
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉચ્ચ અભ્યાસ અને એડવાન્સ રિસર્ચ ડેવલપમેન્ટ માટે વિદેશ જઇ રહેલી પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રતિભા સંપન્ન યુવાશકિતને વિદેશમાં રાજ્ય-રાષ્ટ્રની આગવી પ્રભાવક છાપ-Impact ઊભી કરવાનું પ્રેરક આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરનેશનલ એકસપોઝર પ્રોગ્રામ ર૦૧૦ અંતર્ગત હયુસ્ટન, ઓકલાહોમા અને તુસ્લા યુનિવર્સિટીમાં ત્રણ સપ્તાહના ઉચ્ચ જ્ઞાન કૌશલ્ય વંર્ધક કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતની વિશ્વખ્યાત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ૧૦૦ યુવા વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવતાં આજે ગાંધીનગરમાં તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો.
ઊર્જા-પેટ્રોલિયમ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિ તથા ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન અને પી.ડી.પી.યુ. યુનિવર્સિટીના તજ્જ્ઞો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જોમ ઉત્સાહથી છલકાતા આ યુવા વિઘાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કરતાં જણાવ્યું કે પેટ્રોલિયમ અને ઊર્જાના ક્ષેત્રો આવનારી સદીમાં પ્રભાવક બનવાના છે ત્યારે આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસની તેમને મળેલી તકોથી ઉજ્જવળ ભાવિ કારકીર્દી નિર્માણનો અને તે દ્વારા રાજ્ય-રાષ્ટ્રની સેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ-દુનિયાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તેવી ગુજરાતની ધરતી પરની આ યુનિવર્સિટી અન્ય રાષ્ટ્રો માટે અભ્યાસ-સંશોધન કાર્યનું પ્રેરણા સ્ત્રોત બને તે પ્રકારે કેટેલીક એજન્ટની ભૂમિકા નિભાવવા વિઘાર્થીઓને પ્રેરક સૂચન કર્યું હતું. જ્ઞાનશકિતનો મહિમા એકાંગી નહિં ચહુદિશ પ્રસરે તે માટે અભ્યાસકાળ દરમ્યાન સ્પાર્કિંગ પોઇન્ટ જેવી આવી તકો ઝડપી લેવા પણ તેમણે વિઘાર્થીઓને હાર્દભરી અપિલ કરી હતી.
આ એકસપોઝર પ્રોગ્રામ અન્વયે વિદેશમાં પણ ગુજરાતના વિકાસ માટે જાણવાની તમન્ના-જિજ્ઞાસા જગાવવામાં તથા પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રગતિથી પ્રભાવ પાથરવા મુખ્યમંત્રીશ્રીની અપિલનો યુવા વિઘાર્થીઓએ સકારાત્મક વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો.


