આરોગ્યતબીબી સેવાઓના માળખાકીય સવલતોશિક્ષણ અને માનવ સંશાધન પ્રશિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ૫૦ વર્ષમાં ઘોર ઉદાસીનતા સેવાઇ છે
ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સીગ એજ્યુકેશન એન્ડ રીસર્ચનું ઉદ્ઘાટન
રૂા. ૧૪ કરોડના ખર્ચે નવી અદ્યતન નર્સીંગ શિક્ષણ સંસ્થાનું સંકુલ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં આધુનિકતમ નર્સીંગ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરતાં આજે જણાવ્યું હતું કે, આરોગ્ય અને તબીબી શિક્ષણ અને તેની માળખાકીય સુવિધા તથા માનવ સંશાધન ક્ષેત્રે છેલ્લા ૫૦ વર્ષથી ઉદાસીનતા સેવવામાં આવી છે અને ગુજરાતને અન્યાય થયો છે. પરંતુ ગુજરાતે દશ વર્ષમાં એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ પ્રેરક સૂચન કરતા ઉત્તમ નર્સીંગ સેવાનો શ્રેષ્ઠ એવોર્ડ આપવાની નેમ વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રૂા. ૧૪ કરોડનું આ નર્સીંગટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટનું સંકુલ તૈયાર કર્યું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો કાયાકલ્પ થઇ રહ્યો છે. તેના ભાગરૂપે આ નર્સીંગ એજ્યુકેશન સંકુલ ઊભું કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય નર્સીંગ દિવસના અવસરે આજે જનતા જનાર્દનને ચરણે આ નજરાણું ધરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી હોય તો, માત્ર આધુનિક બિલ્ડીંગો નહીં પરંતુ માનવ સંશાધન શક્તિ સુદ્રઢ કરવાની જરૂર છે. આરોગ્ય ક્ષેત્રે શિક્ષણનું ફલક વ્યાપક હોત તો દિર્ઘદ્રષ્ટિ સાથેના આયોજનથી હિન્દુસ્તાન આરોગ્ય ક્ષેત્રે આટલું પાછળ રહ્યું ન હોત.

ગુજરાતમાં નર્સીંગમાં પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમ પણ શરૂ કરવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં હવે મેડિકલ કોલેજો અને તેની બેઠકોની સંખ્યામાં જે હરણફાળ વૃદ્ધિ થઇ છે તે જોતાં ગુજરાત મેડિકલ એજ્યુકેશનમાં જોતજોતામાં અગ્રેસર બની જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આજે નર્સીંગની તબીબી સેવા આધુનિક બની છે. પરંતુ ચરકસંહિતામાં નર્સીંગનો મહિમા હતો. ગાંધીજીએ રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાની ઉત્તમ સંવેદનાનું દ્રષ્ટાંત પૂરંુ પાડ્યું હતું. આમ, નર્સીંગમાં લાગણી અને સંવેદનાનું તત્વ કેન્દ્ર સ્થાને હોવું જોઇએ. આ માત્ર વ્યવસાય નથી ગુજરાતે ૧૦૮ની તત્કાળ એમ્બ્યુલન્સ સેવામાં માનવસેવાની સંવેદનાને પ્રાથમિકતા અપાતી તાલીમ અપાયેલી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેથી જ ૧૦૮ની સેવા સંજીવની બની છે. નર્સીંગ વ્યવસાય પણ આ જ સેવાનો માર્ગ છે એમ દ્રષ્ટાંતો સાથે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે નર્સીંગના અભ્યાસક્રમમાં સંવેદનશીલ નર્સીંગની સાફલ્યગાથા પણ ઉમેરાય તેવો અનુરોધ કર્યો હતો.
આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે વિશ્વ નર્સીંગ દિવસના અવસરે થઇ રહેલા ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સીંગ એન્ડ રીસર્ચના લોકાર્પણની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ નર્સીંગના વ્યવસાયને સેવા ભાવના તરીકે સ્વીકારવાનો અનુરોધ કરતા જણાવ્યું કે, અનુભવ અને ટેકનોલોજીના કારણે નર્સીંગના વ્યવસાયમાં અનેક નવા પરિમાણો ઉમેરાયા છે ત્યારે તબીબી શિક્ષણ ક્ષેત્રના બહુધા પાસાંઓને આવરી લે તેવું સુસજ્જ નર્સીંગ શિક્ષણ પૂરંુ પાડવાનો ગુજરાતે નવતર આયામ હાથ ધર્યો છે. ગુજરાતમાં નર્સીંગ ક્ષેત્રના અનુસ્નાતક - સ્પેશ્યલલાઇઝડ કોર્સીસ તથા ટુંકાગાળાના અભ્યાસક્રમોમાં બેઠક ક્ષમતા અનેકગણી વધારી છે. જેના પરિણામે નર્સીંગ એજ્યુકેશન ક્ષેત્રે કેળવાયેલું માનવબળ ભવિષ્યમાં ગુજરાત દેશ અને દુનિયાને આપી શકશે.
પ્રારંભમાં આરોગ્યતબીબી શિક્ષણના અગ્ર સચિવ શ્રી રાજેશ કિશોરે સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્યા હતા.
આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, સાંસદ ડો. કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેરના ધારાસભ્યો અને આરોગ્યતબીબી શિક્ષણ તેમજ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એન.આર.એચ.એમ.ના મિશન ડાયરેક્ટર સુ.શ્રી અંજુ શર્માએ આભાર વ્યક્ત કર્યો હતો.


