મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ આવતી શતાબ્દી વિકાસના અર્થતંત્રમાં ગુજરાત દેશને નેતૃત્વ પુરૂં પાડશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની ઉત્તરોત્તર સફળતાથી દેશના આર્થિક વિકાસમાં ગુજરાત તેનું મહત્વનું યોગદાન આપતું રહેવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.
ઊર્જા ક્ષેત્રે અગ્રણી એવી જર્મન કંપની સીમેન્સએ તેના વડોદરાના ઓઇલ એન્ડ ગેસ પ્લાન્ટના બીજા તબક્કાના સ્ટીમ ટર્બાઇન અને કોમ્પ્રેસર ફેસીલીટીના બીજા તબક્કાના મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદ્દઘાટન આજે કર્યું હતું. સીમેન્સ કંપનીએ આ બીજા પ્લાન્ટ વિસ્તૃતિકરણમાં રૂા. ર૭પ કરોડનું રોકાણ કર્યું છે.
રાજ્ય સરકારના પ્રો-એકટીવ અભિગમથી આ પ્લાન્ટ છ મહિના વહેલો પૂરો થયો છે તેનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતમાં સીમેન્સના ર૧ પ્લાન્ટ છે અને તેમાં સર્વાધિક પ્લાન્ટનું મૂડીરોકાણ વધારે ગુજરાતમાં છે અને હવે ચીનના ટર્બાઇન મશીનરી પ્લાન્ટને સીમેન્સ ગુજરાતમાં સ્થળાંતર કરવા ઇચ્છે છે, ગુજરાતની આ વૈશ્વિક ઓળખ છે.
વડોદરા અને મધ્ય ગુજરાત એનર્જી મેન્યુફેકચરીંગ સેકટરમાં ગુજરાતનું ડેસ્ટીનેશન બની રહ્યું છે. આના પરિણામે અનેક મેન્યુફેકચરીંગ એન્ડ એન્જીનિયરીંગ સેકટર સંલગ્ન રોજગારલક્ષી ઉદ્યોગો અને ખાસ કરીને નાના-મધ્યમ ઉદ્યોગો માટે નવી શકિતનું કેન્દ્ર વડોદરા બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ઔદ્યોગિક વિકાસની આ ગતિશીલતા ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને અનુકુળ એવા કુશળ માનવબળની જરૂરિયાત માટે વર્લ્ડ કલાસ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર ઉભૂં કરવાના સૂચનને સીમેન્સે સ્વીકાર કર્યો તેને મુખ્યમંત્રીશ્રીએ આવકાર આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર આ માટે સંપૂર્ણ સહયોગ આપશે.
મેન્યુફેકચરીંગ સેકટરમાં અગ્રેસર ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં કૃષિક્ષેત્રે પણ ચમત્કાર સર્જીને એક દશકામાં ૯.૬ ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. એક ટ્રેડર્સ ઓરિએન્ટેડ સ્ટેટમાંથી વિકાસના નવા આયામો સાથે સંતુલિત અને સાતત્યપૂર્ણ વિકાસના અર્થતંત્રની વ્યૂહરચના અપનાવી છે જ્યાં એક તૃતિયાંશ ઉદ્યોગ, કૃષિ અને સર્વિસ સેકટરનું સમાન યોગદાન રહેશે.
સીમેન્સના ઓઇલ એન્ડ ગેસ વિભાગના દક્ષિણ એશિયાના વડા ડો. કસ્ટર્ન બ્રેન્ડસને સ્વાગત પ્રવચન કર્યું હતું, સીમેન્સના મેનેજિંગ ડીરેકટર ડી. આર્મિન બુકસે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.