ગણતંત્ર દિવસના શુભ અવસરે હું આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આ આત્મ નિરીક્ષણનો દિવસ છે. આપણે વર્ષો પહેલાં સ્વરાજ્ય મેળવ્યું. હવે સમય આવી ગયો છે 'સ્વરાજ્ય'ને 'સુરાજ્ય'માં બદલવાનો. અને ગુજરાત બરાબર એ જ કરી રહ્યું છે... અને પોતાના સુરાજ્યના સારા રૅકોર્ડોને સતત વધુ સારા બનાવી રહ્યું છે... પોતાના ગરીબ અને વંચિત લોકો સુધી પહોંચીને, તેમને સશક્ત કરીને... અને વિકાસ સાથે સમાનતાને નિશ્ચિત કરીને.
યોગાનુયોગ આજના જ દિવસે વિશ્વ ઉદ્યોગ, વ્યવસાય, અર્થશાસ્ત્રીઓ અને સ્વતંત્ર-બૌદ્ધિકોનો મેળાવડો દાવોસમાં આ મહિનાની 26થી 30 સુધી વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ માટે ભેગો થઈ રહ્યો છે. ભારત પણ તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં પોતાનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ભારતે દાવોસમાં દેશને રજૂ કરવા માટેનો વિષય પસંદ કર્યો છે ઇન્ડિયા ઇન્ક્લુસિવ (સર્વસમાવેશક ભારત). અહીં હું ફરી એ વાતથી ચકિત છું કે ગુજરાત કેવું પૂરપાટ આગળ ધપી રહ્યું છે અને આ વિચારોને અમલમાં લાવી રહ્યું છે, જ્યારે દિલ્હી તો હજી માત્ર વિચારી રહ્યું છે અને વાતો કરી રહ્યું છે.
2009માં ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં મેં કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો માત્ર પોતાના જ લાભ માટે રોકાણ પ્રસ્તાવો લાવવાના પ્લેટફોર્મ તરીકેનો મર્યાદિત ઉપયોગ ગુજરાત વધુ સમય માટે ખપશે નહીં. આપણે ગુજરાત-કેન્દ્રી અભિગમને ઓળંગીને ગુજરાત-સક્ષમ અભિગમ તરફ આગળ વધીશું. મેં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે દાવોસ વિશ્વ અર્થનીતિ અંગે બૌદ્ધિક વિચાર-વિમર્શ કરવા મંચ આપે છે ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2011 દેશમાંના રોકાણના ચિત્રને નવી દિશા આપશે. આપણે ખરેખર આ ઉન્નત ઉદ્દેશને હમણાં જ પૂર્ણ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2011 દરમ્યાન અનેક રીતે સિદ્ધ કરી શક્યા છીએ. પણ આજના દિવસે, પ્રજાસત્તાક દિવસના યોગ્ય અવસરે, હું જે નવપ્રવર્તક સિદ્ધિઓમાંની એકની વાત કરવા ચાહું છું, તે છે મિશન મંગલમ થકી સર્વસમાવેશક વિકાસ અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબો અને મહિલાઓના સશક્તિકરણની સિદ્ધિ.
મિશન મંગલમનો આરંભ 2010માં ગુજરાતના સ્વર્ણ જયંતિના અવસરે રાજ્યના પ્રયાસ અને સ્રોતોને સાંકળીને સર્વસમાવેશક વિકાસ નિશ્ચિત કરવા માટે અને એમ કરીને રાજ્યની HDI સુધારવા માટે કરવામાં આવ્યો હતો. મિશન મંગલમનો ઉદ્દેશ ગરીબોને સ્વ-સહાય જૂથો, ઉત્પાદક જૂથો, સહકારી મંડળીઓ વગેરે જેવા જૂથોમાં એકઠા કરવાનો, તેમના કૌશલ્યને પોષવાનો, નાના ધિરાણ થકી તેમને સહાય કરવાનો અને આ બધા થકી છેવટે તેમને કાયમી આજીવિકા રળવા માટે સશક્ત કરવાનો છે. અહીં ગુજરાતના અભિગમમાં જે બાબત નવપ્રવર્તક હતી તે એ હતી કે કોર્પોરેટ ક્ષેત્ર, બૅન્કો, વ્યાવસાયિક સંસ્થાઓ અને ગરીબોનાં સમુદાયોને સામેલ કરતી વ્યૂહાત્મક પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી આ તમામ બાબત થાય તેવી કલ્પના કરવામાં આવી. અને આ સહયોગ કાર્યને સરળ બનાવવા માટે એક કંપની, નામે ગુજરાત લાઇવલિહૂડ પ્રમોશન કંપની(GLPC), રચવામાં આવી. આ મિશન-અભિગમના પરિણામે, આજે ગરીબ પરિવારોમાંથી આવતી 25 લાખ કરતાં વધુ બહેનો 200,000 સ્વ-સહાય જૂથો / સખીમંડળોમાં સંગઠિત થઈ છે.
વાઈબ્રન્ટ ગુજરાત 2011 દરમ્યાન, રાજ્ય સરકારે સ્વ-સહાય જૂથોને કોર્પોરેટ મૂલ્ય શૃંખલામાં એકરસ કરીને, આ સ્વ-સહાય જૂથો ધરાવતા પ્રકલ્પો સાથે દેશનાં કેટલાંક વિશાળ કોર્પોરેટ ગૃહોને સામેલ કરવા અંગેની સંભાવનાઓને તપાસી. મુખ્ય વિચાર સહસર્જન કરવાનો અને એમ કરીને તમામ ભાગીદારો માટે વિન-વિન(બંને પક્ષે જીત)ની યોજના ધરવાનો હતો. પરિણામે, આપણે દેશના કેટલાંક સૌથી મોટાં ઔદ્યોગિક/વ્યાવસાયિક જૂથો સાથે MoUs કરવામાં સફળ થયા, જેનાથી એવા પ્રકલ્પોની શરૂઆત થશે જે સામૂહિક ધોરણે ગરીબોને સામેલ કરીને આવનારાં 3-5 વર્ષોમાં લગભગ 1.5 મિલિયન લોકોને આશાસ્પદ આજીવિકા પૂરી પાડી શકશે!!! આ વિચારને સાકાર કરવા માટે નાણા ધીરનારાઓ અને રોકાણકર્તાઓએ રૂ. 21,000 કરોડથી વધુ રકમ આપવા માટે વચનબદ્ધ થયા છે. આજીવિકા/રોજગારી માટેની પ્રવૃત્તિઓ માટે ખેતી, એગ્રો-પ્રોસેસિંગ, ફૂડ-પ્રોસેસિંગ, સાજસજ્જા અને વસ્ત્રપરિધાન, હાથશાળ, હસ્તકળાઓ અને ગ્રામીણ પરિવહન જેવાં ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં એ નોંધવું પણ હર્ષની વાત છે કે આમાંના કેટલાક પ્રકલ્પો રાજ્યના સૌથી ગરીબ સમુદાયો, જેમ કે અગરિયા, માછીમાર(સાગરખેડૂ) અને આદિવાસીઓ પર કેન્દ્રિત છે.
જ્યારે દેશનો બાકીનો ભાગ બેરોજગારી અને નીચી-રોજગારી જેવા પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યો છે, ત્યારે ગુજરાત તેના મિશન મંગલમ થકી કેવી રીતે સરકારની અને ખાનગી ક્ષેત્રની સંગઠિત શક્તિને પરસ્પર લાભદાયી લક્ષ્યો માટે સાંકળી શકાય તેનો રસ્તો બતાવી રહ્યું છે. આ પહેલ થકી કોર્પોરેટ-ભાગીદારોને પણ લાભ થશે કારણ કે તે હાલની ધંધાદારી પ્રક્રિયાઓના ઉપયોગથી નફાકારક પછાત અને ઉદ્ધત જોડાણો ધરાવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાંના સ્વ-સહાય જૂથો અને ઉદ્યોગસાહસિકોને લાભ થાય છે કારણે કે નોકરીઓ માટે બહાર વસવા ગયા વિના તેમને સ્થાનિક ધોરણે આજીવિકા માટેની તકો મળે છે. યોગ્ય જોડાણો અને સહયોગ આ પહેલને સંપૂર્ણ ખાતરીબંધ, છીંડા-રહિત અને અસરકાર હસ્તક્ષેપ બનાવે છે.
જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોની આત્મહત્યાઓ, ગ્રામીણ ઋણ-દાસ્યતા અને શોષક MFIsનું નિયમન જેવા સંવેદનશીલ પ્રશ્નોને હાથપગના ઝાવાં મારતી પ્રતિક્રિયાઓ આપી સુલઝાવવા મથે છે, ત્યારે મિશન મંગલમ વાઈબ્રન્ટ ગુજરાત 2011 સમિટમાં આ સમસ્યાનું આયોજનબદ્ધ અને અસરકારક રીતે નિવારણ લાવવા નક્કર પગલાં લે છે. રાજ્ય સરકાર બૅન્કો સાથે MoUs કરે છે જેથી રાજ્યના તમામ સ્વ-સહાય જૂથોને લઘુત્તમ રૂ. 50,000ના લઘુઋણ મળી શકે. આવતા 3-4 મહિનાઓમાં આનાથી 200,000 સ્વ-સહાય જૂથો / સખીમંડળોને રૂ. 1,000 કરોડ કરતાં વધુની પ્રવાહિતા મળી શકશે, અને આમ તેનાથી સીધી રીતે 25 લાખ સદસ્યોને મદદ મળશે, અને 1 કરોડ કરતાં વધુ વસતિ પર તેનો પ્રભાવ પડશે!!! આ લઘુઋણ કેશ ક્રેડિટ સુવિધા રૂપે આવે છે, તેથી સ્વ-સહાય જૂથો તેને સામાજિક ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓ માટે વાપરી શકશે અને તેથી પણ વધુ, તેનો ઉપયોગ વ્યાજખાઉ ધીરનારાઓની મોંઘી લોનની ચુંગાલમાંથી બહાર નીકળવા, તેમાંથી બચવા માટે કરી શકશે. આ નાણા અનેક સભ્યોમાં અનેક વખત ફેરવી શકાશે, એટલે આ રૂ. 1,000 કરોડના જોડાણનું અસરકારક પરિણામ એક વર્ષમાં રૂ. 5,000 કરોડ જેટલું ઊંચું સુદ્ધાં આવી શકે છે. મિશન મંગલમ પહેલની આ સંભાવના તેને ભારતમાં સરકાર-પ્રેરિત સૌથી વિશાળ લઘુઋણ હસ્તક્ષેપ બનાવે છે.
ફરી એકવાર, જ્યારે દિલ્હીના સર્વજ્ઞો અને સર્વશક્તિમાનો વિચારી રહ્યા છે અને દાવોસમાં કરવાની વાતો ચર્ચી રહ્યા છે, ત્યારે ગુજરાતે આ દિશામાં પહેલે જ ડગલું માંડી લીધું છે... નિશ્ચયાત્મકતાપૂર્વક અને અસરકારકતાપૂર્વક. એટલે ઘણા લોકો વાઈબ્રન્ટ ગુજરાત સમિટને "કાર્યમાં દાવોસ" કહે, એમાં કોઈ આશ્ચર્ય ન થવું ઘટે.
જય જય ગરવી ગુજરાત!
આપનો,




