મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપની (જીએનએફસી)ના રૂા.૨૮૭૦ કરોડના રોકાણથી બે નવા ઉત્પાદક પ્રોજેકટનો શિલાન્યાસ કરતા ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે વિકાસના નીત નવાં સાહસોમાં ઝંપલાવીને ગુજરાત સમગ્ર હિન્દુસ્તાનના વિકાસમાં યોગદાન આપી રહયું છે. જીએનએફસીના આ એમોનિયા ગેસ કન્વરઝન પ્રોજેકટ ધ્વારા ભારત સરકારને જીએનએફસીને અપાતી સબસીડીમાં જ રૂા.૪૪૦ કરોડનો ફાયદો થવાનો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનું દહેજ આખા વિશ્વમાં પેટ્રોલિયમ ટર્મીનલ પોર્ટ તરીકે નામના મેળવી રહયું છે એનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતાં એમ પણ જણાવ્યું કે સતત સાત વર્ષથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ૯.૬ ટકાના દરે પહોંચ્યો છે જે ગુજરાત જેવા કુદરતી આપત્તીથી ધેરાયેલા રાજય કૃષિ ક્રાંતિની સ્વર્ણિમ ક્ષિતિજોનું ફલક ધરાવે છે તેની પ્રતિતી કરાવે છે.
ગુજરાત સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીએ એકંદરે રૂા.૨૮૭૦ કરોડના બે નવા પ્રોજેકટ શરૂ કર્યા છે જેનો આજે મુખ્યમંત્રીશ્રીએ શિલાન્યાસ કર્યો હતો. જેમાં રૂા.૧૨૧૫ કરોડના ખર્ચે એમોનિયા પ્લાન્ટનો ફિડસ્ટોક ગેસ કન્વરર્ઝન પ્રોજેકટ હાથ ધરાશે જેના ધ્વારા વાર્ષિક રૂા.૪૪૪ કરોડની યુરિયા ઉત્પાદન ખર્ચમાં બચત થશે. બીજો પ્રોજેકટ ટોલ્યુન ડાઇ આઇસોસાયનેટ (ટીડીઆઇ) ઉત્પાદનનો છે જેનું સમગ્ર ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં માત્ર જીએનએફસી જ એક માત્ર ઉત્પાદક છે. આ પ્રોજેકટ રૂા.૧૬૫૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે અને દહેજમાં ડીસેમ્બર-૨૦૧૧માં કાર્યરત થઇ જશે તેમ તેમણે જાહેર કર્યું હતું.
ગુજરાતમાં કેમિકલ્સ,પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદન અને વેચાણની પરંપરાગત પ્રક્રિયામાંથી મૂલ્યવૃધ્ધિની નૂતન નવા ગુણાત્મક સુધારા સુધીની વ્યૂહનીતિ આ સરકારે અપનાવી છે અને તેનીજ ફલશ્રુતિરૂપે ગુજરાતના રાજય સરકારના જાહેર સાહસો હવે વૈશ્વિક બજારોમાં પ્રભાવક ભૂમિકા નિભાવી રહયાં છે એમશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીએનએફસીના આ બંને નવા ઉત્પાદન પ્રોજેકટનો મહિમા આપતાં જણાવ્યું હતું.
ખેડૂતોના લાભાર્થે એમોનિયા યુરિયાના પ્રોડકશન કોસ્ટમાં ગેસ કન્વરર્ઝનથી ધટાડો થશે જેને પરિણામે કિસાનોને ખેતી માટેના રાસાયણિક ખાતરમાં ખર્ચ બચશે અને ટીડીઆઇ ધ્વારા સામાન્ય માનવીના રોમટીરીયલ્સ અને પર્યાવરણની સુરક્ષાનો લાભ પણ મળશે. હિન્દુસ્તાનની કુલ કાર્બન ક્રેડિટમાં એક માત્ર ગુજરાત સૌથી વધુ ૩૯ ટકા કાર્બન ક્રેડિટ મેળવે છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત દેશના ભલા માટે સદા આપવા તત્પર છે અને નિહિત સ્વાર્થ કે બંધિયાર માનસિકતા ધરાવતું રાજય નથી.પુરૂષાર્થ અને સાહસથી ગુજરાત અને ગુજરાતી મહાજાતિ ભારતને માટે યોગદાન આપી રહયા છે. સમયાનુકુલ નવા વિકાસ સાહસો એ ગુજરાતની વિશેષ ઓળખ બની રહી છે.
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જીએનએફસીના બે નવા પ્રોજેકટસના શિલાન્યાસથી ગુજરાતના રાસાયણિક ઉધોગોના વિકાસમાં નવી કેડી કંડારાશે તેમ જણાવતા ઉમેર્યુ કે,ગુજરાતે સમગ્ર દેશના વિકાસમાં શકિતપંચામૃતના સુદ્ઢ આયોજન અને અમલથી પ્રગતિના ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે.ભારતના આયોજન પંચે ગુજરાતને ૧૧.પ ટકાનો વિકાસ વૃધ્ધિ દર લક્ષ્યાંક આપ્યો છે, સમગ્ર દેશનો વિકાસ દર ૮ ટકા હોય ત્યારે ગુજરાતના આ ૧૧.પ ટકાના વિકાસ વૃધ્ધિ દર સાથે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
ગુજરાતમાં વધતા જતા વીજ દર અને ગેસનીતિમાં રૂકાવટ માટે કેન્દ્રની સરકાર જવાબદાર છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
અતિથિવિશેષપદેથી ભારત સરકારના રસાયણ અને ખાતર વિભાગના સચિવશ્રી ક્રિષ્ણને અને ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી તથા જી.એન.એફ.સીના ચેરમેનશ્રી એ.કે.જોતીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
પ્રારંભમાં જી.એન.એફ.સીના વહીવટી સંચાલકશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રએ આવકાર પ્રવચનમાં જીએનએફસીની છેલ્લા ૩૪ વર્ષની વિકાસયાત્રાની ઝાંખીના દર્શન કરાવ્યા હતાં.
આ પ્રસંગે સામાજીક દાયિત્વ નિભાવતાં જી.એન.એફ.સી ધ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂા.૫૦ લાખ , લાર્સન એન્ડ ટુબ્રોએ રૂા.૨૫ લાખ તથા નર્મદા કેમાતુર ધ્વારા રૂા.૨૫ લાખના ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.
શહેરી વિકાસ- પાણી પુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ, સંસદીય સચિવશ્રી ઇશ્વરસિંહ પટેલ, રાજય સભાના સભ્યશ્રી ભારતસિંહ પરમાર,ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહ, ઉધોગકારો, જિલ્લાના આગેવાનો, ખેડૂતો અને નાગરિકો આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


