સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવના મિશનમાં લાખો લોકોની લાગણીના પુરમાં ગુજરાતના વિકાસ, એકતા અને શાંતિની અભિવ્યકિત છે. નરેન્દ્રભાઇ મોદી
સદભાવના મિશનના એક દિવસના ઉપવાસ જૂનાગઢમાં સંપન્ન કરતા નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપવા હજારો નાગરિકોનો અવિરત પ્રવાહ
સોરઠની સંત શુરાની ધરતી ઉપર સદભાવના મિશનમાં જનશકિતનો સાક્ષત્કાર
૮૦૦૦ નાગરિકોએ સ્વૈચ્છીક અનશન કર્યા
જૂનાગઢ જિલ્લા માટે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત રૂા. ૧૦૫૫ કરોડના વિકાસ કામોની જાહેરાત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં ઉમટી રહેલા લાખો લોકોના મહેરામણના લાગણીના પુરની અભિવ્યકિતને ગુજરાતના વિકાસમાં જનતાની તાકાતની અભિવ્યકત ગણાવી હતી.

ગુજરાતમાં સદભાવના મિશનમાં જનજનને જોડવાના સંકલ્પ સાથે ૩૩ ઉપવાસનું જિલ્લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢમાં એક દિવસના અનશનનું તપ કરતા, આખો દિવસ હજારો નાગરિકો શુભકામના અને સમર્થન આપવા ઉમટયા હતા. ૮૦૦૦ હજાર નાગરિકોએ પણ સ્વૈચ્છાએ ઉપવાસ કર્યા હતા. સોરઠની સંત અને શુરાની ધરતી ઉપર સદભાવનાની જનશકિતનો સાક્ષાત્કાર કરાવતી આ ઘટનાના ઐતિહાસિક સંકેતને સમજવા તેમણે રાજકીય વિશ્લેષકોને અને જાહેર જીવનના હિતચિંતકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉપવાસની પરિભાષા સદભાવના મિશનથી નવી સર્જાઇ છે. મારા ઉપવાસનું વિશ્લેષણ સદભાવનાથી થશે તો, તેના અનેક સંકેત જાણવા મળશે. “કોંગ્રેસે એમનું નકારાત્મકતાનું પોત પ્રકાશ્યું છે. અમે સંસ્કારોને ઉજાળ્યા છે. સમાંતર કાર્યક્રમ કરીને કોગ્રેસે સળગતું લાકડું પકડયું છે પણ તેમની બાંધી મુઠી ખુલી ગઇ છે. ગયા દશકથી મેળ નથી પડતો અને હવે આવતા ૨૫ વર્ષ પણ પડવાનો નથી. લાગણીનો ધોધ, મહેરામણની ઉપસ્થિતિ આ સદભાવના મિશનમાં કેમ છે. તેનું રહસ્ય તેમણે પ્રગટ કર્યું હતું.
દશ દશ વર્ષ સુધી ગુજરાતને બદનામ કરવા અને જુઠાણા ફેલાવવા, ડિકશનેરીનો એકય શબ્દ બાકી નથી રાખ્યો છતાં જનતાનું સમર્થન સરકારને કેમ છે? ગુજરાત વિરોધીઓ સામે ગુજરાતની જનતાનો આક્રોશ સદભાવના મીશનના અનશનમાં વ્યકત થયો છે. જે ગુજરાતને તમે બદનામ કરી રહયા છો, તે ગુજરાત તો વિકાસનો વાવટો ફરકાવી રહયો છે. આ લાગણીના પુરની અભિવ્યકિત એતો ગુજરાતની આવતી કાલની ચિન્તા અને વિકાસ માટેની અભિવ્યક્તિ છે. એમ તેમણે જણાવ્યું હતું.



