અમદાવાદઃ શનિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદમા સ્વર્ણિમ ગુજરાત પુસ્તક મેળાનું ઉદ્ધાટન કરતાં ગુજરાતના સુવર્ણજયંતી અવસરે સમગ્ર રાજ્યમાં "વાંચે ગુજરાત''નું જન અભિયાન, સમાજની શકિત જગાડીને હાથ ધરાશે. આવતીકાલનું ગુજરાત સાક્ષર બને તે માટે સમાજમાં પુસ્તકનો મહિમા પ્રતિષ્ઠિત કરવા માટે તમેણે અપીલ કરી હતી.
પુસ્તક-સાહિત્ય પ્રત્યેની પ્રીતિથી સમાજમાં ગુણવિકાસનું વાતાવરણ બને છે તે વાત કેન્દ્રસ્થાને રાખીને પુસ્તક-ખરીદી માટે જનમાનસ કેળવવાના સેમિનાર યોજવા માટે મુખ્યમંત્રીશ્રીએ પુસ્તક પ્રકાશકોને પ્રેરક સૂચન કર્યું હતું. પુસ્તકની પરબ ચલાવવા માટે પુસ્તકપ્રેમી સ્વજનોને આમંત્રીને પુસ્તક વાંચનથી જીવનમાં વળાંક કઇ રીતે આવે તેના અનુભવ નવી પેઢીને મળે તેવી પરંપરા ઉભી કરવા પણ તેમણે સૂચવ્યું હતું.
ગુજરાત પ્રકાશક મંડળના ઉપક્રમે અમદાવાદમાં આજથી દશમી જાન્યુઆરી સુધી આ " સ્વર્ણિમ ગુજરાત પુસ્તક મેળો '' સાહિત્યપ્રેમીઓ માટે ગ્રંથયાત્રા ધામ બની રહેશે. મુખ્યમંત્રીશ્રીએ પુસ્તક લેખનથી પુસ્તક પ્રકાશન અને વેચાણની સમગ્રત્તતા પ્રક્રિયા સરકારની ગ્રંથાલય ગ્રાન્ટ ઉપર નિર્ભર રહેવાને બદલે સમાજમાં તેનું પ્રતિષ્ઠિત મહિમા વંદન થવું જોઇએ. શાળાના બાળકોએ તો પુસ્તક મેળાની મુલાકાત અવશ્ય લેવી જ જોઇએ. પુસ્તક પ્રત્યે સમાજની અભિરૂચિ કેળવવા માટેની પહેલ કરવા માટે પુસ્તકમેળાના આયોજકોને તેમણે અભિનંદન આપ્યા હતા.
પરિવારમાં શિક્ષણમાં પરીક્ષાકેન્દ્રી વાતાવરણને બદલે પરીક્ષાના "ગુણાંક''ને બદલે "ગુણ-પુજા'' ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને બાળમાનસમાં જ્ઞાનરૂચિ માટે સારા પુસ્તકો પ્રત્યેની પ્રીતિ કેળવવા ઉપર તેમણે ભાર મુકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે બાળકોને પુસ્તકોની પસંદગી કરવાનો અધિકાર છે અને પરિવારના વડિલોએ બાળકને મોકળાશ આપવી જ જોઇએ.
સરકારી કાર્યક્રમોમાં ફૂલમાળાના ""બુકે'' થી મહાનુભાવોનું સ્વાગત નહીં પરંતુ "બુક (પુસ્તક)''કે ખાદી-રૂમાલથી થાય તેવી પહેલરૂપ પરંપરા ગુજરાત સરકારે શરૂ કરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
"પ્રત્યેક સંપન્ન પરિવાર પોતાના ધરમાં ઓછામાં ઓછા ૫૦ પુસ્તકોની લાયબ્રેરી વસાવે તેવો આગ્રહ સ્વર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણીના અવસરે તેમણે કર્યો હતો.''
ગુજરાત વિશેના સર્વગ્રાહી વિકાસ-વિષયો ઉપરના પુસ્તકોનું ""સામાન્ય જ્ઞાન-પ્રશ્નોતરી શ્રેણીરૂપે ભગીરથ પ્રકાશન કાર્ય હાથ ધરવા પણ પ્રકાશકોને તેમણે અનુરોધ કર્યો હતો.'' પુસ્તક વ્યવસાયના સંવર્ધન માટે ઓડિયો બુકસ, ડિજિટલ બુકસ જેવી નવી જ્ઞાન-ટેકનોલોજીના વિનિયોગ કરવા ઉપર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાહિત્ય-પ્રકાશનને નવો ઓપ આપવા અને ગુજરાતના સમૃધ્ધ સાહિત્યના વારસારૂપ પણ હાલ અલભ્ય બનેલ ગ્રંથો-પુસ્તકોની સૂચિ બનાવીને સ્વર્ણિમ ગુજરાત વર્ષ નિમિત્તે આવા પુસ્તકોના પૂનઃપ્રકાશનની યોગ્ય કાળજી લઇને દરખાસ્ત તૈયાર કરવા પણ તેમણે સૂચવ્યું હતું.
ગુજરાત પ્રકાશક મંડળના પ્રમુખ શ્રી જિતેન્દ્રભાઇ દેસાઇએ પુસ્તક પ્રકાશનને નાનો પણ ચાવીરૂપ ઉઘોગ ગણાવીને જણાવ્યું હતું કે, પુસ્તકોના વાંચન પ્રત્યે યુવા પેઢીમાં ભૂખ જાગે તેવા સામુહિક પ્રયાસો સમાજથકી થવા જરૂરી છે. સ્વર્ણિમ ગુજરાત જયંતિ વર્ષે પુસ્તકમેળા વાર્ષિક ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવાય તેવી નેમ ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા લેવામાં આવી છે.
નવનીત પબ્લીકેશન્સના શ્રી શાંતિલાલ ગાલાએ ગુજરાતી ભાષા અને પુસ્તકોનું મહત્વનું સમજાવીને આ પુસ્તક મેળામાં રજૂ કરવામાં આવેલા પ્રેરણા પુસ્તકો, સાહસ કથાઓ, બાળકોના પુસ્તકો, અલભ્ય પુસ્તકો, સંશોધન ગ્રંથો, નામાંીકત લેખકોના વિશેષ માંગ ધાવતા પુસ્તકો, ધાર્મકિ, શૈક્ષણિક અને ટેકનોલોજી, ગૃહ જીવનને લગતા ઉપયોગી પુસ્તકોની વિગતવાર માહિતી આપી હતી.
ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી સુધીર નાણાંવટી, ગુજરાત પ્રકાશક મંડળના મંત્રી શ્રી વિપ્લવ પૂજારા, નવનીતના શ્રી છોટુભાઇ ગાલા, જાણીતા પુસ્તક પ્રકાશકો, લેખકો, વાંચકો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.