નવપ્રશિક્ષિત પ૩૦ પોલીસ સબ ઇન્સ્પેકટરોની શાનદાર દિક્ષાન્ત પરેડ
નરેન્દ્રભાઈ મોદી
-
સમાજ જીવનની સુરક્ષાનું ઉત્તર દાયિત્વ નિભાવીએ
-
જ્ઞાન, કૌશલ્ય અને તાલીમના આત્મવિશ્વાસથી સુરક્ષાના પડકારો અને સંકટો ઝીલવા કસોટીસાહસનું દ્રષ્ટાંત પુરુંપાડીએ
-
પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલોને ૧૦૦ કલાકનું તાલીમ મોડયુલ તૈયાર કરાશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇમાં આજે એકી સાથે પ૩૦ નવપ્રશિક્ષિત પોલીસ સબ ઇન્સ્પેકટરોની શાનદાર દિક્ષાન્ત પરેડનું સલામી નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સેવામાં આજથી પદાર્પણ કરતા આ અધિકારીઓને ગુજરાતના સમાજજીવનની સુરક્ષાનું ઉત્તર દાયિત્વ નિભાવવા અને પોલીસ પ્રજાનો મિત્ર નો સંકલ્પ આત્મસાત કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર ૬૮ મહિલાઓ સહિત પ૩૦ જેટલા પી.એસ.આઇ.ની એકીસાથે પારદર્શી પ્રક્રિયાથી ગુજરાત રાજ્ય પોલીસ બોર્ડ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. આજે ગુજરાત પોલીસ અકાદમીની એક વર્ષની આ તાલીમાર્થી બેચનો દિક્ષાન્ત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો.
શિસ્તબદ્ધ ચૂસ્તી સ્ફૂર્તિથી ર૦ જેટલી, પી.એસ.આઇ. પ્લેટૂનોએ આજે દિક્ષાન્ત પરેડમાં પોતાનું કૌવત અને સુરક્ષા સેનાઓની કારકિર્દીની શાન પ્રદર્શિત કરી તેની પ્રસંશા કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે઼, નવપ્રશિક્ષિત આ પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસદળની નવી તાકાત અને ઊર્જા પુરી પાડશે.
મુખ્ય મંત્રીશ્રીએ પોલીસ સેવાઓ સહિતની તમામ ભરતીમાં સંપૂર્ણ પારદર્શી પદ્ધતિ અપનાવવામાં આવે છે. એનાથી વ્યવસાયી સેવાકારકિર્દી માટે પરિશ્રમ કરનારાના સપના સાકાર થઇ રહ્યા છે, તેનો ખાસ ઉલ્લેખ કરીને જયારે પ્રજાની સેવા કરવાનો આ અવસર ગુણવત્તા અને પરિશ્રમને આધારે જ મળે છે ત્યારે નિમણૂંક પછીની સેવાઓનું દાયિત્વ ઉત્તમ નિષ્ઠાથી નિભાવવું, એથી સમાજ પ્રત્યેનું ઙ્ગણ ચુકવી શકાય છે.
મુખ્ય મંત્રીશ્રીએ ભારત આજે આતંકવાદનકસલવાદ સહિત આંતરિક સુરક્ષાના વિવિધ સંકટોનો સામનો કરી રહ્યું છે તેની સુપેરે ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, સુરક્ષા સેવાનું દાયિત્વ નિભાવી રહેલા જવાનોઅધિકારીઓ માથે જાનની બાજી લગાવવાનો સતત પડકાર ઝીલવાનો છે. રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારીથી પોતાના પોલીસ ગણવેશ અને શિક્ષાદિક્ષાની આનબાનશાન જાળવશે એવો શપથનો સંકલ્પ પણ આત્મસાત કરવા તેમણે પ્રેરણા આપી હતી.
ગુજરાત જેવા વિકાસની હરણફાળ ગતિથી આગળ વધતા રાજ્યની સુરક્ષા અને સામાન્ય નાગરિકને સલામતીનો વિશ્વાસ આપવા પોતાના ખભે દાયિત્વ ઉપાડનારા આ પોલીસ અધિકારીઓની તેમની કાર્યપ્રવૃત્તિમાં ગુનાહિત માનસિકતાના બદલાયેલા પ્રવાહો અને ટેકનોલોજીનો ગુનાઓમાં દુરૂપયોગ સામે પોતાની તાલીમ, જ્ઞાન, કૌશલ્યની કસોટીમાંથી પાર ઉતરવાનો પડકાર ઝીલવા પણ તેમણે પ્રેરક અનુરોધ કર્યો હતો.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ સેવાઓમાં સુરક્ષાની જવાબદારીઓ દિવસરાત જાનનું જોખમ, તનાવ અને વિપરીત સ્થિતિઓનો સામનો કરવા સહિતના અનેક પડકારો ઝીલવામાં પોલીસ અધિકારીઓની દ્રષ્ટિ સમક્ષ સામાન્ય માનવીની સુરક્ષાના શપથ કેન્દ્રસ્થાને રહે તેની પ્રેરક સમજ આપી હતી. યોગનું પ્રશિક્ષણ તનાવગ્રસ્ત સ્થિતિમાં પણ સ્વસ્થ માનસિકતાનું દ્યોતક બની રહેશે, એમ તેમણે જણાવ્યું હતું
મુખ્ય મંત્રીશ્રીએ પ્રશિક્ષિત પોલીસ સબ ઈન્સ્પેકટરોને તેમના ૧૮ મહિનાના ક્ષેત્રીય સેવાના સમયગાળા દરમિયાન પોતાના કાર્યક્ષેત્રના પોલીસ કોન્સ્ટેબલોને પણ જ્ઞાનકૌશલ્યના પ્રશિક્ષણ આપવાનો નવતર આયામ શરૂ કરવા સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પ્રત્યેક પ્રશિક્ષિત પોલીસ અધિકારી પોતાના સાથી પોલીસ કોન્સ્ટેબલને પણ ઓછામાં ઓછું ૧૦૦ કલાકનું કૌશલ્ય પ્રશિક્ષણ આપી શકે તેવું અભ્યાસતાલીમ મોડયુલ તૈયાર કરવા રક્ષાશક્તિ યુનિવર્સિટીના સહયોગમાં પોલીસ અને ગૃહ વિભાગને તેમણે સૂચના આપી છે.
ગુજરાત પોલીસદળ રાજ્યની સુરક્ષા અને નાગરિક સલામતી માટે સર્વાધિક ક્ષમતા ધરાવે છે એવા વિશ્વાસનું સંવર્ધન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત પોલીસ અકાદમીમાં પ્રશિક્ષણ લેનારા તાલીમાર્થી પોલીસ અધિકારીઓ માટેના સ્વીમીંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્દઘાટન કર્યું હતું.
આ દિક્ષાંત સમારોહના પ્રારંભે ગુજરાત પોલીસ અકાદમી, કરાઇના નિયામક શ્રી એ. કે. સિંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ઇતિહાસમાં આ દિક્ષાંત સમારોહ ઐતિહાસિક છે. એકી સાથે પ્રથમ જ વખત પ૩૦ જેટલા પી.એસ.આઇ. તાલીમબદ્ધ થઇ ગુજરાત પોલીસમાં સેવા અર્થે જોડાઇ રહ્યા છે. જેમાં ૬૮ મહિલા જવાનો છે જે ગૌરવની બાબત છે. તેમણે વૈજ્ઞાનિક અભિગમ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથેની તાલીમ વિશે માહિતી આપી તાલીમબદ્ધ થયેલા જવાનોને મજબૂત, સક્ષમ અને સંવેદનશીલ પોલીસ અધિકારી બનવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા તાલીમાર્થીઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા. જેમાં આઉટડોર કક્ષાએ પ્રથમ મહેન્દ્ર સાળુકે તથા શ્રદ્ધા ડાંગર, ઇનડોર પ્રથમ શક્તિસિંહ ગોહિલ, ફાયરીંગ પ્રથમ પૃથ્વીરાજસિંહ જાડેજા, એથ્લેટીકસ માટે હાર્દિક પરમાર અને રીનાબેન રાઠોડ તેમજ પરેડ કમાન્ડર તરીકે મયુરધ્વજસિંહ સરવૈયાને મુખ્ય મંત્રીશ્રીએ પારિતોષિક અર્પણ કર્યા હતા. જયારે તાલીમ દરમિયાન ઇનડોરઆઉટડોર તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કૌશલ્ય દાખવનારા જવાન અલ્પેશ પટેલને મુખ્ય મંત્રીશ્રીએ સ્વોર્ડ ઓફ ઓનર સન્માન અર્પણ કર્યું હતું.