મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉત્તર ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ચાલી રહેલા ઉત્ખનન વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
વડનગરમાં હજારો વર્ષના પ્રાચિન ભગવાન બુધ્ધના અને બૌધ્ધ ધર્મના પુરાતત્વીય વૈભવ વારસો ધરાવતા અવશેષો મળી આવ્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વડનગરમાં રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગે ઘનિષ્ઠ સંશોધન ઉત્ખનન કર્યું છે. આજે મુખ્યમંત્રીશ્રીએ બૌધ્ધકાલિન અવશેષોની ભૂમિકા અંગે મહત્વની જાણકારી સ્થળ ઉપર મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડનગર ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નગરરચનાનો વારસો ધરાવે છે. પૂર્વકાલિન આનર્તપ્રદેશની રાજધાનીની જાહોજલાલી ધરાવતું વડનગર બુધ્ધ ભગવાનના હજારો શિષ્યો અને બૌધ્ધ ભિક્ષુઓ માટે આધ્યાત્મિક જ્ઞાનસંપદાનું તીર્થ હતું, ભગવાન બુધ્ધની છાયા ભારતની પૂર્વપટ્ટી ઉપર પ્રભાવિત છે એવી પ્રચલિત માન્યતા સામે પશ્ચિમ ભારતમાં વડનગર સહિત ગુજરાતમાં બૌધ્ધ ધર્મના વૈભવની પ્રતીતિ વિશ્વના પુરાતત્વ અધ્યયનથી કરવાની તક ઉપલબ્ધ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
વડનગરની આધ્યાત્મિક ધરતીની વિશેષતાનો ગૌરવસહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે વડનગરમાં યુધ્ધો કે લડાઇનો ઇતિહાસ નથી પરંતુ અધ્યાત્મ અધ્યયન અને પુરાતત્વીય ઇતિહાસ વારસો ભવ્ય છે.
આ પ્રસંગે યુવકસેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા અને પુરાતત્વ નિયામકશ્રી ઉપસ્થિત હતા.


