મિત્રો,
અખાત્રિજનું પાવન પર્વ આપણા કૃષિપ્રધાન દેશમાં અત્યંત મહત્વનો અવસર છે.
કિસાનોના આ પવિત્ર પર્વે જ, દેશના એક વરિષ્ઠ કિસાનપ્રેમી નેતાએ વિદાય લીધી.
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ત્રણ ત્રણ વાર રાજસ્થાનમાં યશસ્વી મુખ્યમંત્રી રહેલા સ્વ. શ્રી ભૈરોસિંહજી શેખાવતનું અવસાન, મારા જેવા અનેકો માટે દુઃખદ ઘટના છે.
ખાસ્સા ૩પ વર્ષનો તેમની સાથેનો મારો પરિચય. વ્યંગ, વિનોદના તેઓ માહિર હતા. ૧૯પર થી સતત પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ રહેવું એ જનસેવાની મોટી તપસ્યા માગી લે છે.
સાંપ્રત રાજકારણમાં ‘‘સમય વર્તે સાવધાન’’નું વાતાવરણ પ્રચલિત છે એ સંજોગોમાં એવા બહુ ઓછા વિરલા હોય છે, જે પ્રવાહની સામે તરવાની હિમ્મત રાખતા હોય છે.
સ્વ.શ્રી શેખાવતજીના રાજકીય જીવનના આરંભકાળમાં જ ‘જાગીરદારી નાબુદી’નો કાયદો આવ્યો. રાજસ્થાનમાં એક રાજપૂત માટે આ કાયદાને સમર્થન કરવું એ અઘરો નિર્ણય હતો. જનસંઘના તેમના ઘણા સાથીઓ આ સંવેદનશીલ મૂદ્રે પક્ષ છોડી ગયા પરંતુ ભૈરોસિંહજી મક્કમ રહ્યા. વોટબેંન્કની રાજનીતિની શરણાગતિ ન સ્વીકારી.
થોડાક વર્ષો પૂર્વે, રાજસ્થાનમાં બનેલી કહેવાતી ‘‘સતી’’ની ઘટનાએ ખૂબ મોટો ઉહાપોહ જગવ્યો હતો. કોઇ પણ રાજપૂત નેતા માટે ‘‘લાગણી સભર બનેલ સતી’’ વાળી ઘટના સામે અવાજ ઉઠાવવો એટલે રાજકીય આત્મહત્યા સમાન વલણ હતું. પણ સ્વ. શ્રી ભૈરોસિંહજીએ એવા કપરા કાર્યમાં, રાજકીય લાભાલાભનો વિચાર કર્યા વગર, ગર્જના કરી હતી કે ‘‘વિધવા દહનને સતી કહી લાગણીઓ ઉશ્કેરનારા સમાજના દ્રોહીઓ છે’’.
મિત્રો, જાહેરજીવનમાં અપપ્રચાર, આરોપો, ગંદકી, જુઠ્ઠાણાના સહારે રાજકીય નૌકાઓ પાર કરવાવાળો વર્ગ વધતો જાય છે ત્યારે, આવા વિચારપ્રતિબધ્ધ આગેવાનો જ પ્રેરણા આપતા હોય છે.
સ્વ. શ્રી ભૈરોસિંહજીના જીવન અને કાર્યને નમન.


