ગુજરાત સરકારે સ્થાપેલી પાણી પુરવઠા ગ્રીડના ફળસ્વરૂપે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા ૪,૧૮૭થી ઘટીને ૪૦ થઇ: મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા
ડેનિશ વોટર ફોરમે ભારતમાં સૌપ્રથમ કાર્યમથક સ્થાપવા ગુજરાતની પસંદગી કરી

રાજ્ય સરકાર શુધ્ધ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવા અને પાણીનો થતો બગાડ અટકાવવા કટિબધ્ધ છે. વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે પાણીનાં સ્ત્રોત, ગુણવત્તા અને પાણીનું લીકેજ અટકાવવાનાં ઉદ્દેશ્યથી ગુજરાતના પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ આજે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએજ બોર્ડના સંકુલમાં ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્વેન ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં આ અંગેનો સમજૂતીકરાર થયો હતો. ડેનિશ વોટર ફોરમે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પોતાનું કાર્યમથક સ્થાપવાનું નક્કી કર્યું તે ઘણી નોંધપાત્ર બાબત છે.
આ પ્રસંગે શ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતું કે રાજ્યના પ્રત્યેક ગામડાઓ અને શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર સફળ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેને પરિણામે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા છેલ્લાં થોડા વર્ષોમાં ૪,૧૮૭થી ઘટીને માત્ર ૪૦ જેટલી રહેવા પામી છે એમ તેમણે જણાવ્યું હતું.
શ્રીયુત ફ્રેડી સ્વેને પાણી પુરવઠાક્ષેત્રમાં ડેનિશ વોટર ફોરમની નિપુણતા, જ્ઞાન અને કાર્યપ્રણાલીના ઉચ્ચ ધારા-ધોરણોની ભુમિકા આપી હતી.

રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટકે કહ્યું હતું કે ડેનિશ વોટર ફોરમે રાજકોટ શહેરમાં પાણીનું લીકેજ અટકાવવા અને ઘરેલુ પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉપયોગ કરીને વોટર ઓડિટ હાથ ધરવામાં આવશે અને પાણીના લીકેજ અંગેનો અંદાજ કાઢીને નોન-રેવન્યુ વોટર (એનઆરડબલ્યુ) ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ડેનિશ વોટર ફોરમના પ્રવક્તા શ્રી અંશુલ જૈને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સ્થાપવામાં આવી છે, જે દુનિયાભરમાં આ પ્રકારની સૌથી મોટી વોટર ગ્રીડ છે. આ કારણોસર ડેનિશ વોટર ફોરમે પોતાનું કાર્યમથક સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે.
ઉલ્લેખનીય છે કે ડેનિશ વોટર ફોરમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ પીવાના શુદ્ઘ પાણી, વેસ્ટ વોટર અને જળસ્ત્રોતોના વિષયમાં જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પાણી પુરવઠાક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.
આ પ્રસંગે અગ્રસચિવ અને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડનાં ચેરમેન ડો. રાજીવકુમાર ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેશ સિંઘ, જીયુડીસીનાં એમ.ડી શ્રી એસ.જે.હૈદર ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ જળ દિન નિમિત્તે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.


