ગુજરાત અને મેનીટોબા વચ્ચે પરસ્પર ભાગીદારીના સંબંધોનું વિશાળ ફલક વિકસાવવા સહમતી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મુલાકાત આજે કેનેડાના મેનીટોબા પ્રોવિન્સના પ્રિમીયર શ્રીયુત ગ્રેગ સેલીંગ્નર (Mr. Greg Salinger)ના નેતૃત્વમાં ગુજરાત આવેલા બિઝનેસટ્રેડ મિશને લીધી હતી અને ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહભાગીતાની વ્યાપક સંભાવના અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
મેનીટોબા પ્રોવિન્સના આ પ્રિમીયર પહેલીવાર ભારતની મૂલાકાતે આવેલા છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અપ્રતિમ સફળતાના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીને પ્રગતિશીલ નેતૃત્વ માટે તેમણે અભિનંદન આપ્યા હતા અને ગુજરાત તથા મેનીટોબા પ્રોવિન્સ વચ્ચે પરસ્પર ભાગીદારીના કયાં ક્ષેત્રો છે તેની ચર્ચા કરી હતી.
મેનીટોબા પ્રોવિન્સ રિન્યુએબલ એનર્જી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, પોર્ટકોસ્ટલ કોરિડોર, એરોસ્પેસ મેન્યુફેકચરીંગ, ફૂડ સિકયોરિટી ટેકનોલોજી, એગ્રો એન્જીનિયરીંગ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં અગ્રણી છે અને ગુજરાત સાથે ભાગીદારીની ઉજ્જવળ સંભાવના ધરાવે છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ફેબ્રુઆરીના અંતમાં મેનીટોબામાં આયોજિત સ્કીલ સમિટમાં ગુજરાત ભાગ લેશે તેમ જણાવ્યું હતું અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ, ફૂડ ટેકનોલોજી ટ્રાન્સફર, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સહકારીતા, પોર્ટ એન્ડ કોસ્ટલ ડેવલપમેન્ટમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સહયોગ, એગ્રીકલ્ચર એન્જીનિયરીંગ એજ્યુકેશન ક્ષેત્રમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટી સાથે સહયોગ, ડિફેન્સ ઇકવીપમેન્ટ અને એરોસ્પેસ કોમ્પોનન્ટ મેન્યુફેકચરીંગ સેકટરમાં ભાગીદારી જેવા વિવિધ વિષયોમાં ગુજરાત અને મેનીટોબા પ્રોવિન્સ વચ્ચે પરસ્પર ભાગીદારી વિકસાવવાની સંભાવના માટે ભૂમિકા આપી હતી. શ્રીયુત ગ્રેગ સેલિન્ગરે મેનીટોબા પ્રોવિન્સની સરકાર ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સાથેના સંબંધોને સુદ્રઢ બનાવવાની પ્રતિબધ્ધતા ધરાવે છે તેમ જણાવ્યું હતું.
મેનીટોબા પ્રોવિન્સના ડેલિગેશનમાં તેના ચીફ સેક્રેટરી સુશ્રી અન્ના રોથેની, શ્રી બી. ઝાએલએલએ, અન્ય પદાધિકારીઓ અને ભારતમાં મેનીટોબાના પ્રતિનિધિ કમિશ્નર જગત શાહ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુએ આ બેઠકમાં ભાગ લીધો હતો.