મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ આજે ખેલકૂદ વિશ્વની અગ્રગણ્ય એવી ફ્રાન્સની DECATHLON SPORTS કંપનીએ ગુજરાતમાં SPORTS VILLAGE સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી હતી.
ફ્રેંચ મલ્ટીનેશનલ ઓકઝીલેન OXYLANE જે દુનિયામાં સ્પોર્ટસ રિટેઇલર તરીકે ૧૭ દેશોમાં ખેલકૂદ ક્ષેત્રે ભાગીદાર બની છે તેના CEO શ્રીયુત લોઇસ લેકોમ્ટે (Mr. LOIC LECOMTE) અને DECATHLON ઇન્ડિયાના CEO માઇકેલ અબાલા (Mr. MICHEl Aballea) આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા અને ગુજરાતમાં કુલ ત્રણ સ્પોર્ટ્સ વિલેજના પ્રોજેકટ સ્થાપવાની તત્પરતા સાથે અમદાવાદ નજીક પ્રથમ સ્પોર્ટસ વિલેજ સ્થાપવાના ર૦ એકર પ્રોજેકટની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં ખેલકૂદ પ્રવૃત્ત્િાઓ, ખેલકૂદ સેવાઓ, ખેલના મેદાનની માળખાકીય સુવિધાઓ, રમત-ગમતના ક્ષેત્રે નવી તકો, રમત-ગમતોમાં માનવ સંસાધન વિકાસ, સ્પોર્ટસ મેગાસ્ટોર્સ, સ્પોર્ટ્સ પ્રોડકટ સહિતના રમત-ગમત વિશ્વના તમામ પાસાંઓને આવરી લેતા સ્પોર્ટસ વિલેજની પ્રોજેકટ દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ આવકારી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કાંકરિયા લેક કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રંટ ઉપર વોટર સ્પોર્ટસ એકટીવિટીના પાઇલોટ પ્રોજેકટ હાથ ધરવા તેમજ ગુજરાતમાં ભારતનો સૌથી વિરાટ રમતોત્સવ ખેલમહાકુંભ અને સ્વામિવિવેકાનંદના ૧પ૦મા વર્ષની ર૦૧ર જાન્યુઆરીથી શરૂ થતી ઉજવણીનું વર્ષ- યુવાશકિત વર્ષ તરીકે ઉજવવાના નવતર આયામોની સિધ્ધિઓ અને સંકલ્પની ભૂમિકા આપી હતી.
ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટી વિશે પણ તેમણે રૂપરેખા આપી હતી. ફ્રાન્સની આ OXYLANE DECATHLON સ્પોર્ટસ મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાતમાં રમત-ગમતના વિકાસ વ્યૂહની પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને રમત-ગમત વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જ્હાએ ભાગ લીધો હતો.


