અમદાવાદઃ રવિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મણીનગરમાં નવનિર્મિત ડેન્ટલ કોલેજનું લોકાર્પણ કરતા સમગ્ર ડોકટર મિત્રોને એવું પ્રેરક આહ્વાન કર્યું હતું કે ગુજરાતની સ્વર્ણિમ જયંતીના આ અવસરે સમાજને આરોગ્ય સેવાના ક્ષેત્રે ઋણ ચૂકવવાનો સંકલ્પ કરે.
“જે ગુજરાતે અને સમાજે જે કાંઇ આપણને આપ્યું છે તેનું ઋણ ચૂકવવા માટે આપણે જનશકિત અને જનભાગીદારીથી સેવાનો અવસર ઉજવીએ” એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ટ્રસ્ટ સંચાલિત ડેન્ટલ કોલેજના નવનિર્મિત ભવનનું આજે મણીનગરમાં લકોર્પણ થયું હતું. જૂની ભાલકીયા મીલ કંપાઉન્ડમાં રૂા.૩૦ કરોડના ખર્ચે અઘતન ટેન્ટલ કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલ કોમપ્લેક્ષનો પ્રોજેક હાથ ધરવામાં આવ્યો છે જે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પૂર્ણ થઇ જશે.
આ ડેન્ટલ કોલેજનું સ્વર્ણિમ જયંતી ડેન્ટલ કોલેજ નામાભિધાન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત જે રીતે વિકાસયાત્રાની હરણફાળ ભરી રહ્યું છે તેમાં આરોગ્ય ક્ષેત્રે પણ ગુજરાતમાં ઉતકૃષ્ઠ આરોગ્ય સેવા અને સંભાળની આધુનિક સંભાવના વિકસી છે અને દુનિયાના વિવિધ દેશોની સરકારો પણ ગુજરાત અને ભારતની આરોગ્ય સેવાઓની બાબતે “હેલ્થ ઇન્સ્યોરન્સ” સહિતના પ્રોત્સાહનો આપવા તૈયાર થઇ રહી છે. ગજરાતનું આ તબીબી આરોગ્ય સેવાઓનું ફલક એક નવાયુગની ક્ષિતિજો આપે છે.
આ હેતુસર, ડોકટરોની ધણી મોટી સંખ્યામાં જરૂરિયાતો ઉપલબ્ધ કરવા ગુજરાત સરકારે આરોગ્ય અને તબીબી શિક્ષણની સુવિધાઓ માટે સુવિચારિત આયોજન કર્યું છે. ભૂતકાળમાં રાજ્યના ૬૦ તાલુકા એવા હતા જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા જ નહોતી ! વિજ્ઞાન પ્રવાહના શિક્ષણનની જ સુવિધા ના હોય તો તબીબી કે ઇજનેરી ફેકલ્ટીમાં વિઘાર્થીઓ કઇ રીતે આવે ? આ ઉપણ દૂર કરવા દરેક તાલુકામાં એક વિજ્ઞાન પ્રવાહની શાળા, ગુણવત્તા સભર ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય તબીબી અભ્યાસક્રમો સાથે મેડીકલ કોલેજોનું આધુનિકરણ કરીને પણ ગજરાતના વઘિાર્થીઓને જ ગુજરતમાં જ મેડીકલ એજ્યુકેશનની સુવિધા આપવાનું સુચારૂ ફલક અને અભિગમ સ્પષ્ટ નીતિ સાથે વિકાસાવ્યો છે અમે તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં મેડીકલ અને ઇજનેરી કોલેજો અને પ્રવેશ બેઠકોની ક્ષમતામાં જે ઝડપથી વૃધ્ધિ થઇ છે તેનાથી અન્ય રાજયોમાં ગુજરાતના વિઘાર્થીઓને જંગી નાણાં લઇને પ્રવેશ માટે સક્રિય એવા દલાલોની દુકાનો બંધ થઇ ગઇ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મણીનગરમાં જૂની બંધ પડેલી મીલની જમીન ઉપર ડેન્ટલ એજ્યુકેશનનું આખું કોમ્પલેક્ષ ઉભું થવાનું છે અને સ્વર્ણિમ જયંતી ડેન્ટલ કોલેજ કોમ્પ્લેક્ષ આરોગ્ય ક્ષેત્રે પર્યાવરણીય સ્વચ્છતાની મિશાલનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
તેમણે જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે મેડીકલ એજ્યુકેશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશનના પ્રોફેસરો તૈયાર કરવાની કાળજી પણ લીધી છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં આરોગ્ય સેવાના ગુણાત્મક વિસ્તરણ ઉપરાંત સ્વાસ્થ્ય-સુખાકારી માટે પર્યાવરણ-સુધારની અનેક નવી યોજનાઓની જાણકારી આપી હતી.
ગરીબમાં ગરીબ અને વંચિતોની સાથે સંવેદના દાખવીને ૧૦૮-તત્કાલ ઇમરજન્સી આરોગ્ય એમ્બુલન્સ સેવાઓનું નેટવર્ક શરૂ થવાથી ૧૧ લાખ લકોને તત્કાલ સારવાર મળી, ૫૦ હજાર ગંભીરતમ જીવલેણ કેસોમાં જીંદગી બચાવી લેવાઇ ૧૧૦૦૦ ગરીબ સગર્ભા માતાને સુરક્ષિત તત્કાલ પ્રસૂતિ સેવા મળી છે.
મુખ્ય મંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રમાં માળખાકીય સુવિધા, સવલતો, તત્કાળ પરિવહન સેવા, તબીબી શિક્ષણ અને સંશોધન, આરોગ્ય ટેકનોલોજીથી એક એવો સર્વાંગીણ અભિગમ અપનાવ્યો છે જે ગુજરાતના આધુનિક વિકાસ માટે ઉપકારક બનશે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતી એ સરકારનો અવસર નથી અને સમગ્ર ગુજરાતની જાહોજલાલીની જન્મ જયંતી છે એમાંથી ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓનું દર્શન કરાવવાનું આપણું ધ્યેય છે. તબીબી ક્ષેત્રે સેવારત ડોકટરો પણ સામાન્ય દર્દીઓની સેવા માટે સંકલ્પબધ્ધ બને એવું પ્રરક આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની યુવાશકિત સ્વર્ણિમ જયંતી વર્ષમાં સમાજ માટે ૧૦૦ કલાકનું સમયદાન આપે. આ માટેની સેવા પ્રવૃત્તિઓની રૂપરેખા અને રજિસ્ટ્રેશન ઓનલાઇન માટે “સમયદાન” વેબસાઇટ શરૂ કરી છે.
માર્ગ અને મકાન, મહેસુલ મંત્રી તથા અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી અનંદીબેન પટેલે એકવીસમી સદીના જ્ઞાન-સંપદા યુગને અનુરૂપ કુશળ માનવ વિકાસ સંશાધન નિર્માણ માટે ગુજરાતે તબીબી -ઇજનેરી જેવાં શિક્ષણ ક્ષેત્રથી અલગ ચીલો ચાતરીને યુગાનુકુલ પરિવર્તન પ્રવાહો પારખ્યા છે. તેનું સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દષ્ટિવંત આયોજન-નેતૃત્વને આપ્યું હતું.
ગજુરાતે પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સટિી ટિસર્ચ ટ્રેનિંગ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી જેવા નવતર અભિગમ ઉપરાંત કૃષિ પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે કામધેનું યુનિવર્સિટી વગેરે નવાં શિક્ષણ ક્ષેત્રોની વિસદ છણાવટ મંત્રીશ્રીએ કરી હતી.
ગુજરાત સ્વર્ણિમ જયંતી વર્ષે આરોગ્ય શિક્ષણ અને જનસુખાકારીના નવાં શિખરો સર કરવાં તે માટેનું પ્રેરણાબળ મુખ્યમંત્રીશ્રીનું કુળશ નેતૃત્વ પૂરું પાડે છે તેમ શ્રીમતી આનંદીબેને ઉમેર્યું હતું. અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોરે સ્વાગત પ્રવચનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ ટ્રસ્ટ દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત આ ડેન્ટલ કોલેની વિવિધ સવલતોનો ખ્યાલ આપ્યો હતો.
સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ શહેરીજનોની સુખાકારી અને આરોગ્ય સુવિધાઓ માટે મહાનગરપાલિકાની કાર્યસિધ્ધિઓની સરાહના કરી હતી મુખ્યમંત્રીશ્રીના દીર્ધદ્રષ્ટિવંત આયોજનની ફલશ્રુતિએ રાજ્યમાં તબીબી શિક્ષણની સંસ્થાઓમાં બેઠક વધારા સહિતની અન્ય સવલતોના વ્યાપથી ગુજરાત સ્વર્ણિમ જયંતીના વર્ષમાં આરોગ્ય શિક્ષણમાં અગ્રેસર રહે છે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મંત્રીશ્રી ને આ પ્રસંગે કન્યા કેળવણી નિધિ માટે ચેક પણ દાતાઓએ અર્પણ કર્યા હતા.
આ નવનિર્મિત ટેન્ડલ કોલેજના લોકાર્પણ અવસરે મહાપાલિકાના ઉપમેયર ડૉ.કલ્પનાબને સ્ટે.કમિટિ ચેરમેન શ્રી આસિત વોરા, પ્રવાસન નિગમ અધ્યક્ષ શ્રી કમલેશ પટેલ, મહાપાલિકા પ્રતિપક્ષના નેતા શ્રી સુરેશ બક્ષી, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુ. પદાધિકરાઅીશ્રીઓ, નગર સેવકો તથા તબીબી શિક્ષણ-તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ આમંત્રિતો, નાગરિકો, વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આભાર પ્રસ્તાવ બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઇએ કરી હતી.


