ફ્રાન્સ-યુરોપના તબીબો ગુજરાતમાં આયુર્વેદ વિકાસ-સંશોધન માટે તત્પર
૧૭ યુરોપિયન તબીબોનું ડેલીગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું
આયુર્વેદ ચિકિત્સા માટેના નરેન્દ્રભાઇ મોદીના ચિન્તનથી પ્રભાવિત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડ અને યુરોપના ૧૭ જેટલા આયુર્વેદપ્રેમી તબીબો ગુજરાતમાં આયુર્વેદ વિકાસ અને સંશોધન માટેના પ્રોત્સાહક અભિગમથી ખૂબજ પ્રભાવિત થયા હતા.વર્લ્ડ ઇન્ડો કલ્ચરલ હેરિટેજ સોસાયટી, ફ્રાન્સના ઉપક્રમે આ તબીબો ગુજરાતમાં આયુર્વેદના અભ્યાસ અર્થે આવેલા છે. ડો. શ્રી કિરણ વ્યાસ અને ડો. શ્રી નરેશ ભટ્ટના નેતૃત્વમાં આજે આ ડેલીગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું હતું, અને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ, નેચરોપથી, ઔરા-ચક્રનું ચિકિત્સા વિજ્ઞાન વિષયક શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ચિન્તન જાણી ખૂબજ ઉત્સાહી બન્યા હતા. ગુજરાત સરકારે આયુર્વેદના વિકાસ માટે ફ્રાન્સ અને જર્મનીની યુનિવર્સિટીઓ સાથે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીનો સહયોગ કર્યો છે. આ વિદેશી તબીબોએ આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની ભેટ ભારતે વિશ્વને આપી છે તેમ જણાવ્યું હતું અને ગુજરાત માટે આયુર્વેદ પ્રસાર કરવા તત્પરતા દાખવી હતી.



