મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીઃ જાપાન પ્રવાસ
ગુજરાતના ભાવિ વિકાસને ગતિશીલ બનાવશે જાપાની કંપનીઓ
જાપાનની ગણમાન્ય વિશ્વખ્યાત ઔઘોગિક કંપનીઓ માટે ગુજરાત અનોખું વિશ્વસનીય આકર્ષણ બન્યું...
જાપાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કાત્સુઇ ઓકાડા ગુજરાતના વિકાસ અને રાજકીય નેતૃત્વથી પ્રભાવિત
પાર્લામેન્ટરી વાઇસ મિનિસ્ટર દ્વારા મુખ્યમંત્રીશ્રીનું હાર્દિક સ્વાગત અને રાત્રી ભોજન
રાજકીય સ્થિરતા દૂરંદેશી નેતૃત્વ અને પારદર્શી પ્રશાસનિક નીતિઓનો પ્રભાવ
મંગળવારે આખો દિવસ મુખ્યમંત્રીશ્રીનો ટોકીયોમાં ખ્યાતનામ જાપાની કંપનીઓના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકોનો ઉપક્રમ...
અત્યંત પ્રભાવિત જાપાન કંપની સંચાલકો માટે નરેન્દ્રભાઇ મોદીનું રાજકીય નેતૃત્વ વિઝનરી બન્યું
જાપાન ચેમ્બર ઓફ કોમર્સ-ઇન્ડસ્ટ્રીઝ, મિઝુહો ફાઇનાન્સ ગ્રુપ, કેઇડાનન્રન-બિઝનેસ ફેડરેશન, જાપાન-ઇન્ડિયા પાર્લામેન્ટેરિયન ફ્રેન્ડશિપ લીગ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ એકસચેંજ કાઉન્સિલ અને ઇન્ડિયા સેન્ટર ફાઉન્ડેશનના સમારંભોમાં મુખ્યમંત્રીશ્રીનો અભૂતપૂર્વ ઉષ્માસભર સત્કારમુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જાપાન પ્રવાસના મંગળવારના દિવસે જાપાનની ગણમાન્ય અને વિશ્વખ્યાત ઔઘોગિક કંપનીઓ અને નાણાં સંસ્થાઓ સાથે અત્યંત ફળદાયી એવી શ્રેણીબધ્ધ વન-ટુ-વન બેઠકો યોજી હતી.
જાપાનના ૪૦૦ જેટલા કંપની પદાધિકારીઓ સમક્ષ JETROના સોમવારે યોજાયેલા સેમિનાર પછી, આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગણમાન્ય અને વિશ્વ પ્રસિધ્ધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વ્યકિતગત જૂથ બેઠકોનો ઉપક્રમ કર્યો હતો. જેમાં સુમિટોમો કોર્પોરેશન, બેન્ક ઓફ ટોકીયો, મિત્સુબીસી કોર્પોરેશન, હીટાચી કંપની, ઇટોયુ કોર્પોરેશન, મિઝુહો ફાઇનાન્સ, કેઇડાનન્રનના પ્રેસીડેન્ટ અને પદાધિકારીઓ શ્રી નરેન્દ્રભાઇ મોદીને વન-ટુ-વન મળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ભારતના અર્થતંત્રનું ચાલકબળ અને ઔઘોગિક ક્ષેત્રે નંબર વન રાજ્ય બની ગયું છે તેનાથી આગળ વધીને ગુજરાત હવે "ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ વીથ ગ્રીન સ્ટેટ'ની નવી ઓળખ ઉભી કરવા આગળ વધી રહ્યું છે અને પર્યાવરણ સાથે વિકાસની પથદર્શક પહેલ કરી છે તેની ભૂમિકા, રિન્યુએબલ એનર્જી અને સોલાર પાવર, કેનાલ સોલાર પાવર પ્રોજેકટ, કલ્પસર, ધોલેરા SIR, DMIC ના નિર્માણની સાથોસાથ સ્માર્ટ સિટી, ઇકોસિટી જેવા ર૧મી સદીના એન્વાયર્નમેન્ટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટની દિશામાં આગળ કઇ રીતે વધી રહ્યું છે તેની ભાવિ રૂપરેખા દોરી આપી હતી.
ગુજરાતમાં રાજકીય સ્થિરતા, સુમેળભર્યા શ્રમિક-સંચાલક સંબંધોના કારણે ઔઘોગિક શાંતિ, વીજ પૂરવઠાની સુનિヘતિતા તથા પોલિસી ડ્રિવન રિફોર્મ દ્વારા કોન્સીસ્ટન્સ (સાતત્યપૂર્ણ) નીતિઓનો અમલ, પારદર્શી પ્રશાસનથી નિર્ણયોમાં ગતિશીલતા તથા જમીન અંગેની સરકારની સ્વયંસ્પષ્ટ નીતિઓના કારણે વિવાદોની નહીવત સંભાવના જેવા રાજ્ય સરકારના નવા સફળ આયામોથી જાપાનના કંપની સંચાલકો ખૂબ જ પ્રભાવિત થયા હતા.
મંગળવારે દિવસભરના વ્યસ્ત કાર્યક્રમો અને બેઠકો દરમિયાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બિઝનેસ ડેલિગેશનના સભ્યો સાથે જાપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (JCCI) ના પ્રમુખશ્રી ટી. ઓકામૂરા (T.OKAMURA) જાપાન બિઝનેસ ફેડરેશન-કેઇડાનન્રનના પ્રુમખશ્રી હીરોમાસા યોનેકુરા, (H. YONEKURA), મિઝુહો ફાઇનાન્સીયલ ગ્રુપના પ્રેસિડેન્ટશ્રી વાય. સાટો (Y. SATO) ની સાથે પણ જાપાન-ગુજરાતની પરસ્પરના આર્થિક-ઔઘોગિક સાંસ્કૃતિક સંબંધોની ભાગીદારી અંગે ખૂબ જ ઉષ્માસભર વાતાવરણમાં સૌજન્ય બેઠકો યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીનું આજે અત્યંત ઉમળકાભર્યું અભિવાદન કરવાના સમારંભો ઇન્ડિયા સેન્ટર ફાઉન્ડેશન, પૂર્વ વડાપ્રધાનશ્રી વાય ફુકુડાના નેતૃત્વમાં જાપાન-ઇન્ડિયા પાર્લામેન્ટેરિયન્સ ફ્રેન્ડશિપ લીગ, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ એકસચેંજ કાઉન્સીલ અને પાર્લામેન્ટરી વાઇસ મિનિસ્ટર ફોર ફોરેનઅફેર્સ આયોજિત કાર્યક્રમોમાં ગુજરાત અને જાપાન વચ્ચે જે ગતિથી પારસ્પરિક સંબંધો વિશાળ ફલક ઉપર વિકસ્યા છે તેનું શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપવામાં આવ્યું હતું અને ગુજરાતના વિકાસમાં જાપાનની સહભાગીતા સંબંધોનું નવું સીમાચિન્હ સ્થાપી રહી છે તે માટેનું નેતૃત્વ પુરૂં પાડતા મુખ્યમંત્રીશ્રીની પ્રસંશા સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.
જાપાનના નાયબ વડાપ્રધાન શ્રીયુત કાત્સુયા ઓકાડાએ મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાનશ્રીના કાર્યાલયમાં નિમંત્રીને વિવિધ મૂદાઓ ઉપર ગુજરાત અને જાપાન કઇ રીતે સહભાગીતાનું વિશાળ ફલક વિકસાવે તે અંગે વિષદ પરામર્શ કર્યો હતો. શ્રી કાત્સુયા ઓકાડા (Mr. KATSUYA OKADA) એ તેમના ગુજરાત પ્રવાસના સંસ્મરણો સાથે જણાવ્યું કે ગુજરાતની મૂલાકાત તેમને ફળદાયી બની અને તેઓ નાયબ વડાપ્રધાન બન્યા છે.
ર૧મી સદીની એશિયાના બે દેશો ભારત અને જાપાન લોકતાંત્રિક પ્રશાસન ધરાવે છે અને માત્ર આર્થિક ઔઘોગિક સંબંધો જ નહીં, પરંતુ બુધ્ધ ધર્મના બંને દેશોમાં પ્રભાવના કારણે સાંસ્કૃતિક સંબંધો આર્થિક પ્રગતિમાં નવી શકિત બનશે તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મળી આવેલા ભગવાન બુધ્ધના અવશેષોના સ્થળે ભવ્ય બુધ્ધ-મંદિર બનાવવાના પ્રોજેકટમાં જાપાન સરકાર અને પ્રજા સહભાગી થશે તો સાંસ્કૃતિક સંબંધોનો એક અનોખો સેતુ બનશે તેમ જણાવ્યું હતું.
શ્રીયુત ઓકાડાએ ગુજરતમાં રાજકીય સ્થિરતા સાથેનું વિકાસમાં ગતિશીલ નેતૃત્વ આપી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસેથી સોલાર-વિન્ડ એનર્જી, રિન્યુએબલ એનર્જી રિસર્ચ, DMIC પ્રોજેકટ, ધોલેરા SIR સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર, બુધ્ધના સાંસ્કૃતિક પ્રવાસન, સહિતના ર૧મી સદીના નવા વિકાસના ક્ષેત્રોની બાબતે પરસ્પર સહકારની નવી જ ક્ષિતિજો કંડારવા પરામર્શ કર્યો હતો.
અત્યંત ઉષ્માસભર વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રી અને જાપાનના નાયબ વડાપ્રધાનની આ દ્વિપક્ષીય બેઠક સફળ થતાં ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધોમાં નવાં પ્રેરક પરિમાણોનો ઉદય થયો છે.
મુખ્યમંત્રીશ્રી સાથેનું ગુજરાત ડેલીગેશન આવતીકાલે ટોકીયોથી બૂલેટ ટ્રેનમાં પ્રવાસ કરી હામામાસુ, ઓસાકા, નગોયા અને કાબેની મૂલાકાત લેશે.