મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૬૬મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે  ગુજરાતની પ્રજાજોગ સંદેશ

આઝાદી પર્વની ૬ કરોડ ગુજરાતીઓને શુભકામના

  • ગુજરાતના નવજવાનોને નવસર્જનનું સામર્થ્ય બતાવવા અનેક અવસરો

  • દુષ્કાળ સામેના સંકટનો પડકાર ઝીલીને મોડેલ આપીશું

  • ઔદ્યોગિક વિકાસથી રોજગારી વધી અને ખેતીની ૩૭ લાખ હેકટર જમીન પણ વધી

  • શહેરોનું આધુનિક નિર્માણ

  •  દશકો આખો શાંતિનો.. લોહી વહેવડાવવાના સંઘર્ષ ગુજરાતની ધરતી ઉપરથી વિદાય થયા

રાજકીય સ્થિરતા એ જ ગુજરાતના વિકાસને સૌથી મોટી તાકાત આપી છે

ગુજરાતને રાજકીય અસ્થિરતા ભણી ધકેલવા માંગતા તત્વોના ઇરાદા નિષ્ફળ બનાવીએ.

આવો, ગુજરાતના વિકાસથી મધમધતા પુષ્પને ભારતમાતાના ચરણોમાં ધરી સુવાસ પ્રસરાવીએ

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ૬૬માં આઝાદી પર્વની ગુજરાતની જનતાને શુભકામના પાઠવના પાઠવતા જણાવ્યું છે કે ગુજરાતના વિકાસને રાજકીય સ્થિરતાએ જ સૌની મોટી તાકાત આપી છે. ફરી ગુજરાતને રાજકીય અસ્થિતરતા ભણી ધમેલવાના ઇરાખા ધરાવતા તત્તોને નિષ્ફળ બનાવવા એ જ આપણી સહિયારી જવાબદારી છે.

‘‘આવો, ગુજરાતના વિકાસથી મધમધતા પુષ્પને ભારત માતાના ચરણોમાં ધરી સુવાસ પ્રસરાવીએ’’ એવું પ્રેરક આહવાન તેમણે કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીનો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છે.

વ્હાલા નાગરિકભાઇઓ અને બહેનો.

આઝાદીના પર્વની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો૬૬મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગુજરાતની પ્રજાજોગ સંદેશ ..

દેશ જ્યારે આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાઓની યાદ આવે એ સ્વાભાવિક છે. સદીઓ સુધી, અવિરત સંઘર્ષ કરીને નામીઅનામી અનેક વીરલઓએ પોતાની જીંદગી ખપાવીને આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી ફીટનાર એ સૌ વીરોને નમન કરવાનો આ અવસર છે. ભારતના તિરંગાની આનબાન અને શાન માટે વંદે માતરમનો મંત્ર ગુંજતાગુંજવતા એમણે જીવન હોમી દીધા. જવાની જેલોમાં ખપાવી દીધી.

આપણા ગુજરાતના સહુ માટે ગૌરવની બાબત છે કે, આઝાદીના શિરમોર એવા બે મહાન વ્યક્તિત્વ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. આપણે બધા જ એમની ભાષા બોલનારા લોકો છીએ. આપણા માટે આ સ્વાભાવિક ગૌરવની બાબત છે અને એટલે આપણી જવાબદારી પણ બીજાઓ કરતાં સવિશેષ છે. જો ગાંધી અને સરદારને આપણે આપણાં કહેતા હોઇએ તો ગાંધી અને સરદારના સ્વપ્ના પૂરા કરવાની જવાબદારી આપણી વધારે બને છે. ગુજરાતે એ જવાબદારી નિભાવવા માટેનો પૂરતો પ્રયાસ કર્યો છે. સ્વરાજ્ય માટે તેઓ ખપી ગયા એમનું પણ સપનું હતું સુરાજ્ય માટેનું. માત્ર એક દેશનો ઝંડો ઉતરે, બીજા દેશનો ઝંડો ચડે, એક શાસકો ઉતરે અને બીજા દેશના શાસકો ચડેએવા સીમીત અર્થ માટે આઝાદીનો જંગ ન હતો. આઝાદીનો જંગ હતો દરિદ્ર નારાયણનું કલ્યાણ કરવાનો, આઝાદીનો જંગ હતો ભારતમાતા વિશ્વ કલ્યાણના એના કર્તવ્યને નિભાવવા માટે સક્ષમ બને, સામર્થ્યવાન બને. મહર્ષિ અરવિંદનો પણ આજે જન્મજયંતીનો અવસર છે. એ મહાપુરૂષે જે ભવિષ્યવાણી કરી હતી, સ્વામી વિવેકાનંદે જે ભવિષ્યવાણી કરી હતી, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે આહલેક જગાવી હતી એ બધાયની વાત સાથે સંતો, મહંતો, આચાર્યો, ઙ્ગષિઓ, ભગવંતો એમની પણ એક જ વાત હતી કે, ભારતમાતા જગતગુરૂના સ્થાને બિરાજમાન થાય.

ભાઇઓબહેનો, ગુજરાતે એ દિશામાં પ્રયાસ આદર્યો છે અને એટલે જ તો ગુજરાતનો મંત્ર રહ્યો છે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આજે દેશમાં ૬૫ ટકા કરતાં વધારે જનસંખ્યા ૩૫ વર્ષથી નીચેની ઉંમરની છે. આપણે કેટલા મોટા ભાગ્યશાળી લોકો છીએ, એવા કાળખંડમાં છીએ કે જ્યારે હિન્દુસ્તાન આખુંય યુવાશકિતથી ધબકતું રહ્યું છે. જે દેશ પાસે આટલી મોટી સંખ્યામાં યુવાનો હોય, એ દેશ, દુનિયાને શું ન આપી શકે? ગુજરાતે એક નાનકડો પ્રયાસ આદર્યો છે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી યુવા વર્ષ તરીકે મનાવીને. ગુજરાતની યુવાશક્તિને એના કૌશલ્યને, એના બાહુબળને, એના બુદ્ધિબળને અનેક તકોથી નવાજી છે અને એકવાર નવજવાનને તક મળે તો એ નવ સર્જન કરવા માટે સામર્થ્યવાન બને, એના માટે અભિયાન ઉપાડયું છે. હમણાં એક કાર્યક્રમ કર્યો આપણે, ‘‘એમ પાવર’’. આધુનિક વિજ્ઞાનને અનુરૂપ ગુજરાતનો ગરીબમાં ગરીબ નવજવાન કેવી રીતે તૈયાર થાય ? ઇલેકટ્રોનિક મેન પાવર અને આ ઇલેકટ્રોનિક મેન પાવર માટે એક પ્રકારની નજીવી રકમે અને મોટા ભાગના લોકો માટે તો મફતમાં તાલીમ. દીકરો હોય કે દીકરી, ઇન્ફર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, સોશ્યલ નેટવર્ક, આ બધીય બાબતોને જાણતો થાય, વિશ્વના બદલાતા જતા પ્રવાહમાં એ જરાય નાનપ ન અનુભવે, પાછળ ન રહી જાય, ભલે પાંચમું, સાતમું ભણેલો હોય તો પણ આ જ્ઞાન એ પ્રાપ્ત કરી શકે, એના દ્વારા ખોલી નાંખ્યા છે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો૬૬મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગુજરાતની પ્રજાજોગ સંદેશ ..

વિદ્યાર્થી હોય, લોકો એને કેવી રીતે જોતાં હોય, એનું સન્માન કેવી રીતે વધે અને ‘‘શ્રમ એવ જયતે’’ કહેનારા આ દેશમાં ગુજરાત આ પ્રકારના આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓનું ગૌરવ કરે છે. અમે નિર્ણય કર્યો છે કે, સાતમું, આઠમું ભણેલો વિદ્યાર્થી જો બે વર્ષનો આઇ.ટી.આઇ.નો કોર્ષ કરે તો, તેને ધોરણ દશમાં બરાબર ગણવો. દશમાં સુધી ભણેલો હોય અને આઇ.ટી.આઇ.ના બે વર્ષ કરે તો ૧૨માં સુધીનો ગણવો. એને ડિપ્લોમા એન્જીનીયરીંગ ભણવું હોય, ડીગ્રી એન્જીનીયરીંગ ભણવું હોય એના માટે દરવાજા ખોલી દીધા છે. ગજરાતના નવજવાનોને તક આપવી છે, અવસર આપવો છે એના માટેની આ મથામણ છે.

ભાઇઓબહેનો, સમગ્ર દેશ આજે દુષ્કાળના ઓળા નીચે છે. ગુજરાતને છેલ્લા ૧૦ વર્ષમાં પાણીનું ખૂબ સુખ પ્રાપ્ત થયું છે. ઇશ્વરે મહેર કરી. જ્યાં જોઇએ, જેટલો જોઇએ, જ્યારે જોઇએ તેટલો વરસાદ વરસાવ્યો. આ વખતે ઇશ્વરે આપણી કસોટી કરી છે. ઘણીવાર એમ લાગે કે, ઇશ્વરની ઇચ્છા એવી છે કે, ગુજરાતના લોકો ભૂલી ન જાય કે પાણીનું મૂલ્ય શું છે ? પાણીની વિપુલતા વચ્ચે ગુજરાત જીવવા માંડ્યું તો પરમાત્માને પણ એમ થયું કે, એકવાર જરા કસોટી કરીએ.

ઇશ્વરની આ કસોટીમાંથી પણ સરકાર અને સમાજ સાથે મળીને, આપણે પાર ઉતરીશું. અબોલ પશુઓની ચિંતા કરીશું. ગામડાંના કિસાનની, ગરીબની ચિંતા કરવામાં પાછી પાની નહીં કરીએ. દુષ્કાળ સામે લડવામાં પણ ગુજરાતને મોડેલ બનાવીશું. સર્જનાત્મક ઉપાય શું હોઇ શકે, નિર્માણનું નવું પગરણ દુષ્કાળમાંથી પણ કેવી રીતે ઉભું કરી શકાય ? ભૂકંપની મહા હોનારતને પણ આપણે અવસરમાં પલટી શક્યા તો દુષ્કાળને પણ જળસંચયના સાધનો વિકસાવવામાં, પાણીનું મૂલ્ય સમજાવવામાં, ઘાસનું તણખલું બચાવવા માટે, અબોલ પશુઓની સંવેદના જગાવવા માટે, ગરીબ કિસાનોના કલ્યાણને માટે આપણી આખી શક્તિ કેમ ન જોડાય ? મને ગુજરાતની સેવાવૃત્તિ ઉપર ભરોસો છે. દરિદ્રનારાયણની સેવાને વરેલો, અબોલ જીવની સેવાને વરેલો, ગુજરાતનો નાગરિક કોઇ પાછી પાની નહિં કરે. ગુજરાત સરકારે ગયા દોઢ મહિનાથી લગાતાર પૂરી શક્તિ એમાં કેન્દ્રિત કરી છે. હું જાતે એકએક બાબતનું નિરીક્ષણ કરૂં છું. હું જાતે એમાં સક્રિય થયો છું. મારે મન અબોલ પશુઓની સેવા હોય કે ગામડાંના ખેડૂતની સેવા હોય એ મારી પ્રાથમિકતા છે. મારી પૂરી શક્તિ એમાં લગાવવાનો છું. સંકટના વાદળો વચ્ચે પણ આશાનો સૂરજ લઇને પ્રગટ થવાનો અવસર ગુજરાતના આંગણે આવ્યો છે એ સંકલ્પ કરીને આગળ વધીશું.

ગુજરાતે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. ઘણીવાર એમ લાગે કે, જો ભારત સરકારે આ નર્મદાના ડેમ પર ગેટ મૂકવાની રજા આપી દીધી હોત તો, આજે જે નર્મદાના ડેમમાં જેટલું પાણી છે એના કરતાં ત્રણ ગણું વધારે પાણી હોત. અને જો પાણી ત્રણ ગણું વધારે હોત તો, ભયંકરમાં ભયંકર દુષ્કાળ આવે તો પણ આપણને જરાય ચિંતા ન થાત. ખેર, હજુ આપણો પ્રયત્ન ચાલુ છે કે, સરદાર સરોવર ડેમ પર ગેટ મૂકવાની પરવાનગી મળી જાય અને ભારત સરકાર ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના ગામડાંઓની, ગુજરાતના અબોલ જીવોની આ લાગણી સમજશે અને જરૂર આપણને વેળાસર આ ડેમની ઊંચાઇ વધારવા માટેની અને ગેટ મૂકવા માટેની પરમીશન આપવાની વિધિ પૂરી કરશે તો આપણે પાણી બચાવી શકીશું અને જો પાણી હશે તો ગુજરાતના ગામડેગામડે તળાવો ભરવાનું કામ આપણે પૂરઝડપે ઉપાડીશું. જો પાણી હશે તો ગુજરાતનો ખેડૂત પરસેવો પાડે એવો છે, મહેનત કરે એવો છે.

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો છે અને ઔદ્યોગિક વિકાસનું પરિણામ એ છે કે ગુજરાતમાં રોજગારીની તકો વધી છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા કે, સમગ્ર દેશમાં ઓછામાં ઓછા બેરોજગાર લોકો હોય તો ક્યાં છે ? ગુજરાતમાં છે. આખા દેશમાં બેરોજગારી વધતી જાય છે ત્યારે ગુજરાત રોજગારી વધારતું જાય છે. આ બંનેનો સ્પષ્ટ ફર્ક દેખાય છે.

ભાઇઓબહેનો,

વિકાસની આપણે હરણફાળ ન ભરી હોત તો, આ સંભવ ન બનત. એ વાત સાચી છે. કેટલાક લોકો છે જેમને ગુજરાતનો વિકાસ જોવો જ નથી. જેણે જોવો જ નથી એને જગાડવા માટેની મહેનત કરવાની જરૂર પણ નથી. આપણે તો વધુ સારંુ કરીને સામાન્ય માનવીના કલ્યાણની દિશામાં પાછી પાની નથી કરવી.

આજે ખેતીલાયક જમીન ગુજરાતમાં જ વધે છે. ખેતીલાયકમાં આ સમગ્ર દેશને આનંદ થાય એવી આ બાબત છે. ગુજરાતમાં ૨૦૦૧ પહેલાં જે ખેતીલાયક જમીન હતી એમાં આપણે ૩૭ લાખ હેક્ટરનો વધારો કર્યો છે. ૩૭ લાખ હેક્ટર ખેતીના વાવેતરની જમીન વધી છે. કારણ, પાણી પહોંચાડવા માટેના સફળ પ્રયત્નો થયા. દેશના કૃષિ વિકાસમાં માટે આપણું જાહેર યોગદાન છે. આ જ ભૂમિકા ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. તેથી જ ભાઇઓબહેનો, કૃષિ વિકાસની દિશામાં, ઔદ્યોગિક વિકાસની દિશામાં, શિક્ષણના વિકાસની દિશામાં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ્ટના વિકાસની ચિંતા કરવાની હોય તો તેની દિશામાં આપણે જરાય પાછી પાની કરી નથી. આજે ગુજરાતના ગામડામાં પણ સખીમંડળોનું નેટવર્ક બનાવ્યું છે. ગરીબમાં ગરીબ બહેનો આર્થિક પ્રવૃત્તિ કરે છે અને મને વિશ્વાસ છે, આ દુષ્કાળમાં સખીમંડળની બહેનો નવી તાકાત બનીને ઉભરશે. સખીમંડળની બહેનો ગામડાંની સમસ્યાના સમાધાન માટે પોતાના હુન્નર દ્વારા, પોતાના સંગઠન દ્વારા, સરકારની મદદ દ્વારા એક નવું નેતૃત્વ પૂરંુ પાડશે. આ પહેલો દુષ્કાળ એવો છે જે સંકટની સામે માતા નર્મદા જંગ કરતા હશે. એમ આ પહેલો દુષ્કાળ એવો હશે કે, ગુજરાતના ગામડાંની સખીમંડળની બહેનો આ સંકટમાંથી મુકાબલો કરવા માટે એક નવી તાકાત બનીને બહાર આવશે.

આ બધા નવા આયામો છે. જે સામાન્ય માનવીને નવો વિશ્વાસ આપે છે. ગુજરાત વિરોધી વાતાવારણ પેદા કરનારા લોકો સમજી લે કે આજે ભારત સરકારને પણ કોઇપણ સિદ્ધિઓ બતાવવી હોય તો પણ ગુજરાતનો આંકડો પહેલો મૂકવો પડે છે. આપણને ગૌરવ છે કે, ભારતના વિકાસ માટે આપણે યોગદાન આપી રહ્યા છીએ. દિલ્હીની કેન્દ્ર સરકાર માથું ઉંચું કરી શકે તેવી કોઇ બાબત બનતી હોય તો એમાં જરૂર આપણું યોગદાન હોય છે. બધાને એની નોંધ લેવી પડે છે. દેશ ચલાવવો હોય તો આ જ એની સાચી પદ્ધતિ છે અને આપણે એ માર્ગે ચાલ્યા છીએ.

આજે ગુજરાતમાં પંચાયતીરાજના ૫૦ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગામડાંનો વિકાસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગામડાંના હાથમાં નાણાં ખર્ચવાના અધિકાર કેવી રીતે આવે એના માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પહેલાં ગામડાંમાં પંચાયત પાસે બે લાખ રૂપિયાના કામોનો ખર્ચ કરવાના અધિકાર હતા. આપણે એક જ જાટકે બે લાખ માંથી પાંચ લાખ કરી દીધા. કારણ ગામડામાં પંચાયતના નેતૃત્વ કરનાર સરપંચ અને સરપંચના સાથીઓ પણ હવે વિકાસની બાબતમાં સક્ષમ બન્યા છે. નવું કરવા માટે આતુર બન્યા છે. એમના હાથમાં જો સતા આપવામાં આવે તો નવું કરી શકે અને જો આગામી ૬૮ મહિનામાં આ પ્રયોગ સફળ રહ્યો તો હું તો એમાંય વધારે આગળ વધવા માંગું છું. જેથી કરીને ગામડું પોતે જ ગામડાના વિકાસનો નિર્ણય કરે. રૂપિયાનો ઢગલો ગામડાની પાસે જ હોય, ગામડું જ આગળ કામ કરતું થાય. પ્રયોગાત્મક રીતે આપણે આ શરૂઆત કરી છે. હું ગામડામાં બેઠેલા પંચાયતના બધા જ ભાઇઓને વિનંતી કરં છું કે આપ આ અવસર જતો ના કરતાં. ગયા વર્ષે સ્વર્ણિમ જયંતી વર્ષની અંદર ઉત્તમ ગામડાઓની સ્પર્ધા કરી અને ગામડાંઓએ એક પછી એક નવી નવી સિદ્ધિઓ હાંસલ કરીને બતાવી. આ વખતે પંચાયતીરાજની સ્વર્ણિમ જયંતી ઉજવવાનો આ અવસર છે અને આપણે ગામડે ગામડે તેને ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભૂતકાળની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જેટલા પણ સભ્યો રહ્યા હશે અને આજે હયાત હશે, આ બધાયનું ગૌરવ કરવાની મારી નેમ છે અને દરેક ગામના સરપંચો મળીને, બીજાનું સન્માન કરે એના માટે સરકાર પૂરેપૂરી મદદ કરવાની છે.

પંચાયતીરાજના ૫૦ વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગામડામાં વણથંભી વિકાસયાત્રા લઇને જવું છે. ગામડામાં નવા વિકાસના આયામો ખોલવા છે.

ભાઇઓબહેનો, શહેરી વિકાસનું એક નવું મોડેલ આપણે આપ્યું છે. આજે ગુજરાતની ૪૨ ટકા કરતા વધારે જનતા શહેરોમાં રહેવા માંડી છે. ૫૦ ટકા જેટલી જનતા શહેરો પર નિર્ભર રહેવા માંડી છે ત્યારે શહેરોનો વિકાસ પણ આધુનિક ઢબથી થાય, લોકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને થાય, વાહનવ્યવહારની અગવડ ઘટે એ રીતે થાય, એ દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. ગુજરાત આધુનિક બને એના માટેની આપણે મથામણ કરી રહ્યા છીએ.

થોડા દિવસ પહેલાં મારે જાપાનના પ્રવાસે જવાનું થયું. જાપાન સરકારના નિમંત્રણથી જવાનું થયું અને એક ગુજરાતી તરીકે આપણને બધાને ગૌરવ થાય કે, જાપાન જેવા સમૃદ્ધ દેશે કોઇ રાજ્યને નિમંત્રણ આપ્યું હોય એ પહેલી ઘટના છે. એક ગુજરાતી તરીકે આપણું માથું ઉંચું થાય તે સ્વાભાવિક છે. આમાં પક્ષાપક્ષીનો પ્રશ્ન નથી, વ્યક્તિનો પ્રશ્ન નથીપ વાત ગુજરાતની છે. એટલા માટે ગૌરવ છે. ચાર જ દિવસનો ટૂંકો પ્રવાસ હતો. ચાર દિવસના ટૂંકા પ્રવાસમાં જાપાન સરકારે જે પ્રકારે સહયોગ આપ્યો છે એ બતાવે છે કે, ગુજરાત માટે જાપાનનું કેટલું આકર્ષણ વધ્યું છે. ગુજરાત અને જાપાન સાથે મળીને વિકાસની અંદર કાર્યક્ષમતા હોય, ક્વોલીટી હોય, કવોન્ટીટીમાં માસ સ્કેલ હોય, સ્કીલનો ઉપયોગ હોય એવા નવા નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે એવો મારો વિશ્વાસ છે. એ સફળ યાત્રાથી ભાવિ વિકાસ માટે નવી આશા જન્મી છે અને ૨૦૧૩માં જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ કરીશું ત્યારે ગુજરાતના સામાન્યમાં સામાન્ય માનવીને વધુમાં વધુ રોજગાર મળે એવી નવી તકો સાથે આપણે ૨૦૧૩ના જાન્યુઆરીથી એક શુભારંભ કરીશું એવો મારો વિશ્વાસ છે.

ભાઇઓબહેનો, ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઇએ લઇ જવામાં હમણાં પ્રવાસન ક્ષેત્રે ટુરિઝમે પણ આપણી નવી ઓળખ ઉભી કરી છે. આપણે ત્યાં ગીરના સિંહ હોય, સોમનાથનું મંદિર હોય, દ્વારિકાનું તીર્થક્ષેત્ર હોય, મહાત્મા ગાંધી જેવી વિશ્વ વિભૂતિનું જન્મસ્થાન હોય, સરદાર સાહેબની ક્રાંતિકારી વિચારધારા પડી હોય, ગરવો ગિરનાર નિમંત્રણ દેતો હોય, કચ્છનું રણ લોકોને અચરજ પમાડતું હોય, શું નથી ? આપણાં નવરાત્રિ, મેળા, શું નથી ? છતાંય દેશદુનિયાનું ધ્યાન આપણા તરફ નહોતું. ગયા ત્રણ વર્ષના લગાતાર પુરૂષાર્થનું પરિણામ એ આવ્યું છે કે, આજે પ્રવાસન ક્ષેત્રે આપણે આપણી એક ઓળખ લોકો સામે ઉભી કરી દીધી છે, કૌતુંક ઉભું કરી દીધું છે, આકર્ષણ ઉભું કરી દીધું છે એને કારણે આખા દેશમાં ટુરિઝમનો જે વિકાસ છે એના કરતાં ટૂંકાગાળામાં આપણો ગુજરાતનો વિકાસ વધારે થયો છે. પહેલીવાર ગીરના સિંહની ગર્જના દેશ અને દુનિયા સાંભળતું થયું છે. એનો આપણને બધાંને આનંદ છે.

પરંતુ મારા આવ્યા પછી ગીરના સિંહ નથી આવ્યા, સોમનાથનું મંદિર મારા આવ્યા પછી નથી આવ્યું. દ્વારિકાધીશ મારા આવ્યા પહેલા આવીને બેઠા છે. પણ દુનિયાને ત્યાં લઇ આવવાનું કામ ન થયું અને એના કારણે આપણે એકલાઅટૂલા થઇ ગયેલા કોશિષ કરી છે વિશ્વ આખાને ગુજરાતના ચરણોમાં લાવીને મૂકી દેવું છે. મને વિશ્વાસ છે, મને આપના આશીર્વાદમાં વિશ્વાસ છે કે, આપણે ગુજરાતને આગળ વધારીશું. એક જમાનો હતો, છાશવારે કર્ફ્યુ, છાશવારે તોફાન, છાશવારે ધીંગાણાં, જાતિવાદના ઝઘડા અને આ જાતિવાદના ઝઘડાં કેટલા ભયંકર હતા ? એકએક કુટુંબના એકએક સમાજના દશદશ લોકોની લાશો ઢાળી દીધી હોય એવી ઘટનાઓ ગુજરાતે જોઇ છે. પણ દશ વર્ષ થયા. આ બધું જ ગુજરાતની ધરતી પરથી વિદાય થઇ ગયું છે. લોહી વહેવાને બદલે આજે ગુજરાતના ખેતરે પાણી વહેવા માંડ્યા છે. હરિયાળા ખેતરો ઉભા થઇ ગયા છે. મનની અંદર પણ હરિયાળી આવે એવી મથામણમાં આપણે સફળ થયા છીએ.

ભાઇઓબહેનો, શાંતિએકતા, સદભાવનાનો આ દશકો. એકવીસમી સદીનો મજબૂત પાયો બની ગયો છે. ગુજરાત માટે ગૌરવની બાબત છે.

મારે ગુજરાતના નાગરિકોને સવિશેષ આજે અભિનંદન આપવા છે. આ પ્રગતિના મૂળમાં એક મહત્વનું પાસું રહ્યું છે, અને એ છે રાજકીય સ્થિરતા. જો રાજકીય સ્થિરતા ન હોત તો છાશવારે નવી સરકારો બનતી હોત, છાશવારે સરકારો તૂટતી હોત, ધારાસભ્યોના ખરીદવેચાણ ચાલતા હોત તો ગુજરાતની પ્રગતિ ન થઇ હોત. ખુરશીઓ બચાવવા માટે શક્તિઓ લાગી હોત. પણ આપના સ્પષ્ટ નિર્ણયને કારણે, આપના આશીર્વાદને કારણે દશ વર્ષ થયાં. ગુજરાતે એક સ્થિર શાસન વ્યવસ્થા જોઇ છે. એની નીતિઓ સ્પષ્ટ છે, ગતિશીલ છે. એનો દ્રષ્ટિકોણ સમૃદ્ધ ભાવિ ગુજરાત તરફનો છે અને એના પરિણામે આ રાજકીય સ્થિરતા એક મોટી તાકાત બની છે.

આ રાજકીય સ્થિરતાને અસ્થિરતામાં ધકેલવા માટે ચાલતા બધાં જ પ્રયત્નોને, આઝાદીના પર્વે દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરીને, આવા તત્વોને નિષ્ફળ કરવા એ આપણી જવાબદારી છે.

રાજકીય સ્થિરતા માટે આપણા બધાની સહિયારી જવાબદારી છે, તો જ વિકાસ શક્ય બનતો હોય છે. નીતિ સ્પષ્ટ છે. નિયત સાફ છે. ગુજરાતનું કલ્યાણ એજ મનમાં આશ છે. હજું ઘણું કરવું છે. દશ વર્ષમાં તો ઘણાં બધાં જૂના રીતરિવાજોમાંથી ગુજરાતને બહાર લાવવા આપણે સફળ થયાં છે. ઘણા ખાડા પુરવામાં સફળ થયા છીએ. પણ હજુ તો ગુજરાતની ભવ્ય ઇમારત માટે નવા સપના સાથે, નવા સંકલ્પ સાથે, નવા ઉમંગ સાથે, નવા ઉત્સાહ સાથે, નિત્ય નૂતન પ્રયાસ કરતા રહેવું છે એ સંકલ્પ લઇને હું નીકળ્યો છું. આપના આશીર્વાદથી, છ કરોડ ગુજરાતીઓ પર ભરોસો છે એના આધારે હું નીકળ્યો છું.

આવો ભાઇઓબહેનો, આવો. ૧૫મી ઓગષ્ટે આઝાદીના એ વીરોને યાદ કરીને, સુરાજ્યના એમના સપના પૂરા કરવા માટે આપણે બધાંય ખભેખભો મિલાવીને, તિરંગો ઝંડો હાથમાં લઇને, મા ભારતીના કલ્યાણને માટે ગુજરાતને વિકાસની નવી ઊંચાઇ પર લઇ જઇએ. આ ગુજરાતરૂપી પુષ્પ ભારતમાતાના ચરણોમાં નવી સુગંધ પ્રસરાવે એવો પ્રયાસ કરીએ. એજ અપેક્ષા સાથે ફરી એકવાર આઝાદીના પાવન પર્વે પૂજ્ય બાપુને પ્રણામ, શ્રધ્ધેય સરદાર પટેલને પ્રણામ, શ્યામજી કૃષ્ણવર્માને પ્રણામ, અનેક નામીઅનામી મહાપુરૂષોને પ્રણામ અને ગુજરાતના કોટિકોટિ જનોને પ્રણામ.

આવો, એક નવી શક્તિથી, નવા સંકલ્પ સાથે આગળ વધીએ. આપ સૌને આઝાદીના પર્વે અનેક અનેક શુભકામનાઓ.

વંદે માતરમ્... વંદે માતરમ્... વંદે માતરમ્... નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen

Media Coverage

UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes during the visit of Hon’ble Prime Minister to Slovakia
June 15, 2026

Memorandum of Understanding/Letter of Intent

S.No.Title

1.

MoU on cooperation in the field of Labour Migration

2.

Letter of Intent promoting cooperation in the Defence field

3.

MoU on Digital Technologies

4.

MoU on Cooperation in the field of Higher Education and Research

5.

MoU on Audio-visual Creation

6.

Establishment of first ever ICCR Chair in Artificial Intelligence at the Technical University of Kosice

7.

Memorandum of Understanding in the field of Quantum Communication and Critical Infrastructure Protection

8.

MoU between National Institute of Naturopathy, Pune, Ministry of Ayush, and Slovak Health Spa Piestany

9

Agreement between Indian Institute of Technology, Delhi and Slovak Technical University for cooperation in student exchange programs, scholarships and research collaboration

10

Tourism cooperation between Association of Tour Operators

11

Agreement on Scientific Cooperation between the Indian National Science Academy (INSA) and the Slovak Academy of Sciences (SAS)

Announcements

1.

Elevation of bilateral relationship to Comprehensive Partnership

2.

Establishment of Joint Working Group in Counter Terrorism

3.

Establishment of Consular Dialogue