મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સહિત ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત શહેરો અને ગ્રામ વિસ્તારોમાં રોગચાળો નિવારવા આરોગ્ય વિષયક સેવા અને સફાઇ ઝૂંબેશ વ્યાપક ફલક ઉપર હાથ ધરવા તાકીદની સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં ટૂંકાસમયમાં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મુખ્યમંત્રીશ્રીએ આજે યોજી હતી જેમાં શહેરી વિકાસ અને જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી તથા તમામ વરિષ્ઠ સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગર અને આસપાસના શહેરી વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે જનજીવન ઉપર થયેલી અસરો અને તત્કાલ રાહત કામગીરી માટેની જાણકારી મ્યુનિસિપલ કમિશ્નર અને રાહત કમિશ્નર પાસેથી મેળવી હતી.
ગુજરાતમાં જૂન મહિનામાં સામાન્યતઃ વરસાદ ખેંચાતાં જે ચિન્તાની લાગણી વ્યાપી હતી તેમાં જુલાઇ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થયેલા વરસાદથી અનુકુળ અને સંતોષકારક ચોમાસાની આશા જાગી છે, પરંતુ છેલ્લા ૪૮ કલાકમાં ખૂબ જ ટૂંકાગાળામાં અતિવૃષ્ટિ થતાં જે વિસ્તારોમાં જનજીવન અને રોજિંદા વ્યવહાર ઉપર અસરો પડી છે તેમાં રાહત કામગીરી યુધ્ધના ધોરણે કરીને પાણીના ત્વરિત નિકાલના વ્યવસ્થાપન અંગે તેમણે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અતિવૃષ્ટિગ્રસ્ત તમામ વિસ્તારોમાં સાફ સફાઇ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને રોગચાળા નિવારક ઝૂંબેશ સાથે આરોગ્ય સેવાઓને વ્યાપક ફલક ઉપર લોકશિક્ષણ અને જનભાગીદારીથી હાથ ધરવા ઉપર ખાસ ભાર મૂકયો હતો.
રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે પાણી, વીજળી, રસ્તા જેવી માળખાકીય સુવિધા, સેવાઓ અને સુખાકારીના પૂનઃસ્થાપનની કામગીરી વિવિધ સંબંધકર્તા વિભાગોએ યુધ્ધના ધોરણે હાથ ધરી છે અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા કમનસિબ વ્યકિતઓના વારસોને રાહત સહાય ચૂકવવામાં કોઇ વિલંબ થાય નહીં તેની સૂચના તેમણે આપી હતી. જૂના જર્જરિત મકાનો પાણીમાં ભીંજાવાથી તૂટી પડે અને જાન-માલની હાની જેવી દુર્ધટના બનતી રોકવા તાત્કાલિક સર્વે હાથ ધરવા અને ખેતીવાડીની પરિસ્થિતિનું સર્વે કરી લેવાની સૂચના પણ તેમણે આપી હતી.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જળાશયો ડેમો છલકાઇ ગયા છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના મુખ્ય ડેમોમાં ઉપરવાસના વરસાદના ઓછા આવરાને કારણે આવકમાં વિશેષ ઉમેરો થયો નથી, ઉકાઇ અને નર્મદા ડેમમાં પાણીની આવક અને સપાટી ઉપર ખાસ મોનિટરીંગ રાખવા તેમણે તાકીદ કરી હતી.
અમદાવાદ જેવા મહાનગરોમાં સ્થાનિક એફ.એમ. રેડિયોના માધયમથી પાણીના ભરાવા અને ટ્રાફિક નિયમન માટેની જનશિક્ષણની સૂચના-માહિતીનું તંત્ર ગોઠવવા તથા જળાશય-ડેમની પાણી વ્યવસ્થાપનનું વૈજ્ઞાનિક સંશોધન લાંબાગાળા તરીકે કરવા તેમજ કુદરતી તળાવોને જોડીને પાણીના નિકાલ, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેઇજ સીસ્ટમ, કાંસની સાફસૂફી ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
એકંદરે ગુજરાતમાં આ ચોમાસાનો કુલ ૭૦ ટકા વરસાદ નોંધાયો છે અને અતિવૃષ્ટિ સિવાય વિશેષ નુકશાની કે હોનારતોનો ભોગ બન્યું નથી.


