ગુજરાતીઓ ધારે તો દુનિયા બદલી શકે છે !
ગુજરાતી હીરા-ઝવેરાતના સામર્થ્યવાન ઉઘોગ સાહસિકોને દુનિયાની હીરાનીખાણો ખરીદ કરવાનું પ્રેરક આહ્વાનઆપતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના હીરા-ઝવેરાત ઉઘોગોની વૈશ્વિક શાખ-ગૌરવ છેઃ હવે નવા સપના સાકાર કરીએ
જી.જે.ઇ.પી.સી. ના ૩૮માં એન્યુઅલ એવાર્ડસનો સુરતમાં સમારંભ સંપન્ન
સુરતઃતાઃ ૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હીરા-ઝવેરાતની ઉત્કૃષ્ઠ નિકાસના જી.જે.ઇ.પી.સી. વાર્ષિક એવાર્ડ એનાયત કરતા ગુજરાતના સામર્થ્યવાન હીરા-ઝવેરાતના ઉઘોગ સાહસિકો દુનિયાની હીરાની ખાણો ખરીદે એવું પ્રેરક આહવાન આપ્યું હતું.હીરા-ઝવેરાતના વૈશ્વિક બજારો માટે રો-મટીરીયલ તરીકે ડાયમંડ મેળવવા વિદેશો ઉપર આધારિત રહેવાના વિકલ્પે દુનિયાની હીરાની ખાણો ખરીદીને તેના માલિક બનવાનું અને વિશ્વના હીરા-ઝવેરાતના અર્થતંત્ર ઉપર પોતાનું પ્રભૂત્વ પ્રસ્થાપિત કરવાનું સપનું સાકાર કરો એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હીરા-ઝવેરાતના ઉઘોગોની શક્તિને બિરદાવતા જણાવ્યું હતું.
ગુજરાત જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે આજે સુરતમાં હીરા-ઝવેરાતના વિકાસમાં ઉત્કૃષ્ઠ યોગદાન આપનારા હીરા-ઝવેરાતના ઉઘોગ સાહસિકોને જી.જે.ઇ.પી.સી.ના એવોર્ડ્ઝ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.

હીરા-ઝવેરાતના ઉઘોગને વિશ્વમાં ઝળહળતો રાખવા માટેના પુરૂષાર્થમાં યોગદાન આપનારા આ રત્ન ઉઘોગ સાહસિકોને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતના અર્થતંત્રને મંદીના સમયમાં પણ શક્તિશાળી બનાવવામાં હીરા ઉઘોગે સાહસના સહિયારા પરિશ્રમની સાફલ્યગાથા રચી છે.
મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કરતા જણાવ્યું કે, વિશ્વમાં ગુજરાતના હીરા ઉઘોગે ઉત્કૃષ્ઠ શાખ અને ગૌરવ પ્રાપ્ત કરેલા છે, પરંતુ આપણા ગુજરાતી ઉઘોગ સાહસિકોમાં તો આથીય અનેકગણું સામર્થ્ય છે, અને દુનિયાની કોલસાની ખાણોના માલિકો ગુજરાતીઓ બન્યા છે અને હીરાની ખાણો ખરીદીને વિશ્વના હીરા-ઝવેરાતના બજારો ઉપર સર્વોપરિતા સ્થાપી શકવાની ક્ષમતા ધરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસના શક્તિ સામર્થ્યની પ્રતીતિ કરાવતા જણાવ્યું કે, ગુજરાતે પ્રવાસન ઉઘોગના વૈશ્વિક નકશામાં પોતાનું સ્થાન અંકિત કરી દીધું છે. કચ્છનો રણોત્સવ હવે વિશ્વભરના પર્યટકો માટે પ્રવાસનનું આકર્ષણ બની ગયો છે, અને આગામી રણોત્સવની સૌન્દર્ય ગરિમાની અનુભૂતિ કરવા તેમણે હીરા-ઝવેરાત ઉઘોગ સાહસિકોને સપરિવાર રણોત્સવમાં ભાગ લેવા ઇજન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના રણકાંઠે બનાસકાંઠામાં દુનિયાનો સૌથી વિશાળ સૂર્ય ઊર્જાશક્તિનો સોલાર પાર્ક બની રહયો છે અને સૂર્યશક્તિની વૈશ્વિક રાજધાની ગુજરાત બની રહેવાનું છે તેનું તથા નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ અને હાઇડ્રોટર્બાઇન ટેકનોલોજીથી વીજળી અને પાણીના કુદરતી સાધનોની અપાર શક્તિ સર્જાશે. હીરા બુર્સ અને ડાયમંડ જ્વેલરી પાર્ક જલ્દીથી કાર્યરત થાય તે માટે પણ તેમણે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. સુરત વિમાની મથક ઉપરથી વિમાની સેવાઓ શરૂ કરવામાં કેન્દ્ર સરકારને શું અવરોધ નડે છે તે સમજાતું નથી, પણ ગુજરાતનો જી ઉચ્ચારવાની નકારાત્મક માનસિકતા બદલાશે તો સ્થિતિ સુધરશે એમ તેમણે માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ શ્રી રાજીવ જૈને ૩૮માં એવોર્ડ્સ વિતરણ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, કાઉન્સિલે સુરતથી રત્ન કલાકાર કાર્ડ્સ યોજના હેઠળ હીરા કારીગરોનો દેશવ્યાપી ડેટાબેઝ બનાવવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાતનો વિકાસ મુખ્યમંત્રીશ્રીની વિચક્ષણતાને આભારી છે તેવી લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, ક્લસ્ટર ડેવલપમેન્ટના પ્રથમ ૦પ પૈકી ૦ર ક્લસ્ટર ગુજરાતના છે. ખંભાતમાં કોમન ફેસીલીટી સેન્ટર બનાવવાનું પણ આયોજન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હિન્દી રત્ન સંચયિકાનું વિમોચન કર્યું હતું. જીજેઇપીસીના ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત સંધવીએ લોક ભાગીદારી આધારીત વિકાસના ગુજરાતના મોડેલની સિધ્ધિઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મંત્રી મંડળના સદસ્યો સર્વશ્રી મંગુભાઇ પટેલ, નરોત્તમભાઇ પટેલ, રણજીતભાઇ ગીલીટવાળા, સાંસદ દર્શનાબેન જરદોશ, સી.આર.પાટીલ, ગુજરાત હીરા ઉઘોગ બોર્ડના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી નાનુભાઇ વાનાણી, મેયર રાજેન્દ્ર દેસાઇ, સુરત હીરા ઉઘોગ મંડળના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ નાવડીયા, સંસ્થા પદાધિકારીઓ, પુરસ્કાર વિજેતાઓ, પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાના, મ્યુનિસિપલ કમિશનર શ્રી મનોજકુમાર દાસ, કલેકટર શ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રેમ્યા મોહન સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


