સ્વામી વિવેકાનંદે સાચા અર્થમાં ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી: પ્રધાનમંત્રી
ભારતના યુવાનો વૈશ્વિક વિકાસને વેગ આપી રહ્યા છે: પ્રધાનમંત્રી
સ્વામી વિવેકાનંદના ભારતના વિઝનને સાકાર કરવાની જવાબદારી આજની પેઢીની છે: પ્રધાનમંત્રી

એલ્લરિગૂ નન્ના નમસ્કારગલુ.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલૂર મઠના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, મૈસૂરુના અધ્યક્ષ પૂજ્ય સ્વામી મુક્તિદાનંદજી, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ટ્રસ્ટી પૂજ્ય સ્વામી યાદવેન્દ્રાનંદજી, રાજ્યપાલ શ્રી થાવરચંદ ગહલોતજી, મુખ્યમંત્રી શ્રી ડી.કે. શિવકુમારજી, સાંસદ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારજી, ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પા જી, કે. હરીશ ગૌડાજી, અન્ય મહાનુભાવો, પૂજ્ય સંતગણ અને ભાઈઓ અને બહેનો.

સૌપ્રથમ હું મૈસૂરના અધીષ્ઠાત્રી દેવી મા ચામુંડેશ્વરીને પ્રણામ કરું છું. હજુ બે દિવસ પહેલા જ આપણે સૌએ ગુરુ પૂર્ણિમા પણ ઉજવી છે. આપ સૌ જાણો છો, મારી યાત્રા જ્યાંથી શરૂ થઈ અને આજે હું જ્યાં છું, તેમાં રામકૃષ્ણ મિશનનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. હું ત્રણ મહિના પહેલા હાવડામાં બેલૂર મઠ ગયો હતો. તમામ પૂજ્ય સંતો સાથે સત્સંગ કરવાનો અવસર મળ્યો હતો. મારું સૌભાગ્ય છે કે આજે મને ફરી મૈસૂરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ સાથે જોડાયેલા સંતોથી, મારા ગુરુ બંધુઓથી મળવાનો, તેમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો છે. આપ સૌની ઉપસ્થિતિના કારણે, આજે મૈસૂરની આ પવિત્ર ભૂમિ પર મને એક અલગ જ ઊર્જા અનુભવાઈ રહી છે. હું આપ સૌ સંતોના ચરણોમાં સાદર પ્રણામ કરું છું.

સાથીઓ, મૈસૂર ભારતની અનાદિ સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. અહીંના મંદિરો, અહીંની પરંપરાઓ અને ઉત્સવો, મૈસૂરનું દશેરા, અહીંના ભવ્ય મહેલો, આનું સંગીત અને સાહિત્ય, ભારતનો વારસો આ શહેરના કણે-કણમાં વણાયેલો છે. અને આ જોઈને ખૂબ સંતોષ મળે છે. આ શહેરે આ વારસાને એ જ કુશળતાથી સાચવ્યો પણ છે, શણગાર્યો પણ છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ અને સ્વામી વિવેકાનંદ જીની સ્મૃતિઓ પણ મૈસૂરના વારસાનો જ એક સમૃદ્ધ હિસ્સો છે. થોડી વાર પહેલાં હું એ ઐતિહાસિક ભવનમાં પણ ગયો હતો, જ્યાં સ્વામી વિવેકાનંદ જીએ પોતાના પ્રવાસ દરમિયાન કેટલોક સમય વિતાવ્યો હતો. કર્ણાટકના કેટલાય વિદ્વાનો અને મનીષીઓ આ સ્થાન સાથે જોડાયેલા રહ્યા છે. રાષ્ટ્રકવિ કુવેમ્પૂ જેવા મહાપુરુષ જ્યારે મૈસૂરમાં હતા, તેમનો પણ શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે ગાઢ લગાવ હતો. આજે સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર, એટલે કે વિવેક સ્મારકના ઉદ્ઘાટન દ્વારા, અમે આ મિશનને નવો વિસ્તાર આપી રહ્યા છીએ. આના માટે હું શ્રીરામકૃષ્ણ આશ્રમ અને આનાથી જોડાયેલા તમામ વિદ્વાનોને હાર્દિક અભિનંદન આપું છું.

સાથીઓ, વ્યક્તિમાંથી વિભૂતિનું નિર્માણ એકાએક નથી થતું. આના માટે આપણે જીવનની અગણિત પરીક્ષાઓ આપવી પડે છે. સાધના કરવી પડે છે, તપ કરવું પડે છે, પોતાને તપાવવું પડે છે, ખપાવવું પડે છે. ખ્યાતિ પછી તો સંસાર પાછળ ઊભો હોય છે. પરંતુ, તપના સમયે મહાન વિભૂતિઓને ઓળખવી સરળ નથી હોતી. જે સાધકને તપસ્યામાં ઓળખે છે, તે તેની સિદ્ધિનો સહભાગી પણ થાય છે.

એટલા માટે ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદના જીવનમાં મૈસૂરનું આટલું મહત્વપૂર્ણ યોગદાન હતું. લગભગ 130 વર્ષ પહેલાં, સ્વામી જી, એક યુવા સંન્યાસીના રૂપમાં ભ્રમણ કરતા મૈસૂરુ આવ્યા હતા. ત્યારે તેમની પ્રસિદ્ધિ એવી નહોતી. પરંતુ, વિચારો એટલા જ ઊંચા હતા. એ સમયે તેમને જે લોકોએ ઓળખ્યા, જે તેમની સાથે જોડાયા, તેમાંના એક પ્રમુખ નામ મૈસૂરના તત્કાલીન મહારાજાનું પણ હતું. જ્યારે સ્વામી વિવેકાનંદ જી અમેરિકામાં હતા, તો તેમણે ત્યાંથી મૈસૂરના તત્કાલીન મહારાજાને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે સ્વયં મહારાજાના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ જીએ ભારતીય ચેતનાને આત્મસાત કરી હતી. તેમણે શાસ્ત્રોને આત્મસાત કર્યા હતા જે કહે છે- “પરં પરોપકારાર્થં યો જીવતિ સ જીવતિ”. અર્થાત, વાસ્તવમાં એ જ જીવે છે જે બીજાઓ માટે જીવે છે. આ જ મંત્ર પર ચાલતા, મૈસૂરના આ શ્રી રામકૃષ્ણ આશ્રમે પાછલા વર્ષે પોતાના સો વર્ષ પૂરા કર્યા છે. શિક્ષણ અને સ્વાસ્થ્યથી જોડાયેલી સેવાઓ હોય, કે કુદરતી આપત્તિમાં રાહત કાર્ય, શ્રી રામકૃષ્ણ આશ્રમે સ્વામી વિવેકાનંદ જીના વારસાને જીવંત રાખ્યો છે. મને વિશ્વાસ છે વિવેક સ્મારક સાધકો અને શ્રદ્ધાળુઓ માટે આત્મિક ઉત્થાનનું તીર્થ બનશે. સ્વામી વિવેકાનંદ જીની પ્રેરણા હતી- ‘શિવ જ્ઞાને જીવ સેવા’. એટલે કે જીવની સેવા એ જ શિવની સેવા છે. આપણે આ વિવેક સ્મારકમાં એટલા માટે, એવા યુવાનોને ઘડવાના છે, જેમના માટે સમાજ અને રાષ્ટ્રના હિત, ગરીબ-વંચિતના દુઃખ, પોતાના સુખ-દુઃખથી ઉપર હોય. જે યુવાનો માટે રાષ્ટ્ર પ્રથમ જ સર્વોપરી મંત્ર હોય, મા ભારતીની સેવા જ જેમનું જીવન લક્ષ્ય હોય.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ જી યુવાનોના શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત આધાર માનતા હતા. તેમણે સ્વયં આ જોયું હતું કે કેવી રીતે દુનિયાના દેશો પોતાના યુવાનોને શિક્ષિત બનાવી રહ્યા છે. પરંતુ દુર્ભાગ્યે ત્યારે ભારત ગુલામ હતું. ભારતના યુવાનો પણ ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા. એ દોરથી લઈને અત્યાર સુધી, ભારતના યુવાએ એક લાંબી યાત્રા નક્કી કરી છે. ભારતનો જે યુવા ક્યારેક જંજીરોમાં હતો, આજે એ યુવા દુનિયાના વિકાસને ગતિ આપી રહ્યો છે.

· આજે ભારતનું અર્થતંત્ર, સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે.

· કોના કારણે? ભારતના યુવાનોના સામર્થ્યથી.

· આજે ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ છે.

· કોના કારણે? ભારતના યુવાનોના સામર્થ્યથી.

· આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ચૂક્યો છે.

· કોના કારણે?

· ભારતના યુવાનોના સામર્થ્યથી.

· આજે ભારતથી બનેલા Digital Solutions, દુનિયાના અનેક દેશો માટે પ્રેરણા બની રહ્યા છે.

· કોના કારણે?

· ભારતના યુવાનોના સામર્થ્યથી.

· આજે ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની નવી યાત્રા પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

· કોના કારણે?

· ભારતના યુવાનોના સામર્થ્યથી.

· આજે ભારત AI, Deep Tech, Space Technology અને Innovation ના નવા અધ્યાય લખી રહ્યું છે.

· કોના કારણે?

ભારતના યુવાનોના સામર્થ્યથી.

હજુ કેટલાક દિવસ પહેલાં જ આપણે જોયું છે, ભારતના યુવાનોએ અંતરિક્ષમાં કમાલ કરી દીધી છે. પહેલી વાર યુવાનોનું બનાવેલું એક પ્રાઈવેટ કંપનીનું રોકેટ, અંતરિક્ષ સુધી પહોંચ્યું છે. આજે કોઈ પણ સેક્ટર હોય, ભારતનો યુવા પોતાનું દમ-ખમ બતાવી રહ્યો છે. આપણે સૌ આપણી આસપાસ જોઈ રહ્યા છીએ, આજે નાનામાં નાના વ્યવસાયમાં લાગેલો યુવા, ભારતની ડિજિટલ ઈકોનોમીને આગળ વધારી રહ્યો છે. તે મુદ્રા લોનના માધ્યમથી નવી શરૂઆત કરી રહ્યો છે. તે દેશની સ્ટાર્ટઅપ revolution ને લીડ કરી રહ્યો છે. આત્મનિર્ભર ભારતનું અભિયાન હોય, મેક ઈન ઈન્ડિયાનું અભિયાન હોય, આની સફળતા પાછળ ભારતના યુવાનોની જ તાકાત છે.

સાથીઓ, કોઈ પણ દેશમાં, યુવાનોનું સામર્થ્ય ત્યારે જ એ રાષ્ટ્રની શક્તિ બને છે, જ્યારે તેને સાચો અવસર મળે, જ્યારે તેને સાચી દિશા મળે, અને જ્યારે તેને પોતાની જ ધરતી પર મોટા સપના જોવાનો, તેમને પૂરા કરવાનો ભરોસો મળે. અને આમાં ખૂબ મોટી ભૂમિકા આપણી શિક્ષણ સંસ્થાઓની હોય છે. મને ખુશી છે કે આજે ભારતમાં શિક્ષણ સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે. પાછલા 12 વર્ષોમાં, 650 થી વધુ નવી યુનિવર્સિટીઓ બની છે. પાછલા 12 વર્ષોમાં લગભગ 14 હજાર નવી કોલેજો બની છે. 4 હજારથી વધુ નવી ITI બનાવવામાં આવી છે. 9 નવા આઈ.આઈ.એમ, 7 નવી આઈ.આઈ.ટી, અને 13 નવા એઈમ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે દેશમાં MBBSની સીટો લગભગ 1 લાખ 40 હજાર થઈ ચૂકી છે. મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 823 થઈ ગઈ છે.

સાથીઓ, એક તરફ આપણે એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક કરી રહ્યા છીએ. સાથે જ, શિક્ષણ વ્યવસ્થાને પણ આધુનિક જરૂરિયાતોના હિસાબે ઢાળવામાં આવી રહી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી, ભારતના યુવાનોને 21મી સદીના અનુરૂપ તૈયાર કરવાનું માધ્યમ બની રહી છે.

સાથીઓ, સ્કૂલી શિક્ષણમાં પણ મોટા સ્તર પર કામ થયું છે. દેશભરમાં 14 હજારથી વધુ પીએમ શ્રી સ્કૂલ વિકસિત કરવામાં આવી છે. શિક્ષણ માત્ર કિતાબી ન રહે, બાળકોમાં ઈનોવેશન અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વિકસિત થાય, આના માટે, 10 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત થઈ છે.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ જી, રાષ્ટ્ર ઉત્થાન માટે શિક્ષણની સાથે-સાથે સમાનતાને પણ એટલી જ મહત્વપૂર્ણ માનતા હતા. શિક્ષણમાં ભેદભાવ ન થાય, અવસરોમાં ભેદભાવ ન થાય, આજે આ દેશનું વિઝન બની ગયું છે. આજે દીકરીઓ પણ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. એનડીએમાં દીકરીઓ રાષ્ટ્ર માટે યોગદાન આપી રહી છે. આજે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવો અભ્યાસ માતૃભાષામાં કરવાની સુવિધા થઈ ગઈ છે. આનાથી, ભાષાના આધારે અવસરોમાં થતા ભેદભાવ પર લગામ લાગી રહી છે.

સાથીઓ, યુવા શક્તિનું સ્વસ્થ, અર્ધસંચાલિત અને આત્મવિશ્વાસથી ભરેલું રહેવું એટલું જ જરૂરી છે. જે દેશ રમતોને મહત્વ આપે છે, ત્યાંના યુવાનોમાં આ ત્રણેય ગુણોનો ઝડપથી વિકાસ થાય છે. એટલા માટે આજે રમતોને રાષ્ટ્ર નિર્માણની એક મહત્વપૂર્ણ ધારાના રૂપમાં જોવામાં આવી રહી છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, પેરા ગેમ્સ અને વિન્ટર ગેમ્સ જેવા આયોજનોએ દેશભરના યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનું મંચ આપ્યું છે. આજે દેશભરમાં આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે, ખેલો ઈન્ડિયા સેન્ટરના માધ્યમથી સુવિધાઓ વધી રહી છે, ગામડાઓથી લઈને નાના શહેરો સુધી નવી પ્રતિભાઓની ઓળખ કરવામાં આવી રહી છે.

અને સાથીઓ, આજે આ અભિયાનના પરિણામ પણ સાફ - સાફ દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ભારતનું પ્રદર્શન વધુ સારું થતું જઈ રહ્યું છે. આપણા ખેલાડીઓ નવા-નવા કીર્તિમાન બનાવી રહ્યા છે, આપણી દીકરીઓ દેશનું ગૌરવ વધારી રહી છે.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ જીની જેમ, આપણને વિવેક સ્મારક, મોટા ઉદ્દેશ્ય માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આવા સ્થાન પર હું આપણા યુવાનોને કેટલીક અપીલ કરવા માંગુ છું.

સાથીઓ, મૈસૂરને અવારનવાર ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું છે. હું આના માટે અહીંના લોકોને હૃદયથી અભિનંદન આપું છું. શું આ અવસર પર આપણે એ સંકલ્પ લઈ શકીએ છીએ, કે ભવિષ્યમાં સ્વચ્છતાના સંકલ્પને નિરંતર મજબૂત કરતા રહીશું. આપણે અહીંની કુદરતી સંપત્તિઓને સંરક્ષિત કરવી જોઈએ. આપણે પર્યાવરણથી જોડાયેલા સંકલ્પ લેવા જોઈએ. આપણે પાણીનું દરેક ટીપું બચાવવા માટે મિશન મોડમાં કામ કરવું પડશે.

સાથીઓ, આજે જ અહીં ‘વાલ્મીકિ રામાયણ’ ના કન્નડ અનુવાદનું વિમોચન પણ થયું છે. હું કન્નડ ભાષાથી જોડાયેલી એક અપીલ પણ કરવા માંગુ છું. કર્ણાટક મહાન લેખકો અને કવિઓની ધરતી છે. કન્નડ ભાષી લોકો હંમેશાંથી વાંચવાની સંસ્કૃતિ માટે ઓળખાય છે. સ્માર્ટફોનના આ યુગમાં આ સ્વભાવને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ. શું આપણે યુવા પેઢીને કન્નડ સાહિત્ય સાથે ઊંડાણપૂર્વક જોડાવવા માટે પ્રેરિત કરી શકીએ છીએ.

સાથીઓ, મૈસૂર પોતાના સિલ્ક, ચંદન અને હસ્તશિલ્પ માટે પ્રસિદ્ધ છે. જ્યારે પણ આપણે કોઈને ભેટ આપીએ, તો શું આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે તે કોઈ ભારતીયના હાથ અને પરસેવાથી બનેલી વસ્તુ હોય? આનાથી આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે, સાથે જ, વધુ એક પરિવારને આર્થિક સહાયતા પણ મળશે.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ જીએ જે પ્રકારના ભારતનું સપનું જોયું હતું, તેને પૂરું કરવાની જવાબદારી આજની પેઢી પર છે. મને વિશ્વાસ છે, વિવેક સ્મારક આના માટે એક ઊર્જા સ્ત્રોતનું કામ કરશે. હું એક વાર ફરી, અહીં એકત્રિત પૂજ્ય સંતજનો, ગુરુ બંધુઓ અને મૈસૂરના લોકોને નમન કરતા મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 સપ્ટેમ્બર 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership