There is a competition among Congress leaders as to who will use the most abusive words for Modi: PM Modi in Kalol

(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચુંટણી માટેનું પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. સવારથી જે સમાચાર મળી રહ્યા છે, એ પ્રમાણે ખુબ ઉત્સાહ અને ઉમંગ સાથે અત્યંત શાંતિપૂર્ણ રીતે ગુજરાતના ગૌરવને છાજે એ રીતે મતદાન ચાલી રહ્યું છે. માતાઓ, બહેનો પણ વહેલી સવારથી લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે, પરંતુ અત્યારે મા કાળીના ચરણોમાં આવ્યો છું ત્યારે જ્યાં મતદાન થઈ રહ્યું છે, મતદાન જોરદાર થઈ રહ્યું છે, ઉત્સાહથી થઈ રહ્યું છે, અને મને ચોક્કસ ખાતરી છે કે આ વખતે બધા જુના રેકોર્ડ તોડી નાખે, એવું મતદાન આ પહેલા ચરણમાં લોકો કરીને રહેશે. જે લોકો અત્યારે કદાચ મને મોબાઈલ ફોન પર જોતા હોય, ટીવી પર જોતા હોય, એમનો ઉત્સાહ પણ વધી ગયો હશે, આ બધું સાંભળીને.
ભાઈઓ, બહેનો,
મારા પ્રવાસનું પણ આજે અને આવતીકાલે છેલ્લું ચરણ છે, એક પ્રકારે. મને જ્યાં જ્યાં જવાનો મોકો મળ્યો. જનતા જનાર્દનના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. એક અભુતપૂર્વ ઉમંગ, અભુતપૂર્વ ઉત્સાહ, અને ભાજપની સરકાર ફરી બનાવવાનો ઉત્સાહ. જેને આપણે કહીએ ને, પ્રો-ઈન્કમ્બન્સી. એ વિશ્વાસ વગર શક્ય ન બને, ભરોસા વગર શક્ય ન બને. ગુજરાતનું ભલું કરવાના સંકલ્પ વગર શક્ય ન બને. અને એના કારણે જ્યાં જઉં ત્યાં, વડીલ બહેનો હોય ને આપણે પુછીએ ને કેમ... તો કહે,
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ચારેય તરફ એક જ વાત... ફિર એક બાર... ભાજપ સરકાર...
ભાઈઓ, બહેનો,
આજે કેટલો બધો સુભગ યોગ છે. આજે પહેલી ડિસેમ્બર છે. 2022નો આ છેલ્લો મહિનો છે. પરંતુ આજની પહેલી ઈતિહાસમાં એક મહત્વની ઘટના તરીકે છે. અને મારા માટે ગૌરવ છે, કે પહેલી ડિસેમ્બર, આવડી મોટી ઐતિહાસિક ઘટના, આખી દુનિયાની અંદર મહત્વની ઘટના, અને એ આજે કાલોલમાં મા કાળીના ચરણોમાં, અને ઘટના કઈ છે? દુનિયાના જે જી-20ના દેશો છે, જે સૌથી આર્થિક રીતે સંપન્ન, એવા દેશો છે. એની એક એક જી-20 સમીટ ચાલે છે. એ જી-20 સમીટના પ્રમુખપદે હવે ભારત બિરાજમાન થયું છે, આજથી, અને મા કાળીના ચરણોમાં વંદન કરીને મહાકાળીના આશીર્વાદ સાથે આજે જ્યારે એની શુભ શરૂઆત થતી હોય ત્યારે, સ્વાભાવિક, સોનામાં સુગંધ ભળી જાય.
કાલોલના મારા ભાઈઓ, બહેનો અને ગુજરાતના મારા ભાઈઓ, બહેનો,
હું આપને કહેવાની રજા લઉં કે આ જી-20 સમૂહ, આ જી-20 સમૂહ એ વેપારનો 75 ટકા દુનિયામાં જે વેપાર છે, એના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. આ જી-20 સમૂહ જે છે, એનું નેતૃત્વ કરવાવાળા જે દેશો છે, એ દુનિયાની અંદર સૌથી વધારે આર્થિક ગતિ-વિધિ કરનારા દેશો છે. અને એની અધ્યક્ષતા ભારતને મળી છે.
કોઈ પણ ભારતીયને ગર્વ થાય કે ના થાય? (ઑડિયન્સમાંથી હા...)
આનંદ થાય કે ના થાય? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ દેશનો સંકલ્પ છે કે આ જી-20ના અવસરને આપણે એક એવા અવસર તરીકે લેવો છે, કે દુનિયા આખીમાં આ હિન્દુસ્તાનનો ડંકો વાગે.
ભાઈઓ, બહેનો,
આ કાલોલ ને હાલોલ ને વડોદરા ને આ બધું મારું રોજનું... સ્કુટર પર આવું, આ આખા પટ્ટાનો મારો રૂટ હોય. પ્રવાસ કરતો હોઉં. એ બધા જુના દિવસો આજે હમણાં હેલિપેડ પર બધા જુના જુના સાથીઓ મળ્યા. આનંદ આવે, તમને બધાને મળું. તમારા દર્શન કરું ને મને આમ તાકાત આવી જાય. પણ એ જમાનામાં જ્યારે હું આવતો, હાલોલ-કાલોલમાં, રોડના ઠેકાણા નહિ. વીજળી નહિ, પાણી નહિ, કંઈ, કશું નહિ, સાહેબ, બધું આમ, થોડું ઘણું હોય એ ચાલે, લોકો બિચારા પોતાની રીતે કરે. કોઈએ કલ્પના કરી હતી કે આત્મનિર્ભર ભારત બનાવવાનો જે સંકલ્પ છે, આપણું કાલોલ, હાલોલ, વડોદરા, ગોધરા, દાહોદ, આખો પટ્ટો, એક મોટી તાકાત બનીને ઉભરી રહ્યો છે, ભાઈ.
એક જમાનો હતો, નાની નાની ચીજો પણ આપણે વિદેશથી મંગાવતા હતા. અને મજબુરીથી મંગાવતા હતા. કંઈ હતું જ નહિ, આપણી પાસે. કારણ? અહીંયા કંઈ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનું જ નહિ. અહીંના પ્રોત્સાહન આપો તો જાણે કંઈક મલાઈ ના મળે. એટલે કોંગ્રેસના રાજમાં એક એવી ઈકો-સિસ્ટમ બની ગઈ હતી કે બહારથી માલ લાવો, એમાંથી થોડી કટકી કરી લો, અને પોતાની દુનિયા ચલાવો. દેશનું જે થવું હોય એ થાય. અને એના કારણે રોજગાર, રોજગાર માટેની જે તકો ઉભી થવી જોઈએ.
જે કામ 30 – 34 વર્ષ પહેલા જો થયા હોત ને તો રોજગારની તકો આજે ફલી-ફુલી હોત. પણ એમને એમની પડી જ નહોતી. એમને તો બહારથી માલ આવે, બધાનું પોતપોતાનું ગોઠવાઈ જાય, એમાં જ રસ હતો. અને એ મોંઘો સામાન આવે પાછો. દેશની કમર તૂટી જાય, એવો સામાન આવે, ભાઈ. અને એમના ત્યાં જે નકામો હોય, એ મોકલતા હોય, પાછા. એટલે ક્વોલિટી પણ ઉતરતી કક્ષાની આવે. આ દેશ એના કારણે ક્યારેય પગભર થયો નહિ. મને તો યાદ છે. અહીં કાલોલમાં અબ્દુલ કલામ સાહેબને લઈને હું આવ્યો હતો. જ્યોતિગ્રામ યોજનાનું લોકાર્પણ આખા ગુજરાતમાં આપણે અહીંથી કર્યું હતું. યાદ છે ને? કે ભુલી ગયા? આ આખા ગુજરાતમાં અમે કાલોલનો ક્યારેય ડંકો વગાડવાનું ચાલુ જ રાખ્યું છે, ભાઈ...
ભારતીય જનતા પાર્ટીએ આ સ્થિતિ બદલવા માટે એક પછી એક નીતિ, એક પછી એક નિર્ણયો, અમારી રીત-રસમ, આ બધું બદલ્યું, કારણ? અમારી નિયતમાં ખોટ નહોતી, ભાઈઓ. અને જ્યારે નિયતમાં ખોટ ના હોય ને, ત્યારે નીતિઓ ખોટી ના હોય. અને જ્યારે નીતિઓ સાચી હોય, ત્યારે રણનીતિ પણ સાચી હોય. રણનીતિ સાચી હોય તો રીત-રસમ પણ સાચી હોય, અને એના કારણે ઉત્તમ પરિણામ મળતા હોય છે, ભાઈઓ.
આ નીતિઓના કારણે ભારતમાં ઉદ્યોગો લગાવવાનું સહેલું થયું. ભારતમાં વેપાર કરવાનું સહેલું થયું. આજે ભારત અને ખાસ કરીને ગુજરાત અને આપણો આખો વડોદરા પંથક, આ મેન્યુફેકચરીંગનું મોટું હબ બની રહ્યું છે, ભાઈઓ. આપ વિચાર કરો, આ ગરીબના હાથમાં મોબાઈલ જોવા મળે છે કે નહિ, ભાઈ? શાકભાજી વેચવાવાળાનેય મોબાઈલ હોય કે ના હોય? પાથરણાબજાર લઈને બેઠો હોય, એનેય મોબાઈલ હોય છે કે નથી હોતો? ગામડામાંય મોબાઈલ હોય કે ના હોય? મા પાસેય મોબાઈલ હોય, દીકરા પાસેય મોબાઈલ હોય. હોય કે ના હોય? આ બધું કેમ શક્ય બન્યું, ભાઈ? પહેલા તો ટેલિફોનની એક લાઈન લેવી હોય ને, તો એમ.પી.ના ઘેર આંટા મારવા પડતા હતા. એમ.પી. પાસે લખાવવું પડે, ત્યારે ટેલિફોનની લાઈન મળે.
ત્યારે ભાઈઓ, બહેનો, જાણીને તમને દુઃખ થશે કે આજે તો મોબાઈલ ફોન તમારા પાસે પહોંચ્યા. પણ એક સમય એવો હતો કે આ મોબાઈલ ફોન આપણે વિદેશથી મંગાવતા હતા. મોંઘાદાટ, અને એ ખબર નહિ, કોના કોના આવ્યા હોય. ભારત મોબાઈલની દુનિયામાં આવડી મોટી ક્રાન્તિ કરી શકશે, એ 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું. આપે જ્યારે મને 2014માં દિલ્હી મોકલ્યો. તમને થયું હોય, ભઈ, ગુજરાતનું બહુ થયું, દેશનું કરો. ને મને મોકલ્યો તમે. પરંતુ તમે જે મારી પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી ને, જે આશીર્વાદ આપીને મોકલ્યો હતો ને, હું એમાં લાગેલો જ છું, બરાબર. આપ વિચાર કરો, એ વખતે મોબાઈલની બે ફેકટરીઓ હતી, બે. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો ને, ત્યારે મોબાઈલ ફોન બનાવનારી બે ફેકટરી. આજે 200 કરતા વધારે છે. એટલું જ નહિ, આપણે હવે દુનિયામાં સૌથી મોટા મોબાઈલ ફોન બનાવનાર દેશ તરીકે ઉભરી આવ્યા છીએ. વધુમાં વધુ ફોન બનાવનાર આપણે બની ગયા છીએ. પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોન બની રહ્યા છે, ભારતમાં, પોણા ત્રણ લાખ કરોડના. અને જે દેશ મોબાઈલ પહેલા બહારથી લાવતો હતો, 40 – 50 હજાર કરોડના મોબાઈલ વિદેશ જઈ રહ્યા છે, વિદેશ... એક્સપોર્ટ કરી રહ્યા છીએ, બોલો. આના કારણે આપણા દેશના લોકોને રોજગાર મળે કે ના મળે? અહીંયા માલ બને તો કામ મળે કે ના મળે? આપણી નીતિઓ એવી હતી, બહારથી માલ લાવીને કટકી-કંપની બંધ. ભારતની અંદર બને, ભારતના લોકો દ્વારા બને. ભારતમાંથી દુનિયામાં વેચાય. એના માટે આપણે કામ ઉપાડ્યું.
ભાઈઓ, બહેનો,
હું કાલોલ-હાલોલની તરફ નજર કરું તો ઘણી વાર મને એમ વિચાર આવે, આપણા દેશમાં એમ કહીએ છીએ કે ભારતની રાજધાની દિલ્હી છે. પણ એમ કહે કે આર્થિક રાજધાની મુંબઈ છે. એમ હું પંચમહાલ જિલ્લાનો વિચાર કરું તો વિચાર આવે કે પંચમહાલ જિલ્લાનું મથક ગોધરામાં, પણ એનું આર્થિક કેન્દ્ર કાલોલ-હાલોલમાં. આખી આર્થિક કેન્દ્રની ગતિવિધિ, સાહેબ. તમે વિચાર કરો. મેન્યુફેકચરીંગનું આવડું મોટું હબ બની જાય. અર્થવ્યવસ્થાને વધારવા માટે હાલોલ-કાલોલ એક પ્રકારે મોટા શક્તિશાળી સેન્ટર બની જાય.
ભાઈઓ, બહેનો,
આજે પંચમહાલ જિલ્લામાં 30,000 કરોડ રૂપિયાના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થાય છે, બોલો. આ વર્ષે લગભગ 9,000 કરોડ રૂપિયાનો માલ પંચમહાલ જિલ્લામાં બનેલો દુનિયામાં, દેશોમાં ગયો, મેડ ઈન પંચમહાલ. પહેલા લોકોને તાજમહાલની ખબર હતી, હવે ખબર પડી, પંચમહાલ. આ તમારા પુરુષાર્થના કારણે. આ તમારી તપસ્યાના કારણે. હજારો લોકોને રોજગાર મળ્યા, ભાઈઓ. કાલોલ સમેત અને બધા શહેરોનું એક મોટું, હું જોઈ રહ્યો છું. અને ભાઈઓ, તમને તો ખબર છે, વર્ષોથી તમારી વચ્ચે રહ્યો છું. એટલે ધરતીની તાકાત શું છે, મને ખબર પડી જાય. પડી જાય ને? અને મારી તાકાત શું છે, એ તમનેય પડી જાય. આવનારા દિવસોમાં હાલોલ-કાલોલનો રોલ ખુબ મોટો બનવાનો છે, તમે લખી રાખજો, ભાઈઓ. અને મારા શબ્દો લખી રાખજો, આ ડબલ એન્જિનની સરકાર છે ને, વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ, આ પાંચ શહેર હાઈટેક એન્જિનિયરીંગ મેન્યુફેકચરીંગનો મોટો કોરીડોર બની જવાના છે. હાલોલ, કાલોલ અને ગોધરામાં મોટી સંખ્યામાં મેન્યુફેકચરીંગના લઘુ ઉદ્યોગો એમ.એસ.એમ.ઈ. એનું મોટું માળખું ઉભું થયું છે. દાહોદમાં હિન્દુસ્તાનના સૌથી શક્તિશાળી રેલવે એન્જિન બનાવવાનું કારખાનું તેજ ગતિથી કામ કરીને આગળ વધી રહ્યું છે. આપણા સાવલીમાં કેનેડાની કંપની બોમ્બાડીયર રેલવેની આધુનિકમાં આધુનિક બોગી બનાવે છે, રેલ-કાર બનાવે છે, અને વિદેશોમાં જાય છે. વડોદરામાં હવાઈ જહાજ બનવાના છે, ભાઈઓ, આ વિમાન ઉડે છે ને એ. એનો અર્થ એ થયો કે આ પટ્ટા ઉપર સાઈકલ હોય, મોટરસાઈકલ હોય, રેલવેની બોગી હોય, રેલવેનું એન્જિન હોય, હવાઈ જહાજ હોય, આ બધું વડોદરાથી દાહોદની આખી પટ્ટી ઉપર. બોલો, તમારી તો પાંચેય આંગળીઓ ઘીમાં ખરી કે નહિ? પાંચેય આંગળીઓ ઘીમાં ખરી કે નહિ? તો પછી એક આંગળીથી કમળને બટન દબાવવું પડે કે ના દબાવવું પડે? આ જયજયકારનો લાભ લેવો જોઈએ કે ના લેવો જોઈએ?
ભાઈઓ, બહેનો,
આજે ગુજરાતે આઈટી સેક્ટરથી લઈને સેમી કન્ડક્ટર, એમાં પણ તેજ ગતિથી કદમ માંડી રહ્યો છે. દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતમાં સેમી કન્ડક્ટર માટે આવી રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગોને સશક્ત કરવા માટે નવા ઉદ્યોગોને આકર્ષિત કરવા માટે, નવા વિસ્તારોમાં ઉદ્યોગોને ફેલાવવા માટે આપણા ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની ભાજપ સરકારે જે નીતિ બનાવી છે, જે પોલિસી બનાવી છે, ઈન્ડસ્ટ્રીયલ પોલિસી. એ એટલી બધી દીર્ઘ દૃષ્ટિવાળી છે, એના કારણે તો અનેક વિકાસના નવા અવસર આવવાના છે, ભાઈઓ. આ બધા પ્રયાસોના પરિણામે લાખો યુવાઓને રોજગારની તકો મળવાની છે.
ભાઈઓ, બહેનો,
આ વખતે લાલ કિલ્લા પરથી મેં એક ભાષણ કર્યું હતું. 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી મેં પંચ પ્રાણની વાત કરી હતી. કારણ કે અમૃતકાળ છે, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. 100 વર્ષે પહોંચીએ ત્યારે ક્યાં પહોંચવું છે ને, એ અત્યારથી નક્કી કરવું પડે, ભાઈ. એ ઘરના લોકો હોય ને તોય એક વર્ષનું વિચારે, આવડો મોટો દેશ હોય તો 25 વર્ષનું વિચારવું જ પડે, આપણે. અને આપણી વિરાસત ઉપર ગર્વ. આની વાત મેં કરી હતી. આપ વિચાર કરો, ભાઈઓ. આપણે પાવાગઢ આવીએ અને મહાકાળીની દુર્દશા જોઈએ ને, હૈયું કંપી જતું હતું, હૈયું કંપી જતું હતું. આ મારી મા, આની આ દશા? એને શિખર ના હોય, એને ધ્વજ ના ફરકાતો હોય, અને 500 વર્ષ પહેલા જે અપમાન થયું, એ અપમાનમાં મહાકાળી અત્યારે પણ સબડતી હોય, આપણને પાલવે? આ મહાકાળીના સન્માન માટે આપણે કંઈક કરવું પડે કે ના કરવું પડે?
ભાઈઓ, બહેનો,
હું અહીંયા હતો ત્યારે મનમાં પાકું કરી લીધું હતું, કે આ સ્થિતિ હું બદલીને રહીશ. અને આજે, આજે મહાકાળી શિખરબંધ મંદિરમાં બિરાજે છે કે નહિ? મહાકાળી શિખરબંધ મંદિરમાં બિરાજે છે કે નહિ? મહાકાળી ઉપર ધજા ફર.. ફર... ફરકે છે કે નહિ? ભાઈઓ બહેનો, અને... પહેલા ગણ્યાગાંઠ્યા લોકો બિચારા શ્રદ્ધાપૂર્વક જતા હતા. આજે મને હમણા હેલિકોપ્ટર પર બધા કહેતા હતા કે સાહેબ, શનિવાર, રવિવારે તો બે-ત્રણ લાખ લોકો અહીંયા હોય છે, અને ઉભા રહેવાની જગ્યા નથી હોતી. તો મેં પુછ્યું રોજી-રોટીનું... અરે કહે, સાહેબ, બધા લોકો હવે તો શનિ-રવિનો જ રોજી-રોટીનો વિચાર કરે છે. પાંચ દહાડાનું ગણતા જ નથી કે શનિ-રવિમાં બધું કમાઈ લેવાનું. એટલા બધા યાત્રીઓ આવે છે.
એક પાવાગઢ તો મેં બનાવ્યો નથી, પહેલા હતો જ ને, ભાઈ, સદીઓથી હતો કે નહિ? આ કોંગ્રેસના રાજમાં એ પાવાગઢ હતો કે નહોતો? કોંગ્રેસના રાજમાં મહાકાળી હતી કે નહોતી? પણ મને જે તાકાત દેખાય છે, એમને નહોતી દેખાતી. આજે અહીંના લોકોની આજીવિકાનું કારણ બની ગયો, ભાઈઓ. આ ગુજરાતની આસ્થા, ગુજરાતના ગૌરવને, અપમાનને મુક્તિ અપાવવા માટેનું અભિયાન, એ આપણે લઈને ચાલ્યા. અને કોંગ્રેસ પાર્ટી? આસ્થા ઉપર જેટલું અપમાન થાય, શ્રદ્ધા ઉપર જેટલું અપમાન થાય, એમાં જ એને મજા આવે છે. ખબર નહિ, શું થઈ ગયું છે, કોંગ્રેસને? ભઈ, ચુંટણીઓ હારીએ, પણ એમાં માનસિક સંતુલન ગુમાવવાનું કંઈ કારણ છે? હાર-જીત ચાલ્યા કરે. અરે, અમારે તો પહેલા એક જમાનામાં ડિપોઝીટો જતી હતી, પણ અમે કોઈ દહાડો... આવું નહોતા કરતા. આ કોંગ્રેસ પાર્ટી...
ભાઈઓ, બહેનો,
હું તો ગુજરાતનો દીકરો છું. આપે મને મોટો કર્યો છે. તમે જ મારા શિક્ષક છો. તમે મને જે ગુણ આપ્યા છે, એ ગુણ લઈને હું આજે કામ કરવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ આ કોંગ્રેસવાળા ભાઈઓને ગુજરાતે મારું જે ઘડતર કર્યું છે ને, ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે ને, ગુજરાતે મને જે શક્તિ આપી છે ને, એ એમને અખરે છે, એમને તકલીફ થાય છે. અને તમે જુઓ, વાર-તહેવારે ગાળો બોલે છે, બોલો મને. એવા એવા આરોપો લગાવે, એવા એવા હલકી ભાષામાં વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટીના રિમોટ કન્ટ્રોલથી, જ્યાંથી ચાલે છે, ત્યાંથી પહેલા એમણે એક નેતાને અહીં મોકલ્યા હતા. અને એ નેતાને કહ્યું હતું, એ પ્રકારે એ નેતા આવીને અહીં બોલ્યા. અને એમણે જાહેર કર્યું કે આ ચુંટણીમાં મોદીને એની ઔકાત બતાવી દેવામાં આવશે. ભઈ, આપણે ગુજરાતના પછાત સમાજના બધા લોકો, આપણી તે કંઈ ઔકાત હોય? આપણે તો સેવક લોકો છીએ. એમણે ઔકાત બતાવવાની વાતો કરી. એ બહુ, જેટલા દહાડા એમાંથી મલાઈ ખાવાની હતી, ખાધી એમણે, કોશિશ કરી. કોંગ્રેસને થયું, ના, હજુ મોટો ડોઝ આપવાની જરુર છે. એટલે કોંગ્રેસના આલાકમાને આદરણીય ખડગેજીને અહીંયા મોકલ્યા. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખ છે, એમને મોકલ્યા. અને ખડગેજીને હું ઓળખું છું, હું એમનો આદર કરું છું, હું એમનું સન્માન કરું છું. પણ ખડગેજીને તો એ જ બોલવું પડે, જે એમને ત્યાંથી ભણાવીને મોકલ્યા હોય. અને કોંગ્રેસ પાર્ટી, એને ખબર નથી કે આ રામભક્તોનું ગુજરાત છે. હવે તમે મને કહો કે રામભક્તોના ધરતી પર, રામભક્તોની સામે, એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે કે તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. બોલો...
ભાઈઓ, બહેનો,
આપણે જાણીએ છીએ કે આ કોંગ્રેસ પાર્ટીએ, એ રામના અસ્તિત્વને જ સ્વીકાર નથી કરતી, આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યામાં ભગવાન રામ મંદિરને પણ, ભવ્ય રામ મંદિરમાં પણ એનો વિશ્વાસ નથી. આ કોંગ્રેસ પાર્ટી, એને તો રામસેતુ સામેય વાંધો. એવી કોંગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી, બોલો.
ભાઈઓ, બહેનો,
મને એ વાતનું આશ્ચર્ય નથી કે નરેન્દ્રભાઈને કોંગ્રેસના લોકો આટલી બધી, જાત જાતની ઢગલાબંધ, ડઝનબંધ ગાળો દીધી છે. મને આશ્ચર્ય એ વાતનું છે, અને કોઈને પણ થાય કે આટઆટલું અપશબ્દો બોલવા છતાંય કોંગ્રેસ પાર્ટી એના નેતાઓએ અધિકૃત રીતે ક્યારેય પશ્ચાતાપ વ્યક્ત નથી કર્યો. દુઃખ વ્યક્ત નથી કર્યું કે ચાલો, ભાઈ જુસ્સામાં બોલાઈ ગયું. એવી પણ દિલગીરીની તો વાત જવા દો. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી મોદીને ગાળો દેવી, આ દેશના પ્રધાનમંત્રીને અપમાનિત કરવા, એને નીચા દેખાડવા, એને એ પોતાનો અધિકાર સમજે છે.
અગર લોકતંત્રમાં એમનો વિશ્વાસ હોત તો કોંગ્રેસ પાર્ટી આટલી હદે ક્યારેય ના જાત. પરંતુ કોંગ્રેસ પાર્ટીનો ભરોસો લોકતંત્રમાં નહિ, એક પરિવાર ઉપર છે. અને પરિવારને ખુશ કરવા માટે જે કરવું પડે એ કોંગ્રેસમાં ફેશન થઈ ગઈ છે. અને એમના માટે લોકતંત્ર નહિ, પરિવાર જ બધું છે. કોંગ્રેસ પાર્ટીમાં તો કોમ્પિટીશન ચાલે છે, કોમ્પિટીશન, કે કોણ મોદીને વધારે ગાળો બોલે, અને કોણ મોદીને મોટી ગાળો બોલે, અને કોણ મોદીને તીખી ગાળો બોલે. એની સ્પર્ધા ચાલે છે.
થોડાક દહાડા પહેલા જ કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આ મોદી કુતરાના મોતે મરવાનો છે, બોલો... બીજા એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ મોદી તો હિટલરના મોતે મરવાનો છે. કોંગ્રેસના બીજા એક નેતાએ કહ્યું, મને આ બધું... એક ભાઈ તો પાકિસ્તાન ગયા હતા, બોલો. આ પાકિસ્તાન જઈને આ બધી વાતો કરતા હતા. વીડિયો બહાર આવ્યો તો લોકોને આશ્ચર્ય થયું. મને સમજણ નથી પડતી, એક જણ તો ત્યાં સુધી બોલ્યા કે જો મને મોકો મળે તો હું મોદીને જ મારી નાખું, બોલો... કોઈ રાવણ કહે, કોઈ રાક્ષસ કહે, કોઈ કોક્રોચ કહે... ભાઈઓ, બહેનો, ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે આટલી બધી નફરત? આટલું બધું ઝેર? કિચડ ઉછાળવાનું? આ, આ રસ્તો તમારો?
જે મોદીને તમે ઘડ્યો હોય, એ મોદીનું અપમાન, એ તમારું અપમાન છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
જેને તમે મોટો કર્યો હોય, એનું અપમાન, તમારું અપમાન ખરુ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમે મને આવા સંસ્કાર આપ્યા છે? (ઑડિયન્સમાંથી ના...)
આ કોંગ્રેસવાળા બોલે છે, એવા સંસ્કાર આપ્યા છે? (ઑડિયન્સમાંથી ના...)
આ કોંગ્રેસના લોકોને સુધારવા પડે કે ના સુધારવા પડે? (ઑડિયન્સમાંથી હા...)
સુધારવાનો રસ્તો કયો? પાંચમી તારીખ... કમળ ઉપર બટન દબાવો...
અને કોંગ્રેસના મિત્રો પણ કાન ખોલીને સાંભળી લે, કે તમારી લોકતંત્રમાં શ્રદ્ધા – અશ્રદ્ધા એ તમારો વિષય છે. તમારે એક પરિવાર માટે જીવવાનું હોય, એ તમારી મરજી. પણ તમે લખી રાખજો, તમે જેટલો કિચડ ઉછાળશો, એટલું જ કમળ વધારે ખીલવાનું છે.
ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગરીબ હોય, દલિત હોય, ઓબીસી હોય, આદિવાસી હોય, આપણી બહેન, દીકરીઓ હોય, આપણા જવાનીયાઓ હોય, એમની જે આકાંક્ષાઓ છે, એમની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે એક પછી એક વિકાસની ક્ષિતિજોને એમ્પાવર કરવા માટે, એમને સામર્થ્યવાન બનાવવા માટે કામ કરીએ છીએ. એમનું સશક્તિકરણ કરીએ છીએ. આપને આશ્ચર્ય થશે, આપણે જેને બક્ષી પંચ કહીએ છીએ ને, એમ દેશભરમાં એને ઓબીસી કહે છે. આ લોકોએ એક કમિશન માટે વર્ષોથી માગણી કરેલી કે ભઈ પછાત લોકો માટે એક કમિશન બનાવો. અને એને સંવૈધાનિક દરજ્જો આપો. તમને આશ્ચર્ય થશે, ભાઈઓ, વર્ષો વીતી ગયા, એમણે આ વાત ના માની. આ તમારી વચ્ચે મોટો થયેલો તમારો દીકરો દિલ્હી ગયો ને, સાહેબ, આપણે કમિશન બનાવી દીધું. એને સંવૈધાનિક દરજ્જો પણ આપી દીધો.
ભાઈઓ, બહેનો,
અખિલ ભારતીય ક્વોટામાં ઓબીસી માટે, મેડિકલ માટે 27 પ્રતિશત પર્સન્ટની માગણી ચાલતી હતી. કોંગ્રેસની સરકારે ના કર્યું. ભાજપે સરકારે આવીને પુરું કર્યું, ભાઈઓ. ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે અગર એમપી કોઈના હોય, ઓબીસીના, તો ભાજપના છે. સૌથી વધારે એમએલએ હોય તો ભાજપના છે. મંત્રીમંડળમાં પણ પછાત સમાજના સૌથી વધારે લોકો હોય તો ભાજપની અંદર છે, ભાઈઓ. કારણ? સમાજના આ વ્યક્તિઓ જે વર્ષો સુધી જેમને અવસર નથી મળ્યા, એમને જો અવસર આપીએ તો દેશ તેજ ગતિથી આગળ વધે, અને તાકાત મળે.
અમારા આદિવાસી ભાઈઓ, બહેનોના કલ્યાણને માટે વરેલી અમારી સરકાર છે. અટલજીની સરકારે અલગ આદિવાસીઓ માટે નવું મંત્રાલય બનાવ્યું હતું, ભાઈઓ. પણ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીઓના શૌર્ય, આદિવાસીઓનું યોગદાન, એને ક્યારેય મહત્વ ના આપ્યું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે આદિવાસીઓના કલ્યાણ માટે એને પ્રાથમિકતા આપી. જનજાતિય ગૌરવ માટે ભગવાન બિરસા મુંડા, 15મી નવેમ્બર, એમનો જન્મદિવસ, આજે આખો દેશ જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવે છે.
આપણા ગોવિંદ ગુરુ. આઝાદીના જંગનું નેતૃત્વ કર્યું. સેંકડો આદિવાસીઓએ બલિદાન આપ્યા. માનગઢ ધામ, હું થોડા દિવસ પહેલા ગયો હતો. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે માનગઢના વિકાસ માટે લગાતાર કરતો હતો. કારણ કે આદિવાસીઓનું આઝાદીના જંગમાં જે યોગદાન છે ને, એનું મહત્વ છે. થોડા દિવસ પહેલા અહીંયા હું જાંબુઘોડા આવ્યો હતો. ત્યાં શહીદ, વીર શહીદ જોરીયા પરમેશ્વર અને બીજા શહીદોની સ્મૃતિઓને સંજોવા માટે પ્રોજેક્ટને પણ લોકાર્પણ આપણે કર્યા હતા.
આજે ગુજરાતમાં તો 20 વર્ષથી આદિવાસી વિકાસ માટે ભાજપ સરકારે અભુતપૂર્વ કામ કર્યા છે. વિશેષકર આદિવાસી યુવાઓ, બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપવાનું કામ આપણે કર્યું છે. 20 વર્ષ પહેલા ઉમરગામથી અંબાજી, આપણા આદિવાસી પટ્ટામાં શાળાના જ ઠેકાણા નહોતા, ભાઈઓ. આજ આદિવાસી ક્ષેત્રમાં 10,000 શાળા, કોલેજો આપણે ઉભી કરી દીધી છે. આ આદિવાસી ક્ષેત્રમાં બબ્બે યુનિવર્સિટી, આખી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષાનું બહેતરીન સંસ્થાન બનાવવાનું કામ આપણે કર્યું છે. ગોધરામાં મેડિકલ કોલેજ, યુવા ડોક્ટરો બને એમના માટેની મોટી સુવિધાઓની તૈયારીઓની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
જે સુવિધાઓ છે, એ સો એ સો ટકા લોકોને મળે, કોઈ વહાલા-દવલા ના થાય. મારું-તમારું ના થાય. એના માટે સરકારનો પ્રયાસ છે. બહેનો, બેટીઓના જીવનને આસાન બનાવવું. ઘેર ઘેર ગેસનું કનેક્શન, ઘેર ઘેર નળમાં જળ, ઘેર ઘેર શૌચાલય, આ બધી સુવિધાઓ દૂર-સુ-દૂર છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે આપણે ભેખ ધર્યો છે, અને સો એ સો ટકા લોકોને મળે. આપણે ગરીબો માટે ઘર બનાવી રહ્યા છીએ. જ્યાં ઝુંપડા છે, કાચા ઘર છે, ફૂટપાથ પર જીવે છે, એ સમાજ પણ સન્માનની રીતે જીવે.
અહીં પંચમહાલ જિલ્લામાં પીએમ આવાસ યોજના અંતર્ગત 60,000 કરતા વધારે ઘર બનાવ્યા છે. 60,000 કરતા વધારે પાકા ઘર. એટલું જ નહિ, ગરીબ બીમાર પડે, પૈસા, દેવું કરવું પડે, ડોક્ટરને ત્યાં જવું હોય તો, દવાઓ મોંઘી થઈ જાય, ઓપરેશન કરાવવું પડે, આપણે નક્કી કર્યું કે કોઈ ગરીબને હોસ્પિટલમાં એક દાડીયુંય ના ચુકવવું પડે, એના માટે 5 લાખ રૂપિયા, આયુષ્માન ભારત યોજના. જેથી કરીને એને કોઈ માંદગી ગંભીર હોય, તો એમાંથી એને મુક્તિ મળી શકે.
આજે જનધન એકાઉન્ટના કારણે બહેનોના બેન્કોમાં ખાતા ખોલાવવાનું કામ, આજે લગભગ દરેક માતા, બહેનોના બેન્કમાં ખાતા ખોલાઈ ગયા છે. સરકારની મદદથી આ જે કંઈ કમાણી થાય તે બહેનોના ખાતામાં જાય છે. બહેનો એમ્પાવર થાય એના માટે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
વિકાસના અનેક કામો કર્યા છે, ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. વિકાસનો એક મહાયજ્ઞ ચાલ્યો છે, અને આપણું ગુજરાત 25 વર્ષમાં વિકસિત ગુજરાત બને, એના માટે આપણે જ્યારે જહેમત ઉપાડી છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે, ભાઈઓ કે આ ચુંટણીમાં એક કામ, મારી અપેક્ષા છે, લોકતંત્રને મજબુત કરવા માટે પોલિંગ બુથમાં જે જુના રેકોર્ડ હોય ને, એ બધા તોડવા છે.
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને મળશો? (ઑડિયન્સમાંથી હા...)
હજુ બે-ત્રણ દહાડા છે. બિલકુલ, નહિ તો એવું નહિ, અરે, સભા જોરદાર થઈ ગઈ, કાલોલમાં તો એવો વટ પડી ગયો ને... બસ હવે કશું કરવાની જરુર નથી.
એવું નહિ કરો ને? (ઑડિયન્સમાંથી હા...)
બધા ઘેર ઘેર જશો ને? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક મિનિટ બેસવાનું નથી, પાકું? (ઑડિયન્સમાંથી હા...)
અને બધા જ કમળ ખીલવા જોઈએ, હોં, પંચમહાલના... ખીલશે ને? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથ જીતવું પડે, આપણે. એક પણ પોલિંગ બુથમાં, એક પણ કમળ ઓછું ના નીકળવું જોઈએ.
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
હવે કાલોલ આવ્યો છું, જૂના, મારી કર્મભુમિ, તો મારી કાલોલના લોકો પાસે એક અપેક્ષા છે. પંચમહાલ જિલ્લા પાસે અપેક્ષા છે.
પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એ હું કહું પછી ના કરો એ ના ચાલે, હોં ભાઈ, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરવાના હોય તો હાથ ઊંચો કરીને જોરથી બોલો તો ખબર પડે... (ઑડિયન્સમાંથી હા...)
પેલા દૂર દૂર જે મંડપના બહાર ઉભા છે ને એય બોલો, જરા... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તો એક કામ કરવાનું. આ બધાને મળવા જાઓ ને ત્યારે કહેજો, આપણા નરેન્દ્રભાઈ કાલોલ આવ્યા હતા. શું કહેવાનું? શું કહેવાનું? એમ નહિ કહેવાનું પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ પ્રધાનમંત્રી ને એ બધું દિલ્હીમાં. અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ... શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ કાલોલ આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ બધાને પ્રણામ પાઠવ્યા છે.
એટલું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
વડીલોને ખાસ... યાદ કરીને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
એટલા માટે કે મને વડીલોના આશીર્વાદની બહુ જરુર હોય છે. વડીલોના આશીર્વાદ મારા માટે ઊર્જા છે. મારા માટે શક્તિ છે. મારા માટે પ્રેરણા છે. અને જ્યારે તમે એમને કહો ને કે નરેન્દ્રભાઈ આવીને તમને પ્રણામ પાઠવ્યા છે, એટલે મને આશીર્વાદ આપે, આપે, ને આપે જ. અને એ આશીર્વાદ મારા ખાતામાં જમા થઈ જ જાય. અમારું ડાયરેક્ટ કનેક્શન છે. અને પછી દેશ માટે રાત-દિવસ કામ કરવાની મને તાકાત મળે છે. એટલા માટે ઘેર ઘેર જઈને મારી આટલી વાત કરજો.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)

Explore More
77 व्या स्वातंत्र्य दिनानिमित्त लाल किल्ल्याच्या तटबंदीवरून पंतप्रधान नरेंद्र मोदी यांनी केलेले भाषण

लोकप्रिय भाषण

77 व्या स्वातंत्र्य दिनानिमित्त लाल किल्ल्याच्या तटबंदीवरून पंतप्रधान नरेंद्र मोदी यांनी केलेले भाषण
India eliminates extreme poverty

Media Coverage

India eliminates extreme poverty
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
सोशल मीडिया कॉर्नर 3 मार्च 2024
March 03, 2024

A celebration of Modi hai toh Mumkin hai – A journey towards Viksit Bharat