હીરા ઉઘોગને ટકાવવા અને રત્ન કલાકારોને રોજગારી અપાવવાની ગુજરાત સરકારની રજૂઆતોનો અસ્વીકાર કરવા માટે કેન્દ્રની સલ્તનત પ્રત્યે આક્રોશ શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના સુરત અગ્રેસર
૩૭૪૪ ગરીબો માટે કોસાડ આવાસ વસાહતનું લોકાર્પણ
કતારગામ અને અરથાણાઃ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઉદ્દધાટન નગરજનોને સમર્પિત ફાયર સ્ટેશનઃ ડુભાલ હેલ્થ સેન્ટરઃ પુણા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષઃ અડાજણ
કુડ ઓઇલ રોયલ્ટીનો અન્યાય ચાલુ રહેશે તો કેન્દ્ર સામે વિધાનસભામાં પ્રસ્તાવ લાવીશું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની વર્તમાન સરકારને ગુજરાત વિરોધી ગણાવી છે અને સુરત સહિત ગુજરાતના હીરા ઉઘોગમાં રત્ન કલાકારોની રોજગારી માટે રાજ્ય સરકારે કરેલી રચનાત્મક રજૂઆતોનો અસ્વીકાર કરવા માટે કેન્દ્રની યુપીએ-સલ્તનત પ્રત્યે આક્રોશ વ્યકત કર્યો છે. રત્નકલાકારોના પરિવારોને રોજગારી માટેના વૈકલ્પિક પ્રયાસો આ સરકારે હાથ ધર્યા છે પરંતુ કેન્દ્રીય નાણાંમંત્રીશ્રી અને રિઝર્વ બેન્ક પાસે આ સરકારે મંદીના વાતાવરણમાં હીરા ઉઘોગને કઇ રીતે ટકાવી શકાય તેના સૂચનો ધ્યાને લીધા નથી, એમ તેમણે જણાવ્યું હતું.સુરત મહાનગર સેવા સદને શહેરી સુખાકારી અને ગરીબ સમૃદ્ધિ યોજનામાં અગ્રેસર રહીને આજે પાંચ વિકાસ પ્રોજેકટ નગરજનોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમર્પિત કર્યા હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહેરી શ્રમજીવી પરિવારો માટેના ૩૭૪૪ આવાસોની કોસાડ આવાસ વસાહતનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કતારગામ અને સરથાણાના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-કુલ રૂા. પ૧ કરોડના ખર્ચે પીવાના પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ ૧૬ લાખની વસતિ માટે સમર્પિત કર્યા હતા. આ ઉપરાંત, અડાજણમાં આધુનિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ડુભાલનું નવનિર્મિત ફાયર બ્રિગેડ સ્ટેશન અને પૂણાનું હેલ્થસેન્ટર પણ મુખ્યમંત્રીશ્રીએ મહાનગરવાસીઓની સુખાકારી માટે અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એવો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે NDA સરકારે મંજૂર કરેલી ગુજરાતની ક્રુડ ઓઇલ રોયલ્ટી આપવામાં કેન્દ્રની હાલની સરકારે આડોડાઇ કરી છે. અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેથી જો કેન્દ્ર ક્રુડ રોયલ્ટીનો આપવાનો નિર્ણય જાહેર નહીં કરે તો તેઓ વિધાનસભામાં આ અંગેનો પ્રસ્તાવ લાવશે. કેન્દ્રની યુપીએ સરકાર જે રીતે જૂદી વિચારધારા ધરાવતી પણ દેશના હિત માટે, વિકાસને ઊંચાઇ ઉપર લઇ જનારા ગુજરાતને અન્યાય કરશે તો ગુજરાત સાંખી નહીં લે અને પ્રજા ફરીથી પાઠ ભણાવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ જ્યારે રોજગારીની છટણી નહીં કરવા અપીલ કરી છે પરંતુ આ સરકારે આ પહેલા હીરા ઉઘોગની મંદીમાં પણ રત્ન કલાકારોની રોજી-રોટી માટે હીરા ઉઘોગના સંચાલકો ધણું કમાયા છે તેથી રોજગારી ચાલુ જ રાખે તેવી અપીલ કરી હતી.
RBI ના ગવર્નર અને પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે હિન્દુસ્તાન ડાયમંડ જેવી ભારત સરકારની કંપની દુનિયામાંથી સસ્તા ભાવે રફ ડાયમંડ લઇને ગુજરાતના માંદગીના બિછાને પડેલા હીરા ઉઘોગના રત્ન કલાકારોની રોજગારી માટેનો રસ્તો બનાવેલો પરંતુ દુઃખ અને પીડા સાથે જણાવવું પડે છે કે આ વાજબી રજૂઆત કેન્દ્રની સલ્તનતે સ્વીકારવાની લાચારી બતાવી દીધી છે. વોટબેન્કની રાજનીતિ માટે કરોડો અબજોની ખેરાત થાય પરંતુ રત્ન કલાકારો માટે કોઇ કેન્દ્રીય સંવેદનાના પેકેજ નહીં? એવો આક્રોશ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રત્ન કલાકારોને વૈકલ્પિક રોજગારી મળે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. આમાં રાજકીય આટાપાટા ખેલવાના હોય નહીં. કેનેડામાં હીરા-ઉઘોગના સંચાલકો સાથે પણ ગુજરાતના હીરા ઉઘોગ વિકાસ મંદીના વાતાવરણમાં પણ ચાલે તે માટે આ સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. સુરત જેવા મહાનગરે ગ્લોબલ સિટી બનવાની દિશા પકડી છે ત્યારે મહાપાલિકા વિકાસલક્ષી ઇ-ન્યુઝ પેપર શરૂ કરે અને “ગ્લોબલ માર્કેંટીંગ’નો નવો આયામ અપનાવે. “નેનો’ ગુજરાતની પ્રગતિનું પ્રતિક બની ગઇ છે અને તેને અવરોધવાના કેટલાક વાંકદેખા બળોના કોઇ કાવતરા કામિયાબ નહીં થાય તેવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતને અન્યાય કરવાનો કેન્દ્રની સલ્તનતનો સીલસીલો ચાલુ જ રહ્યો છે તેની પ્રત્યે પણ આક્રોશ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રેલ્વેની આડોડાઇના કારણે જિલ્લાઓમાં વિકાસના અનેક પ્રોજેકટ કોઇ વાજબી કારણ વગર અટવાઇ ગયા છે. ગુજરાતના બે પ્રતિનિધિઓ રેલ્વે અને પેટ્રોલીયમ મંત્રી છે પણ ગુજરાતના હિત માટે તેમનું કંઇ જ ઉપજતું નથી.
દિલ્હીમાં બેઠેલી સરકાર ગુજરાત વિરોધી છે, કશું નહીં કરનારી નિષ્ક્રીય સરકાર છે અને ગુજરાતના વિકાસમાં અંતરાય નાંખી રહી છે પણ આ સરકારે સાડા પાંચ કરોડ ગુજરાતીના હિત માટેનો યજ્ઞ માંડયો છે. ભારત માતાના ગૌરવને ઊંચું લઇ જવાનું સપનું સેવ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ પંચવિધ વિકાસના કામોનો અવસર એવી અનુભૂતિ કરાવે છે કે “ટિમ-સુરત’ એ વિકાસની વ્યૂહરચનામાં વિવિધ વર્ગોની સુખાકારીની કાળજી લીધી છે. માત્ર દોઢ વર્ષમાં શહેરી ગરીબો માટેના હજારો આવાસ બની ગયા છે તે ગરીબોની સુખાકારી અને જીવન-સુધારણાની સરકારની ચિન્તા બતાવે છે પરંતુ તેની સાથોસાથ આ ગરીબ આવાસો માટે મહાનગરની રૂા. ૧૦૦ કરોડની કિંમતી જમીન ફાળવી દીધી છે.
વિશ્વવ્યાપી મંદીના માહોલમાં દેશ અને દુનિયામાં નાણાંકીય બેન્કો, કંપનીઓ ધરાશયી થતી રહી છે ત્યારે ગુજરાત સરકારે માળખાકીય સુવિધાના વિકાસના નિર્માણકાર્યોનું અને બાંધકામ પ્રોજેકટનું આખું સમયપત્રક બદલીને વહેલું અને ઝડપી બનાવ્યું છે જેના કારણે મંદીના માહૌલમાં પણ રોજગારીની વિપુલ તકો મળશે તેવી રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
શહેરી વિકાસ મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે કહ્યું કે સુરત શહેરની અવિરત વિકાસયાત્રાને સતત જાળવણી રખાશે અને શહેરીજનોની સુવિધાઓ પ્રત્યે પૂર્ણ કાળજી લેવાઇ છે અને લેવાતી રહેશે.
શહેરી વિકાસ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રજાનો વિશ્વાસ અને અપેક્ષાઓને મુખ્યમંત્રીશ્રીએ મૂર્તિમંત કરી બતાવી છે અને ભવિષ્યમાં પણ આ યાત્રા હંમેશા ચાલતી રહેશે. “”કહ્યું તે કરી બતાવ્યું” તે ભાવ પ્રજામાં પ્રસ્થાપિત કર્યો છે અને ગરીબોને “ધરનું ધર’ આપી પ્રજા પ્રત્યેની સરકારની ચાહના બતાવી છે. ગરીબ વર્ગને ૩૭૪૪ મકાનો આપ્યાં એ જ બતાવે છે કે સુવિધાયુકત મકાનો તેઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે તેવી ભાવના મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
સુરત શહેર સાત વર્ષ પહેલાંનું અને આજનામાં કેટલો તફાવત કે આજે સુરત “ગ્લોબલ સિટી’ બનવા જઇ રહ્યું છે.
તેમણે વધુમાં ઉમર્યું કે ગુજરાતમાં એક લાખ છ હજાર કિ.મી.ની પાણીની પાઇપલાઇનો અને ૧૯ હજાર કિ.મી.ની “બલ્ક’પાઇપલાઇનો નદીઓના પાણીના વહન માટેનું માધ્યમ બની છે. આ માત્ર ગુજરાતમાં જ શકય બન્યું છે.
છેલ્લાં વર્ષોમાં સુરત શહેર પ્રજા સુખાકારીની સુવિધાઓની ધબકતું શહેર બની રહ્યું છે. સુરત શહેરમાં જોડાયેલ નવા વિસ્તાર માટે ચાલુ વર્ષે ૧૦૦ કરોડ અને આવતા વર્ષે ર૦૦ કરોડના ખર્ચે સુવિધાઓ માટેનું આયોજન કરાયું છે. એમ જણાવી શહેર મેયર શ્રી રણજીતભાઇ ગીલીટવાળાએ કહ્યું કે કપરાં પરિક્ષણો અને નિરિક્ષણો બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના સાત સાત જેટલા મહત્વના એવોર્ડ મહાનગરપાલિકાને મળ્યા છે.
તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારે સુરત શહેર અને મહાનગરપાલિકાની ખૂબ કાળજી લીધી છે, તેનું સુરત હંમેશા ઋણી રહેશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સીલરો તથા નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા