Welcome Shri Amitabh Bachchanji

Published By : Admin | May 25, 2010 | 09:50 IST

મિત્રો,

કર્ણાટકના મેંગલોરમાં શનીવારની સવારે એરઇન્ડિયાના વિમાનને નડેલા ગોજારા અકસ્માતની દુર્ઘટના હૃદયવિદારક હતી. જીવલેણ વિમાની દુર્ઘટના બનતી હોય છે ત્યારે, સ્વજનો ગૂમાવનારાના શોકસંત પરિવારો અને અકાળ મૃત્યુને વરેલા મુસાફરોની સ્થિતિ સ્થળ ઉપર કાળજાુ કંપાવનારી બની જાય છે.

સને ૧૯૮૯માં અમદાવાદની આવીજ વિમાની દુર્ઘટનાનો હું સાક્ષી છું. વિમાન જ્યાં તૂટી પડ્યું તે કોતરપુરના સ્થળે તત્કાલ બચાવ રાહતની કામગીરીમાં પહોંચી ગયેલા સ્વયંસેવકોમાં હું પણ ઉપસ્થિત હતો. વિમાની અકસ્માતના સ્થળે આવા મૃત્યુની ભયાનકતા નજરે જોનારા ક્યારેય આવી કરૂણ દર્દનાક સ્થિતિને જીવનભર ભૂલી શકતા નથી.

મેંગ્લોરની ગોજારી વિમાની દુર્ઘટનાએ મને અમદાવાદની વિમાની અકસ્માતની કરૂણતાંની સહજ યાદ અપાવી અને હૈયુ સંવેદનાથી ભરાઇ ગયું.

ગુજરાત આખું અતિશય ગરમીમાં શેકાઇ રહ્યું છે.

આપણને સૌને દઝાડતી આ પીડા દાયક પરિસ્થિતિએ, ગ્લોબલ વોર્મીંગના સંકટની અનુભૂતી કરાવી દીધી છે. ગરીબો માટે તો આ ગરમી અસહ્ય છે. સદ્ભાગ્યે ગુજરાત વીજ કાપ અને વિજળીની સમસ્યાથી મુક્ત રહ્યું છે. એથી કેટલીક રાહત છે. સામે છેડે હવામાન વર્તારા મુજબ ચોમાસુ જલદી આવી રહ્યું છે અને સારા વરસાદની આશા જાગે છે.

ભારત સરકારે કપાસની નિકાસ ઉપર અચાનક લગાવેલો પ્રતિબંધ ઉઠાવી લઇને પોતાની ભુલ તો સુધારી લીધી છે પરંતુ દેશમાં સૌથી વધુ કપાસ પકવતા અને દેશની કુલ નિકાસમાં લગભગ અડધો અડધ નિકાસ હિસ્સો ધરાવતા, ગુજરાતના કપાસ ઉત્પાદક કિસાનોને માત્ર એક મહિનાના ગાળામાં જ, બે હજાર કરોડ રૂપીયાનું જંગી નુકસાન નિકાસબંધીને કારણે વેઠવું પડ્યું.

કેન્દ્ર સરકારને ભુલ સમજાઇ પણ ગુજરાતના કિસાનોને તો રૂા.ર૦૦૦ કરોડનું નુકશાન થઇને જ રહ્યું. તેની અવિચારી કિસાન વિરોધી નીતિએ કિસાનોને કેટલી પીડા આપી એનું આ સ્પષ્ટ પણ કમનસિબ દ્રષ્ટાંત છે.

શ્રીમાન અમિતાભ બચ્ચનજી ગુજરાત પ્રવાસનના પ્રમોશન હેતુ ગુજરાત આવી રહ્યા છે.

સ્વાગતમ્ અમિતાભ બચ્ચનજી.

તેમના આગમનના સમાચારને જ વાયબ્રન્ટ ગુજરાતે ઉમળકાથી વધાવી લીધા અને તેમને આવકારવામાં ગુજરાત ક્યાય પાછુ નહીં પડે.

પણ

આ પળે,

હું મારા મનની વાત કરવા ઇચ્છુ છું.

શ્રીમાન અમિતાભ બચ્ચનજીએ ગુજરાત પ્રવાસન માટે, પોતાનો ચહેરો અને અવાજ આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે દેશ ભરમાં તોફાન મચી ગયેલું.

રાજકીય અસ્પૃશ્યતાની આંધી ફૂંકનારાઓએ, ગંદકી અને અપપ્રચારનો એવો મારો ચલાવ્યો કે શ્રીમાન અમિતાભ બચ્ચનજી આ તોફાન સામે ટકી શકશે કે કેમ તેની ચિંતા તેમના કરોડો ચાહકોને થઇ રહી હતી.

ત્યારે, મારે આ વાત ગૌરવ સાથે કહેવી છે કે શ્રીમાન અમિતાભજીએ તેમના શરીરનું કદ ઉંચુ છે તેની સાથે, અડીખમ એવી પોતાની પ્રતિબધ્ધતાની ઉંચાઇની પ્રતિતી પણ આપણને કરાવી દીધી.

અપપ્રચાર અને રાજકીય છુત અછુતના હુમલાઓ વચ્ચે પણ તેમણે પોતાના ગુજરાત પ્રેમને છોડ્યો નથી.

આર્થિક રીતે એક પણ પૈસાનો લાભ લીધા વગર શ્રીમાન અમિતાભજીએ આ કામ માથે લીધું છે અને તે પણ આવી ભયંકર ગરમીમાં.

એટલું જ નહીં, ભીષણ ગરમીનો પરિતાપ હોય અને એમાં પણ અત્યારે કચ્છના રણમાં જવાની વાત આવે ત્યારે, ભલભલાની હિમ્મત ધ્રુજી જાય એમ છતાં, અમિતાભ બચ્ચનજીએ ગરમીની તીવ્રતાને ગણકાર્યા વગર, કચ્છના રણનો પોતાનો નિર્ધારીત કાર્યક્રમ ચાલુ રાખીને ગુજરાત પ્રવાસનની શાન વધારવાની વિરલ હિમ્મત દાખવી છે.

ગુજરાત પ્રત્યેના શ્રીમાન અમિતાભજીના પ્રેમે જ, ગુજરાત વિરોધીઓના જૂઠાંણાની ભરમાર સામે તેમને ગુજરાતની સત્યના માર્ગની પ્રવાસન યાત્રામાં જોડયા છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report

Media Coverage

India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.