મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા નેપાલના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત રૂકમા શમશેર રાણાના નેતૃત્વ હેઠળના ઉચ્ચ પ્રતિનિધિમંડળે ગુજરાત જેવા પ્રગતિશીલ અને વિકાસની તેજગતિ ધરાવતા રાજ્ય સાથે વ્યાપાર વાણીજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓના વ્યવસ્થાપન સહયોગ મેળવવાની તત્પરતા વ્યકત કરી હતી.
નેપાલના રાજદૂતાવાસના ઉપક્રમે અમદાવાદમાં ‘‘વ્યાપાર અને મૂડીરોકાણની નેપાલમાં તકો'' વિષયક બે દિવસનો સેમિનાર યોજવામાં આવ્યો છે તેમાં ભાગ લેવા નેપાલ સરકાર અને વપેાર ઉદ્યોગનું અગ્રણી પ્રતિનિધિમંડળ આવેલું છે. આજે તેમણે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પાસેથી ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ, કૃષિક્રાંતિ, જળસંચયની સાફલ્યગાથાની વિશિષ્ઠ ભૂમિકા જાણી હતી.
શ્રીયુત રૂકમા શમશેર રાણાએ જણાવ્યું કે ગુજરાતનો આધુનિક વિકાસ કુશળ નેતૃત્વને આભારી છે અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગુજરાતની પ્રગતિનો કાયાકલ્પ થયેલો છે તેનાથી નેપાલ ખૂબ જ પ્રભાવિત થયું છે. તેમણે ગુજરાતની ગુડગવર્નન્સ એન્ડ મેનેજમેન્ટ લીડરશીપની પ્રસંશા કરીને નેપાલમાં પણ જે વિકાસની સંભાવનાઓ છે તેની રૂપરેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રીને નેપાલની મૂલાકાત લેવાનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પણ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-જાન્યુઆરી ર૦૧૧માં ભાગ લેવાનું ઇજન પાઠવ્યું હતું. નેપાલ પ્રતિનિધિમંડળના સભ્યોએ ગુજરાતની પ્રગતિગાથામાંથી પ્રેરણા લેવા અને ગુજરાત નેપાલની પ્રગતિમાં સહયોગ આપે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
આ બેઠકમાં ઉદ્યોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, સચિવશ્રી એ. કે. શર્મા તથા ઉદ્યોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વેન ઉપસ્થિત હતા.