મિત્રો,
ગઈ કાલના મારા બ્લોગમાં ‘‘નવતર અસ્પૃશ્યતાના તાલિબાનો’’ શબ્દપ્રયોગ મેં કર્યો હતો. મારો સ્પષ્ટ મત છે કે જાહેરજીવનમાં કોઈ પણ પ્રકારની આભડછેટ કે અસ્પૃશ્યતાને સ્થાન હોઈ શકે જ નહીં.
મારા બ્લોગમાં કોઈ પણ પક્ષ કે વ્યક્તિનું નામ લખ્યું નથી. છતાં પણ કોંગ્રેસ જેવી પાર્ટીએ આખી વાત માથે ઓઢી લીધી. કોંગ્રેસે આવું કેમ કર્યું હશે !!! તે બાબતે નાગરિકોએ વિચારવું રહ્યું.
કોંગ્રેસના મિત્રોએ ગઈ કાલે ગુસ્સામાં આવી બેફામ ઉચ્ચારણો કર્યાં તે બાબતે મારે મારો સમય બરબાદ કરવો નથી.
કોંગ્રેસે શ્રી અમિતાભ બચ્ચનજીને પૂછ્યું છે કે તેઓ ગુજરાતના કોમી રમખાણોનો વિરોધ કરે છે કે કેમ ?
મિત્રો, મોદી ખુદ રમખાણોનો વિરોધ કરે છે. દરેક નાગરિકે રમખાણોનો વિરોધ કરવો જ જોઈએ.
રમખાણો ૧૯૮૪ના દિલ્હીના હોય, ૧૯૯૨ના મુંબઈના હોય, ૧૯૮૫ના ગુજરાતના હોય કે કાશ્મીરમાં થતા અત્યાચાર હોય કે પછી ગોધરાવાળા હોય, રમખાણો માટે જુદા જુદા ત્રાજવાં હોઈ શકે જ નહીં.
મિત્રો, ગુજરાતમાં ૨૦૦૨ રમખાણો ચાલુ હતાં તે દિવસોમાં ગુજરાત વિધાનસભામાં માર્ચ ૨૦૦૨માં મેં કરેલાં ભાષણનો એક ફકરો અહીં ટાંકું છું. દિવસ રાત જુઠાણા ફેલાવનારાઓને માટે આટલો પુરાવો પૂરતો છે.
‘‘આપણે બધાએ આત્મચિંતન કરવાની જરૂર નથી લાગતી ? ઘટના ગોધરાની હોય કે ઘટના ગોધરા પછીની હોય, કોઈ પણ સભ્ય સમાજને શોભે એવી નથી. માનવતાને કલંક રૂપ ઘટનાઓ છે. કોઈનું પણ માથું ઊંચું કરી શકાય એવી આ ઘટનાઓ નથી, તો તેમાં મતભેદ શાના ?’’
૨૦૦૨ના માર્ચ મહિનામાં રમખાણો દરમિયાન વિધાનસભા ગૃહમાં કરેલું મારું ભાષણ દેશ અને દુનિયાને સત્ય સમજવા માટે પૂરતું છે.
મિત્રો,
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ગોધરામાં હિચકારી ઘટના બની અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ બપોરે દૂરદર્શન પર મેં કરેલી શાંતિની જાહેર અપીલની વીડિયો જે ગુજરાતીમાં છે આપના સમક્ષ મૂકું છું.
https://www.youtube.com/watch?v=BIRMR8zW0iI
(આ મારી વીડિયો અપીલ દૂરદર્શન ઉપર તેમજ ઓડિયોમાં આકાશવાણી પર સતત પ્રસારિત થતી રહી હતી અને લગાતાર, દિવસો સુધી તેનું પ્રસારણ થતું રહ્યું)
ઉપરાંત આ અપીલનું અક્ષરસઃ શબ્દાલેખનની
English:
Gujarati :
Hindi :
https://www.narendramodi.com/Any-unsubstantiated-criticism-of-Gujarat-can-never-be-tolerated,-come-what-may-hindi.pdf
તે દિવસની મારી દર્દભરી અપીલ આજે આટલાં વર્ષો પછી પણ ગુજરાતને બદનામ કરતા તત્ત્વોના બહેરા કાને સંભળાશે તેવી આશા મને જરાપણ નથી.
મિત્રો, ગાંધી, સરદારની ભૂમિ ગુજરાતનો આંધળો વિરોધ કોઈ કાળે સહન નહીં થાય. ગુજરાત જડબાતોડ જવાબ આપશે, આપશે ને આપશે જ. Come what may.


