મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં નિર્માણાધિન મહાત્મા મંદિર પરિસરમાં ગ્લોબલ ગુજરાતની અનુભૂતિ કરાવતા હાઇટેક મેગા એકઝીબિશનને ખુલ્લું મુકતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ સહિત ઉદ્યોગ વિકાસના ક્ષેત્રે હાઇટેક ટેકનોલોજી માટેનું આ મેગા એકઝીબિશન વિશેષ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને માટે આધુનિક ટેકનોલોજી આધારિત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું દર્શન કરાવશે.
મહાત્મા મંદિરના નિર્માણનો પ્રોજેકટ, માત્ર સાત જ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજનાના તબક્કે વિક્રમ સજર્યો છે અને ભારતનું આ પ્રકારનું આ સૌથી વિશાળ આધુનિકત્તમ પ્રદર્શન છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જયાં યોજાઇ રહી છે તે મહાત્મા મંદિરના પરિસરમાં ૩૩૦૦૦ ચો.મીટરમાં આ ભવ્ય હાઇટેક મેગા એકઝીબિશનનો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાતની યશસ્વી વિકાસયાત્રાના અને ૧૮ જેટલા ડેવલપમેન્ટ સેકટર્સમાં ભવિષ્યના વિકાસની અસીમ સંભાવના ધરાવતા થીમ પેવેલીયનો સહિત ૪પ દેશોના અને ભારતના ૧૯ રાજ્યોના ૩૦૦ જેટલા સ્ટોલ્સ આ એકઝીબિશનમાં પ્રસ્તુત થયા છે.
આ ઉપરાંત ૬૦૦૦ ચો.ફૂટમાં ડિઝીટલ ટેકનોલોજીના આધુનિકત્તમ આવિષ્કાર સમો ઇન્ફોટેઇનમેન્ટ ઝોન પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ભવિષ્યના આધુનિક શહેરો કેવા હશે તેની ઝાંખી કરાવતા થ્રીડી ટેકનોલોજી આધારિત પ્રસ્તુતિનો નજારો પણ ઉપલબ્ધ છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગ્લોબલ ગુજરાતની ઝાંખી કરાવતા પ્રકાશનોનું વિમોચન અને ધી ગુજરાત ત્રિમાસિક અંગ્રેજી મેગેઝીનનું લોન્ચીંગ કર્યું હતું.
અન્ય મહાનુભાવોના હસ્તે પણ વિવિધ વિશેષતા આધારિત કોફી બુક પ્રકાશનોનું વિમોચન થયું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ અત્યાર સુધી જે ચાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઇ તેની ઉત્તરોત્તર સફળતા અને ગુણાત્મક પરિણામોની ભૂમિકા સાથે જણાવ્યું કે, પાંચમી ગ્લોબલ સમિટ-ર૦૧૧ના ગુજરાતના સ્વર્ણિમ જયંતી અવસરે યોજાઇ છે ત્યારે ર૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટે નવા પરિમાણો હાંસલ કર્યા છે.
મેગા એકઝીબીશનનો મહિમા રજૂ કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, એમાં પહેલીવાર હાઇટેક ટેકનોલોજી અને સાયન્સ ટેકનીકનો ડેવલપમેન્ટમાં કઇ રીતે વિનિયોગ થાય તેની પ્રસ્તુતિ કરવામાં આવી છે.
૪પ દેશો અને ૧૯ રાજ્યો સહિત પ૦૦ કંપનીઓની આ એકઝીબિશનમાં સહભાગીતા ગુજરાતની વૈશ્વિક શક્તિની પ્રતીતિ કરાવે છે.
મહાત્મા મંદિર પરિસરમાં સૌથી પહેલી ઐતિહાસિક ઘટનારૂપે આ મેગા એકઝીબિશન શરૂ થયું છે અને વાયબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટે ગુજરાતની વિકાસની લહર સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. ‘‘ગુજરાત'' વિશે ‘‘ગુજરાતની''ની ક્ષમતા સામર્થ્ય વિશે ઉત્તમ એવું વાતાવરણ સજર્યું છે. જેના અવસરનો મહત્તમ લાભ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી વિશ્વને અને દેશને મળવાનો છે.
દુનિયાભરના દર્શકો આ મહાત્મા મંદિર આવી રહ્યા છે અને મહાત્મા ગાંધીજીના જીવન સંદેશના વિવિધ પાસાઓનો આ મહાત્મા મંદિરની ભૂમિ ઉપર સાક્ષાત્કાર થવાનો છે એની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
વિકાસની ગુજરાતની શક્તિનો આ સાક્ષાત્કાર ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસ અને રાષ્ટ્રીય સ્વાભિમાનની ઐતિહાસિક અવસર બનશે. ભારતના રાજ્યોએ વિકાસમાં વિવાદ નહીંની ઇચ્છાશક્તિ અને ભાગીદારીનો નવો રાહ અપનાવ્યો છે તે માટે તમામ રાજ્યો તથા જાપાન અને કેનેડા સહિત ૪પ દેશોના પ્રતિનિધિત્વ અને સહભાગીતાને તેમણે આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના વરદહસ્તે ગુજરાત (અંગ્રેજી), બંદર વિકાસને લગતી કોફી ટેબલ બુક, બેગસી ઓફ ગુજરાત, આરોગ્ય વિભાગનું ગુજરાત ઓન રોડઝ ટુ ગોલ્ડન હેલ્થ, વન વિભાગના મેડીસીનલ પ્લાન્ટ ધી ગુજરાત, ગ્લીમ્પસીઝ ઓફ ફોરેસ્ટ ઇન ગુજરાત, વાઇલ્ડ ફૈના ઇન ગુજરાત અને એસ્સાર ગ્રૃપના ગુજરાત લીડસ ઓફ ધ વે જેવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મુખ્ય મંત્રીશ્રીએ એકઝીબીટર કેટેલોગ વેબસાઇટનું લોન્ચીંગ પણ કર્યું હતું.
આ પ્રસંગે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા, કેનેડાના હાઇ કમિશનર શ્રી સ્ટુઅર્ટ બેક, ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, અદાણી ગ્રૃપના શ્રી ગૌતમ અદાણી, ટોરેન્ટ ગ્રૃપના શ્રી સુધીર મહેતા, સ્ટર્લીંગ ગ્રૃપના શ્રી નીતિન સાંદેસરીયા, એસ્સાર ગ્રૃપના શ્રી પ્રશાંત રૂબ્આ, રીલાયન્સ ગ્રૃપના શ્રી પરીમલ નથવાણી વગેરે ઉપસ્થિત હતા.
મુખ્ય મંત્રીશ્રીએ સતત એક કલાક સુધી આ પ્રદર્શન નિહાળ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિએ સ્વાગત પ્રવચનમાં પ્રદર્શનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૬ દેશો, ર૦ રાજ્યો, ૧ર બેંકો ભાગ લઇ રહી છે. ગુજરાતે બીઝનેશ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કર્યું છે. મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત ‘‘ગ્લોબલ હબ'' તરીકે ઉભરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સમારંભમાં ઉદ્યોગ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એમ. શાહુ, દેશ-વિદેશના અગ્રણી મહાનુભાવો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સચિવશ્રીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


