મિત્રો,
જાપાનમાં ભીષણ ભૂકંપ અને ત્સુનામી કુદરતી આપત્તિથી વિશ્વ આખામાં સંવેદના અને આઘાતનું મોજુ ફરી વળ્યું છે.
અંગત રીતે હું મનથી અત્યંત પીડા અનુભવું છું અને સમગ્ર ગુજરાતની જનતા તેમજ સરકાર પણ જાપનની પ્રજાની આ ભયાનક આપત્તિ અને વ્યાથીની વેળાએ તેમના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિથી સમસંવેદના સાથે દુઃખમાં સહભાગી છે.
કુદરતની શક્તિ કેટલી અમાપ છે અને તેની સામે માનવી પામર છે તેની પ્રતીતિ આપણને થઈ છે પણ આવી ભયાનક આફતની વેળાએ આપણી માનવશક્તિની તમામ તાકાત એકબીજાના દુઃખમાં સહભાગી બની મદદરૂપ થાય એ જ આપણો ઉત્તમ માર્ગ અને માનવધર્મ હોય છે.
મેં આજે જાપાનની ભૂકંપ પીડિત જનતા અને તારાજી સંદર્ભમાં જાપાનના દિલ્હીસ્થિત રાજદૂતાવાસના એમ્બેસેડર શ્રીયુત અકિતાકી સઈકી સાથે તાત્કાલિક ટેલીફોન સંપર્ક સાધીને વાત કરી અને ગુજરાતની સહાનુભૂતિની લાગણી પણ વ્યક્ત કરી હતી. મેં આજે ગુજરાત સરકાર અને જનતાની સંવેદના સાથે જાપાનના પ્રધાનમંત્રી શ્રીયુત નાઓટો કાન ને પણ પત્ર પાઠવ્યો છે. ગુજરાત જાપાનની આ અભૂતપૂર્વ આપત્તિની વેળાએ આફતગ્રસ્તોને બનતી બધી જ મદદ કરવા તત્પર છે અને માનવતાના કામમાં ગુજરાતની સમાજશક્તિ પણ મદદરૂપ થશે એવી લાગણી પ્રદર્શિત કરી છે.
જાપાન અને ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સંગીન ધોરણે વિકસાવ્યા છે. અને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ અને વ્યાપક ફલક ઉપર વિસ્તરી રહ્યાં છે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં, જાપાન બેબે વખત કન્ટ્રી પાર્ટનર બન્યું છે.
એક દશક પહેલા, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં ગુજરાત પણ ભૂકંપની ભયાનક કુદરતી આફતનો ભોગ બનેલું અને આજે ભીષણ ભૂકંપની આફતમાંથી જાપાનની પ્રજા કેવી દર્દનાક પીડા અનુભવી રહ્યું હશે તેની સંવેદનાસભર અનુભૂતિ ગુજરાત કરી રહ્યું છે.
આપણે સૌ આજની જાપાનની આ દુઃખદર્દભરી કુદરતી આફતની ક્ષણોમાં પૂરી સહાનુભૂતિ સાથે જાપાનના ભૂકંપગ્રસ્તોની પડખે ઊભા રહીએ અને આફતોનો ભોગ બનનારા સહુને આપત્તિનું દુઃખ સહન કરવાની અને આત્મશક્તિથી ટકી રહેવાની ઇશ્વર તાકાત આપે એ જ આજની ક્ષણે પ્રભૂપ્રાર્થના.


