
મુખ્યમંત્રીશ્રીના હસ્તે તકતી અનાવરણ
૧૭૦૦૦ ચો.મી.માં નિર્મિત ચાર માળનું સ્વર્ણિમ સંકુલ-ર
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ માર્ગ-મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટનગર ગાંધીનગરમાં સરદાર પટેલ ભવન સચિવાલય પરિસરમાં નવનિર્મિત બ્લોક સ્વર્ણિમ સંકુલ-ર નું ઉદ્દઘાટન કર્યું હતું.
આ સ્વર્ણિમ સંકુલ-ર માં રાજ્ય મંત્રીઓના પ્રવેશ વેળાએ દીપ પ્રાગટય સચિવાલયના વર્ગ-૪ના આદિવાસી વરિષ્ઠ કર્મયોગી શ્રી મગનભાઇ શંભુજી નિનામાના હસ્તે કરાવીને સ્તુત્ય પહેલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી ડો. વરેશ સિંહા સહિત સચિવશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત વિધાનસભા સચિવાલયની સમીપે ૧૭૦૦૦ ચોરસ મીટરમાં નિર્મિત ચાર માળના આ સ્વર્ણિમ સંકુલ-ર માં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની કચેરીઓનો કાર્યારંભ થશે.
અતિ આધુનિક અગ્નિશમન સુવિધાઓ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ તથા ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીની સવલતો ધરાવતા આ સ્વર્ણિમ સંકુલ-ર માં એક સભાગૃહ, ચાર સમિતિ ખંડ અને કોર્ટયાર્ડની સુવિધા ઉપલબ્ધ છે.







