મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો

મારા પ્રિય મિત્રો,

ભાઈઓ અને બહેનો,

સેલામત મલમ!

નમસ્કાર!

વનક્કમ!

સત શ્રી અકાલ!

જય ઝુલેલાલ!

કેમ છો?

આજકાલ દુનિયાભરમાં ફૂટબોલનો જુસ્સો છવાઈ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ ફૂટબોલ પ્રત્યેનો જુસ્સો જબરદસ્ત છે. અને તમે બધા અહીં પણ તે ઉર્જા અને ઉત્સાહ લઈને આવ્યા છો.

અને તે એક અદ્ભુત સંયોગ છે. તમે પણ તે નોંધ્યું હશે. પણ હું તેનો ઉલ્લેખ કરવા માંગુ છું. જ્યારે પણ હું ઇન્ડોનેશિયા આવ્યો છું, ત્યારે ફિફા વર્લ્ડ કપ તોફાન સમાન હોય છે. પહેલી વાર 2018માં જકાર્તામાં હતો. પછી અમે 2022માં બાલીમાં મળ્યા. અને હવે આ સંવાદ 2026માં જકાર્તામાં ફરીથી થઈ રહ્યો છે. ત્રણેય વખત, ફૂટબોલ ઇન્ડોનેશિયામાં ગુંજ્યો છે.

પણ મિત્રો,

ઇન્ડોનેશિયામાં આ ત્રણેય ઇવેન્ટ્સ માટે 'મેન ઓફ ધ મેચ' બીજું કોઈ નહીં પણ તમે બધા - ઇન્ડોનેશિયામાં રહેતા લોકો છો. તમે બધા 'મેન ઓફ ધ મેચ' છો.

તમે આટલો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. તમે ભવ્ય ભારતની જીવંત છબી રજૂ કરો છો. અહીં ઘણા બધા લોકો ભેગા થયા છે. અને મિત્રો, હું આ વખતે એકલો નથી આવ્યો; મારા નજીકના મિત્ર, રાષ્ટ્રપતિ પ્રબોવો પણ મારી સાથે આવ્યા છે.

 

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

 

મહામહિમ,

તમે ભારતના સાચા મિત્ર છો. અહીં આવવા બદલ આભાર!

મિત્રો,

કાલે જ્યારે હું ઇન્ડોનેશિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને અહીં પગ મૂક્યો ત્યારથી, ઇન્ડોનેશિયાના લોકો તરફથી મને જે હૂંફ અને પ્રેમ મળ્યો છે તે માટે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે. રાષ્ટ્રપતિ પ્રબોવો તેમના કેબિનેટનાં સાથીદારો સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા આવ્યા તે ખરેખર યાદગાર અનુભવ હતો.

આજે રાષ્ટ્રપતિ ભવનમાં મને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઇન્ડોનેશિયાના પ્રેમની ઝલક જોવા મળી. લોકોનો ઉત્સાહ, બાળકોનું સ્મિત, યુવાનોનું જોશ - બધું જ અવર્ણનીય અને અદ્ભુત હતું. હું જ્યાં પણ ગયો, જેને પણ મળ્યો, દરેકના ચહેરા પર ભારત પ્રત્યેનો પ્રેમ, આદર અને લગાવ સ્પષ્ટપણે દેખાતો હતો.

મિત્રો,

મેં એ પણ જોયું કે ભારતીય ગીત "કુછ કુછ હોતા હૈ" અહીં ખૂબ જ લોકપ્રિય છે. આજે, મેં રાષ્ટ્રપતિ પ્રબોવોને કહ્યું કે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા એકસાથે આગળ વધે છે, ત્યારે તે ફક્ત "કુછ કુછ" (કંઈક) થી ઘણું આગળ વધે છે - તે "બહુત કુછ" (ઘણું બધું) તરફ દોરી જાય છે.

મિત્રો,

આજે સવારે જ મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. આ 1.4 અબજ ભારતીયોનો યશ છે; ભારતીય સમુદાયમાં આપ સૌ સથીઓનું આ સન્માન છે; અને સૌથી ઉપર, આ પુરસ્કાર ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતાનું બીજું એક પ્રતીક છે. આ મંચ પરથી, હું રાષ્ટ્રપતિ પ્રબોવો, ઇન્ડોનેશિયા સરકાર અને અહીંના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

મિત્રો,

ગયા વર્ષે, 26 જાન્યુઆરીએ, ભારતે તેનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. છવ્વીસ, 2 અને 6 = .... અને મારા મિત્રનો જન્મદિવસ પણ 17 છે 1+...

 

રાષ્ટ્રપતિ પ્રબોવોએ તે સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. તે મુલાકાત દરમિયાન, અમને ઘણા વિષયો પર વિગતવાર ચર્ચા કરવાની તક મળી. પરંતુ એ યાત્રાની એક ખાસ વાત, હું આજે યાદ કરવા માંગુ છું. અને આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રપતિએ પોતે ખૂબ ગર્વ અને શાંતિથી કર્યો છે.

શ્રી રાષ્ટ્રપતિ, તમે તે સમયે કહ્યું હતું - અને આજે પુનરાવર્તન કર્યું - કે આપમાં ભારતનો ડીએનએ છે. મેં જોયું કે આજે સૌથી જોરદાર તાળીઓનો ગડગડાટ તે જ ક્ષણે થયો હતો. તમે સ્વદેશમાં પણ અસંખ્ય ભારતીયોના દિલ જીતી લીધા છે. તે એક વાક્ય ભારતીય લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

હું એ જ વાતને આગળ વધારીશ: તમે જે ડીએનએ વિશે વાત કરી હતી તે પરસ્પર વિશ્વાસમાંથી બનેલ છે. તે ડીએનએ એક સહિયારો વારસો અને સહિયારી યાદો દ્વારા ઘડાય છે. તે દરિયાઈ પવનો દ્વારા રચાય છે જે, હજારો વર્ષોથી, આપણા જહાજોને એકબીજાના કિનારા સુધી લઈ ગયા છે.

મિત્રો,

ભારત-ઇન્ડોનેશિયા સંબંધોનો ડીએનએ એ ઋષિઓ અને બૌદ્ધ સાધુઓ દ્વારા વણાયેલો છે જેમણે જ્ઞાનને સરહદોમાં મર્યાદિત રાખવાનો ઇનકાર કર્યો હતો. તે એવા ઉદ્યોગસાહસિકો દ્વારા ઘડવામાં આવ્યો છે જેમણે ફક્ત મસાલાનો વેપાર જ નથી કર્યો પરંતુ સંસ્કૃતિઓ વચ્ચે પુલ બનાવ્યા. આ ડીએનએ એવા કલાકારો દ્વારા બનાવવામાં આવ્યો છે જેમણે રામાયણ અને મહાભારતની વાર્તાઓને પોતાની ભાષાઓમાં જીવી હતી પરંતુ તેના આત્માને એક જ રાખ્યો હતો.

 

ભારત-ઇન્ડોનેશિયા સંબંધો ઇન્ડોનેશિયાના જીવંત નાગરિકો અને અહીં રહેતા અનેક પરિવારો દ્વારા પોષાયેલા, સંવર્ધિત અને હંમેશા સમૃદ્ધ કર્યા છે.

મિત્રો,

રાષ્ટ્રો વચ્ચેના સંબંધો ઘણીવાર ઔપચારિક કરારો અને સમજૂતીઓ દ્વારા આગળ વધે છે. કેટલાક દેશો વ્યૂહાત્મક રીતે સંરેખિત થાય છે, જ્યારે અન્ય વેપાર દ્વારા નજીક આવે છે. પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો સંસ્કૃતિઓનાં છે, સમુદ્રનાં છે.

સામ્રાજ્યો આવ્યા અને ગયા, દરિયાઈ માર્ગો બદલાયા, અને વૈશ્વિક રાજકારણ બદલાયું, છતાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો આ સંબંધ અડગ રહ્યો. અને તે જ આપણી સૌથી મોટી તાકાત છે.

મિત્રો,

આજે, દુનિયા કનેક્ટિવિટીની વાત કરે છે, પરંતુ આપણા પૂર્વજો ખરેખર આ કનેક્ટિવિટીને જીવ્યા અને મૂર્તિમંત કર્યા. જ્યારે આજે વિશ્વાસના અભાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન તૂટી રહી છે, ત્યારે ભારત અને ઇન્ડોનેશિયાએ વૈશ્વિક સપ્લાય ચેઇનની વિભાવનાની ચર્ચા થઈ તે પહેલાં જ સપ્લાય ચેઇનમાં વિશ્વાસને પ્રોત્સાહન આપ્યું હતું.

મને આનંદ છે કે આજે, ભારત અને ઇન્ડોનેશિયા વિશ્વાસના તે જ પાયા પર બનેલ એક નવું ભવિષ્ય લખી રહ્યા છે. અને તમે - ઇન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાય - આ ભવ્ય ભવિષ્યના મુખ્ય લાભાર્થી છો.

મિત્રો,

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના જમાનામાં કોલેબની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા તો સદીઓથી કોલેબ કરતાં આવ્યા છે.

ઇન્ડોનેશિયાના કુતાઈમાં પ્રાચીન સંસ્કૃત શિલાલેખોનું આ કોલેબ રહ્યું છે. નાલંદા યુનિવર્સિટીમાં અહીંનાં સ્કૉલર્સનાં પહોંચવાનું કારણ પણ આ કોલેબ જ હતું.

તે કટકની બાલી જાત્રા ઉત્સવ હોય, મહાનદી પર કેળાના થડમાંથી બનેલી હોડીઓ ચલાવવાની પરંપરા હોય, વયાંગ કુલિતમાં મહાભારતનું મંચન હોય, વૈશાક યાત્રા હોય કે દેવી શ્રીની પૂજા હોય - ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો આ કોલેબ દરેક પરંપરામાં સ્પષ્ટપણે દેખાય છે.

મિત્રો,

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહયોગનો ઇતિહાસ જેટલો પ્રાચીન છે તેટલો જ સમૃદ્ધ છે. પ્રાચીન સમયમાં, સુમાત્રામાં મુઆરો જામ્બી નાલંદાની એક સિસ્ટર સંસ્થા તરીકે સેવા આપતી હતી. મને ખૂબ સંતોષ થાય છે કે અતિતની તે પરંપરાને આપણે આજે પુનર્જીવિત કરી રહ્યા છીએ.

જેમ તમે બધા જાણો છો, નાલંદા યુનિવર્સિટી હવે એક નવા અવતારમાં ઉભરી આવી છે, અને ઇન્ડોનેશિયાના ઘણા વિદ્યાર્થીઓએ ત્યાં પ્રવેશ મેળવ્યો છે. આનો અર્થ એ છે કે 21મી સદીમાં, ભૂતકાળમાંથી પ્રેરણા લઈને, આપણા બંને રાષ્ટ્રો એક નવા ભવિષ્ય તરફનો માર્ગ બનાવી રહ્યા છે.

મિત્રો,

ભારત અને ઇન્ડોનેશિયા ફક્ત હૃદયથી જ નહીં પરંતુ ભૌગોલિક પડોશી તરીકે પણ નજીક છે. ભારતના ગ્રેટ નિકોબાર ટાપુ અને ઇન્ડોનેશિયાના આચેહ વચ્ચેનું અંતર ફક્ત 150 કિલોમીટર છે. કલ્પના કરો, ઇન્ડોનેશિયા ભારતના રાજ્યો કરતાં ભારતના ટાપુની નજીક છે.

 

ઇન્ડોનેશિયાની મુલાકાત લેનાર દરેક ભારતીય અહીં પોતાનાપણાની લાગણી અનુભવે છે. તેથી જ, વર્ષોથી, આપણા રાષ્ટ્રો વેપાર, પરંપરા અને પર્યટન દ્વારા જોડાઈને આપણા સંબંધોના વારસાને આગળ વધારી રહ્યા છે.

આજે, જ્યારે ભારત નવા બંદરો બનાવી રહ્યું છે, નવા જહાજો વિકસાવી રહ્યું છે, નવા દરિયાઈ માર્ગો શોધી રહ્યું છે અને નવી ભાગીદારી દ્વારા દરિયાઈ વેપારનો વિસ્તાર કરી રહ્યું છે, ત્યારે ઇન્ડોનેશિયા એક પ્રિય મિત્ર તરીકે આપણી પડખે ઉભું છે.

મિત્રો,

ઇન્ડોનેશિયા હોય કે ભારત, બંને દેશો પ્રગતિ માટે આતુર છે. આપણી પાસે થોભવાનો કે અટકવાનો સમય નથી. કેટલાક ભારતીયોએ હમણાં જ તમને ઇન્ડોનેશિયાની પ્રગતિ વિશે જણાવ્યું છે, ભારતથીહું પણ તમારી માટે ભારતની પ્રગતિની ઘણી વાર્તાઓ લઈને આવ્યો છું.

 

 

 

મિત્રો,

આજકાલ જ્યારે પણ તમે ભારત વિશે સાંભળો છો, ત્યારે એક વિષય હંમેશા પહેલા આવે છે. હેડલાઇન બને છે - ભારતનું અર્થતંત્ર. કેટલાક તેના ચોક્કસ બહુ-ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકન સુધી પહોંચવાની વાત કરે છે; અન્ય GDP વૃદ્ધિ અથવા છેલ્લા 10-12 વર્ષોમાં અર્થતંત્રમાં જોવા મળેલા મોટા ઉછાળાની ચર્ચા કરે છે. તમને ભારતની એકથી એક ચડિયાતી સિદ્ધિઓ સાંભળવા મળશે.

આજે, ભારતનું અર્થતંત્ર વૈશ્વિક વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે વિશ્વ કોરોના રોગચાળાના મોટા સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે પણ ભારતનું અર્થતંત્ર અટક્યું ન હતું. પશ્ચિમ એશિયામાં મોટા સંકટ વચ્ચે પણ, ભારતનું અર્થતંત્ર ડગમગ્યું નહીં; પરંતુ ગત નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં - માર્ચમાં સમાપ્ત થતાં – અમારો વિકાસ દર 7.7 ટકા રહ્યો હતો.

આ ગતિ અને પ્રગતિ આકસ્મિક રીતે થઈ નથી. ભારતે શ્રેણીબદ્ધ સુધારાઓ લાગુ કર્યા છે અને સતત પરિણામો આપ્યા છે; તેથી જ આજે રાષ્ટ્ર પરિવર્તન કરી રહ્યું છે. અમે સુધારા, પ્રદર્શન, પરિવર્તન મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.

મિત્રો,

આજે ભારતે જે વિકાસ હાંસલ કર્યો છે તે 1.4 અબજ લોકોના સપનાનો વિકાસ છે; તે કરોડો ભારતીયોની આકાંક્ષાઓનો વિકાસ છે. તમે પણ તે સ્વપ્નથી અલગ નથી. ઇન્ડોનેશિયામાં રહેતો દરેક ભારતીય તે સ્વપ્નમાં સહભાગી છે.

 

મિત્રો,

જો હું એક જ વાક્યમાં ભારતના વિકાસની ગતિ અને સ્કેલનું વર્ણન કરું, તો હું કહીશ: "1.4 અબજ આકાંક્ષાઓ ગતિમાં છે." આજે, સમગ્ર ભારતમાં નાગરિકો - ગામડાઓથી લઈને શહેરો સુધી - આકાંક્ષાઓથી ભરપૂર છે. દરેકને આત્મવિશ્વાસ છે કે, હા, આપણે આ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.

મિત્રો,

હું તમને એક ઉદાહરણ આપું છું. તમે પણ જાણો છો કે દરેક વ્યક્તિ માટે પોતાના ઘરનું સ્વપ્ન કેટલું મહત્વપૂર્ણ હોય છે. અને ભારતના આંકડાઓ પર વિચાર કરો: છેલ્લા 10-12 વર્ષોમાં, સરકારે 4 કરોડથી વધુ ગરીબ પરિવારોને પાકાં ઘર બનાવી આપ્યા છે. એટલા તો ઘણા દેશોના કુલ રહેઠાણ ઘરોની સંખ્યા પણ નહીં હોય.

 

મિત્રો,

જ્યારે લોકોને પોતાનું ઘર મળે છે, સન્માનજનક જીવન મળે છે, ત્યારે આ કરોડો ભારતીયોની આકાંક્ષાઓને ગતિ મળે છે, તેમના સપના ગતિમાં આવે છે.

મિત્રો,

હું ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ સંબંધિત કેટલાક રસપ્રદ આંકડા શેર કરું છું. બાર વર્ષ પહેલાં, ભારતમાં 25 કરોડ લોકો સામાજિક સુરક્ષા કવરેજ ધરાવતા હતા. આજે, લગભગ 100 કરોડ ભારતીયો સામાજિક સુરક્ષા છત્ર હેઠળ આવ્યા છે. અને હું જે આંકડો આગળ શેર કરવાનો છું તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરશે.

ભારતમાં  પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના  ચાલે છે; આ યોજના હેઠળ, ફક્ત ₹20 ના વાર્ષિક પ્રીમિયમ પર ₹2 લાખનું અકસ્માત વીમા કવર મળે છે. તે એક કપ કોફીના ખર્ચ કરતાં પણ ઓછો ખર્ચ છે. તમને આ દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે, પરંતુ તે ભારતમાં ઉપલબ્ધ છે. અને તેના દ્વારા, ભારતમાં લગભગ 60 કરોડ લોકો આવરી લેવામાં આવ્યા છે.

મિત્રો,

એક બીજી યોજના છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જે દરરોજ લગભગ ₹1.50ના પ્રીમિયમ પર જીવન વીમો આપે છે. ફક્ત ₹1.50 પ્રતિ દિવસ - એક કપ કોફીનો પણ ખર્ચ તેનાથી વધુ છે. હાલમાં, ભારતમાં 28 કરોડ લોકો આ યોજનામાં નોંધાયેલા છે.

મિત્રો,

સરકારની આ બે યોજનાઓ હેઠળ, અત્યાર સુધીમાં આશરે ₹ 22 હજાર કરોડના દાવા લોકોને ચૂકવવામાં આવ્યા છે. ₹22,000 કરોડ. જ્યારે લોકોએ તેમના જીવનમાં કટોકટીનો સામનો કરવો પડ્યો, ત્યારે સરકાર તેમની સાથે સાથી તરીકે ઉભી રહી.

મિત્રો,

આજે, ભારતમાં બીજી એક સિસ્ટમ સ્થાપિત થઈ છે જે ખરેખર અભૂતપૂર્વ અને નોંધપાત્ર છે: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આ એક ફૂલપ્રૂફ સિસ્ટમ છે જ્યાં સંપૂર્ણ રકમ કોઈપણ લીકેજ વિના લાભાર્થીઓ સુધી પહોંચે છે.

એક સજ્જન મને પૂછવા આવ્યા કે બંગાળ માટે મારું વિઝન શું છે. આ વિઝન છે... ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. કોઈ લીકેજ નહીં.

 

અને આ પૈસા સીધા તેમના બેંક ખાતામાં જાય છે. શું તમે કલ્પના કરી શકો છો? છેલ્લા 12  વર્ષમાં, લગભગ ₹50 લાખ કરોડ - પચાસ ટ્રિલિયન રૂપિયા - ની સહાય સીધી લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

મિત્રો,

જ્યારે આવી વ્યવસ્થા સ્થાપિત થાય છે, ત્યારે લોકોનો વિશ્વાસ વધે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે, અને 250 મિલિયન ભારતીયો - ગરીબીને હરાવીને અને દૂર કર્યા પછી - શાંતિપૂર્ણ જીવન જીવવાનું શરૂ કરે છે.

મિત્રો,

હું તમારી સાથે બીજો એક આંકડા શેર કરું છું. તમે સાંભળ્યું હશે કે એકલા ભારત વિશ્વના રીઅલ-ટાઇમ ડિજિટલ ચુકવણીના લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક કુલ ચુકવણીના 50%.

આજે, ભારતમાં દરરોજ 75 કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો થાય છે – 75  કરોડથી વધુ. આનો અર્થ એ છે કે હવે દૈનિક પ્રવૃત્તિઓ માટે રોકડ લઈ જવાની મજબૂરી નથી. હકીકતમાં, પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો તેમના ડેબિટ કાર્ડ અને ATM પિન ભૂલી રહ્યા છે; બધું ફક્ત UPI અને મોબાઇલ ફોન દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે.

મિત્રો,

જ્યારે સપના મોટા હોય છે, ત્યારે સરકારના કામની ગતિ એટલી જ ઝડપથી ઝડપી બને છે. આજે સમગ્ર ભારતમાં મુસાફરી કરો, અને તમે દરેક જગ્યાએ હાઇવે અને એક્સપ્રેસવેનું નિર્માણ થતું જોશો.

છેલ્લા 12 વર્ષમાં હાઇવે બાંધકામની ગતિ ત્રણ ગણી વધી ગઈ છે - જે વિશ્વના સૌથી ઝડપીમાં સ્થાન ધરાવે છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાં એક્સપ્રેસવેની કુલ લંબાઈ 100 કિલોમીટરથી વધીને 3,000 કિલોમીટર થઈ ગઈ છે.

અને ભારતના જે આ મોટાં સપનાઓ છે, તેને યુવાનો સાકાર કરી રહ્યા છે. 12 વર્ષમાં, વૈશ્વિક QS રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યા 11 થી વધીને 50 થી વધુ થઈ ગઈ છે.

આજે, ભારતના યુવાનો મોટી સંખ્યામાં પેટન્ટ ફાઇલ કરી રહ્યા છે અને નવાચારની ગતિને વેગ આપી રહ્યા છે. એટલા માટે જ ભારત હવે 2 લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સનું ઘર છે - 200,000 થી વધુ - અને લગભગ 125 યુનિકોર્ન ધરાવે છે.

એટલા માટે જ હું કહું છું કે ભારત ફક્ત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી; તે એક એવું રાષ્ટ્ર છે જ્યાં એક અબજથી વધુ સપનાઓ ગતિમાં છે.

મિત્રો,

આપણે ભારતીયોને તાજા ખોરાકનો ખાસ શોખ છે. તેમાં કંઈક ખાસ છે, એટલે જ હું ભારતની ક્ષમતાઓનું એક ખૂબ જ તાજું ઉદાહરણ શેર કરવા માંગુ છું.

ઇન્ડોનેશિયા પહોંચ્યાના બે દિવસ પહેલા - 4 જુલાઈના રોજ - મને એક જ દિવસમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી. ફક્ત એક જ દિવસમાં એક ટ્રિલિયન રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. ભારત આ સ્તરે કાર્યરત છે.

મિત્રો,

4 જુલાઈના રોજ, ભારતે એક વિશાળ રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ રિફાઇનરીમાં વપરાતી સામગ્રી ખરેખર આશ્ચર્યજનક છે. અહીં વપરાતું સ્ટીલ 40 નવા એફિલ ટાવર બનાવવા અથવા પાંચ બુર્જ ખલીફા બનાવવા માટે પૂરતું હતું.

આ રિફાઇનરીના નિર્માણમાં વપરાતા કેબલ્સની લંબાઈ સમગ્ર વિશ્વને બે વાર પરિક્રમા કરવા માટે પૂરતી છે. આવી પહેલોને કારણે જ ભારત હવે રિફાઇનિંગ ક્ષમતાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ટોચના ચાર દેશોમાંનો એક બની ગયું છે.

મિત્રો,

આ રિફાઇનરી ઉપરાંત, તે જ દિવસે - 4 જુલાઈના રોજ જોધપુરમાં એક શાનદાર, ભવ્ય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નાના શહેરો સાથે હવાઈ જોડાણ વધારવા માટે 28,000 કરોડ રૂપિયાની 'ઉડાન' યોજના શરૂ કરવામાં આવી હતી. તે જ દિવસે જયપુરનું મેટ્રો નેટવર્ક વિસ્તૃત કરવામાં આવ્યું હતું. અને તે જ દિવસે, ભારતના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટે પણ કામગીરી શરૂ કરી છે.

 

ટૂંકમાં, ઊર્જાથી લઈને કનેક્ટિવિટી અને ચિપ ઉત્પાદન સુધી - ભારત અણનમ છે!

મિત્રો,

આજનું ભારત ફક્ત પોતાની આકાંક્ષાઓ જ પૂર્ણ કરી રહ્યું નથી, પરંતુ દરેક મિત્ર રાષ્ટ્રના સપનાઓને ટેકો આપી રહ્યું છે. ભારત 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર પર કાર્ય કરે છે. પરિણામે, તે તેના ભાગીદારો સાથે મળીને નવી તકો ઉભી કરે છે અને તેમને આ નવી સંભાવનાઓ સાથે પણ જોડે છે.

ભારતની આત્મનિર્ભરતા ઇન્ડોનેશિયા અને સમગ્ર આસિયાન ક્ષેત્ર માટે ગુણાકાર શક્તિ તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, આરોગ્ય ક્ષેત્રને લો: આજે, વિશ્વમાં દર પાંચમાંથી એક સામાન્ય દવાઓ ભારતમાં બનાવવામાં આવે છે. યુનિસેફ દ્વારા જરૂરી રસીઓમાંથી લગભગ 60 ટકા રસીઓ ભારતમાંથી પૂરી પાડવામાં આવે છે, અને આ પ્રદેશને પણ તેનો લાભ મળે છે. અમે અમારા મિત્રો માટે જે કંઈ કરી શકીએ છીએ તેના પર અમને ખૂબ ગર્વ છે.

મિત્રો,

મેં તમારી સાથે ભારત વિશે ઘણું બધું શેર કર્યું છે; હવે તમારે મારુ વધુ એક કામ કરવાનું છે. તમારે તમારા ઇન્ડોનેશિયન મિત્રોને ભારત વિશે જણાવવાનું છે અને તેમને ભારતની મુલાકાત લેવા માટે આગ્રહ કરવાનો છે.

હવે જકાર્તાથી મુંબઈ, અને બાલીથી દિલ્હી અને બેંગલુરુને જોડતી ઘણી સીધી ફ્લાઇટ્સ છે, જે ભારતની મુસાફરીને ખૂબ જ અનુકૂળ બનાવે છે.

મિત્રો,

તમારે ભારતીય સમુદાયની નવી, યુવા પેઢીને ભારત વિશે જણાવવાની પણ જરૂર છે. ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના બાળકો માટે 'ભારતને જાણો' ક્વિઝ શરૂ કરવામાં આવી છે, અને ઘણા સ્થાનિક બાળકો તેમાં ભાગ લઈ રહ્યા છે. પ્રારંભના કાર્યક્રમ દરમિયાન પણ મેં તમારામાં ખૂબ જ ઉત્સાહ જોયો.

છઠ્ઠી આવૃત્તિ માટે, અમે પરંપરાગત પરીક્ષા ફોર્મેટથી દૂર જઈને સમગ્ર સ્પર્ધાને ગેમિફાઇડ કરી છે. હું તમને બધા યુવા મિત્રોને ભાગ લેવા અને સોશિયલ મીડિયા પર મારી સાથે તમારા અનુભવો શેર કરવા વિનંતી કરું છું.

મિત્રો,

ભારત અને ઇન્ડોનેશિયા માત્ર ગાઢ ઐતિહાસિક જોડાણ જ નહીં, પણ એક સહિયારું ભવિષ્ય પણ ધરાવે છે. આપણી તકો સહિયારી છે, અને આપણા પડકારો પણ સહિયારા છે. જ્યારે યોગ દિવસ આવે છે, ત્યારે આપણે સાથે મળીને યોગનો અભ્યાસ કરીએ છીએ; જ્યારે સુનામી જેવી કટોકટી આવે છે, ત્યારે આપણે સાથે મળીને તેનો સામનો કરીએ છીએ.

 

આપણા બંને રાષ્ટ્રો વચ્ચેનો વિશ્વાસ શક્તિનો એક પ્રચંડ સ્ત્રોત છે, અને આપણે સાથે મળીને તેને મજબૂત બનાવતા રહેવું જોઈએ.

ભારત અને ઇન્ડોનેશિયાના સહિયારા, સમૃદ્ધ ભવિષ્યમાં તમે બધા મહત્વપૂર્ણ કડીઓ છો. તમારે આ ભૂમિકાને વધુ વિસ્તૃત કરવી જોઈએ.

આ ભાવના સાથે, હું ફરી એકવાર રાષ્ટ્રપતિ - મારા નજીકના મિત્ર પ્રબોવો - અને ઇન્ડોનેશિયાના લોકોનો આભાર વ્યક્ત કરું છું, અને હું તમારા બધાને મારી શુભકામનાઓ પાઠવું છું.

ભારત અને ઇન્ડોનેશિયા મિત્રા સેલામાન્યા

ખૂબ ખૂબ આભાર.

અને કાલે હું રાષ્ટ્રપતિ સાથે તે પવિત્ર મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યો છું. અને કાલે કઈ તારીખ છે? તો આપણો સંબંધ ખૂબ જ મજબૂત છે. અને મેં રાષ્ટ્રપતિની ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે, અને હું વચન આપું છું કે તેમાં કોઈ કોપીરાઈટ નથી. કોઈ કોપીરાઈટ નથી, કોઈ રોયલ્ટીનો દાવો નથી. "સબકા સાથ સબકા વિકાસ" એ જ અમારો મંત્ર છે.

 ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post launches drone delivery pilot across Himachal, Assam

Media Coverage

India Post launches drone delivery pilot across Himachal, Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ઓગસ્ટ 2026
August 22, 2026

Citizens Appreciate PM Modi’s Leadership Driving India’s Growth, Innovation and Connectivity