પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી મે, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિ મેંળવનારાઓને પણ સંબોધન કરશે.
રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલ નવી ભરતીઓ, ગ્રામીણ ડાક સેવક, પોસ્ટ્સ નિરીક્ષક, વાણિજ્ય-કમ-ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક-કમ-ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ્સ ક્લાર્ક, ટ્રેક મેઈન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝનલ ઓફિસર, ટેક્સ આસિસ્ટન્ટ્સ, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, ફાયરમેન, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, પ્રિન્સિપાલ, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક, મદદનીશ રજીસ્ટ્રાર, મદદનીશ પ્રોફેસર વગેરે જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સમાં જોડાશે.
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
નવા નિમણૂક પામેલા લોકોને કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.


