મિલનસાર અને સરળ વ્યકિતત્વ ધરાવતા સ્વ. અમિતાભ પાઠકે ટીમ-સ્પિરીટથી રાજ્ય પોલીસદળનું નેતૃત્વ કર્યું - નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પોલીસ મહાનિદેશકશ્રી અમિતાભ પાઠકના થાઇલેન્ડમાં આજે થયેલા અણધાર્યા અને આકસ્મિક દુઃખદ અવસાન અંગે ઊંડા દુઃખ અને ઘેરા આઘાતની લાગણી વ્યકત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ સ્વ. અમિતાભ પાઠકને શ્રધ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, ગુજરાતના સમગ્ર પોલીસ દળ અને રાજ્ય સરકાર માટે આ કરૂણ અને કમનસિબ ઘટના આંચકો આપનારી છે. સ્વ. પાઠક ૧૯૭૭ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી હતા. મિલનસાર અને સરળ વ્યકિતત્વ ધરાવતા આ પોલીસ વડાએ ટીમ-સ્પીરિટથી, રાજ્ય પોલીસ દળનું નેતૃત્વ કર્યું હતું. સ્વ. પાઠકની આ પ્રેરક કાર્યશૈલીની શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવસભર પ્રસંશા કરી સદ્દગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
સ્વ. અમિતાભ પાઠકના નિધનની માહિતી મળતાં જ મુખ્યમંત્રીશ્રીએ તેમના પુત્ર અમીતનો ટેલીફોન ઉપર સંપર્ક કરીને દુઃખ વ્યકત કર્યું હતું. પરિવાર સાથે રજાઓ માણવા વિદેશ પ્રવાસે ગયેલા શ્રી અમિતાભ પાઠકની આ અચાનક વિદાયથી પરિવાર પર આવી પડેલી વિપદામાં સદ્દગતના આપ્તજનો પ્રત્યે સાંત્વના અને દિલસોજી પ્રગટ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વ. પાઠકના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર તેમના પરિવારજનોની ઇચ્છાનુસાર કરવા રાજ્ય સરકાર પ્રબંધ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. શ્રી અમિતાભ પાઠકના અવસાનથી ગુજરાત રાજ્યનો સમગ્ર પોલીસ પરિવાર પણ શોકમગ્ન બન્યો છે ત્યારે તેમના દુઃખમાં સહભાગી બનીને સ્વ. પાઠકના આત્માની પરમશાંતિ માટે અભ્યર્થના વ્યકત કરી હતી.