મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી નિમિત્તે આગામી જૂલાઇ-ઓગસ્ટ-ર૦૧૦ દરમિયાન બધા જ રર૩ તાલુકાઓમાં તાલુકા ગરીબ કલ્યાણ મેળા યોજીને ગરીબીમાંથી મૂકિત મેળવવાનો નાદ ગુંજતો કરવાનું સામર્થ્ય પ્રદર્શિત કરવાનું જિલ્લા ટીમોને આહવાન કર્યું છે.
આજે ગાંધીનગરમાં તાલુકા ગરીબ કલ્યાણ મેળાની કાર્યશિબિર યોજાઇ હતી જેમાં રાજ્યના તમામ મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ, વિભાગોના સચિવશ્રીઓ, મ્યુનિસીપલ કમિશ્નરો,કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ૦ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની અભૂતપૂર્વ સફળતાની સિધ્ધિ માટે દરેક જિલ્લા ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે વિકાસના લાભો છેવાડાના ગરીબમાં ગરીબ માનવી સુધી પહોંચાડવાનો ગુજરાત સરકારનો આ નવતર આયામ હવે સ્થાયી સ્વરૂપે ગરીબી સામેની લડાઇનું અને સાથોસાથ ગરીબને ગરીબીમાંથી મૂકિત મેળવવાનું પ્રેરક વાતાવરણ બની રહે તેવો આપણો નિર્ધાર છે.
ટીમ ગુજરાતની ચિન્તન શિબિરમાં "તાલુકા સરકાર”ના વિચારનું ચિન્તન થયેલું તેને સાકાર કરવા “તાલુકા ગરીબ કલ્યાણ મેળા”નો પ્રયોગ સ્થાયી સ્વરૂપે ગરીબી નાબૂદી માટે સાતત્યપૂર્વકનો ફળદાયી બને તે માટે ગરીબ કલ્યાણ મેળાના અનુભવોમાંથી ગુણાત્મક પરિવર્તન સાથે રર૩ તાલુકા અને ૩૮ જેટલા શહેરી ગરીબ કલ્યાણ મેળા જુલાઇ-ઓગસ્ટ ર૦૧૦માં યોજવા તેમણે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
વિકાસમાં જનભાગીદારી અને વિકાસના નવા આયામોની સિધ્ધિઓ માટેની કાર્યસંસ્કૃતિ ઉભી કરવાની તાકાત જિલ્લાકક્ષાએ યોજાતા પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય દિવસના સફળતમ આયોજનથી જિલ્લા વહીવટીતંત્રોએ બતાવી જ છે. ત્યારે હવે તાલુકા સ્તરે ટીમવર્કની શકિતનું નેતૃત્વ પુરૂ પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગરીબ કલ્યાણ મેળાનું હાર્દ લાભાર્થીનું સંખ્યાબળ કે સરકારી સહાયના આંકડાની સિધ્ધિઓ નથી પરંતુ ગરીબના જીવનમાં બદલાવ લાવવા, ગરીબીમાંથી મૂકિતનો નાદ જગાવવો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ લાભોથી ગરીબ ગરીબીમાંથી બહાર આવી જ શકશે એવો વિશ્વાસ આપણે ઉભો કરવો છે.
તાલુકા ગરીબ કલ્યાણ મેળાના સ્વરૂપમાં ગુણાત્મક સુધારાની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિ અને સામાજિક-આર્થિક સ્થિતિ, વનબંધુ કલ્યાણ પેકેજ, સાગરખેડુ વિકાસ પેકેજ, પછાત તાલુકા વિકાસ પેકેજ અને શહેરી ગરીબ સમૃધ્ધિ યોજનાનો સંકલિત અભિગમ રાખીને હવે ગરીબ કલ્યાણ મેળા વધુ ઉપકારક બનશે.
મુખ્યમંત્રીશ્રીએ સમયદાન, ગુણોત્સવ, કન્યા કેળવણી અને કૃષિ મહોત્સવના અભિયાન અંગે પણ સ્વર્ણિમ ગુજરાત ઉજવણીના વિશેષ અવસરને અનુલક્ષીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ પચાસ ગરીબ કલ્યાણ મેળાની ઉદેશપૂર્ણ ફલશ્રુતિ વિશે પ્રસ્તુતિ કરી હતી. ગ્રામવિકાસના અગ્ર સચિવશ્રી આર. એમ. પટેલ સહિત અન્ય સંબંધિત તમામ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓએ ગરીબ કલ્યાણ મેળામાં સહયોગ અને કલ્યાણ કાર્યક્રમોની ભૂમિકા આપી હતી.


