,
આજે દેશની સામે 2014 પહેલાંની એક છબી છે કે જ્યારે સ્વચ્છતાનો વ્યાપ 40 ટકા કરતાં ઓછો હતો. હવે વર્ષ 2018ના અંત ભાગમાં તેનો વ્યાપ વધીને 97 ટકા સુધી પહોંચી ચૂક્યો છે. આજે દેશની સામે વર્ષ 2014ની આ પહેલી તસવીર છે કે જ્યારે દેશના 50 ટકા લોકો પાસે બેંકના ખાતા ન હતા અને હવે વર્ષ 2018ના અંત ભાગમાં દેશનો દરેક પરિવાર બેંકીંગ પદ્ધતિ સાથે જોડાઈ ચૂક્યો છે. આજે દેશની સામે વર્ષ 2014ની પહેલાની અને એક અન્ય તસવીર છે કે જેમાં કર ચૂકવનારા લોકોની સંખ્યા 3 કરોડ 80 લાખ હતી અને હવે આ વર્ષે આ સંખ્યા વધીને લગભગ 7 કરોડ સુધી પહોંચી ચૂકી છે.
આજે દેશની સામે વર્ષ 2014 પહેલાંની એક તસવીર છે કે જેમાં 65 લાખ લોકો પ્રોફેશનલ ટેક્સ આપવા માટે રજીસ્ટર થયા હતા અને આજે સ્થિતિ એવી છે કે માત્ર દોઢ વર્ષમાં જ 55 લાખ નવા પ્રોફેશન રજીસ્ટ્રેશન માટે આગળ આવ્યા છે. આજે દેશની સામે વર્ષ 2014 પહેલાની એક એવી તસવીર છેક જેમાં મોબાઈલ ફોન બનાવનાર માત્ર બે જ કંપનીઓ હતી અને આજે એ જ મોબાઈલ મેન્યુફેક્ચરીંગ કંપનીઓની સંખ્યા 120નો આંક વટાવી ગઈ છે. બે થી વધીને 120 થઈ છે.
સાથીઓ,
અગાઉની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચેનો આ તફાવત ઝડપભેર આગળ વધતા ભારતની એક ખૂબ મજબૂત છબી આપણી સમક્ષ મૂકે છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે આજે દેશમાં નીતિ આધારિત શાસન અને જેના અંગે ધારણા બાંધી શકાય તેવી પારદર્શક નીતિઓનો આધાર લઈને આપણી સરકાર આગળ ધપી રહી છે. એનું પરિણામે એ આવ્યું છે કે આજે ભારતમાં બમણી ગતિથી ધોરિમાર્ગો બની રહ્યા છે, બમણી ગતિથી રેલવે લાઈનોને બમણી કરવાની કામગીરી થઈ રહી છે, વિજળીકરણ થઈ રહ્યું છે. 100 થી વધારે નવા એરપોર્ટ અને હેલિપોર્ટ માટે કામ આગળ ધપી રહ્યું છે. 30-30, 40-40 વર્ષ સુધી અટકી પડેલી આ યોજનાઓને પૂરી કરવામાં આવી રહી છે. આજે તમે ભારતમાં કોઈપણ સ્થળે જાવ તો તમને એક બોર્ડ એવું જોવા મળશે કે જેમાં લખ્યું હોય કે 'કામ એ જ પ્રગતિ છે'.
સાથીઓ,
આ બોર્ડ સાચા અર્થમાં એવું દર્શાવે છે કે ભારત પ્રગતિના પંથે છે. માત્ર સડકો, ફ્લાયઓવર અને મેટ્રો જ નહીં, અહિંયા નવા ભારતના નિર્માણની કામગીરી ચાલી રહી છે. હું આજે એક એવા શહેરમાં છું કે જેના માટે એવું કહેવામાં આવતું હતું કે આ શહેર ક્યારેય અટકતું નથી. હું આજે અહિંયા ઉભો રહીને તમને જણાવવા માંગુ છું કે ભારત એ એક એવો દેશ છે કે જે ક્યારેય અટકતો નથી. રોકાઈશું નહીં, ધીમા પડીશું નહીં, અટકીશું નહીં એવો નિર્ણય ભારતે કરી લીધો છે.
સાથીઓ,
અહિંયા મુંબઈમાં પણ 22 કી.મી. લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નિર્માણ, મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ, ડબલ લાઈન સબ-અર્બન કોરિડોરનું કામ, સેંકડો કી.મી.ના મેટ્રો કોરિડોરનું કામ, આ બધુ વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા પછી જ શરૂ થયું છે. મને એવું કહેવામાં આવ્યું છે કે અંધેરી અને વિરાર વચ્ચેના વ્યસ્ત સેક્શનમાં નવી ટ્રેનો પણ ફાળવવામાં આવી રહી છે, જેનાથી આ રેલવે લાઈનની ક્ષમતા 33 ટકા સુધી વધી જશે.
સાથીઓ, દેશની આ જરૂરિયાતો અગાઉ પણ હતી. મુંબઈની આ જરૂરિયાતો પહેલાં પણ હતી જ, ઘણાં દાયકાઓથી હતી, પરંતુ કામ હવે થઈ રહ્યું છે. વિચારો, આવું શા માટે? આનો જવાબ હું તમને આપવા માંગુ છું અને કોશિષ કરીશ કે ટીવી વાળાની પદ્ધતિથી જ તમને જવાબ આપીશ.
મને જ્યારે પણ સમય મળે છે ત્યારે હું અર્ણબને જોતો હોઉં છું. જોવાથી વધુ સાંભળતો હોઉં છું કે તે કેવી રીતે ઘણાં બધા મહેમાનોને લઈને બેસી જાય છે અને સવાલ- જવાબ કરે છે. બે વિન્ડો અને અનેક વિન્ડોનો પૂરો દોર દમામ જોવા મળતો હોય છે.
સાથીઓ,
આવી એક મલ્ટીપલ વિન્ડો દર મહિને દિલ્હીમાં પ્રધાન મંત્રી કાર્યાલયમાં પણ આકાર લેતી હોય છે. એ બેઠક હોય છે પ્રગતિની અને તેમાં આટલા વર્ષથી અટકેટા પ્રોજેક્ટસના લેખા- જોખા કરવામાં આવતા હોય છે. છેલ્લા 4 માસમાં અમે એવા પ્રોજેક્ટસ શોધી શોધીને બહાર કાઢ્યા છે જે ન જાણે કેટલાય વર્ષોથી ફાઈલોમાં દબાઈને પડ્યા હતા. હું તમને માહિતી આપવા માંગુ છું કે આજ સુધીમાં રૂ.12 લાખ કરોડથી પણ વધુના જૂના પ્રોજેક્ટસની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી ચૂકી છે. એક એક પ્રોજેક્ટનું શું મહત્વ છે, કેવી રીતે મહેનત કરવામાં આવે છે તે પણ હું તમને મુંબઈનું જ ઉદાહરણ આપીને બતાવવા માંગુ છું.
સાથીઓ,
મને યાદ છે કે લગભગ ત્રણ વર્ષ પહેલાં 'પ્રગતિ'ની બેઠકમાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો વિષય ચર્ચામાં આવ્યો તો એ જાણીને મને ઘણું અચરજ થયું હતું. મુંબઈમાં બીજુ એરપોર્ટ તૈયાર કરવા માટે નવેમ્બર, 1997માં પહેલી વખત સમિતિની રચના કરવામાં આવી હતી અને ત્યારથી માંડીને લગભગ 20 વર્ષ સુધી ફાઈલો અહીંથી તહીં દોડતી રહી, હું કહીશ કે ઉડતી રહી. એની વચ્ચેના ગાળામાં ઘણી સરકારો આવી, ઘણી ચાલી ગઈ, ફાઈલો ઉડતી રહી. જહાજ ક્યારેય પણ ઉડ્યુ નહીં, પરંતુ નવી મુંબઈ એરપોર્ટની ફાઈલ આગળ વધી શકી નહીં.
‘પ્રગતિ’ની બેઠકમાં મલ્ટીપલ વિન્ડો બનાવીને તમામ અધિકારીઓ, તમામ વિભાગોને એક સાથે આમને સામને લાવીને અમારી સરકારે આ પ્રોજેકટ સામે રહેલા તમામ પડકારો દૂર કર્યા અને આજે નવી મુંબઈ એરપોર્ટ માટે ઝડપથી કામગીરી ચાલી રહી છે.
તમે વિચારો કે આ માત્ર એક પ્રોજેકટની જ વાત છે. હું ફરીથી આપને જણાવવા માંગુ છું કે આવા જ રૂ.12 લાખ કરોડના પ્રોજેક્ટસને અમે આગળ વધારી રહ્યા છીએ. ઝડપથી આગળ વધતા ભારતની પાછળ કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે તેનું આ જીવતુ જાગતું ઉદાહરણ છે.

સાથીઓ,
થોડાક વર્ષ પહેલાં એક મંચ ઉપર મેં બે મિત્રોની એક વાર્તા સંભળાવી હતી. એક વખત આ બંને મિત્રો જંગલમાં ફરવા માટે ગયા હતા, પરંતુ ત્યાં ગાઢ જંગલ હતું, ભયાનક પશુઓ હતા અને પોતાની સાથે સુરક્ષા માટેનો સામાન પણ રાખવામાં આવ્યો હતો. ઉત્તમ ગુણવત્તા ધરાવતી પિસ્તોલ, બંદૂક પોતાની સાથે રાખવામાં આવી હતી અને આ લોકોને એવું લાગ્યું કે થોડીકવાર માટે ગાડીમાંથી ઉતરીને ફરીએ. તે પછી તે ફરવા માટે નિકલી પડ્યા. જ્યારે ફરવા માટે નિકળ્યા હતા ત્યારે અચાનક એક સિંહ આવી ગયો. સામાન તો ગાડીમાં જ પડ્યો હતો. બંદૂક તો ગાડીમાં જ પડી રહી હતી. તેને ત્યાં છોડીને ફરવા લાગ્યા હતા અને અચાનક સિંહ આવી ગયો. પરંતુ હવે આ પરિસ્થિતિનો મુકાબલો કેવી રીતે કરવો? ભાગવું તો ક્યાં ભાગવું, જવું તો ક્યાં જવુ? પરંતુ એમાંથી એક વ્યક્તિ એવી હતી કે જેણે કિસ્સામાંથી રિવોલ્વરનું લાયસન્સ કાઢીને સિંહને બતાવ્યું કે જો મારી પાસે આ છે.
સાથીઓ, આપણાં દેશમાં આવુ જ થઈ રહ્યું છે. આ વાત આપણી અગાઉની સરકારના અભિગમની વાત છે. કોઈપણ પરિસ્થિતિ હોય, કામગીરીનો હુકમ અપાય પરંતુ એક્શનનું કોઈ ઠેકાણું દેખાતુ ન હતું. મેં જ્યારે આ વાત લોકોને સંભળાવી હતી ત્યારે હું પ્રધાન મંત્રી પણ ન હતો. એ વખતે મેં કહ્યું હતું કે કોઈપણ કાર્ય માટે મજબૂતીથી આગળ વધીને એક્શન લેવાની જરૂર ઉભી થતી હોય છે. સરકારમાં આવ્ય પછી અમે આ કામગીરી સાકાર કરી બતાવી તે હું આપને જણાવવા માંગુ છું.
સાથીઓ,
અગાઉની સરકારે આહાર સુરક્ષાના કાયદા બાબતે ખૂબ ગાણાં ગાયા હતા. તેમના જે ગીતો ગાવા વાળા હતા તે લોકો ખૂબ મોટેથી બૂમો પાડી પાડીને ગાતા રહેતા હતા. ઘણો હલ્લો કરવામાં આવતો હતો. ખૂબ તાલીઓ મેળવવામાં આવી હતી, પરંતુ અમે જ્યારે વર્ષ 2014માં સત્તામાં આવ્યા ત્યારે માત્ર 11 રાજ્યોને જ તેનો લાભ મળ્યો હતો. તમે વિચારો કે આટલી બધી તાળીઓ મેળવ્યા પછી પણ ભારતની ઘણી બધી વસતિ આનો લાભ મેળવી શકી ન હતી.
અમારા આગમન પછી એવું નક્કી કરવામાં આવ્યું કે તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકોને તેનો લાભ પહોંચાડવો જોઈએ. આ રીતે વર્ષ 2013-14માં મોટી ચર્ચા ચાલી રહી હતી કે ગેસના 10 સિલિન્ડર આપવા કે 12 સિલિન્ડર આપવા. અને તેના નામે ચૂંટણીઓ લડવામાં આવી રહી હતી, પરંતુ વર્ષ 2014 સુધી ભારતમાં માત્ર 75 ટકા આવાસોમાં જ ગેસના જોડાણો હતા. તમે વિચાર કરો કે 10 સિલિન્ડર કે 12 સિલિન્ડરના નામ પર ચૂંટણી લડવામાં આવી હતી અને તે વખતે દેશની અડધી જનતા પાસે તો ગેસનું જોડાણ જ ન હતું.
સાથીઓ,
અમારી સરકાર સમસ્યાઓના સ્થિર સમાધાન માટે કામ કરી રહી છે. દેશની સામે અનેક પડકારો પડેલા છે અને તેના કાયમી ઉકેલની તરફ આગળ વધવામાં આવી રહ્યું છે. અમે વ્યવસ્થાઓને તોડી રહ્યા છીએ, ખતમ કરી રહ્યા છીએ કે જેણે દાયકાઓ સુધી દેશમાં વિકાસને રોકી રાખ્યો હતો. ઈન્સોલવન્સી અને બેંકરપ્સી કોડ એટલે કે આઈબીસીનું ઉદાહરણ હું તમને આપવા માંગુ છું.
સાથીઓ,
આપણાં દેશમાં દેવા અંગે એક એવી અજાયબ જેવી પરંપરા હતી કે કોઈ ગરીબ અથવા નીચલા મધ્યમ વર્ગની વ્યક્તિ બેંકમાંથી રૂ.1 લાખનું ધિરાણ લે અને તે પરત કરી શકે નહીં તો તેનું બચવાનું મુશ્કેલ બની જતું હતું. તે સિવાય પણ એક અન્ય તસવીરથી તમે સારી રીતે પરિચીત રહ્યા છો. દેશમાં હજારો એવી મોટી મોટી કંપનીઓ હતી કે જે બેંકોમાંથી 5 થી 10 લાખ નહી, પાંચ થી દસ કરોડ નહીં, પરંતુ પાંચસો હજાર કરોડ રૂપિયા સુધીનું ધિરાણ લેતી હતી.
પરંતુ અલગ અલગ કારણોથી જ્યારે આ કંપનીઓ માંદી પડતી હતી, ખોટમાં ડૂબી જતી હતી, બેંકોના પૈસા પાછા આપી શકતી નહોતી ત્યારે આ કંપનીઓને અને તેના માલિકોને કશું કરવામાં આવતું ન હતું.
સાથીઓ,
આઝાદી પછીના 70 વર્ષથી દેશમાં આવી જ વ્યવસ્થા ચાલી આવી રહી હતી. તમે જાણો છો કે આવું શા માટે હતું? આવું એટલા માટે હતું કે આ કંપનીઓને એક ખાસ પ્રકારનું સુરક્ષા કવચ મળેલું હતું. આ એક એવું સુરક્ષા કવચ હતું કે જેમાં કેટલાક ખાસ લોકો, કેટલાક ખાસ પરિવારોના હુકમો ચાલતા હતા. એ એવું સુરક્ષા કવચ હતું કે જેના કારણે બેંકો દ્વારા કોઈ કાર્યવાહિ કરાય તો તેને રોકવામાં આવતી હતી અને તેના કારણે કંપનીઓ પણ પ્રોત્સાહિત થઈ રહી હતી કે બેંકોના પૈસા શા માટે પાછા આપવા. આપણી પાસે પૈસા માંગવા માટે કોણ આવે છે?
ભાઈઓ અને બહેનો,
મને ખબર છે કે કેટલી અડચણો આવી, કેવા કેવા માટો દબાણોનો સામનો કરવો પડ્યો, પરંતુ વર્ષ 2016માં મેં ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ બનાવીને આ સુરક્ષા ચક્રને તોડી નાંખ્યું. આજે હું ગર્વ સાથે કહી શકું તેમ છું કે બેંકો પાસેથી ધિરાણ લઈને બેસી રહેલા લોકો, બિમાર કંપનીનું બહાનુ બતાવીને દેશના હજારો કરોડ રૂપિયા લઈને બેઠેલા આવા લોકો, આવી કંપનીઓ હવે જાતે પોતાના પૈસા પાછા આપી રહી છે.

ભાઈઓ અને બહેનો,
માત્ર બે વર્ષથી શરૂ કરીને અત્યાર સુધીમાં સવા લાખ કરોડ રૂપિયા આવી કંપનીઓએ સામેથી ચાલી આવીને બેંકોને અને તેમના લેણદારોને પરત કર્યા છે. આમાં ઘણી બધી રકમ નાના સપ્લાયરોની પણ હતી, નાના ઉદ્યોગોની પણ હતી. એમએસએમઈ સેક્ટરની પણ હતી. જે કંપનીઓ ઉપર આ કાયદાનો દંડો ચાલી રહ્યો છે એવી કંપનીઓ પાસેથી આજ સુધીમાં પોણા બે લાખ કરોડ રૂપિયાનું દેવુ પાછું લેવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય કે, એક રીતે જોઈએ તો વર્ષ 2016માં જે નવા કાયદા બનાવ્યા તેના કારણે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવુ આ કરોડપતિઓએ, આ કંપનીઓએ પોતાના લેણદારોને, પોતાની બેંકોને ચૂકવવા માટે મજબૂર થવું પડ્યું છે. આજે પણ આ પ્રક્રિયા ચાલુ જ છે.
સાથીઓ,
આ રીતે બેંકોને લૂંટીને જે લોકો ભાગેડુ બની જાય છે તેમના માટે પણ કડક કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. હવે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ આવા અપરાધીઓની સંપત્તિની હરાજી થઈ રહી છે. આવા તમામ અપરાધીઓને દુનિયાના કોઈપણ ખૂણામાં સંતાવા માટે જગા મળે નહીં તેવી સ્થિતિ સર્જવા માટે સરકાર કટિબદ્ધ છે.
સાથીઓ,
ભ્રષ્ટાચારને ભારતમાં નવું સામાન્ય ધોરણ માનવામાં આવી રહ્યું હતું. ભારતમાં તો આવુ ચાલતુ જ હતું, આવુ તો ચાલી જશે. જો કોઈએ સામેથી અવાજ ઉઠાવે તો તેને નિયમો અને કાયદાઓની યાદ અપાવવામાં આવતી હતી, તો સામેથી તુરત જ જવાબ મળતો હતો કે આ ભારત છે, અહિંયા આવુ જ ચાલશે. આવુ જ શા માટે ચાલવું જોઈએ? ક્યાં સુધી ચાલવું જોઈએ? સ્થિતિને એવી જ શા માટે ટકાવી રાખવી જોઈએ? આવી સ્થિતિને શા માટે બદલવી નહીં જોઈએ?
સાથીઓ,
વિતેલા ચાર- સાડા ચાર વર્ષમાં આ સ્થિતિ બદલવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. દેશને પાછલ લઈ જનારી બેડીઓને તોડવાનું કામ હું કરી રહ્યો છું ત્યારે કેટલાક લોકો દેશને ભ્રમમાં રાખવાનું કામ કરવામાં જોડાયેલા છે, પરંતુ મને સત્યની શક્તિ પર પૂરો ભરોંસે છે અને સત્યનિષ્ઠ દેશવાસીઓ ઉપર પણ મને પૂરો ભરોંસો છે.
ભાઈઓ અને બહેનો,
આજે ભારતની વિદેશ નીતિ ઘરેલુ બાબતોમાં, તુષ્ટીકરણના દબાણ હેઠળ અમે કામ કરી રહ્યા નથી. પરંતુ અમારી તમામ નીતિઓ, તમામ યોજનાઓ, સર્વ જન હિતાય, સર્વ જન સુખાય. રાષ્ટ્ર હિત માટે નક્કી કરવામાં આવી રહી છે. આપણે ક્યાં જવાનું છે, કયા દેશ સાથે સંબંધ રાખવાના છે તે બાબત બંને દેશોના પરસ્પરના હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી રહ્યું છે.
અને આ જ કારણથી ભારતના પાસપોર્ટની તાકાત આજે વધી છે. આજે પૂરી દુનિયામાં ભારતનો અવાજ ગંભીરતાથી સાંભળવામાં આવી રહ્યો છે. દુનિયાની તાકાતવાન સંસ્થાઓમાં ભારતને પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. ભારતની ચિંતાઓ તરફ સંવેદનશીલતા સાથે વિચાર કરવામાં આવી રહ્યો છે અને ભારત માટે વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે. ઓઈલનું ઉત્પાદન કરતા દેશોની ઓપેક જેવી સંસ્થામાં ભારતનું પ્રતિનિધિત્વ નહી હોવા છતાં પણ ભારતની વાત સાંભળવામાં આવી રહી છે.
સાથીઓ,
આ બાબત દુનિયામાં ભારતની તરફ વધી રહેલા વિશ્વાસ અને આપણાં મજબૂત સંબંધોનું જ પરિણામ છે, કારણ કે ભારતને દગો દેવા વાળા લોકોને આપણી વ્યવસ્થાઓ સાથે ખેલ ખેલનાર લોકોને કાનૂનના કઠેડામાં ઉભો કરવામાં આવી રહ્યો છે અને એવા લોકો ભારતને સોંપાઈ રહ્યા છે.
સાથીઓ,
જ્યારે સાર્વજનિક જીવનમાં પવિત્રતા અને પારદર્શકતા હોય અને લોકો માટે કામ કરવા તરફનો દ્રઢ નિશ્ચય હોય, નિષ્ઠા હોય, ત્યારે મોટા અને આકરા નિર્ણયો લેવાની હિંમત આપમેળે આવી જતી હોય છે. આપણાં દેશમાં દાયકાઓથી જીએસટીની માંગ હતી. આજે આપણે સંતોષ સાથે કહી શકીએ તેમ છીએ કે જીએસટી અમલમાં આવ્યો તે પછી બજારની વિસંગતતાઓ દૂર થઈ રહી છે અને પ્રણાલીની કાર્યક્ષમતા વધતી જઈ રહી છે. અર્થ વ્યવસ્થા પણ પારદર્શકતાની તરફ આપણને આગળ લઈ જઈ રહી છે.
સમાજના મહેનતુ અને ઉદ્યમી લોકો કે જે બજાર સાથે જોડાયેલા છે તેમને એક સ્વચ્છ, સરળ, ઈન્સપેક્ટર રાજથી મુક્ત વ્યવસ્થા મળી રહી છે. સમગ્ર ભારતે એક મત દાખવીને આટલા મોટા કરવેરા સુધારાને લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે. આમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપ્યું છે. આપણાં વેપારીઓ અને લોકોના વલણનું આ પરિણામ છે કે ભારત આટલો મોટો ફેરફાર કરવામાં સફળ બની શક્યું છે. વિકસીત દેશોમાં પણ નાના નાના કરવેરા સુધારા લાગુ કરવાનું આસાન હોતુ નથી.
જે રીતે મેં અગાઉ આપને જણાવ્યું તેમ જીએસટી લાગુ કરાયો તે પહેલાં નોંધાયેલા એકમોની સંખ્યા માત્ર 66 લાખ હતી, જે અત્યાર સુધીમાં વધીને 1 કરોડ 20 લાખ સુધી પહોંચી ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં જ્યાં વેટ અને એક્સાઈઝની વ્યવસ્થા ગોઠવાયેલી હતી ત્યાં શરૂઆતના દિવસોમાં જીએસટી તેની છાયામાં આગળ વધી રહ્યો હતો. જેમ જેમ વિચાર વિમર્શ થતો ગયો, લાભાર્થીઓ સાથે વાતો થતી રહી, રાજ્ય સરકારો સાથે વાત થઈ, અર્થશાસ્ત્રીઓ સાથે વાત થઈ અને પ્રેક્ટીશનર સાથે વાત થઈ તેમ તેમ ધીરે ધીરે આ પરિવર્તન થતું રહ્યું હતું.
સાથીઓ,
આજે જીએસટીની પ્રણાલી ઘણી હદ સુધી સ્થાપિત થઈ ચૂકી છે અને આપણે હાલમાં આવશ્યકાઓ મુજબ સામાન્ય લોકોની અનુકૂળતાઓ સાથે બંધ બેસે તે રીતે તેમાં ફેરફાર લાવવા માટે કટિબદ્ધ છીએ. હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું કે આજે જ્યારે આપણે એવી સ્થિતિ તરફ પહોંચી રહ્યા છીએ કે જેમાં 99 ટકા ચીજો, 18 ટકા અથવા તેનાથી ઓછા કરવેરાના વ્યાપ હેઠળ લાવવામાં આવી શકે તેમ છે અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. તે પછી જો કોઈ એક કે અડધો ટકો વૈભવશાળી ચીજો હશે તે જ માત્ર 18 ટકાના વ્યાપની બહાર રહેશે. જેમાં કોઈ હવાઈ જહાજ ખરીદીને લાવ્યું હોય કે પછી કોઈ ખૂબ મોંઘુ વાહન ખરીદીને લાવ્યું હોય, શરાબ હોય, સિગારેટ હોય, આવી બધી ચીજો માંડ એક ટકો પણ નહીં હોય. અમારો એવો મત છે કે જીએસટીને જેટલી સરળ અને સુવિધાજનક બનાવવામાં આવ્યો છે તે રીતે કામ થવું જોઈએ અને એ બાબત સ્પષ્ટ છે કે હવે પછી જીએસટી કાઉન્સિલની જે બેઠક મળવાની છે તેના માટે મેં મારા સૂચનો પણ આપી દીધા છે, કારણ કે તમામ રાજ્યો સાથે મળીને નક્કી કરતા હોય છે. 99 ટકા ચીજો 18 ટકાથી ઓછા વેરા નીચે આવી જશે. અડધા, પોણા કે એક ટકા જેટલી ચીજો કે જેમાં હવાઈ જહાજ હોય, મોટી ગાડી હોય, શરાબ હોય, સિગારેટ હોય. આવી ચીજો છોડીને સામાન્ય માનવ સાથે સંકલાયેલી તમામ ચીજો એટલે કે 99 ટકા ચીજો 18 ટકાથી ઓછા વેરા નીચે આવી જશે. અને આ કામ લગાતાર કરતાં રહેવાનું ધ્યાનમાં રાખીને તેમાં પાર ઉતરવાની દિશામાં પહોંચી રહ્યા છીએ.
સાથીઓ,
મારૂં અને મારી સરકારનું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે. દુનિયામાં સૌથી વધુ યુવાનોની વસતિ ધરાવતો દેશ નાના સપનાં જોઈ શકે નહીં.સપનાંઓ અને આકાંક્ષાઓનું લક્ષ તો ઉંચુ જ હોવું જોઈએ. કેટલાક મોટા લક્ષ તરફ ઈમાનદારી સાથે પ્રયત્ન કરીશું અને તેને પ્રાપ્ત પણ કરીશું. પરંતુ લક્ષ નાનું જ રાખવામાં આવશે તો સફળતા પણ નાની જ નજરે પડશે.
સાથીઓ,
સરકારની પૂરી પ્રણાલી, પૂરી મશીનરી, 70 વર્ષના સતત વિકાસથી ઉભી થયેલી છે. ચાર, સાડા ચાર વર્ષ પહેલાં પણ આ જ પ્રણાલી કામ કરતી હતી. આ જ મશીનરી હતી, પરંતુ આજ કામ કરવાની ગતિ અને વ્યાપ બંને અનેક ગણાં વધી ગયા છે. આજે અનેક લક્ષ એવા છે કે જેની તરફ આપણે ખૂબ ઝડપતી આગળ વધી રહ્યા છીએ. સૌની પાસે પોતાનું ઘર હોય, દરેક ઘરને ચોવીસ કલાક વિજળી મળતી હોય, પીવાનું શુદ્ધ પાણી સ્વચ્છ ઈંધણ સૌ કોઈને સુલભ બનતું હોય તેવા ધ્યેયની ખૂબ જ નજીક આજે ભારત પહોંચી રહ્યું છે. બાળકોનું શિક્ષણ હોય કે યુવકોની કમાણી. વૃદ્ધ લોકો માટે દવા હોય કે ખેડૂત માટે સિંચાઈ હોય. દરેક માણસની વાત સાંભળવામાં આવે અને આ ધ્યેય માટે અમારી દરેક પળ સમર્પિત છે.
સાથીઓ,
એક નવા વિશ્વાસ સાથે, નૂતન ભારત વિશ્વના પટ ઉપર પોતાની ભૂમિકા નક્કી કરી રહ્યું છે. નવા વૈશ્વિક ક્રમમાં પોતાની ભૂમિકા અંગે નવેસરથી વિચારી રહ્યું છે. આવનારા દિવસોમાં આ ભૂમિકા અંગે દેશ વિદેશથી આવેલા મહેમાનો અહિંયા ગંભીર ચર્ચા કરવાના છે. આ માટે મારી તરફથી હું આપને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવી ઊર્જા ઉપર સવાર થઈને નૂતન ભારત બાબતે કશુંક કહેવાની તક મને તમે પૂરી પાડી છે તેના માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે જે પ્રકારના સપનાંઓ લઈને પત્રકારત્વ સાથે જોડાયેલા કેટલાક નવ યુવકોએ રિપબ્લિક ટી.વી.નો પ્રયોગ કર્યો છે અને હવે તો તે હિંદી ભાષામાં પણ જઈ રહ્યા છે. દેશની અન્ય ભાષાઓમાં પણ જવાની વિચારણા કરશે, પરંતુ વિશ્વમાં પણ પોતાના માટે સ્થાન ઉભુ કરવાના સપનાંઓને લઈને ચાલવાની આ શુભકામનાઓ સાથે આપને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું.


