અમદાવાદ ઃ રવિવાર ઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી હમીદ અન્સારીએ આજે અમદાવાદના સાયન્સ સીટી ખાતે ગુજરાતમાં પ્રથમવાર આયોજીત ૧૭મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો રાજ્યપાલ ડૉ.શ્રીમતી કમલાજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, એન.સી.એસ.સી.ટી.ડી. નેટવર્કના પ્રેસિડેન્ટ પ્રો.યશપાલ, ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ડી.રાજગોપાલનની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કર્યો હતો.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન, તથા એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કુલના સંયુકત ઉપક્રમે આયોજીત આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો મુખ્ય વિષય "" Planet Earth, our Home-Explore, care and share'' છે. ભારતભરમાંથી આવેલ ૧૦ થી ૧૭ વર્ષની વયના આ બાળ વૈજ્ઞાનકિો ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરશે તેમજ દેશના પ્રમુખ વૈજ્ઞાનિકો ચર્ચા પણ કરશે.

ઉપરાષ્ટ્રપતિ શ્રી ડૉ.હમીદ અંસારીએ માનવજાતની સમસ્યા, પડકારો અને સંકટોના સમાધાનનો ઉપાય વિજ્ઞાન દ્વારા જ મળી શકશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું વાતાવરણ સર્જવાની અપીલ કરતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ બાળ માનસથી યુવાશકિતને વિજ્ઞાન વિશે પ્રેરિત કરવાના વ્યૂહાત્મક સૂચનો કર્યા હતા.

ગુજરાતને સૌથી ઝડપી પ્રગતિશીલ, આર્થિક અને ઔઘોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય ગણાવતા ડૉ.અંસારીએ જણાવ્યું કે સાયન્સ સીટીના આંગણે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરીને આવતીકાલના વૈજ્ઞાનિકોને ગુજરાતે જે નવીનતમ પહેલથી વિકાસનો વિજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ થશે.

ડૉ. શ્રી હમીદ અંસારીએ વિજ્ઞાન-શિક્ષણ માટેનો વ્યાપ વિસ્તારવાના સૂચનો કરતાં જણાવ્યું હતું કે, બાળકો વિજ્ઞાનિક વિશ્મય અને પ્રકૃતિના રહસ્યો પરત્વે વૈજ્ઞાનિક અભિગમથી વિચારે અને તેના આધારે પ્રયોગો કરશે તો આપણી સાંપ્રત સમસ્યાઓનું સમાધાન થશે. બાળકોને દરેક વસ્તુને વૈજ્ઞાનકિ દ્રષ્ટિકોણથી જોવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ એ બાબત સ્વીકારે છે કે કોઇ પણ આધુનિક રાષ્ટ્રને વિજ્ઞાન અને ટેકનોલોજી સદીની તકોને પ્રાપ્ત કરવા માટે ઊચ્ચ ગુણવત્તા ધરાવતા વિજ્ઞાન અને કલા વિજ્ઞાનયુકત માનવબળની ખૂબ જ મૂળભૂત જરૂરિયાત છે. ચલ્ડ્રિન સાયન્સ કોંગ્રેસ દેશના ગરીબ અને ગ્રામીણ બાળકોને વૈજ્ઞાનિક વિસ્મયો સાથે ઓતપ્રોત થઇ તેમની વિજ્ઞાન પરત્વેની ઝંખનાઓને બળવત્તર કરવાની ઉજ્જવળ તક પૂરી પાડે છે.

આજના યુવાનો વિજ્ઞાનને પોતાની કારકિર્દી બનાવવા માટે આકર્ષાય તે માટે સરકારના પ્રયાસોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દસ લાખથી વધુ વિઘાર્થીઓને વિજ્ઞાન શિષ્યવૃત્તિઓ આપવી, ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનું ફલક વધુ વિસ્તૃત કરવું, અવકાશ અને અણુ વિજ્ઞાન જેવા ખાસ ક્ષેત્રોમાં તેજસ્વી બુધ્ધિ પ્રતિભાવોને પ્રોત્સાહિત કરવી, આગામી પાંચ વર્ષોમાં વિજ્ઞાન ટેકનોલોજી પાછળનો ખર્ચ જી.ડી.પી. કુલ ધરેલું ઉત્પાદનના એક ટકાથી વધારી બે ટકા સુધી કરવામાં આવશે.

રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલ ડૉ.શ્રીમતી કમલાજીએ ૧૭મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ બદલ અભિનંદન અને બાળ વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપતાં જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇની માતૃભૂમિ, ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્વનો આ પ્રકારનો શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો છે તે ગૌરવનો વિષય છે. વાસ્તવમાં આ બાળકોનું વિશ્વ છે. તેમણે ઉમેર્યું કે વૈજ્ઞાનિક સાક્ષરતાની આજના યુગમાં વૈશ્વિક આવશ્કયતા છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને તીવ્ર ગ્રહણશકિત ધરાવતાં બાળકો સુધી તેનો લાભ ખૂબ ત્વરાથી પહોંચી રહ્યો છે. રાષ્ટ્રનું ભવિષ્ય એવાં બાળકોમાં નવું જાણવા શીખવાની ઉત્કંઠા ખૂબ હોય છે અને શિક્ષકો અને વડીલોએ તેમની સર્જકતા વિકસાવવાની ભૂમિકા અદા કરવાની છે. વિજ્ઞાન અને ટકેનોલોજીના આજના સમયમાં સુશિક્ષિત બાળકો તો વડીલોને પણ વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ કેળવી તેમની જીવનશૈલી ઉત્કૃષ્ઠ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે વડીલોની ફરજ બને છે કે તેઓ બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીન આવિષ્કારોનું જ્ઞાન મેળવવામાં મદદરૂપ થાય.

રાજ્યપાલશ્રીએ ૧૭મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ઊભરતા બાળ વૈજ્ઞાનિકોને તેમની જીજ્ઞાશા સંતોષે તેવા વૈજ્ઞાનિક પ્રયોગો અને સમસ્યાઓના ઉકેલ આપતાં તેના પરિણામો અને રોજીંદા જીવનમાં તેના ઉપયોગોની જાણકારી મેળવી વૈજ્ઞાનિક અભિગમ કેળવી રાષ્ટ્રના ઉજ્જવળ ભાવિનું સ્વપ્નમાં પરિવર્તિત કરવામં સફળ નીવડશે તેવી આશા વ્યકત કરી હતી. તમણે ઉપરાષ્ટ્રપતિશ્રી તેમજ નિષ્ણાંત વૈજ્ઞાનિકોને આવકારી બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરા પાડવા બદલ ધન્યવાદ આપ્યા હતા. સવે દિશાઓમાંથી ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ તેવી તેમણે અભ્યર્થના વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાયન્સ સીટીમાં ઉપસ્થિત ૮૦૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાના નિષ્ણાતોને આવકારી ગુજરાતની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને અન્ય સંસ્થાઓ આયોજિત જ્ઞાન-વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‍ધાટન કરીને રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વેદથી વેબ ઇન્ટરનેટ સુધીની વિજ્ઞાનની યાત્રામાં માનવજાતના શ્રેયનો સિધ્ધાંત કેન્દ્રસ્થાને રહ્યો છે. જ્ઞાન વિજ્ઞાન માટે બાળ માનસને પ્રેરિત કરવા માટેનું વાતાવારણ ઉભું કરવાની જરૂર ઉપર તેમણે ભાર મુકયો હતો.

ગાંધી-સરદારની ભૂમિ અને વૈજ્ઞાનિકો ડૉ.વિક્રમ સારાભાઇ, ડૉ.અબ્દુલ કલામ અને પ્રો.યશપાલની કર્મભૂમિ ગુજરાતમાં દેશ-વિદેશના બાળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનના અભિભાવકોને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિજ્ઞાન સાર્વત્રિક છે. બાળ માનસમાં કુતૂહલતા અને જીજ્ઞાસા જગાડવા માટે તેનામાં પ્રશ્નો ઉઠવા જોઇએ એના દ્રષ્ટાંતો આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નાનીવયથી જ ઉજાગર થાય તે માટે પરિવારમાં બાળકોને પ્રોત્સાહિત કરવા જ જોઇએ.

ટેકનોલોજીની નવીનવી ક્ષિતિજો સાકાર કરવામાં વૈજ્ઞાનિક જીજ્ઞાસાવૃત્તિ કેટલી કામયાબ બને છે તેનું દ્રષ્ટાંત આપતા તેમણે જણાવ્યું કે, ઝાડ ઉપરથી સફરજન પડે છે તે બધા જ જુવે છે પણ ન્યુટન નામના વૈજ્ઞાનિકમાં પ્રશ્ન ઉઠયો કે ફળ નીચે જ કેમ પડે છે ? અને તેનાથી ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત દુનિયાને મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વેદ કાળથી પૃથ્વીને માતારૂપે પૂજી છે અને પ્રકૃતિના પાંચ તત્વો જળ, વાયુ, આકાશ, અગ્નિ, ધરતીના સંતુલનથી વિકાસ માટેનું પર્યાવરણ જળવાઇ રહ્યું છે આ પાંચ તત્વોનું સંતુલન ખોરવાય તો માનવજાત માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંકટોથી પૃથ્વી ધેરાઇ જાય છે. આ સંકટો માટે જવાબદાર કોણ છે તેના વિવાદમાં સમય વિતાવવાના બદલે પર્યાવરણથી વિપરિત સંકટોથી પૃથ્વીના ભવિષ્યને સુરક્ષિત રાખવાનું કામ બાળ વૈજ્ઞાનિકો જ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પ્રો.યશપાલ

પ્રખર વૈજ્ઞાનિક પ્રો.યશપાલ શર્માએ "હું સૌથી મોટી ઉંમરનો બાળ વૈજ્ઞાનિક છું'' તેમ જણાવી ઉમેર્યું હતું કે, વિજ્ઞાન શીખવું હોય તો સંશોધનથી જ શીખી શકાય. વિજ્ઞાન દરેક જગ્યાએ છે એ વાત બાળકોને આપણે શીખવવી જોઇએ. વિશ્વ આખું એક સાયન્સ લેબોરેટરી છે. જ્ઞાનને વિષયોમાં વિભાજિત કરીને કે ઓરડાઓમાં મર્યાદિત બનાવીને તેનો વ્યાપ કયારેય વધારી નહીં શકાય. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ બાળકોના જ્ઞાન-વિજ્ઞાનને વિકસાવવાનું પ્લેટ ફોર્મ છે. બાળકોમાં ઉત્સુકતા, સંશોધનાત્મક અને સર્જનાત્મકતાને વિકસાવવા પર ભાર મૂકી તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે, બાળકોને તમારા જેવા બનાવવાની જીદ છોડી દો. બાળકોમાંથી આપણે ધણું શીખવું જોઇએ. ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું કામ બાળકોની ઉત્સુકતા વધારવાનું છે. બાળકોની ઉત્સુકતા અને સર્જનાત્મકતા વધારવા માટે જરૂર જણાય તો શિક્ષણ પધ્ધતિ બદલવા પણ તેમણે મત વ્યકત કર્યો હતો.

ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ડી.રાજગોપાલને સ્વાગત પ્રચનમાં જણાવ્યું હતું કે, બાળકોમાં કાયમ નવુ-નવુ જાણવાની જીજ્ઞાસા હોય છે. તેને અનુરૂપ તેની સમજ બાળકોને આપવી જોઇએ. વિકાસની પ્રક્રિયાનો ઉલ્લેખ કરી નવી પેઢીને પૃથ્વી માતા સાથેનો સંબંધ સમજવા અનુરોધ કર્યો હતો.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges

Media Coverage

UPI Adding Up To 60 Lakh New Users Every Month, Global Adoption Surges
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2024
July 21, 2024

India Appreciates PM Modi’s Efforts to Ensure Unprecedented Growth and Prosperity