Digvijay Divas: Rouse up the divinity hidden within every soul

Published By : Admin | September 11, 2010 | 19:25 IST

મિત્રો,

આજે ૧૧ સૅપ્ટેમ્બર છે.

૧૮૯૩ માં આજના દિવસે જ શિકાગો ખાતે થયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનન્દે
 વિશ્વ પ્રસિદ્ધ વ્યાખ્યાન આપ્યું હતું. આપણે તેને “દિગ્વિજય દિવસ” તરીકે મનાવી રહ્યા છિએ; આજના દિવસે સ્વામી વિવેકાનન્દે તેમના આધ્યાત્મિક પ્રયોગો દ્વારા વિશ્વ વિજય મેળવ્યો હતો, અને તે પણ તે સમયે જ્યારે ભારત સ્વતંત્ર પણ ન હતું..

આ પહેલી વાર થયું હતું કે સાર્વત્રિક ભાઈચારાનું સંદેશ તથા તેની સાચી સમજ પશ્ચિમી દુનિયાને આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છિએ કે સ્વામી વિવેકાનન્દે જ્યારે શ્રોતાઓને ‘અમેરિકાના ભાઈઓ તથા બહેનો’ કહીને સંબોધ્યા ત્યારે તેમના પર તેની આશ્ચર્યજનક અસર થઈ હતી. કારણકે આ માત્ર સંબોધવાની એક રીત જ ન હતી પરંતુ તે શબ્દો પાછળ ભારતની મહાન આધ્યાત્મિક શક્તિ હતી, જેણે તેના ૫૦૦૦ વર્ષ લાંબા ઇતિહાસમાં હમેશા સાર્વત્રિક ભાઈચારાનું એલાન કર્યું છે અને અપનાવ્યું છે.

જો વિશ્વએ સાર્વત્રિક ભાઈચારાના સંદેશનું અનુસરણ કર્યું હોત તો, કદાચ, ૧૦૦ વર્ષો પછી તેને વર્લ્ડ ટ્રેડ સેંટર પર થયેલ હુમલાઓનું ઘાતક દિવસ, ૧૧ સૅપ્ટેમ્બર, ૨૦૦૧, જોવો ન પડ્યો હોત. પરંતુ વિપરિતતા તો તે છે કે આવી મહાન ફિલસૂફી, જે વિશ્વને આતંકવાદનો ભય દૂર કરવા માર્ગ બતાવી શકે છે, તેને જ
 “કેસરી આતંકવાદ” ( “સેફ્રન ટેરરિઝમ”) કહેવામાં આવી રહી છે. અને તે પણ અન્ય બીજા કોઈ નહીં પણ સ્વયં દેશના ગૃહમંત્રી દ્વારા. એવું લાગે છે કે ઉતરતી કક્ષાના પક્ષીય રાજકારણની કાર્યસૂચિ દ્વારા પ્રેરિત થઈને તથા માત્ર સંતુષ્ટિ માટે, તે શાંતિ અને વિકાસની બધી શક્યતાઓને તેમના મૂળથી ખેંચી કાઢવા માગે છે. આ વિકટ પરિસ્થિતિના સમયમાં દરેક વ્યક્તિની ફરજ બને છે કે તે આ સંદેશને સમજે, પોતાના જીવનમાં તેને આત્મસાત કરે અને તેને લોકો સુધી પહુંચાડે.

સ્વામી વિવેકાનન્દે સશક્ત ભારત માટે આખી માનવતાને માર્ગદર્શન આપવાનું કામ કર્યું હતું. સ્વામીજીએ પોતાના વ્યાખ્યાનોમાં સાર્વત્રિક ભાઈચારાનું આહવાન કર્યું. તેમણે કહ્યું કે પૃથ્વી પર માનવ ઘણા સમયથી ધર્માંધ રહ્યો છે જે પોતાનો ધર્મ જ સત્ય હોવાનું આગ્રહ કરે છે તથા અન્ય ધર્મોને અસત્ય બતાવતા કહે છે કે તેમને અસ્તિત્વનો અધિકાર નથી. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યું કે જ્યાર સુધી આ પરિસ્થિતિ રહેશે ધર્મના નામ પર માત્ર રક્તપાત થશે, ભાઈચારો, જેને સાચા અર્થમાં ધર્મના પ્રયોગો દ્વારા રજૂ કરવામાં આવવો જોઈએ, તે સંભવ નહીં થાય. સૌ વર્ષો પછી ૧૧ સૅપ્ટેમ્બરની ડબ્લ્યુ.ટી.સી. ઘટના દ્વારા તે કેટલા મહાન ભવિષ્ય સૂચક પુરવાર થયા હતાં.

પણ ક્યાર સુધી માનવતા આ ધર્માંધતાના રક્તમાં તરબોળ રહેશે ? હાલની પરિસ્થિતિમાં પ્રતીત થાય છે કે ધર્માંધતા અને આતંકવાદે આખા વિશ્વને ઘેરી લીધું છે., હકીકતમાં આ તે આગ છે જે બુઝતાં પહેલાં સૌથી વધુ તીવ્રતાથી ઝબૂકે છે. સ્વામી વિવેકાનન્દે કહ્યું હતું, “સાંપ્રદાયિકતા, અભિપ્રાયોની અયોગ્ય અભિવ્યક્તિ અને તેના આઘાતજનક પરિણામો તેમજ ધર્માંધતાએ, આ સુન્દર સંસારને લાંબા સમયથી વશમાં કરી રાખ્યો છે. તેમણે આ પૃથ્વીમાં હિંસા ભરી દીધી છે, વારંવાર માનવ રક્ત વહ્યુ છે, સભ્યતાઓ નષ્ટ કરી છે અને આખા દેશને નિરાશામાં ઝંપલાવી દીધો છે. જો આ દુષ્ટતા શક્ય ન હોત તો માનવ સમાજ જે આજે છે તેનાથી કેટલો વધું આગળ હોત ? પરંતુ હવે તેમનો વખત આવી ગયો છે...”

તેમણે સાર્વત્રિક ભાઈચારાનું માત્ર આહવાન જ ન કર્યું હતું તથાપિ તે પણ સૂચિત કર્યું હતું કે સાર્વત્રિક ભાઈચારો વ્યાપક અભિગમ વગર શક્ય થશે નહીં. આજે માનવતા ત્રણ પડકારોનો સામનો કરી રહી છે, મૂળ રૂપમાં વ્યાપક અભિગમની ખોટને લીધે –

૧. બહુવિધ વિશ્વાસ અને સભ્યતાઓનું સહ અસ્તિત્વ

૨. કુદરતને સંગત રહીને વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું સ્થિર વિકાસ

૩. યુદ્ધખોર તથા સ્પર્ધાત્મક દેશોમાં ભૂસ્તરીય રાજનૈતિક સહિષ્ણુતા

આ બધા પડકારોનો એક જ ઉકેલ છે, અતિ સમૃદ્ધ સભ્યતાના મૂલ્યો પર આધારિત સશક્ત ભારત દેશ. આપણા ઋષિઓ દ્વારા આપવામાં આપેલ તત્વજ્ઞાન ‘સર્વે ભવંતુ સુખિનાઃ’ – સૌનું ભલું થાઓ – તે જ એક માર્ગ છે. તે બધાય યુગમાં સનાતન છે. તે આજે પણ તેટલો જ સંગત છે જેટલો તેમના સમયમાં હતો, કદાચ તેનાથી પણ વધુ. પરંતુ પ્રશ્ન તે ઉભો થાય છે કે શુ તે આજના યુગમાં શક્ય છે ?

આને ગુજરાતમાં શક્ય કરવા અમે શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છિએ અને હું અમારા પ્રયત્નોની સફળતાથી ખુશ છું.“ગુજરાત વ્યાપક વિકાસનો નમૂનો” મૂળ રૂપે સુસંગત વિકાસનો ભારતીય નમૂનો છે. આજે કોઈ પણ જોઈ શકે છે કે બધી જાતની અડચણો વચ્ચે પણ આ નમૂનાનો સતત અનુસરણ કર્યા પછી ઉપરોક્ત ત્રણ પડકારો સામે લડવામાં ગુજરાત કેટલું સફળ થયું છે.

દ્વેષભાવો ભર્યા અસત્યો નીચે દબાયેલ સત્યને જો કોઈ ઉઘાડીને જુએ તો સ્પષ્ટ દેખાશે કે ‘માત્ર સંતુષ્ટિ પ્રદાન કરવાને બદલે સિદ્ધિ હાંસલ કરવાની’ ગુજરાતની નીતિએ જાતિ, સંપ્રદાય તથા ધર્મના ભેદ વગર, વિકાસ માટે એક શાંત વાતાવરણ ઉભું કર્યું છે. ગુજરાત સાચા અર્થમાં ‘સર્વ ધર્મ સમભાવ’ના સિદ્ધાંતને આસક્ત છે. ન માત્ર બહુવિધ વિશ્વાસોનું સહ અસ્તિત્વ, પણ જાતિ અને સંપ્રદાયથી દૂર સમાજના બધા વિભાગોનું સુસંગત વિકાસ. જ્યારે વારંવાર ગુજરાતના વ્યાપક વિકાસનો નમૂનો વિવિધ લોકો દ્વારા વિવિધ મંચો પર વખાણાય છે, ત્યારે થોડા મત ભેગા કરવા ગુજરાત વિરુદ્ધ નિન્દા કરનાર લોકોના મોં પર લાફો પડે છે. ન્યાયાધીશ રાજિન્દર સચર સમિતિનો અહેવાલ એક દસ્તાવેજ છે જે દર્શાવે છે કે 
મુસલમાન ગુજરાતમાં સૌથી વધુ ખુશ છે .

જ્યારે લોકો સ્થિર વિકાસની સલાહ આપવામાં વ્યસ્ત છે, ગુજરાતની પ્રતિબદ્ધતાએ કેટલાંક ક્ષેત્રોમાં પરિણામો બતાવવા શરુ કરી દીધા છે – ભલે તે કૃષિ વિકાસ હોય કે માનવ વિકાસ સૂચિ અથવા જી.ડી.પી. સંસાર માટે જરૂરી પરિવર્તનો માટે
 સ્થિર વિકાસ નવીનીકરણ, સહકાર અને સંકલ્પશક્તિની માંગણી કરે છે .

ગુજરાતે તેની દરેક પહેલમાં તે દર્શાવ્યું છે. જેમ કે બધા શહેરો તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં આખો દિવસ થ્રી ફેજ વિજળી પૂરી પાડવી, પી.પી.પી. માર્ગ દ્વારા સંસ્થાકીય વિતરણ, નદીઓનું જોડાણ, સૂક્ષ્મ સિંચાઈ, બી.આર.ટી.એસ., રિવરફ્રંટ, આબોહવા પરિવર્તન પહેલ, સાંજની અદાલતો તથા અન્ય વધુ. અમે ગુજરાતને એવું અર્થતંત્ર અને સમાજ બનાવવાનું નક્કી કર્યું છે જ્યાં ઓછું કાર્બન સ્ત્રાવ હોય તથા એક સમૃદ્ધ તેમજ સ્વસ્થ ભાવી હોય.

ગુજરાતે
 સમરસ ગ્રામ જેવી પહેલ પણ કરી છે જ્યાં એક ગામને પુરસ્કાર આપવામાં આવે છે જો ત્યાં સ્થાનિક સ્વાયત્ત સરકાર સર્વસંમતિથી રચવામાં આવી હોય. રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષના પ્રથમ દિવસે છેલ્લા ૫૦ વર્ષોના ગુજરાતના બધા ભૂતપૂર્વ અને વર્તમાન વિધાનસભા સભ્યો અને સંસદ સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં અને વગર કોઈ રાજનૈતિક મતભેદોએ સ્વર્ણિમ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અનિવાર્ય મતદાન વિધાનનો પરિચય પણ એક સ્વસ્થ પ્રજાતંત્ર તેમજ સ્પર્ધાત્મક રાજકારણ ઉભું કરવાનો એક પ્રયત્ન છે.

આજનું ભારત યુવાનોની ધરતી છે. તથા યુવાનોમાં દેશ માટે કઈંક કરવાનું જોશ અને તાકાત બન્ને છે. તેઓ પ્રગતીશીલ જ્ઞાન અને તકનીકીથી સશક્ત છે. આપણો
 સમય દાન કાર્યક્રમ હોય કે
 મુખ્યમંત્રી સાથીમંડલ કાર્યક્રમ અથવા હજારો
 ઈમેલ્સ જે યુવાનો દ્વારા મને રોજ મળે છે, તેમનામાં તાજા ઉત્સાહ અને જોશ જોઈને ભારતના ભવિષ્યની ચિંતા દૂર થાય છે
.સ્વામીજીની ૧૫૦મી જયંતિ આવી રહી છે. અમેરિકાના એલીનોર સ્ટાર્કે તેમની પુસ્તક “ધ ગિફ્ટ અનઓપન્ડ”માં સ્વામીજીને માનવતા માટેની એક અનુપમ ભેંટ બતાવ્યા છે જે અત્યાર સુધી ખોલવામાં આવી નથી. આવો આ અવસર પર મળીને આ પ્રતિજ્ઞા કરીએ કે આપણે સ્વામીજીના સંદેશ પર જીવન જીવીને આ ભેંટ ખોલીશું.“દિગ્વિજય દિવસ” ઉજવવા માટે આપણે સ્વામીજીના સંદેશને અનુસરવો જોઈએ. એક સારા ભાવી માટે આપણે માત્ર શબ્દો દ્વારા જ નહીં પરંતુ કર્મો દ્વારા અનુસરણ કરવું જોઈએ. આવો, તેમના પદચિન્હો પર ચાલતાં, તેમના સશક્ત ભારતના સ્વપ્ન ને સાકાર કરવાનું પ્રયત્ન કરીને આપણે આ મહાપુરુષનું સમ્માન કરીએ.

આનું ઉત્તમ અંત સ્વામી વિવેકાનન્દના જ શબ્દોથી કરી શકાય છે, “જેમ આખો બોજો તમારા જ ખભા પર હોય તેમ વિચારીને બધાય આ પૃથ્વી અને આખા વિશ્વની મુક્તિનો માર્ગ શોધો. વેદોના પ્રકાશ અને જીવનને દરેક બારણે લઈ જાઓ અને દરેક આત્મામાં સંતાયેલા દૈવત્વને જગાડો. ત્યારે, તમને જેટલી પણ સફળતા મળે, તમને સંતોષ રહેશે કે તમે એક મહાન હેતુ માટે જીવ્યા,કાર્ય કર્યું અને મર્યા. આ હેતુની સફળતામાં, જે કોઈ પણ રીતે પ્રાપ્ત કરવામાં આવી હોય, માનવતાની મુક્તિ નિહિત છે; આજે અને હમેશા.”

જય જય ગરવી ગુજરાત ! જય જય સ્વર્ણિમ ગુજરાત ! વસુધૈવ કુટુમ્બકમ ! આખું સંસાર એક પરિવાર છે.

તમારો,

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses

Media Coverage

Indonesia To Dubai, IITs And IIMs Are Going Global: The Strategy Behind India's Overseas Campuses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.