સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિનુ વર્ષ ગુજરાત વિશિષ્ટ, સુચારૂરૂપે ઉજવશે
મુખ્યમંત્રીશ્રીએ બૌધ્ધિક સમાજના મહાનુભાવો સાથે પરામર્શ બેઠક યોજી
150 સુજ્ઞ નાગરિકો અગ્રણીઓએ વ્યાપક પ્રતિસાદથી આવકાર્ય સૂચનો કર્યા
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિનું વર્ષ ગુજરાતમાં સુચારૂ અને વિશિષ્ટરૂપે ઉજવવા માટે સમાજના વિવિધ વર્ગોના સુજ્ઞ આગેવાનોની આજે સાંજે યોજેલી પરામર્શ બેઠકને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો અને વિવેકાનંદજીના 150 વર્ષની ઉજવણીમાં ગુજરાત પથદર્શક બને તેવા સૂચનો કર્યા હતા.
મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીશ્રીએ સમાજના બૌધ્ધિક વર્ગોના નાગરિકોના વિચારો અને સૂચનોને આવકારતા જણાવ્યું હતું કે, વિવેકાનંદજીએ તેમના ભારત ભ્રમણમાં સૌથી વધુ સમય ગુજરાતમાં વિતાવેલો અને સ્વામીજીના જીવનદર્શન તથા વિચારો ગુજરાતની યુવા પેઢી અને આવતીકાલ માટે કેવી રીતે પોષક બને તે વાતને કેન્દ્રસ્થાને રાખીને વિવેકાનંદજીના જીવનચરિત્ર અને ચિંતનને ભવિષ્ય માટે યુગો સુધી સ્થાયી ભાવો જીવંત કરવા છે. વિવેકાનંદજી આજે પણ યુવાશકિત માટે પ્રેરણાષાત રહ્યા છે ત્યારે 12 જાન્યુઆરી 2012થી શરૂ થતું 150મી જન્મજયંતિનું આખું વર્ષ ગુજરાત યુવાશકિત વર્ષ તરીકે ઉજવે તેવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકાર અને રામકૃષ્ણ મિશને પણ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનું આયોજન કર્યું છે.
આ પરામર્શ બેઠકમાં સુજ્ઞ બૌધ્ધિકજનોએ વિવિધ પ્રકારના સૂચનો કર્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ આ માટે જનભાગીદારીની જે પહેલ કરી તેની પ્રશંસા કરી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીમાં પોતાના વિચારોનું યોગદાન આપવા માટે રાજ્ય સરકારે જે નિમંત્રણ આપ્યું તેનો પ્રતિસાદ આપવા 150 જેટલા, સમાજના વિવિધ ક્ષેત્રના બૌધ્ધિક વર્ગોના આગેવાનોનું સ્વાગત કર્યું હતું.


