એન.સી.સી. છાત્રો સોશ્યલ મિડીયાના માધ્યમથી ‘વન નેશન-વન પીપલ- વન મિશન‘ ના અભિયાનમાં જોડાય
ગુજરાત એન.સી.સી. છાત્રસમૂહને વિવિધ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત નેશનલ કેડેટ કોર્પ (એન.સી.સી.)ના ઉપક્રમે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતનું નામ રોશન કરનારા એન.સી.સી. છાત્રોના સમૂહનું આજે ગાંધીનગરમાં અભિવાદન જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી સમગ્ર ભારતના એન.સી.સી. છાત્રો ‘વન નેશન- વન પીપલ- વન મિશન’ના અભિયાનમાં જોડાવું જોઇએ.
ગુજરાત એન.સી.સી.ના એડિશનલ ડિરેકટર જનરલ મેજર દિલાવરસિંહે રાજ્યમાં એન.સી.સી. છાત્રોમાં નવો ઉત્સાહ અને નવા આયામો પ્રવૃત્તિઓનું ગતિશીલ નેતૃત્વ પુરં પાડયું છે તેની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, એન.સી.સી. દ્વારા નેતૃત્વ અને દેશભક્તિના ગુણોથી વ્યક્તિત્વ વિકાસ થાય છે. સફળ નેતૃત્વ માટે ટીમવર્ક જરૂરી છે. એન.સી.સી.માં સમૂહજીવનથી પણ નવી શક્તિ આવે છે.
મુખ્ય મંત્રીશ્રી પોતે પણ શાળા જીવનમાં એન.સી.સી. છાત્રા હતા એનું ગૌરવ લેતાં જણાવ્યું કે, દેશભક્તિ, સાહસ અને શિસ્તના ગુણોનો વિકાસ થાય તો નવી પેઢી ભારતના ભવિષ્યમાં પોતાનું યોગદાન આપશે.
તેમણે એન.સી.સી. છાત્રોને ગુજરાતનું નામ રોશન કરવા માટે અભિનંદન આપ્યા હતા.
મેજર જનરલ દિલાવરસિંહે સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં એન.સી.સી.ના વ્યાપ વિસ્તાર માટે મુખ્ય મંત્રીશ્રીએ આપેલા પ્રેરક માર્ગદર્શન માટે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પ૧,૦૦૦ એન.સી.સી. છાત્રો શાળા-કોલેજોમાં પ્રવૃત્તિશીલ છે અને અનેક સ્પર્ધાઓમાં ઇનામો જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.